સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

રાક્ષસી યંત્રો

       એ યંત્રો જોજનોનાં જોજનો સુધી પથરાએલાં છે. દુનિયાનો કોઈ પણ દેશ એનાથી બાકાત નથી. એ યંત્રો દિનરાત ધમધમતાં જ રહે છે. અલબત્ત ક્યાંક એ મશીનરી એકવીસમી સદીની, એકદમ હાઈટેક છે; તો ક્યાંક એ સાવ ચૌદમી સદીના રેંટિયા જેવી ! ભાગ્યે જ કો’ક રડીખડી જગ્યા હશે જ્યાં આવાં કોઈ યંત્રો અસ્તિત્વ ધરાવતાં નહીં હોય ! આ યંત્રોને કોઈ ‘હોલી-ડે’ હોતો નથી ! માનવસંસ્કૃતિના વિકાસ અને ઉત્ક્રાન્તિ સાથે એ યંત્રો પણ વધારે ને વધારે જટિલ, વધારે રાક્ષસી બનતાં રહ્યાં છે.

     એ શેતાની ચરખાનું મૂળ પ્રયોજન તો માનવજીવનને સુખમય બનાવવા માટે જ છે; અને એમ કરવાનો એનો હેતુ બાહ્ય  દૃષ્ટિથી  દેખાય પણ છે. પરંતુ વાસ્તવમાં એણે અગણિત તબાહીઓ સર્જ્યાં જ કરી છે. માનવસમાજના મહત્તમ હિસ્સાને તેણે નર્કની બળબળતી આગમાં હજારો વર્ષોથી શેક્યે જ રાખ્યો છે. એણે માનવજીવન માટે જાતજાતની સુવિધાઓ અને આનંદપ્રમોદનાં સાધનો ભલે ને બનાવ્યાં હોય; એ બધી મતા હડપ કરી લેવાની, ન સંતોષી શકાય એવી ભૂખ અને તરસ પણ એની જ આડ પેદાશો છે.

     જે ચંદ માનવજંતુઓ એનાથી લાભ પામી ઊંચા પિરામિડો પર મ્હાલે છે; એમને પણ એમના વૈભવશાળી, કુશાદ રજવાડી મહેલોમાં આરામની ઊંઘ આવી શકતી નથી. ક્યાંક કોઈક બીજું જંતુ એમની સંપદા ઓહિયાં ન કરી જાય એની ચિંતા એમને સતાવતી રહે છે. સરવાળે એ રાક્ષસી યંત્રો અકલ્યાણકારી વધારે સાબિત થયાં છે.

    આમ તો એના ચારેક મુખ્ય ભાગ છે. દરેક ભાગનું કાર્યક્ષેત્ર સાવ અલગ છે. એ બધાય ભાગો બહારથી તો બહુ જ ચિત્તાકર્ષક લાગે છે; બહુ ઝળહળતું એમનું ‘પેકીંગ’ છે, પણ દરેકનું સરવાળે લક્ષણ તો ઉપરોક્ત તબાહીઓ સર્જવાનું જ રહ્યું છે. એ હંધાયનાં જિન્સ ‘કોમન’ છે ! હા, એ એકમેકની રાક્ષસીયતાને સંવર્ધે છે જરૂર ! એ એકમેકનાં પૂરક છે. એમની વચ્ચે મજેની સાંઠગાંઠ જમાનાઓથી હાલી આવે છે !

    આ રાક્ષસી યંત્રોનો કાચો માલ અબજો અંધારી ખાણોમાં પાકે છે. બીજા કાચા માલની ખાણો તો કાળક્રમે માલ વિનાની બનીને બંધ પડે, પણ આ ખાણો તો રાતે ન વધે એટલી દિવસે વધતી જ રહે છે !

    એ કાચો માલ સીધો આ યંત્રોમાં લાવવામાં આવતો નથી. એને એ યંત્રોને યોગ્ય બનાવવા બીજાં ચારેક સ્તરનાં નાનાંનાનાં યંત્રો પણ છે. આમ તો આ બાળયંત્રોનો ઉદ્દેશ પણ ગુણવત્તા ભરેલો માલ તૈયાર કરવાનો જ છે; પણ એ પણ ઓલી રાક્ષસી માયાનાં ફરજંદ જેવાં જ છે.

    કોઈક કાચો માલ આ યંત્રોને યોગ્ય બની શકતો નથી. એમને સ્વીકારી ‘કશુંક’ કરી શકે તેવી ‘કાબેલિયત’ આપવાનાં યંત્રો પણ મોજૂદ છે ! આ યંત્રો એ ઘટિયા માલની કાળાશને વધારે ને વધારે ગોબરી, કાળા ગ્રેનાઈટ જેવી ચમકતી અને ધારદાર કરી આપે છે. એમણે આમ ‘પ્રોસેસ’ કરેલો માલ ઓલ્યાં યંત્રોને વિનાશક પ્રવૃત્તિઓ સતત કર્યે રાખવામાં મશગૂલ રહે છે.

    આ કાચો માલ યંત્રોમાં પીસાતોપીસાતો વધારે ચમકતો અને દમકતો બનતો હોય એમ લાગે છે. એવો ચમકતો બનેલો માલ એ મશીનરીના બહુ વિકસિત હિસ્સાઓ તરફ ઉર્ધ્વગતિ કરી શકે છે, પણ બહુ નાની માત્રામાં એ ‘ફિનિશ્ડ પ્રોડક્ટ’ બની શકે છે. મોટા ભાગનો માલ તો ઘસાઈઘસાઈને ચારણી જેવો બની કચરાપેટીમાં ગમન કરવા જ સર્જાયો હોય છે.

    જે ઝગમગતો માલ માખણની જેમ તરીને ઉપર આવે છે, તે આ યંત્રોને ગ્રસી જવા હોડ બકે છે ! વળી આશ્ચર્યની વાત તો એ છે કે ઓલ્યા ‘કશુંક’ કરી શકે તેવા ગોબરા માલની પણ આ જ વૃત્તિ રહી છે. આ બન્ને આખરી માલ  – ઝગમગતા અને કાળા કોલસા જેવા – એકમેકની બહુ નજીક જોવા મળે છે !

     બીજી આશ્ચર્યની વાત તો એ છે કે અન્ય યંત્રોમાં તો એના પુર્જા ઘસાતાં નકામા બની જાય છે, પણ અહીં તો એ વધારે ને વધારે રાક્ષસી બનતા જાય છે. એ પુર્જા કદી અવસાન નથી પામતા.

     ક્યાંક એ પુર્જાઓએ આ રાક્ષસી યંત્રને અતિ ભીષણ બનાવવા કરેલું પ્રદાન(!) તોડી ફોડી; એની જગ્યાએ એ યંત્રને રાક્ષસી નહીં, પણ દૈવી બનાવે તેવા પુર્જા વસાવવાના પ્રયત્નો થયા છે – જેથી આ યંત્રનો માનવકલ્યાણનો મૂળ ઉદ્દેશ બર આવે, પણ કમનસીબે એ પુર્જા તો ઘણા વધારે રાક્ષસી જ પુરવાર થયા છે.

     અને આ સમસ્ત પ્રપંચ શું પેદા કરે છે?

    ગગનચુંબી મહાલયો, માઈલોના માઈલો સુધી ફેલાયેલા રસ્તાઓ, મહાસાગર કે આકાશને તો શું સ્પેસને પણ આંબી દે તેવાં જહાજો, અત્યંત મનોહારી  કલાકૃતિઓ, સાહિત્યો, અવનવી વૈજ્ઞાનિક શોધો, જ્ઞાન વિજ્ઞાનના સતત વર્ધમાન ખજાનાઓ…

    અને ગંદી, ગોબરી અને સડતી ઝૂંપડપટ્ટીઓ; વેશ્યાલયો, ખુનખાર યુદ્ધો, આગ, લૂંટ, અત્યાચાર, પાશવતા, માનવસંહાર, જાળ અને ફરેબ, ગંદી કામનાઓ, કદી ન સંતોષાય એવી એષણાઓ અને એને સંતોષવાના કરતૂતોની વણાજારોની વણજારો………

    કદાચ હવે થોડોક અણસાર આવતો જાય છે ને ? કયાં છે આ રાક્ષસી યંત્રો ?

    માનવ સમાજની સમાજવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા, કાયદાકીય વ્યવસ્થા, ધાર્મિક વ્યવસ્થા વગેરે.

    એનો કાચો માલ પૂરો પાડનારી ખાણો એટલે કુટુંબો; તમે, હું, આપણે સૌ !  એ માલને તૈયાર કરનારાં નાનાંનાનાં યંત્રો એટલે શાળાઓ, કૉલેજો, યુનિવર્સિટીઓ અને એ ગ્રેનાઈટી માલનાં થાનકો –અંધારી આલમો.

    એ વિકલ્પી પુર્જાઓ એટલે સામ્યવાદ, નાઝીવાદ, ફાસીવાદ જેવી વૈકલ્પિક વ્યવસ્થાઓ.

    આપણે આ સમગ્ર વ્યવસ્થાને ‘માનવસંસ્કૃતિ’ જેવું રૂપાળું નામ ભલેને આપ્યું હોય – એ બહુ મોટી માયા જ છે !

    અગાઉ જણાવ્યું હતું તેમ, કો’ક રડીખડી જગ્યાઓના માનવસમાજોએ આ માયાને જાકારો આપેલો છે. કદાચ ‘હાદઝા’ જેવા એ સમાજો વધુ નૈસર્ગિક, વધુ સમતોલ, વધુ સુખી અને સંતોષી છે. એમને આવાં કોઈ યંત્રો વસાવી પીડા વ્હોરી લેવામાં આજની તારીખમાં પણ રસ નથી !

    બોલો ! તમારી પાસે આ માયાનો કોઈ વિકલ્પ છે ખરો?

…………

વધારે વાંચન માટે :

5 responses to “રાક્ષસી યંત્રો

  1. Vinod R. Patel ડિસેમ્બર 5, 2014 પર 11:19 એ એમ (am)

    ચાર્લી ચેપ્લીન ની જાણીતી ફિલ્મ મેંન એન્ડ મશીન માં એણે યંત્રોની ભયાનકતા ઉપર હસાવતાં હસાવતાં

    આ વાત કહી દીધી છે.મનનીય લેખ માણ્યો .

  2. Pingback: અહં વિશે અહં! | સૂરસાધના

  3. Pingback: અહંકાર | સૂરસાધના

  4. Pingback: પાગલ પ્રોફેસર | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: