સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જૈવન્ય

 ‘બની આઝાદ’ લેખમાળા

      કેમ, આ શબ્દ વાંચીને ચોંકી ગયા ને ? અથવા અસમંજસમાં પડી ગયા ને ? આ શબ્દનો અર્થ શોધવા વધારે કુતૂહલવાળા તો જોડણીકોશ લઈને મચી પડવાના ! ‘જીવન’ અને ‘જીવ’ શબ્દો પરથી બનેલા શબ્દો અંગે પાનાનું આખું કોલમ ભરાય એટલો વિસ્તાર એમાં મળી આવશે. લાવો, એમનું કામ સરળ કરી આપું. અહીં જે વાત કરવાની છે – તેની થોડીક નજીક હોય તેવા શબ્દો ભેગા કર્યા છે – આ રહ્યા.

જીવનપ્રક્રિયા, જીવનલક્ષ્ય, જીવનલક્ષી,
જીવનપ્રણાલી, જીવનલીલા, જીવનસિદ્ધાંત,
જીવનમંત્ર, જીવનસૂત્ર, જીવનરસ,
જીવનકાર્ય, જીવનધોરણ,
જીવનપલટો, જીવનપંથ, જૈવિક

      આમાંનો એક પણ શબ્દ જે વાત કરવાની છે એને પૂરી રીતે સંતોષી શકે તેમ નથી. કદાચ સૌથી નજીક શબ્દ લાગ્યો – ‘જીવનપલટો’ . એની વાત આગળ ઉપર  કરીશું.

      પણ આ વિષયના વધારે પ્રચલિત શબ્દો આ રહ્યા – અધ્યાત્મ, ધાર્મિક માન્યતાઓ, વિવેકપંથ(રૅશનલિઝમ), ફિલસૂફી વગેરે. વળી થોડોક ઓછો જાણીતો શબ્દ છે – જનરલ સિમેન્ટિક. (આભાર ‘વેગુ’નો કે, એની જાણ ગુજરાતીઓને કરી.)

      આ શબ્દો વાપરતાંની સાથે જ, વિશ્વભરમાં બહુ જ ખેડાયેલા આ વિષય અંગે; કદાચ કોઈ પણ લેખિત, ચર્ચિત કે ઉદગારિત સાહિત્ય કરતાં અનેકગણા વધારે વ્યાપવાળા વિચારોની અને જીવનપદ્ધતિઓની એક મોટી વણજાર ખડી થઈ જશે – અને પછી અંત ન આવે તેવા વિવાદોની બીજી એક વણજાર.

    આપણે એમાંનું કશું કરવું નથી; અને, આથી જ કામચલાઉ ઉપયોગ માટે જૈવન્ય શબ્દ સર્જ્યો છે. આશા છે કે આ શબ્દનું ‘જીવન’ આ લેખ પૂરતું જ મર્યાદિત રહે, એનો કશો પ્રચાર ન થાય અને એનાં નવાં શાસ્ત્રો પેદા ન થઈ જાય !

==  ==  ==

       વ્યાખ્યાના ચાહકો માટે, આ નવા શબ્દથી અભિપ્રેત છે ‘જીવન જીવવાની કળા’. પરંતુ, એ બહુ જાણીતા શબ્દ સાથે નવા શરૂ થએલા એક પંથ કે સંપ્રદાયનો આ પ્રચાર છે એવી માન્યતા ઘર ન ઘાલી જાય; એ માટે આપણે એ અર્થ નથી કરવો. આથી, જીવન શી રીતે જીવવું એ બાબત પ્રકાશ પાડતી વિદ્યા અથવા કળા ‘ એટલે જૈવન્ય- એમ રાખીએ.

     જોકે, કોઈ પણ અર્થ મોટે ભાગે શબ્દની પાછળ રહેલા ‘ભાવ’નો સીમિત ખ્યાલ જ આપી શકતો હોય છે. શબ્દની આ મર્યાદાને સ્વીકારીને જ હવે એને સમજવા પ્રયત્ન કરીએ.

    આમ તો જીવન અંગે વૈજ્ઞાનિક પ્રણાલીઓમાં ઘણી વિદ્યાશાખાઓ ઘણા વખતથી અસ્તિત્વ ધરાવે છે જ; દા.ત. વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીવિદ્યા, માઈક્રો-બાયોલૉજી, તબીબી શાસ્ત્ર, આનુવંશિકતા, જનીન વિદ્યા, જેનેટિક એન્જિ., બાયો ટેક્નોલૉજિ વગેરે. – પણ એ શરીર સાથે નિસ્બત ધરાવતી બાબતો અંગે હોય છે. જીવનની પાછળ રહેલા સંચાલકબળ સાથે નહીં. એની સીમા ડી.એન.એ. આગળ અટકીને ઊભી છે. કદાચ જીનોમ પ્રોજેક્ટ પૂરો થાય, ત્યારે એનાથી વધારે ઊંડાણમાં વિજ્ઞાન ખેડાણ કરે; પણ  અત્યારે તો એ જ વિજ્ઞાનની સીમા છે.

      માનવ-નૃવંશશાસ્ત્ર નામનું એક સાવ અલગ જ શાસ્ત્ર છે; પણ એની લક્ષ્મણ રેખા ‘હોમો સેપિયન’ જાતિના પ્રાણીઓની શરીરરચના પૂરતી સીમિત છે. જોકે, આ લેખમાં આગળ ઉપર એની તરફ પણ અંગુલિનિર્દેશ કરવામાં આવશે.

    પણ આ બધાં ઇન્દ્રિયોથી જ્ઞાત થઈ શકે તેવાં ક્ષેત્રોને જ સ્પર્શે છે. એ બધાંની પાછળ રહેલા જીવનબળ અંગે આ શાસ્ત્રો કશું ખેડાણ સ્વાભાવિક રીતે ન જ કરી શકે.

    માનવમન સાથે સંબંધ ધરાવતી વિદ્યાશાખાઓ – માનસશાસ્ત્ર, સાયકિએટ્રી, બિહેવિયરલ સાયન્સ(Behavioural science), સમાજશાસ્ત્ર, વગેરે છે; પણ આ બધાં શાસ્ત્રો મનની બાહ્ય સપાટીને જ સ્પર્શે છે. કદાચ આંતરમન સાથે પણ એમનો સંબંધ હશે. એ બાબત આ લખનારનું જ્ઞાન સીમિત છે. એ બધી વિદ્યાશાખાઓ જીવનની ચૈતસિક  બાબતોને સ્પર્શે છે, પણ એમની પોતપોતાની મર્યાદાઓ છે.

     નીતિશાસ્ત્ર, માનવધર્મ, પ્રચલિત ધર્મો, સંપ્રદાયો વગેરે પણ અસ્તિત્વ ધરાવે છે. એમનો બહુ મોટો વ્યાપ પણ છે, પણ એના અમલીકરણમાં માનવજાત બહુ સફળ રહી નથી. કદાચ આ બધાએ નવી આપદાઓ ઊભી કરી છે. આનું મૂળભૂત કારણ એ છે કે, ‘આ જ એક માત્ર સત્ય છે.’ – એવા આગ્રહો એમની સાથે જોડી દેવા માનવમન મજબૂર બનતું જોવા મળ્યું છે. અને, આથી જ જે પાયાની જરૂરિયાત છે; એનાથી આ બધાં વિમુખ જ બની  રહે છે.

      આથી  જ આ બધાથી કાંઈક સાવ જુદી જ વાત અહીં કરવાની છે –‘જૈવન્ય’ ની વાત. આગળ ઉપર જાણ થશે કે આ કશુંક જાણવાની, કાંઈક પ્રાપ્ત કરવાની બાબત નથી. આમ તો એ પણ કોઈ નવી વાત પણ નથી ! ઉપરોક્ત છેલ્લે જણાવેલા ફિરકાઓ પરથી થોડુંક ચિંતન અને થોડાક પ્રયોગોથી મળેલ ચપટીક અનુભવના આધારે, આ અંગે વાત કરવાની છે. ખરેખર તો એ જાતે અનુભવવાની બાબત છે. આથી એનું  શાસ્ત્ર બહુ વિકાસ પામે તેવા; એના ગુરુ બનવાના(!) કોઈ અભરખા નથી.

       આટલી પૂર્વભૂમિકા બાદ, હવે જોઈએ કે જૈવન્ય એટલે શું? માનવજીવનનાં અનેક પાસાંઓ છે; અને તેનાં ત્રણ ઉદ્‍ભવસ્થાન છે – માણસનું શરીર, એનું મન અને એની ચેતના. આ ત્રણેને સંવાદિતામય બનાવવાની રીત એટલે જૈવન્ય.

==  ==  ==

       જૈવન્ય અધ્યાત્મ છે, અને નથી; એ રૅશનલિઝમ છે, અને નથી; એ ફિલસુફી છે, અને નથી; એ માનવતાવાદ છે, અને નથી;  એ એક માન્યતા છે, અને નથી. આ વિરોધાભાસ એટલા માટે છે કે એ જીવનનાં બધાં પાસાંઓને આવરી લેતી રીત હોવા છતાં, એના પાયામાં કેવળ શૂન્ય જ છે ! એમાં કશું જ જાણવાનું કે પ્રાપ્ત કરવાનું નથી. એનું પહેલું પગલું એ તૈયારી કેળવવાનું છે કે,

  • હું કાંઈ નથી.
  • મારી પાસે કશું નથી.
  • મારે કશું જોઈતું નથી.

       ખર્વોનાં ખર્વ સુધી વિસ્તરેલા સમસ્ત જગતમાં સઘળું સતત પરિવર્તનશીલ છે. એ મહાન વ્યાપ્તિમાં જે રજકણ જેટલું પણ નથી અને જે વિશ્વના કાળની  સરખામણીમાં સાવ અલ્પકાલીન છે – તેવા એક માનવઅસ્તિત્વને અત્યંત મહત્ત્વ આપી, એમાં ઘટતી ઘટનાઓને પહાડ જેવી  બનાવી દઈએ – એ આપણી જમાનાઓથી ચાલી આવતી ચીલાચાલુ જીવનપદ્ધતિ છે, આપણી એ મર્યાદા છે.

આપણી એ મર્યાદાને
તિલાંજલિ આપી શકવાની રીત એટલે
જૈવન્ય.

      અને ફરીથી એ પુનરાવર્તન ….આ કશી નવી વાત નથી! સદીઓથી આ માટે વાતો થતી રહી છે – તેમાં કશું ખોટું ગણી કોઈ નવી રીત ગોતી કાઢ્યાનો હરખ પણ નથી !

      અને છતાં આમાં એક નવો અભિગમ જરૂર છે. એમાં કોઈ મોટા જ્ઞાનની જરૂર નથી. કોઈ પૂર્વ આધારિત માન્યતાઓની જરૂર નથી. આત્મા, પરમાત્મા, પુનર્જન્મ, કર્મનો સિદ્ધાંત, સ્વર્ગ અને નર્કની માન્યતાઓ; ઈશ્વર હોવાની કે ન હોવાની અને તેના સ્વરૂપ અંગેની માન્યતાઓ – આ કશાની કોઈ જ જરૂર નથી.

     આ ઘડીનું જે સત્ય છે – જે જીવન જીવાઈ રહ્યું છે – તે માટે સભાનતા કેળવવાની એ રીત છે. અને જો એ માન્યતાઓમાં આપણો વિશ્વાસ બહુ જ દૃઢ હોય, તો તેને ફગાવી દેવાની પણ કશી જરૂર નથી ! ભલે એમના સ્થાને એ આપણા મનમાં પડ્યાં રહે. જો જૈવન્ય માટેનો ભાવ આપણા મનમાં બરાબર સ્થાપિત થવા લાગે, તો કશાયની સાથે વિસંવાદિતા રહી શકવાની નથી.

       આ નવા શબ્દનું પ્રયોજન માત્ર એટલા જ માટે છે કે શબ્દોની, એમની વ્યાખ્યાઓની ખોખલી માયાજાળ ત્યજીને પ્રત્યેક શ્વાસ સાથે ધબકતા જીવન સાથે એકરૂપતાનો અનુભવ કરી શકાય.

      હવે એની જરૂર વિશે બેએક વાત.

      માનવજીવનમાં જ આની જરૂર છે. વનસ્પતિ અને મોટા ભાગનાં પ્રાણીઓ તો કેવળ વર્તમાનમાં જ જીવતાં હોય છે. એમને આની કશી જરૂર નથી. પરંતુ માણસની વાત અલગ છે. એને અત્યંત વિકસિત મન મળેલું છે.

       જે વાચકો એમ માનતા હોય કે એ મન પણ ન્યુરોન, એની અંદર આવેલાં જીવસૂત્રો (Chromosome) અને ડી.એન.એ. તથા એમાં વારસાગત મળેલા સોફ્ટવેરથી આગળ કશું નથી; એમને આ વિશે જાણવાની કદાચ કશી જરૂર નથી. પરંતુ એમને એટલી વિનંતી જરૂર કરવાની કે એક નાનકડા પરમાણુના કેન્દ્રમાં રહેલા સરખા વીજભારવાળા પ્રોટોનોને સાવ સાંકડી જગ્યામાં એકેમેકને ચોંટાડી રાખતું બળ શું છે ?!

      ખેર…માનવમનની અગાધ શક્તિઓ વિશે કોઈ બે મત નથી. એના થકી જ બધાં વિજ્ઞાનો, કલાકારીગીરી, સર્જનો શક્ય બન્યાં છે. જીવન વિશેનાં શાસ્ત્રો પણ એ મન હોવાના કારણે જ રચાયાં છે.

      અને એ જ માનવમને વૈયક્તિક અને સમાજજીવનમાં ભયાવહ વિકૃતિઓ અને તબાહીઓ પણ સર્જી છે. આપણે સૌ એ બધી ભૂતાવળોથી બહુ જ પરિચિત છીએ જ.

       અને માટે જ માણસજાતને હંમેશાં કશાકની ખોટ સાલ્યા કરી છે. એ નકારાત્મક પાસાંઓને અતિક્રમવાની જરૂર હંમેશ વર્તાતી જ રહી છે. આ માનવજીવન માટે પાયાની જરૂરિયાત છે.

     જૈવન્ય એ જરૂરને સંતોષી શકે તેમ છે, પરંતુ એ નોંધી લેવાની એટલી જ જરૂર એ પણ છે કે એ માત્ર એક વ્યક્તિના જીવનને જ સ્પર્શી શકે. આપણે એવી અપેક્ષા ન રાખી શકીએ કે આનાથી માનવસમાજમાં આમૂલ પરિવર્તન આવી જવાનું છે.

    ઘણી બધી વ્યક્તિઓના જીવનમાં આવેલું પરિવર્તન કદાચ આવી સામૂહિક અસર પેદા કરે એમ બને, પણ એ તો આડપેદાશ જ ગણાય. આમ પાયાની રીતે જૈવન્ય એ સ્વલક્ષી બાબત જ બની રહે, એમ લાગે. જોકે જૈવન્યનું એક પાસું ‘સેવા’ પણ હોઈ શકે – જે એ સ્વલક્ષિતાને વિસ્તારી શકવાની ક્ષમતા ધરાવે છે.

      આટલી પૂર્વભૂમિકા પછી, આપણને થાય કે એમાં શું કરવાનું હોય છે ? પણ હવે જૈવન્ય વિશે વિશેષ કશું કહેવાનું નથી ! એના માટે શાસ્ત્રોનાં થોથેથોથાં હાજર છે. એ સમજાવવા ગુરુઓની ફોજોની ફોજો પણ હાજર છે જ.

      બસ… પોતાની વિવેકબુદ્ધિ વાપરીને, બુદ્ધિની મર્યાદાઓથી ઘણે આગળ ચેતનાના નવા સીમાડાઓમાં વિહાર કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવા આપણે પ્રતિબદ્ધ બન્યા છીએ. હવે આપણા પાયાના હોવાપણા સાથે જીવતા થવાની રીતમાં બેએક ડગલાં ચાલી શકાય એમ છે. આ શક્યતા વાચક સમક્ષ મૂકીને આ માથાકૂટનું સમાપન કરવાની વેળા આવી ગઈ છે !

        કેવી છે એ શક્યતા ?

  • મનની શક્તિઓને અનેક ગણી વધારે કાર્યશીલ કરવાની શક્યતા
  • એ તબાહીઓને/ વિકૃતિઓને તિલાંજલિ આપી શકાવાની શક્યતા
  • જીવનમાં  સર્જનાત્મકતા, આનંદ, ઉલ્લાસ અને શાંતિનો વ્યાપ કરવાની શક્યતા.

એ શક્યતા જાતે જ પેદા કરવાની છે !

    શાસ્ત્રો અને ગુરુઓ દિશા જ બતાવી શકે. પણ ચાલવું તો જાતે જ પડે.

     એ શક્યતા વિશે  એક જાણીતા વિચારકનું અવતરણ…

      “જીવનમાં જે પણ આવે
અને જે રીતે આવે
તેને પૂર્ણ રીતે
,
પ્રેમપૂર્વક
સ્વીકારવાની કળા
હાંસલ કરવા જેટલો વિકાસ
તમે કરી શકો 

તે તમને
તમે પોતે
આપેલી સૌથી મોટી ભેટ છે.

     અને જે બે વાત વિશે આગળ ઉલ્લેખ કર્યો હતો તે અંગે …

  • જૈવન્ય કદાચ જીવનપલટો લાવી શકે.
  • જો જૈવન્ય વિશે સભાનતા વ્યાપક બને, તો નૃવંશશાસ્ત્રમાં એક નવી જાતિ પેદા થાય એવી શક્યતા પણ કદાચ છે!
'એકમેક' - વડોદરાથી પ્રકાશિત સામાયિકના ફેબ્રુઆરી-૨૦૧૪ અંકમાંથી સાભાર.

‘એકમેક’ – વડોદરાથી પ્રકાશિત સામાયિકના ફેબ્રુઆરી-૨૦૧૪ અંકમાંથી સાભાર.

જૈવન્ય શબ્દનો આ છેલ્લો ઉપયોગ છે. એ  વિશે વિચારો કે મંતવ્યો હોય; તો તે ‘વેબ ગુર્જરી’ પર -અહીં જણાવવા વિનંતી.

Advertisements

Comments are closed.