સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નાનકડી શિસ્ત, ભાગ-૨; બની આઝાદ

આખી લેખમાળા માટે અહીં ‘ક્લિક’ કરો

સૈદ્ધાન્તિક વાતો પહેલા ભાગમાં પતી ગઈ. હવે નક્કર ધરતી પરની વાત વિચારતાં પહેલાં એક બહુ ગમી ગયેલી ઉક્તિ –

ઊભા રહેવા માટે બે પગ જોઈએ છે; ચાલવા માટે એક જ.

આપણે બન્ને પગ સાથે ચલાવીને ચાલી નથી શકતા!

આમ જ આઝાદ બનવા માટે પણ એક ડગલું જ ચાલવાનું છે -પણ બધી દિશામાં સાથે. અને એ થઈ શકે તેમ હોય છે.

હવે, આ માર્ગ પર ચાલવાની શરૂઆત કરવા માટેના થોડાક નુસખા-

 1. કદી ઉત્સાહમાં આવી જઈને યોગ, પ્રાણાયમ, સુદર્શન ક્રિયા,ધ્યાન, વિપશ્યના, પ્રેક્ષાધ્યાન, પ્રતિક્રમણ વિ.નો   આખોયે કોર્સ પૂર ઝડપે કરવા ન માંડતા. બીજા જ દિવસે થાકી/ કંટાળી જશો. 
 2. બહુ જ નાની શરૂઆત કરો. યોગ, પ્રાણાયમ અને ધ્યાન માટે કુલ માત્ર દસ જ મિનિટ.
 3. જ્યારે મન વિચલિત બને; નકારાત્મક વિચારોથી ઘેરાઈ ઊઠે; ત્યારે એ વિચારોને પ્રયત્નપૂર્વક બંધ કરવાનું છોડીને આ એક નાનો પ્રયોગ કરી જુઓ – મનોમન એવો સંકલ્પ કરો કે;  ‘હવે શો વિચાર આવે છે; તે હું જોઈશ.” અને બે ચાર સેકન્ડ માટે, આશ્ચર્યજનક રીતે, વિચારશૂન્ય બની જશો. આ એક બહુ જ નાનકડી પણ એકદમ શક્તિશાળી રીત છે. જેમ જેમ આનો મ્હાવરો વધતો જશે; તેમ તેમ વધારે સેકન્ડો માટે એવી અવસ્થા રહેવા લાગશે. અને ‘મન શાંત થઈ શકે છે.’ –એવો વિશ્વાસ બેસવા લાગશે.
 4. જેમ બાળક પાસે હોમવર્ક કરાવવું હોય; ત્યારે એને લોલીપોપ બતાવવો પડે; તેમ ‘આમ કરીશ તો ____ મનગમતી વાનગી હું ખાઈશ.’ અથવા ‘ ______ આ મનગમતું ગીત સાંભળીશ.’ એવી લાલચ મનને આપો! આમ કરવાથી અકારૂં લાગતું એ હોમવર્ક કરવા લાગશો.
 5. ભલે થોડીક જ સાધના થાય; પણ તે નિયમિત રીતે કરતા રહો. ચાલીસ દિવસ, એક પણ દિવસ ન પડે; તે રીતે સાધના ચાલુ રાખો. એક બે દિવસ પડે તો વાંધો નહીં – ફરી ચાલુ કરો ત્યારથી એ ચાલીસ દિવસની ગણતરી એકડે એકથી ફરી ચાલુ કરી દેવાની ! આ શિસ્ત પાળતા થશો; તો ચાલીસ દિવસ તો સાધના કરી જ શકશો! અને જો ચાલીસ દિવસ પૂરા થયા; તો સામેની દિવાલ પર લખી રાખો; કે તમારા એ માંકડા જેવા મનને તમે આ એક નવી ટેવ પાડી દીધી છે! હવે તેને પોતાને એક દિવસ પડશે – તો ચેન નહીં પડે.
  બસ. હવે તમે ચાલતા થઈ જશો – ભલે એ ડગુમગુ અને મંથર ચાલ ન હોય.
 6. ધીમે ધીમે એ દસ જ મિનિટનો ગાળો વધારતા જાઓ. જે કસરત એક કે બે જ વાર કરતા હો; તે ત્રણ વાર, ચાર વાર, પાંચ વાર કરવા માંડો. દરેક સ્ટેપ પછી; રગોમાં ધમધમવા લાગેલા પ્રાણને અનુભવવા લાગો. તમારા મહામૂલા શરીર માટે તમને કદી ન થયો હોય, તેવો પ્રેમ થવા લાગશે. એ બધી ત્રાસજનક લાગતી વિધિઓ શરીરના કોશે કોશમાં નવો પ્રાણ પૂરી રહી છે- એની અનુભૂતિ થવા લાગશે. આ બધી પ્રક્રિયા દેહના, મનના ફાયદા માટે કરીએ છીએ; તેવી પ્રતીતિ થવા લાગશે.
  ‘હવે તમે આ રસ્તે ચાલતા જ રહેવાના છો – કદી અટકવાના નથી.’ – એવો સકલ્પ દોહરાવતા રહો. અને એમ થશે. તમે ચાલતા થઈ જશો.
 7. ધીમે ધીમે એક એક નવી કસરત/ આસન ઉમેરતા જાઓ.
 8. યોગની કોઈ  પ્રક્રિયા મનને દબાવીને, મારી મચડીને તમે નહીં જ કરી શકો. એને મનાવીને, ફોસલાવીને, પટાવીને, નાના બાળકને રમાડતા હોઈએ; એવા આનંદ અને પ્રેમના ભાવથી એને સાચી, હકારાત્મક દિશામાં ડગ માંડતું કરવાનું છે. એ બાળક પડી જાય; તો આપણે તેને ધમકાવતા નથી; પણ પ્રેમથી એને ઊંચકી લઈ, ભેટી એને આપણા સાથની પ્રતીતિ કરાવતા હોઈએ છીએ. મનને એમ જ મનાવતા રહેવાનું શીખી લો.
  હમ્મેશ એ ભાવ જારી રહે કે,આ બધાથી આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તી સારી થવાની છે.
 9. રોજ દસ મિનિટથી વધારે આગળ ન વધાય, તો હતાશ ન બનો. એકાદ મહિના પછી એમ થશે. એ જ રીતે યોગાસનની કોઈક પદ્ધતિમાં પૂરી રીત અંગ ન વળે; તો દબાણ કરીને પ્રયત્ન ન કરતા. ભલે આજે દસ કે વીસ ટકા જેટલું જ અંગ વળી શકતું હોય; મહાવરો વધશે; તેમ આપોઆપ તે વધારે વળી શકશે.
  ’Practice makes one perfect.’
 10. એવું જ ધ્યાનની બાબતમાં પણ છે. વિચારોના ઝુંડના ઝુંડ આક્રમણ કરવા લાગે તો; એને કદી ખાળવા પ્રયત્ન ન કરો. – નમ્બર (૩) પર બતાવેલી રીત અજમાવી જુઓ.
 11. બે ચાર હોબીઓમાં રસ લેતા થાઓ. અને રોજ ના બની શકે તો, રજાના દિવસે એ મનગમતી હોબી માટે સમય ફાળવો. એકથી કંટાળો આવે; તો બીજી હોબી પર હાથ અજમાવો. કશું ન થાય તો બાળકો સાથે રમો. મનને પ્રફુલ્લિત કરવાનો આ બહુ જ મજાનો માર્ગ છે.
 12. બે ત્રણ મહિના બાદ નવી ટેવો પડી હશે! આ પણ મનને ગમતી વાત હોય છે. આથી થોડાક સમયાંતરે આ બધી પ્રવૃત્તિઓનો સમય/સ્થળ બદલી જુઓ. આમ કરવાથી એકધારી પ્રવૃત્તિઓનો કંટાળો (Monotony) તોડી શકાય છે.
 13. કર્તાભાવ સાવ જતો રહે – એમ બનવાની શક્યતા બહુ ઓછી હોય છે. અહં ઓગળવો જેટલો જરૂરી છે – એટલો જ તે રોજબરોજની જિંદગી માટે જરૂરી પણ છે. એ જ તો કુદરતી રચના છે. માત્ર એ વકરે નહીં; તેનું નિરીક્ષણ કરતા રહો; અને દિવસના અંતે વિચારવાની ટેવ રાખો કે, દિવસ દરમિયાન ક્યારે એ મહાશયે માઝા મેલી હતી! જે જે ક્ષણોમાં કોઈનું મન દુભવ્યું હોય; અથવા જાત માટે બહુ મોટો અહોભાવ ઉપજ્યો હોય; અથવા ઘોર નીરાશામાં ઘેરાઈ ગયા હો તે તે ક્ષણો માટે ક્ષમાયાચના કરો અને એ વ્યક્તિની/ પોતાની જાતની માફી માંગો.પોતાને માટે ગુનેગારીનો ભાવ ઉપજે તો તે માટે પણ.
  ફરીથી એમ ન બને – એ માટે શક્તિ આપવાની તમારા ઈષ્ટદેવને અથવા પરમ તત્વને પ્રાર્થના કરો. આ પદ્ધતિ જે બળ આપે છે – તેનો અનુભવ તમને ધીમે ધીમે પણ ચોક્કસ રીતે થવા લાગશે. તમે જે ડગલાં ચાલવા લાગ્યા છો – એમાં નવું બળ ઉમેરાતું તમે અનુભવવા લાગશો.
 14. એક બહુ જ અગત્યની . અને કોઈએ કદાચ કહીં નથી- એવી વાત. તમે વીતરાગ બની જવા ચાહો છો; એવો ભાવ જરૂર સેવો; પણ એમ ન બને તો નીરાશ ન થાઓ. વીતરાગ અવસ્થા તો શિસ્તબદ્ધ બનેલા મનની આખરી અવસ્થાઓમાંની એક હોય છે. આપણા જેવા સામાન્ય માણસો માટે કદાચ એ દુર્લભ પણ હોય છે. રાગ અને દ્વેષ થોડા ઘણા પણ ઓછા થયા હોય; તેનો આનંદ માણો.
 15. લખી લો, કે આ મહામૂલું જીવન આપણને આનંદ માટે મળ્યું છે. આપણે જે કાંઈ ભૌતિક સુખ ભોગવી શકીએ છીએ, એ અનેક વ્યક્તિઓ, કુદરતી તત્વોની, પરમ ચૈતન્ય તત્વની બલિહારીના કારણે છે – એનો આભાર ભાવ સદા સેવતા રહી; એનો ઋણસ્વીકાર કરતા રહો.
  તમે એ સૌનો પડઘો પાડી સામે ચાલીને શું પ્રદાન કર્યું છે- તેનો હિસાબ માંડતા રહો. એ માટે સભાન રીતે કોશિશ કરતા રહો. કોઈને પણ થોડીક પણ મદદ કર્યાનો આનંદ અનેરો હોય છે. એનો અનુભવ થવા લાગશે , પછી તમારા સ્વભાવમાં એ ભાવ વણાવા લાગશે.
  આ એક બહુ જ ઉમદા ભાવ છે. જેમ જેમ એ તમારામાં ઊભરતો જશે; તેમ તેમ તમે એક વધારે સારા વ્યક્તિ બનતા જશો- ભલે વીતરાગ ન બનાય.
   

       આટલું કરવા લાગશો તો તમે નાનકડી શિસ્ત ધરાવતા સૈનિક બનવા લાગ્યા છો. આગળ ઉપર તમે સીમા પરના ષડરિપૂઓનો સામનો કરવા માટે જરૂરી બખ્તર અને શસ્ત્રો ધરાવતા થવાના જ છો.

     સામેની દિવાલ પર લખી રાખો કે,

    જે એ મનને થોડું ઘણું પણ જીતી શકે છે – એ બહારી અને અંદરી – દરેક મોરચે નકારાત્મકતા સામે યુદ્ધ લડવા કાબેલ યોદ્ધા બનવાની ક્ષમતા ધારણ કરવા માંડવાનો છે, છે, છે ને છે જ.

8 responses to “નાનકડી શિસ્ત, ભાગ-૨; બની આઝાદ

 1. સુરેશ ઓક્ટોબર 29, 2013 પર 7:58 એ એમ (am)

  અચાનક જ , બીજા કોઈ સંદર્ભમાં હાસ્ય દરબાર પરની, પ્રજ્ઞાબેનની સરસ મજાની કોમેન્ટ પરથી , આ જણને સુઝેલી શીઘ્ર કવિતા ‘ મોજમાં રહેવાના’ સિદ્ધાંતને બરાબર બંધ બેસતી લાગી. અહીં ભાવ પૂર્તિ માટે રિકોમેન્ટી !

  આખો દિ ભગવાનને ભજતાં ……
  બોર થવાય, કંટાળો આવે
  ઓ માડી તું મનમાં ધરજે,
  રમતું રમવી, કૂકા ઊછાળવા….. સહેલું છે!

  http://dhavalrajgeera.wordpress.com/2013/03/22/kavu/#comment-15014

 2. La' Kant ઓગસ્ટ 30, 2014 પર 2:21 એ એમ (am)

  તમારી સંશોધનાત્મક વાતોમાં વજૂદ તો છે જ સાહેબ ,રજુઆત પણ ખૂબ સારી લાગી પણ,આ બધું મહદ અંશે ૬૦+[ તમારી ભાષામાં,- ‘નવરા બુઢિયાઓ’ માટે જ,જે સ્વકીય પહોચ-પકડ અનુસાર , અનુભવ – વ્યવહાર ડાહ્યા હોયજ છે,પોતાની રીતે રજુઆત કરતા જ રહેતા હોય છે. ….આજની પ્રજાને ….નવી જનરેશનને,
  (જે, ” વોટ્સ-એપ”, મોબાઇલ, એસ્ .એમ.એસ,,ફેસ-બૂક,ટ્વિટ્ટર,ગેમ્સ ને અન્ય લોભામણી વાતો-વસ્તુઓ-વ્યક્તિઓમાં ગળાડૂબ હોય છે) તો “થૂંક” ફેંક્વાનો સમય નથી…ગળી જવી પડતી હોય છે.

  “અનેક વ્યક્તિઓ, કુદરતી તત્વોની, પરમ ચૈતન્ય તત્વની બલિહારીના કારણે છે – એનો આભાર ભાવ સદા સેવતા રહી; એનો ઋણસ્વીકાર કરતા રહો.” + “કોઈને પણ થોડીક પણ મદદ કર્યાનો આનંદ અનેરો હોય છે” આ બન્ને વાતો હજી હમણાંજ કલાકેક પહેલાં, અનુભવાઇ , ૧૯૬૭ થી લખાયેલી “ડાયરીઓ”નું પૂનર્વાંચન ચાલુ કરાયું છે … જસ્ટ ” મૉજ ખાતર ! હવે “નેટ”મુલાકાત અઠવાડિયામાં બે દિવસ જ કરવાનું વિચારાયું છે.”આનંદ માણો.”
  “પરમ તત્વને પ્રાર્થના કરો. ” અતિ ઉત્તમ કારગત પ્રયોગ અનુભવાયો છે!
  થોડાક સમયાંતરે આ બધી પ્રવૃત્તિઓના સમય/સ્થળ/વ્યક્તિઓ,સાધનો,વિષયો,સાંયોગિક માહોલ બદલી જુઓ.”
  પ્રયોગશીલતા ચોક્કસ સહાયક નીવડે જ છે .એક્ધારાપણુ6 દૂર થૈ રસ જાગે છે ,એક થ્રિલ-નાવિન્ય પણ અનુભવાય છે.
  “રમતું રમવી, કૂકા ઊછાળવા….. સહેલું છે!” આ સ્વીકૃતિ વહુ ગમી!!!

 3. Pingback: સ્વચ્છતા અભિયાન – એક અવલોકન | સૂરસાધના

 4. Devika Dhruva ડિસેમ્બર 27, 2015 પર 11:33 એ એમ (am)

  શીરાની જેમ સીધી ગળે ઉતરી જાય તેવી સરસ વાત.

 5. સુરેશ ફેબ્રુવારી 29, 2016 પર 3:37 પી એમ(pm)

  અહંકાર થાય, કર્તાભાવ ના જાય, ‘દાદ’ની ઇચ્છા રહ્યા કરે, ઈર્ષ્યા થાય, લોભ થાય, વાસના ફુંફાડા મારે ….અને એમ બનશે જ !
  પણ…
  ‘એ ભાવ આવ્યો.’ – એ ખબર પડતી થાય તો એક ડગલું, અને બહુ જ અગત્યનું ડગલું ચાલ્યા. મોટા ભાગે તો એ છ શત્રુઓ આવ્યા – એ પણ આપણને દેખાતું નથી હોતું.
  જેમ જેમ આમ દેખાતું જાય છે – એમ એમ એ શત્રુઓની તાકાત ઓછી થવા લાગે છે. એમની ચુંગાલમાં ફસાવાનું ઓછું થવા લાગે છે.
  ( નોંધો – ઓછું થવા લાગે છે . એ જશે તો નહીં જ – આપણા જીવનના ૭૦ + વરસ જૂની આદતો એમ જલદી નહીં જ નીકળે)

  પણ જેમ જેમ આ દ્ર્ષ્ટાભાવ તાકાતવાળો બને , તેમ તેમ અવનવી સ્વતંત્રતા અનુભવાતી જાય છે. અને નવસર્જનનો, કોઈને મદદ કર્યાનો, જીવન જીવ્યાનો ઉલ્લાસ મ્હોરવા માંડે છે.

  આપણા જેવા સાવ સામાન્ય , અને ભટકતા રહેલા માણસોના શેષ જીવનમાં આટલું થાય તો પણ ગનીમત. ‘વીતરાગ’ ની સ્ટેજ તો કેટલે ઊંચે છે – તે આ મહાત્માઓ જાણે – આપણી એ હેસિયત જ નથી.

 6. Pingback: નાનકડી શિસ્ત, ભાગ-૧; બની આઝાદ | સૂરસાધના

 7. Pingback: અફલાતૂન તબીબ, ભાગ -૧૫; વજ્રાસન | સૂરસાધના

 8. Pingback: વજ્રાસન – ભાગ -૨ , અફલાતૂન તબીબ | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: