સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સર્ફિંગ – બની આઝાદ

     રિવિલ્વિન્ગ ચેરમાં બેઠા બેઠા, કીબોર્ડ અને માઉસના સાધનોથી, અને ગૂગલ મહારાજના માર્ગદર્શન મુજબ  ઈન્ટરનેટના ખૂણે ખાંચરે, સર્ફિન્ગ કરવાની આ વાત નથી!

     આ તો પ્રચંડ મોજાંઓથી   ઘૂઘવતા મહેરામણના તાલે તાલ સાથે સર્ફિંગ કરવાના જવાંમર્દી ખેલની વાત છે.

     પણ એને ‘બની આઝાદ’ સાથે શી નિસ્બત?

    પહેલાં એ જવાંમર્દીના ખેલનો આ વિડિયો જોઈ લો –

     બસ જાણે જોયા જ કરીએ, એમ ભાવ થાય છે ને? આ લખનાર અને એના વાંચનાર દરેક વ્યક્તિ આમ જ સતત સર્ફિંગ કરતી રહે છે.

    લે, કર વાત! ઠંડા પહોરના ગપગોળા લાગ્યા ને?

———

     ના, સાચે સાચ એમ જ હોય છે.

    આપણા મનનો કુદરતી સ્વભાવ એ મહેરામણના મોજાં જેવો જ હોય છે. સતત ઉછાળા અને સતત પછડાટ. વળી કદીક આ સર્ફિંગ વાળાની નિયતિ જેવાં મોજાંઓથી પણ ઘણી વધારે ખતરનાક, ઊંડા વમળમાં, બહાર નીકળી જ ન શકીએ, તેવી ઘુમરીઓ જ ઘુમરીઓ.

    આપણે જાગૃત અવસ્થા હોય કે નિદ્રાની અવસ્થા – સતત વિચારો અને સ્વપ્નોનાં  આવા મોજાંઓ અને વમળોથી માહેર છીએ. અને એમાં ઘણા માહેર થઈ, બુદ્ધિજીવી હોવાનો ગર્વ અનુભવતા હોઈએ છીએ!

    પણ આ વિડિયોમાં બતાવ્યો છે, એવા  જવાંમર્દ જેવી ગુંજાઈશ આપણામાં છે ખરી?

    આપણામાંના મોટા ભાગના તો એ મોજાંઓની પછડાટો ખાઈને અધમુવા બની જવાનો અનુભવ જ ધરાવતા હોઈએ છીએ. કોઈક સદભાગી પળે એની ટોચે પહોચવાનો લ્હાવો મળે; તો એના ક્ષણિક ગુમાનમાં જ આપણે રાચતા રહીએ છીએ. અથવા કોઈક વમળની ઘુમરીમાં ફસાયા હોઈએ, તો ઊંડા કળણમાં ડૂબે જ છુટકો. આ જ આપણી સામાન્ય નિયતિ હોય છે, નહીં વારુ?

——

    અને માટે જ આ સર્ફિંગનો વિડિયો ‘આઝાદ બનવાના આપણાં શમણા’ ને સાકાર કરવાની અણમોલ દિશા બતાવી જાય છે.

    ગમે તેટલું ધ્યાન કરીએ; ગમે તે રીતે કરીએ – દરિયાના મોજાં જેવા  મનના કુદરતી સ્વભાવને અતિક્રમી જવા આપણે શક્તિમાન ન જ બની શકીએ.

    પણ એ જવાંમર્દ સર્ફરની કની એની ઉપર રમતા, નાચતા, કૂદતા, કિલ્લોલતા રહેવાની શક્તિ અને આવડત આપણે જરૂર કેળવી શકીએ.

     જ્યારે મનનાં એ મોજાંની ટોચે પહોંચી જઈએ; ત્યારે વિજયનો ઉન્માદ ન પ્રગટે; અને જ્યારે એની પછડાટનો અવસર આવી પૂગે ત્યારે ડૂબી ગયાના વિષાદમાં ઘેરાઈ ન જઈએ. મનની એક જ વિચારની ઘુમરીમાં ફસાયા હોઈએ, ત્યારે એના કેન્દ્રમાં અંદર ધકેલાઈ જવા છતાં, શ્વાસ રોકીને , એ વમળની બહાર તરી આવવાનું સામર્થ્ય કેળવી શકીએ.

     આમ ત્યારે જ બને, જ્યારે સતત બદલાતા મનના પ્રવાહો સાથે આપણો સાહજિક સંબંધ કેળવાવા માંડે. એ મોજાં સ્થીર થઈ જાય; એ ટોચ સદા ટોચ જ રહે; એવી આપણી લાલસા સેવવાની મૂર્ખામીનું આપણને સહજ જ્ઞાન થઈ જાય.  એ મોજાં અને એ ઘુમરીઓથી ઘણે દૂર , મહેરામણના અંતસ્તલમાં પ્રવર્તતી ઘોર શંતિ  આપણે સતત કદી મેળવી શકવાના નથી. ભલે ને, એ ધ્યાનની ચપટીક ક્ષણોમાં એ અપાર શંતિની અનુભૂતિ ન થઈ હોય. ્પણ એ ચપટીક અનુભૂતિથી એ અવસ્થા સતત જ રહી શકવાની છે; એવી વ્યર્થ કામના ન સેવીએ.  સદા રમતા રહેવાનું બાળપણ આપણા જીવનની સ્વાભાવિક અવસ્થા બનવા લાગે- ભલે ને ખોળિયું સિત્તેર કે એંશીની ઉમરના ખંડેર જેવું ન બની ગયું હોય?

    મનનો, જીવનનો, અરે! સમસ્ત સૃષ્ટિનો સ્વભાવ જ સતત પરિવર્તન, સતત મોજાં જ મોજાં, સતત ઉત્ક્રાન્તિ જ છે. એની સાથે સાહજિક નિદિધ્યાસન કેળવવાનું છે. આખી યે રચનાને અને બધીય ઘટનાઓને  એક રમત તરીકે ગણતા થવાનું છે – હોબીમય થવાનું છે.

ઓલ્યા જવાંમર્દ સર્ફરની કની.

5 responses to “સર્ફિંગ – બની આઝાદ

 1. Vinod R. Patel સપ્ટેમ્બર 15, 2013 પર 11:25 એ એમ (am)

  મનના ઉછાળા પેલા દરિયાના મોજા જેવા છે .એવા મોજાઓ આપણને -સર્ફરને – કોઈવાર ઉંચે ચડાવી

  દે છે અને કોઈવાર નીચે પછાડી દે છે ત્યારે મનની સમતા રાખવાની હોય છે .

  સર્ફરને તો આવા ઉછાળામાં જીવનની રમતનો આનંદ જ લેવાનો છે . મનને એ રીતે પ્રફુલ્લિત

  રાખવાનું છે જીવનના અંત સુધી , ગભરાયા વિના , ડગ્યા વિના , પગને સ્થિર રાખીને મોજાઓ ઉપર

  સ્થિર રહેવાનું છે .ટકી રહેવાનું છે , ગબડવાનું નથી . એટલું થયું તો ભયો ભયો .

  આપના આ લેખનો સંદેશ અને અવલોકન બન્ને ગમ્યા .અભિનંદન .

 2. pragnaju સપ્ટેમ્બર 15, 2013 પર 12:31 પી એમ(pm)

  સતત મોજાં જ મોજાં, સતત ઉત્ક્રાન્તિ જ છે. એની સાથે સાહજિક નિદિધ્યાસન કેળવવાનું છે.
  આખી યે રચનાને અને બધીય ઘટનાઓને એક રમત તરીકે ગણતા થવાનું છે –વાત ગમી.

  હમણાની ટૂરમા તર્યા, સ્નોરકેલ કર્યું પણ સ્કુબા ડાઇવિંગ અને સર્ફની ઇચ્છા મનમા રહી!
  ગંમ્મતમા હસતા લાશને સર્ફ કરાવી વજન લટકાવી ડાઇવ કરે!
  લૂ દામ બખ્તે ખુફ્તા સે,યક ખ્વાબે-ખુશ વલે ,
  ‘ગાલિબ’ યહ ખૌફ હૈ, કિ કહાં સે અદા કરું.
  હુએ મરકે હમ જો રુસવા, હુએ ક્યું ના ગરકે દરિયા
  ન કભી જનાજા ઊઠતા, ન કહી મજાર હોતા…’ દરિયા પરની લહેર જીવનજળનો અર્ક છે.
  ઓટનો દરિયો એ અમાપ બ્રહ્માંડનો દરિયો છે. દરિયાકાંઠે ઓટ હોય ત્યારે તમે ચાલો તો એમ લાગે કે દૂર અખૂટ જળ છે. જળકાંઠે એટલી અખૂટ ભીની રેતીનો પટ છે અને એથીયે વધુ અખૂટ કાંઠો છે. પણ એ કરતાંય વધુ અનંત ક્ષિતિજ છે. આખુંય વાતાવરણ અફાટ પ્રકૃતિમાં પલટાઈ જાય છે. આ પ્રકૃતિ વચ્ચે ચાલતો માણસ પ્રકૃતિના પુદગલ જેવો લાગે છે. પણ જ્યારે દરિયામાં ભરતી હોય ત્યારે એમ લાગે કે પાણીને જમીન ઓછી પડે છે. અફાટ પ્રકૃતિ નહીં પણ અખૂટ જળ મનને ભરી દે છે. ભરતી સમયે સૂકો દરિયાકાંઠો પણ જળના ઘન ટુકડા જેવો લાગે છે. હમણાં જાણે કાંઠા નીચેથી પાણીનો ફુવારો ફૂટશે એમ થયા કરે છે. ભરતી સમયે પ્રાણી અને પ્રકૃતિ જળમય થઈ જાય છે.

 3. jagdish48 સપ્ટેમ્બર 15, 2013 પર 9:49 પી એમ(pm)

  ‘ ભલે ને, એ ધ્યાનની ચપટીક ક્ષણોમાં એ અપાર શંતિની અનુભૂતિ ન થઈ હોય….’ એ તો કદાચ ભ્રાંતિ હોય. પણ સાહજીક બનવાની વાત સાવ સાચી. મજા આવી

 4. Laxmikant Thakkar સપ્ટેમ્બર 16, 2013 પર 11:43 પી એમ(pm)

  તમે માંડેલી વાત ” સૉલહ આને સહી” ! અ‍ન્તે -તારણ પણ સરસ —>”મનનો, જીવનનો, અરે! સમસ્ત સૃષ્ટિનો સ્વભાવ જ સતત પરિવર્તન, સતત મોજાં જ મોજાં, સતત ઉત્ક્રાન્તિ જ છે. એની સાથે સાહજિક નિદિધ્યાસન કેળવવાનું છે. આખી યે રચનાને અને બધીય ઘટનાઓને એક રમત તરીકે ગણતા થવાનું છે – હોબીમય થવાનું છે. “લેબલ કે વ્યક્તિ તથ્ય-તત્વ્ની વાત સામે ગૌણ નથી?

  અંદરની સ્પિરિટ=અંતર તમ- ભીતરી ભાવ-જગત, કયા કર્માધીન જન્મ-નમાંતર ગત સુ-સંસ્ક્રુત [ સંસ્કારગત ] અને થયેલું મળ્યું છે? અને પછી કેવા સંજોગો,સંસાધનો સામે આવી સમગ્ર વ્યવથા અંતર્ગત નિમિત્ત બન્યા છે ? જે મન છે ,કેવી રીતે કેળવાયું છે ? એના ઉપર “હોબી -વિશ્વનો આધાર[=અવલંબન] નથી ? આમાં મારું,તમારું કે કોઇનું કેટલું ચાલે ? ગમતું /હોબી હોય તે કરવું , કરી જોવાનો પુરુશાર્થ જરર/ચોક્કસ કરવો જ .

  “દરિયા પરની લહેર જીવનજળનો અર્ક છે.” અને પણ એ કરતાંય વધુ અનંત ક્ષિતિજ છે. આખુંય વાતાવરણ અફાટ પ્રકૃતિમાં પલટાઈ જાય છે. આ પ્રકૃતિ વચ્ચે ચાલતો માણસ પ્રકૃતિના પુદગલ જેવો લાગે છે ” <–(પ્રગ્નાજુ).
  પ્રતિભાવ ગમ્યો

  "જે મળ્યુ છે". તેનો આનંદ ! માણી જ લેવું. ક્યારેક આમ "કેળવવું" અ-સહજ ન હોઇ શકે ?સહજ પ્રેરણા થૈ ને થયું કરાયું એ મને 'ક્લિક' થાય છે.એટલે " jagdish48 September 15, 2013 at 9:49 pm
  ‘ ભલે ને, એ ધ્યાનની ચપટીક ક્ષણોમાં એ અપાર શંતિની અનુભૂતિ ન થઈ હોય….’ એ તો કદાચ ભ્રાંતિ હોય. પણ સાહજીક બનવાની વાત સાવ સાચી. મજા આવી" પણ જચે-જામે છે !

 5. Pingback: તલાતલ પાતાલ (abyss)- એક અવલોકન | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: