સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અફલાતૂન તબીબ, ભાગ-૧૩ ; ખજુર

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

      એકાદ મહિના પહેલાં સખત ઉધરસ થઈ હતી. ત્રણેક દિવસ પછી કશો ફરક ન પડતાં ડોક્ટર પાસે જવું પડ્યું. એમણે ત્રણ દિવસની એાન્ટિ બાયોટિક દવા લખી આપી. એ ત્રણ દિવસ પત્યે છાતીમાં કફ એટલો બધો જડાઈ ગયો કે, ગમે તેટલું ખાંસું; પણ ગળફો  નીકળે જ નહીં. આખી રાત ઊંઘ ન આવે.
       એક દિવસ ઉપવાસ,ત્રણ દિવસ ફળાહાર અને પછી ફળ , સૂકી રોટલી અને બાફેલું શાક. ચા, દવા બિલકુલ બંધ . બીપીની ગોળી પણ બંધ. ત્રીજા દિવસથી કફ છૂટવા લાગ્યો. ઉધરસના દરેક ઠમકા સાથે ગળફા નીકળવા લાગે.
     અઠવાડિયામાં તો બધી દવાઓ બંધ  કરવા છતાં એકદમ રાહત થઈ ગઈ. ડરતાં ડરતાં બંધ કરવા પડેલાં યોગાસન, પ્રાણાયમ અને સુદર્શન ક્રિયા શરૂ કરવા ગયો; અને આશ્ચર્ય વચ્ચે વધારે સારી રીતે સ્ટ્રેચ થઈ શક્યા. પ્રાણયમ પણ વધારે ઊંડા અને સુદર્શન ક્રિયામાં એકદમ ધ્યાનસ્થ . રાતે એવી ઊંઘ આવે કે, સવાર ક્યાં , એ ખબર જ ન પડે.
     અત્યાર સુધી બામણ સ્વભાવ મુજબ ગળ્યું ખુબ ભાવે. આ બધું કર્યા પછી ખાંડ ૯૦ % ઓછી કરી દીધી. ચા તો બંધ જ.
અને હવે મુખ્ય વાત …..
      રોજ બે વખત  કૂકી કે સ્નેક બાર  ખાવા જોઈએ, એની જગ્યાએ ચાર ખજૂર ખાવાનું રાખ્યું છે. અને નહીં માનો આંખો સૂકી રહેતી રહેવાના કારણે થતો દુખાવો ગાયબ ! રોજ ત્રણ ચાર વખત રડતા રે’વા ( એનો હાસ્ય લેખ વળી આ રહ્યો !) ટીપાં નાંખવા પડતા’તા, એ બંધ થઈ ગયા.
 પ્રેશરની ગોળી બંધ છે તો પણ પ્રેશર ૧૨૦ – ૧૨૫ ની આજુબાજુ જ રહે છે.
———–
      આજે આ વાત એટલા માટે બ્લોગિત કરી કારણકે, સુ શ્રી. પ્રજ્ઞાબેનનો ‘ખજુરના ફાયદા’ સંબંધી ઈમેલ મળ્યો. એ સમાચારને આ સ્વાનુભવ પીઠબળ આપશે; એમ લાગવાથી જનહિતાર્થે આ અનુભવ રજુ કર્યો છે – ખાસ આ લખનાર જેવા ‘ગળ્યા દાંત ( Sweet tooth )’ વાળાઓ માટે !!

6 responses to “અફલાતૂન તબીબ, ભાગ-૧૩ ; ખજુર

 1. Vinod R. Patel જૂન 8, 2013 પર 10:25 પી એમ(pm)

  ખજુર ખાવાના ફાયદા અને અન્ય આરોગ્ય જાળવવાની માહિતી આ પોસ્ટમાં વાંચી ઘણું જાણવા મળ્યું .

  ગળપણ છોડવા માટે મન મજબુત કરવું પડે છે .ગળ્યું એટલું બળ્યું એવો ભાવ રાખવો પડે .

  ઉપવાસના ફાયદા જાણીતા છે .ઉપવાસ કરવાથી શરીરની મશીનરીને એટલો આરામ મળે છે .

  જેટલું કુદરત વિરોધી આરોગીએ એટલું શરીરને માટે નુકશાનકારક .

  નેચરોપથીના ફાયદા ગાંધીજીએ એમના અનેક લેખોમાં જણાવ્યા છે .

 2. ગોદડિયો ચોરો… જૂન 10, 2013 પર 12:38 એ એમ (am)

  આદરણીય વડિલ શ્રી સુરેશકાકા,

  કહેવત છે કે,

  ખજુર ખાય મજુર પણ જે જે ખાય તેને ફાયદો થાય જરુર.

 3. Pingback: અફલાતૂન તબીબ, ભાગ-૧૪ ; બ્લડ પ્રેશર | ગદ્યસુર

 4. સુરેશ જૂન 13, 2013 પર 5:11 પી એમ(pm)

  પ્રજ્ઞાબેને મોકલેલ વિગતવાર માહિતી…
  —————–
  ખજૂરમાં લગભગ સાઈઠ ટકા ખાંડ ઉપરાંત સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબી હોય છે। ખજૂરમાં વિટામીન એ, બી-1, બી-2, અને વિટામીન “સી“પણ છે વળી વિટામીનમાં સોડીયમ, કેલ્શ્યમ , સલ્ફર, ફોસ્ફરસ, અને આર્યન જેવા ઉપયોગી દ્રવ્યો ધરાવે છે.
  :૧ખજૂર શરદી, કફજન્ય ઉપાધિમાં, મગજની કમજોરી દૂર કરવામાં, શ્વાસની તકલીફ અને ખાસ કરીને દમની રોગમાં લાભદાયક છે।
  ૨ ખજૂરનું સેવન શરીરમાં લોહીની ઓછપ દૂર કરે છે, હદયને બળ પૂરું પાડે છે, ગુર્દા અને મૂત્રાશયને પણ બળવત્તર કરે છે.
  :3: ખજૂર ખાંસી, તાવ, અને મરડાના દર્દીને માટે ખૂબ લાભકારક છે। તાજા ખજૂરનું પાણી પીવીથી ઝાડાની તકલીફ દૂર થઇ જાય છે।
  :૪ ખજૂર કબજીયાતની તકલીફમાંથી છુટકારો અપાવે છે,
  ૫ ખજૂર એક સંપૂર્ણ ખોરાક છે। ખજૂર દરેક બીમારીમાં લાભકારક છે એટલુજ નહિ પણ નરણે કોઠે ખજૂરનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વોની અસર દૂર થાય છે।
  ૬ ખજૂર (સુકવેલ ખજૂર એટલે કે ખારેક) દુધમાં ઉકાળી દૂધ સહીત સેવન કરવાથી શાક્તિમાં વધારો કરે છે।
  ૭ ખજૂર સગર્ભા સ્ત્રીઓ માટે પણ ખૂબ લાભકારક છે, માસિક વિકૃતિઓ દૂર કરે છે।
  ૮ ખજૂરની ઘણી જાતો છે સારી જાતનું અને તાજું ખજૂર મળે તો વધુ ગુણકારી છે।

  :૯ દરેક બીમારીમાં લાભકારક તો છેજ ઉપરાંત નરણે કોઠે ખજૂરનું સેવેન કરવાથી ઝેરની અસર દૂર થાય છે।
  ૧૦ ખજૂર નવજાત શિશુ માટે ઉત્તમ ઘૂંટી છે।
  ૧૧ તાજા ખજૂરનું પાણી પીવાથી ઝાડા બંધ થઇ જાય છે। ખજૂર સાથે દાડમનું પાણી પેટની બળતરા અને ઝાડની તકલીફમાં ખૂબ ઉપયોગી છે।
  ૧૨: ખજૂરનાં ઠળીયા બળીને તેની રાખ દાંત પર ઘસવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે દાંત પર જામેલું હઠીલું મેલ દૂર કરે છે। આ રાખ ઘાવ પર લગાડવાથી પાક થતો નથી ઉપરાંત ઘાવમાંથી લોહી વહેતું બંધ થઇ જાય છે।

  :૧૩ ખજૂરનું નિયમિત સેવન લાભકારી છે। ગુર્દા અને આંતરડાની બીમારીમાં ફાયદાકારક છે।

  ૧૪ખજૂરના ઠળિયા આગમાં નાખી તેના ધુમાડાની ધૂણી લેવાથી બવાસીરના મસા સુકાઈ જાય છે। ખજૂર નું નિયમિત સેવન જૂની કબજીયાતની તકલીફ દૂર કરે છે। શુદ્ધ લોહી વાહન કરતી નસોમાં, લોહી પહોચાડવામાં થતી રુકાવટમાં ખજૂરના ઠળિયા અનુપમ ઔષધનું કામ આપે છે।

  ૧૫ શરીરમાં ગરમી લાગ્યા કરતી હોય પિત્ત તો ખજૂરનું સેવન કરવાથી કે તેનું શરબત પીવાથી ખૂબ ફાયદો થાય છે।

  ૧૬ ખજૂર ક્ષયની બીમારીમાં ઉપયોગી છે, ઉપરાંત રક્તપિત્તના રોગને હટાવે છે। ગુર્દા અને આંતરડાની બીમારીઓમાં લાભકારક છે। જૂની કબજીયાત માટે અતિ ફાયદાકારક છે।

  ૧૭: ખજૂર બાળકો માટે પણ પોષ્ટિક છે। ખજૂરને ધોઈ ઠળિયા કાઢી થોડા ઘીમાં શેકી ખાવું.

 5. સુરેશ ડિસેમ્બર 31, 2013 પર 8:08 એ એમ (am)

  Email from Shri Gautam Khatri
  ————————–
  ખજૂર ખાવ અને ખવડાવો …

  બીજા બધાં ફળો કરતાં ખજૂર સૌથી ઓછું પાણી માગે છે અને સૌથી વધારે ગરમી માગે છે. ખજૂરના થડને ખૂબ જ ગરમીની જરૂર રહે છે. ખજૂરના બીજ રોપાય એ પછી ઘણા લાંબા સમયે એના પર ફળ આવે છે. સામાન્ય રીતે માર્ચ-એપ્રિલ મહિનામાં ખજૂરના ઝાડ પર ફૂલ આવે છે અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં એનાં ફળ પાકીને તૈયાર થઈ જાય છે.

  LOVE U DATE

  મોટેભાગે પરદેશથી આયાત થતી ખજૂર શિયાળામાં આપણા ઘરઘરની મહેમાન બનતી હોય છે અને તેમાંય તે ઉત્તરાયણ અને હોળીના પર્વમાં તેનું મહાત્મ્ય ઘણું વધારે હોય છે. કેવળ ઠંડીના ચાર મહિના જ તેનો લાભ લેવાની તક હોવાથી શિયાળામાં તેનું સેવન કરી લેવાનું સૌને મન થાય તે સ્વાભાવિક છે.
  બીજી તરફ ધોમધખતા તડકાથી બારેમાસ તપતા રહેતા રણપ્રદેશને કુદરતે એક તરફ બારેમાસ સૂકું અને અનેક મુશ્કેલીઓવાળું જીવન આપ્યું છે, તો બીજી તરફ ખજૂર જેવા મીઠા ફળની ભેટ પણ આપી છે. રણપ્રદેશની વિષમ અને મુશ્કેલીઓથી ભરપૂર પરિસ્થિતિઓમાં પણ અડગ ઊભું રહીને ખજૂરનું ઝાડ માણસને સંઘર્ષમય જીવનની હસતા મોંઢે સામનો કરવાની પ્રેરણા આપતું રહે છે. ખજૂર એ માનવજાતની રણપ્રદેશના જીવને બક્ષેલી અણમોલ ભેટ છે.
  ખજૂર મૂળે રણપ્રદેશનું ફળ છે એટલે એનો ઉછેર પણ ગરમ અને સૂકા પ્રદેશોમાં જ થાય છે. ખજૂરનું મૂળ વતન ઇરાનની આજુબાજુ આવેલા રેતાળ રણના પ્રદેશો ગણાય છે. આ રણના સૂકાભઠ્ઠ વિસ્તારમાં ઈ.સ. પૂર્વે ૩૦૦૦ વરસ પહેલાં થઈ ગયેલી મેસોપોટેમિયન સંસ્કૃતિના અનેક અવશેષોમાં ખજૂરના ઝાડનો ઉલ્લેખ જોવા મળે છે. ઇજિપ્તમાં પણ બહુ જૂના સમયથી ખજૂરના ઝાડનું અસ્તિત્વ હતું એવો એક ઉલ્લેખ ઇતિહાસમાં થયેલો જોવા મળે છે. જો કે, ખજૂરના ઝાડને અરબસ્તાનથી પોતાની સાથે બીજા દેશોમાં લઈ જઈને ત્યાં એની ખેતી કરવાનું કામ સ્પેનિશ મિશનરીઓએ કર્યું હતું. સ્પેનિશ મિશનરીઓની સાથે સાથે ખજૂર પણ આખી દુનિયામાં ફરી વળી છે. આપણે ત્યાં ભારતમાં ખજૂરનું પહેલવહેલું ઉત્પાદન વાયવ્ય સરહદે આવેલા પ્રદેશોમાં થયું હતું. આજે તો આપણા દેશમાં અનેક જગ્યાએ ખજૂરની ખેતી થાય છે અને ભારત પણ ખજૂરનું મોટાપાયે ઉત્પાદન કરતો દેશ બની ચૂક્યો છે. ભારતની ખજૂર ઇરાક, ઇજિપ્ત અને આરબ પ્રદેશોની ખજૂરની હરોળમાં આવે છે. ખજૂરનું સૌથી વધુ ઉત્પાદન ઇરાકમાં થાય છે. પશ્ચિમ પાકિસ્તાન, ઇજિપ્ત અને બીજા અખાતી દેશો તથા અમેરિકાના કેલિફોર્નિયા અને બીજા કેટલાક પ્રદેશોમાં પણ ખજૂરની ઓછા વધતા અંશે ખેતી કરવામાં આવે છે.
  ખજૂરનાં મૂળિયાં પાણી અને બીજા પોષક તત્ત્વો મેળવવા માટે ખૂબ ઊંડે સુધી ઊતરેલા હોય છે. સામાન્ય રીતે ખજૂરના ઝાડની લંબાઈ ૧૫ મીટરથી પણ વધુ હોય છે. ખજૂરનું થડ ખૂબ જ મજબૂત હોય છે. આ થડ જેમ વધતું જાય એમ એના પર રહેલા પાંદડાં ખરતાં જાય છે. પાંદડાં ખરવાની સાથે સાથે થડ પર ગોળાકાર ગાંઠો બનતી જાય છે. થડના ટોચના છેડા પર જ પાંદડાં બાકી રહી જાય છે. ખજૂરનાં પાંદડાં લાંબા અને પંખાની પાંખ જેવા હોય છે. આ બધા પાંદડાં ભેગા થઈને ટોચના ભાગ પર ગોળાકારે છવાયેલા રહે છે. ખજૂરનાં પાંદડાંની બંને બાજુએ વચ્ચેના ભાગમાં લાંબી સળી જેવી રચના જોવા મળે છે. જે એક છેડેથી સોય ધારદાર હોય છે.
  બીજા બધાં ફળો કરતાં ખજૂર સૌથી ઓછું પાણી માગે છે અને સૌથી વધારે ગરમી માગે છે. ખજૂરના થડને ખૂબ જ ગરમીની જરૂર રહે છે. ખજૂરના બીજ રોપાય એ પછી ઘણા લાંબા સમયે એના પર ફળ આવે છે. સામાન્ય રીતે માર્ચ-એપ્રિલ મહિનામાં ખજૂરના ઝાડ પર ફૂલ આવે છે અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં એનાં ફળ પાકીને તૈયાર થઈ જાય છે. ખજૂરના ફળ હંમેશાં ઝૂંડમાં જ વિકાસ પામે છે. પૂરેપૂરા વિકાસ પામેલા ખજૂરનાં ફળ લાલ, પીળા અથવા ભડક કેસરી રંગના જોવા મળે છે. એવું કહેવાય છે કે, ખજૂરના ઝાડની પૂરેપૂરી માવજત કરવામાં આવે તો એ ત્રણથી ચાર વરસે ફળ આપવાનું શરૂ કરી દે છે. એક ખજૂરના ઝાડની સરેરાશ આવરદા પચાસ વર્ષની છે, પણ દરેક ખજૂરનું ઝાડ એના જીવનકાળ દરમિયાન જુદી જુદી સંખ્યામાં ફળો આપે છે. ખજૂરના ઝાડની ફળ આપવાની ક્ષમતા ઝાડની જાત અને એની કેટલી દેખરેખ કરવામાં આવી છે એના પર આધાર રાખે છે. કેટલાંક સંશોધનો પરથી એવું અનુમાન કરવામાં આવ્યું છે કે, એક ખજૂરનું ઝાડ સરેરાશ પિસ્તાલીસ કિલોગ્રામ ખજૂર આપે છે. જો કે, કેટલાક અપવાદરૂપ કિસ્સાઓમાં એક ઝાડે અઢીસો કિલોગ્રામનાં ફળો પણ આપ્યાં છે.
  આમ તો ખજૂરના ફળની અનેક જાતો મળી આવે છે, પણ વ્યાપારિક દૃષ્ટિએ આ બધી જાતોમાંથી કેટલીક જાતો જ ઉપયોગી નીવડે છે. અમેરિકામાં ખજૂરનાં ફળોને એમની પરિપકવતાના આધારે ત્રણ જૂથોમાં વહેંચવામાં આવ્યા છે. નરમ, થોડા સૂકા અને સાવ સૂકા. નરમ જૂથમાં ખજૂરની હિલાવી, ખાદરવી અને સેપર નામની જાતોનો સમાવેશ થાય છે. જ્યારે જાહિદી અને કેથરી નામની જાતોને થોડા સૂકા જૂથમાં મૂકવામાં આવી છે.
  ભારતમાં ખજૂરની ખેતી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પંજાબ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં કરવામાં આવે છે. હમણાં થોડા સમયથી પંજાબના અબોહર પ્રદેશમાં અને ગુજરાતના ખેડા જિલ્લામાં ખજૂરની કેટલીક સારી જાતોનું ઉત્પાદન કરવાની કોશિશ કરવામાં આવી છે.
  ખજૂરના ઝાડનાં ફળો તો ખાવાના કામમાં આવે જ છે, પણ એના ઝાડનો દરેકે દરેક ભાગ જુદા જુદા ઉપયોગમાં લેવાય છે. ખજૂરના ઝાડના ટોચના ભાગમાં થડ ઉપર ચીરો મૂકી દેવામાં આવે તો એમાંથી આછા દૂધિયા રંગનું પાણી નીકળતું જાય છે. એને નીરો કહે છે. એ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. પાંદડાંમાંથી ચટાઈ, પંખા, સૂતળી, ઝાડું અને ઘરના છાપરાં બનાવવામાં આવે છે. ખજૂરના ઝાડના પાંદડાંની વચ્ચે આવેલા સળી જેવા ભાગમાંથી સોટીઓ બનાવવામાં આવે છે. ખજૂરના ઝાડના પાંદડાંમાંથી બનાવવામાં આવતી જુદી જુદી વસ્તુઓમાંથી અનેક લોકો રોજીરોટી મેળવે છે. ખજૂરના ઝાડમાંથી જે લાકડું મળી આવે છે એ આમ તો હળવા પ્રકારનું પણ ખૂબ જ ટકાઉ હોય છે. આ લાકડાંમાંથી મકાનો અને નાની-નાની નદીઓ ઉપર કામચલાઉ પુલો બનાવવામાં આવે છે. ખજૂરના ફળમાંથી જે બીજ મળે છે એનાથી ખજૂરના બીજા ઝાડ તો ઉગાડવામાં આવે જ છે, પણ સાથે સાથે આ બીજને ઊંટ, બકરી, ઘોડા વગેરે પશુઓને ખોરાક તરીકે ખવડાવવામાં આવે છે. આ બીજને ખોરાક તરીકે ઉપયોગમાં લેતા પહેલાં પાણીમાં પલાળીને નરમ કરી લેવામાં આવે છે. ઇજિપ્તના કેટલાક ભાગોમાં આ બીજને ખાવાની વસ્તુ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આપણે ત્યાં ભારતમાં દક્ષિણ ભારતમાં ખજૂરના બીજમાંથી એક પ્રકારની પેસ્ટ બનાવવામાં આવે છે. ખજૂરના બીજમાંથી ઓકઝેલિક એસિડ નામના રસાયણ માટે કાચી સામગ્રી પણ તૈયાર કરવામાં આવે છે.
  ખજૂરનું ફળ તાજું અને સૂકું એમ બંને રીતે ખાવામાં આવે છે. અરબસ્તાનની તાજી ખજૂર આપણી કેરીની જેમ રસથી ભરેલી હોય છે, પણ એ આપણા હાથમાં આવતાં સુધીમાં સૂકાઈને ચીમળાઈ જાય છે. ખજૂરની સૂકી જાત હોય તો એ ખજૂરને સાવ સૂકવી નાખવામાં આવે છે. સાવ સૂકાયેલી ખજૂરને આપણે ખારેક કહીએ છીએ. એ મુખવાસ તરીકે ખવાય છે. આરબ દેશોમાં તો ખજૂરને એક મહત્ત્વની ખોરાકી વસ્તુ ગણવામાં આવે છે. આરબ લોકોને ખજૂર ખૂબ જ વહાલી અને માનીતી છે. ઇસ્લામ ધર્મના પયગંબર મોહંમદ સાહેબને ખજૂર ખૂબ જ પ્યારી હતી. એમના ખોરાકમાં મોટાભાગે ખજૂરનો જ ઉપયોગ થતો હતો. ખજૂરના ફળને સીધેસીધું ખાવા ઉપરાંત બેકરીમાં બનનારા ખાદ્યપદાર્થો અને મીઠાઈઓમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. ખજૂરમાંથી તૈયાર કરવામાં આવતું મધ ખૂબ જ લહેજતદાર હોય છે. આ મધ ઝાડા, કફ અને બીજી અનેક તકલીફો દૂર કરવામાં ઉપયોગી બને છે. શ્વાસની કેટલીક બીમારીઓ દૂર કરવામાં પણ ખજૂરનું મધ ઉપયોગી સાબિત થયું છે. ખજૂરમાંથી તૈયાર કરવામાં આવતું શરબત મીઠું, પોષણયુક્ત, પાચનશક્તિ વધારનારું તથા ઠંડક આપનારું હોય છે.
  પોષણની રીતે જોવા જઈએ તો એક ખજૂરના ફળમાં ૮૬ ટકા સામગ્રી ખાવાલાયક હોય છે જ્યારે બાકીની ૧૪ ટકા સામગ્રી બીજના ભાગ તરીકે હોય છે. સામાન્ય રીતે ખજૂરમાં પંચ્યાસી ટકા ખાંડનું પ્રમાણ જોવા મળે છે, પણ આ પ્રમાણ જુદી જુદી જાતની ખજૂરમાં થોડું વધારે અથવા થોડું ઓછું જોવા મળે છે.
  ખજૂરમાં જે મીઠાશ છે એ કુદરતી ખાંડની છે. એ ચરબીમાં વધારો થવાનો કે જાડા થવાનો પણ ડર રહેતો નથી. શરીરમાં ખાંડનું પ્રમાણ પણ જળવાઈ રહે છે.
  ખજૂરને દરેક રીતે સંતુલિત ખોરાક ગણવામાં આવી છે. ખજૂરમાં દરેક જાતના પોષક તત્ત્વો ભરપૂર રહેલા છે. સૌપ્રથમ ખજૂરમાં ૦.૪ ગ્રામ ચરબી, ૧.૨ ગ્રામ પ્રોટીન, ૩૩.૮ ગ્રામ કાર્બોદિત પદાર્થો, ૨૨ મિલિગ્રામ કેલ્શિયમ, ૩૮ મિલિગ્રામ ફોસ્ફરસ મળી આવે છે. વિટામિન એ, બી અને સી તથા પ્રોટીન, લોહતત્ત્વ, પોટેશિયમ અને સોડિયમ જેવા તત્ત્વો પણ ખજૂરમાં સારા પ્રમાણમાં મળી આવે છે. નાના હોય કે મોટા, બીમાર હોય કે તંદુરસ્ત સૌ કોઈ ખજૂરને સારી રીતે ખાઈ અને પચાવી શકે છે. ખજૂર શરીરની માંસપેશીઓ અને હાડકાંને મજબૂતાઈ આપે છે તથા બીજી કેટલીક શરીરની તકલીફો દૂર કરવામાં પણ ખૂબ જ ઉપયોગી બને છે. જો કે, શરીરની તકલીફો દૂર કરવા માટે ખજૂરનું સેવન કરતાં પહેલાં આપણા વૈદ્યની સલાહ લેવી જરૂરી છે. ખજૂરને ખાતાં પહેલાં એને ધોઈ લેવી જરૂરી છે, કારણ કે એ ઝાડ પર પણ ખુલ્લામાં પાકે છે. બજારમાં પણ ખજૂર ખુલ્લામાં મૂકવામાં આવે છે આથી એના પર અનેક પ્રકારના જીવજંતુ વળગેલા હોવાની શક્યતા રહેલી હોય છે.
  જાણકારો એવું કહે છે કે, ખજૂર સો ગ્રામથી વધારે ખાવી ન જોઈએ, કેમ કે એને પચાવવામાં થોડી વધુ તકલીફ પડે છે. પણ જેનું શરીર વળતું ન હોય એવા દુબળા લોકો જો ખજૂર ખાઈને દૂધ પી લેશે તો એમનું શરીર સારું એવું વજનદાર અને કસદાર બની શકશે.
  ખજૂર ખાય છે બધા જ, પરંતુ તેના ગુણ વિશેનું જ્ઞાન હોય છે ઘણાં ઓછાને તેથી તેના વિશે વિરોધાભાસી માન્યતાઓ પણ જોવા મળે છે. શિયાળામાં તેનું સેવન થતું હોય છે તેથી મોટાભાગના લોકો ખજૂરને ગરમ માને છે, પરંતુ આયુર્વેદના ગ્રંથોમાં તેને શીત કહેલ છે. મધુર રસના (મધ સિવાયના) બધા જ દ્રવ્યો શીતગુણી છે. તેથી ગરમ તાસીરવાળાને પણ ખજૂર માફક આવે છે. જેને ઠંડો આહાર માફક ન આવતો હોય તેમણે ખજૂર ખાવી જોઈએ નહીં. ઉપરાંત મોટાભાગના લોકો ખજૂરને ઘી સાથે કે પલાળીને રાખીને તેનું પાણી કરી ખજૂર પાકરૂપે પીતાં હોય છે તેમને તે વધુ ઠંડી પડે છે.
  શિયાળો રુક્ષ હવામાનવાળી ઋતુ હોવાથી સ્નિગ્ધ ગુણવાળો હોવાથી તે વાયુનું ખાસ શમન કરે છે. તેથી વાયુ પ્રકૃતિવાળા અને વાયુના રોગોવાળાને તે વધુ હિતાવહ બને છે, તે ઠંડો, મધુર હોવાથી પિત્તઘ્ન પણ છે. તેથી પિત્તવાળા લોકો ઘી સાથે ખજૂર ખાય તો તેને ખૂબ માફક આવે છે. ખજૂર મધુર અને સ્નિગ્ધ હોવાથી થોડા પ્રમાણમાં કફ કરે છે. છતાં ગોળ, ખાંડ, કેળાં, મીઠાઈઓ વગેરેની સરખામણીમાં તે ઓછી કફકારક હોવાથી કફના દર્દી ચણા (દાળિયા) સાથે તેનું સેવન કરી શકે. ધાણી સાથે પણ તે લેવાથી કફકારક ગુણ ઘટતો હોવાથી હોળીના કફકારક વસંત દિવસોમાં ધાણી-ચણા- ખજૂરની જુગલબંધી હિતાવહ બને છે.
  ખજૂર ખોરાક ઉપરાંત ઔષધ પણ છે. વ્રણ, લોહીવિકાર, મૂર્ચ્છા, કેફ ચડવો, ક્ષય, વાર્ધક્ય, નબળાઈ, દાહ તેમ જ મગજની નબળાઈમાં ખજૂર સારાં પરિણામ આપે છે.
  ખજૂર માંસવર્ધક હોવાથી પુષ્ટિકારક હોવાથી બિનમાંસાહારી લોકો માટે હિતાવહ ખોરાક છે. ખજૂર ફળ હોવાથી દૂધ સાથે લવામાં આવે તો વિરુદ્ધ આહાર થતો હોવાથી દૂધ સાથે કે દૂધમાં ઉકાળીને ખજૂર ન લેવી. ખજૂર અને દૂધને ખાવામાં બે-ત્રણ કલાકનું અંતર રાખવું જરૂરી છે. નહીં તો ચર્મ વગેરે રોગો થવાની દહેશત રહે છે.
  ખજૂરનો એક ગુણ આયુર્વેદમાં ‘સ્વાદિષ્ટ’ કહેલ હોવાથી તે નાનાં-મોટાં સૌને ખૂબ ભાવે છે છતાં ખજૂર મર્યાદામાં ખાવી. ખજૂર ખાઈને ઉપર વધુ પાણી ન પીવું. બાળકો ચાવ્યા વિના ખજૂર ખાય તો તેને ખજૂરનો ભાર રહે છે. તેના ઔષધરૂપે બાળેલી ખજૂર ખવરાવવી. ખજૂરના ઔષધિ ગુણોનો ઓર એક કિસ્સો જોઈએ.
  દસ વર્ષનો એક છોકરો વજનમાં માંડ આઠ કિલો અને હાઈટ તો હોવી જોઈએ તેના કરતાં અર્ધી, બિલકુલ વિકાસ જ નહીં. ચાર વર્ષનો છોકરો હોય એવો નબળો લાગે, દવા ભેગી કરે પણ પૂરી ન કરે. બધી જાતની તપાસ કરાવડાવી, પણ એટલું જ જાણવા મળ્યું કે, અમુક રસગ્રંથિ કામ જ કરતી નથી. સારવાર લાગુ પડે નહીં. વૈદરાજે દવા તો શરૂ કરી, પણ તેમાં ખાસ વસ્તુ જે અપાતી તે કાળી ખજૂર હતી. રોજ કાળા ખજૂરની આઠ પેશીનો દૂધમાં બાફી ઘીનો શીરો અને તેમાં એક લીંબુ નીચોવી સવારે અને સાંજે અપાતો. પછી પંદર પંદર દિવસે એક એક પેશી વધારતા અને ત્રણ મહિને બાર પેશી થઈ. હવે તેમાં શીરો બનાવતી વખતે અશ્વગંધાની એક એક ચમચી સવાર-સાંજ ઉમેરી અને આ શીરાને આમ છ માસ થયા બે કિલો વજન વધ્યું અને અર્ધો ઇંચ જેટલી હાઈટ વધી. આ પ્રયોગ તો ચાલુ જ છે. વધારામાં સરગવાની સિંગને બાફી તેનો સૂપ બનાવી રોજ પીવાનું શરૂ કર્યું. આમ બીજા ત્રણ માસ થયા અને ત્રણ મહિને બીજું બે કિલો વજન વધ્યું અને ફરી અર્ધો ઇંચ હાઈટ વધી. હવે હજુ પ્રયોગમાં એક વસ્તુ ઉમેરવાની હતી તે કૌંચાને બાફી અને છાલ ઉતારી ચૂર્ણ બનાવી રોજ અર્ધી ચમચી સવાર-સાંજ ઉમેરી અને લાગલગાટ બીજા છ મહિના કાઢયા પછી તો ત્રણ ત્રણ મહિને વજન અને હાઈટ માપતા જાય. આ કૌંચાને ઉમેર્યા પછી સારો રિસ્પોન્સ મળ્યો અને ઊંચાઈ-વજનમાં ઝડપથી ફેર પડવા લાગ્યો. આ રીતે એક વર્ષ, બીજું વર્ષ અને ત્રીજું વર્ષ પૂરું કર્યું. ત્યારે તેની હાઈટ સવા ચાર ઇંચ અને વજન વધીને ૪૦ કિલો થયું! આ પ્રયોગમાં વ્યાયામ, અશ્વગંધા, લીંબુ, ઘી, કૌંચા તે પ્રયોગનાં પૂરા સપોર્ટર હતા, પણ સૌથી મેઈન કાળી ખજૂર સિત્તેર ટકા કામ કરતી હતી.
  ખજૂરમાં અનેક પૌષ્ટિક તત્ત્વો ભરેલા છે. ખજૂરમાં લોહભસ્મ, ફોસ્ફરસ, કેલ્શિયમ, વિટામિન્સ એ, બી, સી ઉપરાંત બીજા નાનાં-મોટાં ખનિજ તત્ત્વો ભરેલાં છે. ખજૂર જ્યાં મુસ્લિમ રાષ્ટ્રોના અમુક ભાગમાં થાય છે ત્યાંના લોકોના શરીર ખડતલ, પુરી પંજાની ઊંચાઈવાળા અને શરીર લાલઘૂમ હોય છે. તે લોકો સવારમાં નાસ્તામાં ખજૂર ખાય છે. ફરસાણ લાંબા સમયે નુકસાન કરે છે અને ખજૂર તમને એટલો જ ફાયદો કરે છે. ત્યાં મહેમાન આવ્યા હોય તો ચા-પાણીથી નહીં, પણ ખજૂરની ડિશ ભરીને તેમનું સન્માન કરે છે. ખજૂરમાં ત્રણ-ચાર જાતો છે. તેમાં આ દેશી કાળી ખજૂર તંદુરસ્તી મેળળવા વધારે ઉપયોગી છે. જે લોકોને જૂની કબજિયાત રહેતી હોય તેવા લોકો રોજ રાત્રે આઠેક પેશી ઘી સાથે ખજૂર ખાવાની આદત પાડે તો પેટ સાફ આવે છે. કાળી ખજૂર તો બધી રીતે ટોનિક છે. ગાંઠિયા ફરસાણના બદલે રોજ સવારે છ-આઠ પેશી ઘી અગર વિના ઘી ખજૂર નાસ્તા તરીકે ખાવાની ટેવ રાખો તો તમારા શરીરમાં કદી નબળાઈ લાગશે નહીં. આખો દિવસ સ્ફૂર્તિમય પસાર થશે. આમળાનું જીવન અને ખજૂર પાક એક એક ચમચી મિક્સ કરી આખો શિયાળો નિયમિત બે વખત આપવામાં આવે તો એક જબ્બર જાદુઈ શક્તિ જળવાઈ રહે છે એટલું જ નહીં, મંદ જાતિયતા ઉત્તેજિત બને છે. આધેડ ઉંમર કે વૃદ્ધો માટે ખજૂર પાકનું એક એક બટકું ખાઈને માથે માફક આવે એટલું દૂધ પીએ એટલે શિશિલ પડેલા અવયવો, લબડતી ચામડી અને વૃદ્ધતા ઘણી મોડી આવે છે.
  ૧] એકદમ ચોખ્ખા એક કપ પાણીમાં ચાર ખજૂરની પેશી પલાળી ચોળી તેમાં એક લીંબુ નીચોવી તેમાં સહેજ નીમક, મરી, ધાણાજીરું નાખી રોજ બાળકોને સવારે નિયમિત આખો શિયાળો આપવામાં આવે તો તેનો વિકાસ ઝડપથી થવા માંડે છે.
  ૨] છ પેશી ખજૂરને બે કપ દૂધમાં ઉકાળી તેમાં અર્ધી ચમચી સૂંઠ, અર્ધી ચમચી મેથી અને અર્ધી ચમચી ઘી નાખી સવાર-સાંજ પીવામાં આવે તો ચહેરા શરીરની ચામડી ગોરી થઈ સુંદરતા વધી જાય છે. આ પ્રયોગ છથી આઠ માસ કરવો.
  ૩] ખજૂર છ પેશી દૂધમાં ઉકાળી તેમાં એક ચમચી ચોખ્ખું મધ અને એક ચમચી ગુલકંદ નાખી પીવાથી પણ સવાર-સાંજ બે વખત લેવાથી તમારી નબળી આંખનું તેજ વધે છે. ચશ્માના નંબર ઊતરવાની શક્યતા ખરી અને કાં ચશ્મા મોડા આવે છે. મગજમાં ઠંડક રહે છે. ગયેલી કે મંદ પડેલી યાદશક્તિ સતેજ થાય છે.
  ૪] નબળા પડેલા દાંતના પેઢાં કે પેઢામાંથી લોહી નીકળતું હોય, વાળ ખરતાં હોય તો ખજૂર, જીવન અને મધનો પ્રયોગ અક્સીર છે. વાળના રોગ માટે આ લાંબો સમય કરો તો બહુ જ ફાયદો થશે.

 6. Pingback: ધ્યાન / શ્રી લખવીંદર સીંહ | niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: