સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

મેનેજર

અમને જણાવતાં આનંદ થાય છે કે, અત્યંત લોકપ્રિય, ગુજરાતી વેબ સાઈટ ‘અક્ષરનાદ’ પર આ વાર્તા સૌથી પહેલી પ્રકાશિત થઈ છે. ‘અક્ષરનાદ’ ના સંચાલક શ્રી. જિજ્ઞેશ અધ્યારૂનો દિલી આભાર. આશા રાખીએ કે, વાલીઓ આ વાર્તા પરથી ધડો લઈ; પોતાનાં સંતાનો પર બિન જરૂરી બોજો નાંખતાં પહેલાં વિચારતાં થશે.

aksharanaad

[ સત્યકથા પર આધારિત]

          “આમ ઉંધી ચોપડી રાખીને તું શું વાંચે છે?” તમે અંદર ઉકળી રહેલા ગુસ્સાને માંડ દબાવી, દીકરા મહેશને કહ્યું.
મહેશ બારમા ધોરણની પરીક્ષાની તૈયારી કરતો એના રૂમમાં વિજ્ઞાનની ચોપડી હાથમાં રાખી, વાંચવાનો ડોળ કરી રહ્યો હતો.
રસિકલાલ! કેટલા ઉમંગથી તમે આ દીકરો એન્જિનિયર બનશે એવા ખ્વાબ સાથે, શહેરની સારામાં સારી ગણાતી નિશાળોમાંની એકમાં એને દાખલ કરાવ્યો હતો? અને મોંઘા પાડનાં ટ્યુશનો? ગુજરાતી જેવા વિષયનું પણ ટ્યુશન એને રખાવી આપ્યું હતું.
દીકરો ક્યાંયથી પાછો નહીં જ પડે; એવી ચોક્કસ હૈયાધારણ તમને હતી. દસમા પછી નિશાળમાં એને વિજ્ઞાન પ્રવાહને બદલે કોમર્સ પ્રવાહમાં દાખલ કરાવવાની વર્ગ શિક્ષકની સલાહને તમે તુમાખીમાં હસી કાઢી હતી. ‘મારો દીકરો – અને બેન્કનો કારકુન બને? છટ્ “
તમે આમ તો એની રૂમમાં કદી ડોકિયું પણ ક્યાં કરતા હતા? ટ્યુશનવાળા સાહેબો, એને બરાબર તૈયાર કરી જ રહ્યા હતા ને? તમે ક્યાં તમારી ઓફિસના કામ અને રાજકારણમાંથી સહેજે સમય મહેશ માટે ફાળવી શકો એમ હતું?
પણ તે દિવસે મહેશના રૂમમાંથી તમારી એક જૂની ફાઈલ શોધવા ગયા હતા; અને ચોપડી ઊંધી જોઈને તમારો ગુસ્સો આસમાને પહોંચી જતાં તમે માંડ રોકી શક્યા હતા.
મહેશે ઊંઘરાટા ચહેરે ચોપડીમાંથી મોં બહાર કાઢ્યું. તમને રૂમમાં આવેલા જોઈ, તે એકદમ ઊભો થઈ ગયો; વિજ્ઞાનની ચોપડી નીચે પડી ગઈ; અને નીચી ડોક રાખી તે ઊભો રહ્યો.
“કયા વિષયની આ ચોપડી છે?”
“ગણિતની.” ,મહેશે ડરતાં ડરતાં જવાબ આપ્યો.
અને હવે તમારો દબાવી રાખેલો ગુસ્સો જ્વાળામુખીની માફક ઉછળી આવ્યો. “અલ્યા! કયા વિષયની ચોપડી તું વાંચે છે; એનું પણ તને ભાન નથી? તું પરીક્ષામાં શું ઉકાળવાનો? મારા પૈસાનું પાણી કરવા, મારું નામ ડુબાવવા તું અક્કરમી પેદા થયો છે?”
તમારો મોટો અવાજ સાંભળી તમારી પત્ની વનલીલા રૂમમાં દોડી આવી; અને તમને ખેંચીને રૂમની બહાર લઈ ગઈ. તમે તેને મહેશિયાના પરાક્રમ વિશે લાંબું ભાષણ ઠોકી દીધું. વનલીલાએ એનો બનતો પ્રયત્ન તમને શાંત કરવા કર્યો. તે દિવસે સાંજે તેની બહેનપણીઓ સાથેની કિટ્ટી પાર્ટીની વાતો કરી. એની બહેનપણીઓની ખાસિયતો અને ખાસ તો એ બધાંની બદબોઈ જ એમાં ભરી પડી હતી ને?
તમે માંડ માંડ પથારીમાં સુતા. કલાકેક તમારા મનમાં ગડમથલ ચાલતી રહી. તમારા ભૂતકાળની, તમારી કિશોરાવસ્થાની માનસિક અવઢવો તમને યાદ આવી ગઈ. તમે પણ આમ જ ડોક્ટર બનવાના સપનાં સેવતા હતા ને? અને બી.કોમ. / એમ.કોમ. થઈને કારકૂની કરતાં કરતાં બેન્કના મેનેજરના પદે પહોંચ્યા હતા ને? તમારા જીવનમાં કરેલા સંઘર્ષોની આખી તવારીખની તસ્વીર તમારા મનના કાળા ડિબાંગ પડદા પર શાહરૂખખાનની હીટ ફિલમની માફક આગળ અને આગળ ધસી રહી. અને તમારા મગજમાં એક નવા જ સંકલ્પે જન્મ લીધો.
રાતના બારેક વાગે તમે ફરી મહેશની રૂમમાં ગયા. મહેશના ચહેરા પર છવાઈ ગયેલી ઉદાસી એના મનમાં ચાલી રહેલા સંઘર્ષની ચાડી ખાતી હતી. તમે ધીમા અવાજે એને પુછ્યું,’ બેટા! તને ભણવાનું નથી ગમતું?”
અને મહેશ ચોધાર આંસુએ રડી પડ્યો. ”પપ્પા! મને આ વિષયોમાં સહેજ પણ સમજણ પડતી નથી. અને એન્જિ. માં ૮૫ ટકાએ ગઈ સાલ એડમીશન અટક્યું હતું.”
રસિકલાલ! બહાર નહીં નીકળી શકે એવા આંસું સાથે તમે અંતરથી રડી પડ્યા. તમે ખીસામાંથી ચારસો રૂપિયા કાઢી મહેશને આપ્યા. ‘લે! આ રકમ લઈ, કાલે સવારે ફોઈના ઘેર જજે. પંદર દિવસ ત્યાં મજા કરજે. કોઈ ફિકર રાખવાની નથી. પંદર દિવસ પછી, હવે તારે શું કરવાનું – એનો નિર્ણય આપણે લઈશું.”
તમારી પાછળ આવી પહોંચેલી વનલીલા બેબાકળા સ્વરે બોલી ઊઠી,”અરે! તમારું તે કાંઈ ખસી ગયું છે? મહેશને ઉત્સાહ આપવાની જગાએ, તમે જ એને હતોત્સાહ કરી નાંખો છો? કાલે રેખાબેનને ઘેર જઈને એ શું કહેશે?”
“હું રેખાને મારી રીતે વાત કરીશ.એ મહેશને એક અક્ષર પણ સલાહ નહીં આપે. અને એને ફરવા લઈ જશે. મહેશે શું કરવું, એનો નિર્ણય પંદર દિવસ પછી, તે જાતે જ લેશે. ”
વનલીલા અને મહેશ હેરત ભર્યા ચહેરે તમારી સામે જોઈ રહ્યા.

પંદર દિવસ પછી

મહેશને ઘેર પાછો લાવવા તમે અને વનલીલા, તમારી બહેન રેખાને ઘેર પહોંચી ગયા. ગાડીમાં બેસાડી મહેશને કાંકરિયા તળાવના કિનારે બેસાડી તમે પુછ્યું,” બોલ, દીકરા! હવે તેં શો નિર્ણય કર્યો?’
પ્રફુલ્લિત ચહેરા પર ચમકતી આંખો સાથે મહેશે કહ્યું,” હું નવી ટર્મથી કોમર્સ માટે તૈયારી કરીશ; અને સાથે બેન્ક કારકુન માટેની પરીક્ષાની તૈયારી પણ ચાલુ કરી દઈશ. “
“તને ખબર છે? એક મહિના પછી, દેશનું બજેટ સંસદમાં કોણ રજુ કરવાના છે?”
મહેશે તરત જવાબ આપ્યો,” આપણા નાણાં પ્રધાન -….”
‘રિલાયન્સના ચેરમેન કોણ છે?
મહેશે પટ કરતાંક જવાબ આપ્યો,” ધીરૂભાઈ અંબાણી.”
“તને ખબર છે, એ બન્ને બી.કોમ. સુધી જ ભણ્યા છે?”
અને પછી તમે સફળ નીવડેલા બી.કોમ, ગ્રેજ્યુએટોનું લિસ્ટ ખીસામાંથી કાઢીને મહેશને વંચાવી દીધું; અને ઉમેર્યું,” તારે એમ માની નથી લેવાનું કે, તારે બેન્કના કારકુન બનીને જ આખી જિંદગી ગુજારવાની છે. મેં એમ જ શરૂઆત કરી હતી; અને હું આજે ઝોનલ મેનેજર છું. અને મારા બાપાની સ્થિતિ તો સાવ સાધારણ હતી. તારે તો ખર્ચનો કોઈ પ્રશ્ન જ નથી.”
વનલીલાએ તમારી વાતને ટેકો આપ્યો અને એના પિયર પક્ષના, આમ જ સફળ નીવડેલા સંબંધીઓ વિશે વાતો કરી.
અને નવા વર્ષમાં મહેશ કોમર્સના ક્લાસમાં ભરતી થઈ ગયો.

વીસ વર્ષ પછી

રસિકલાલ! તમે રિટાયર થઈને મહેશને ઘેર રહેવા આવ્યા છો. ઘરની નજીક આવેલા પાર્કમાં વનલીલા સાથે લટાર મારી રહ્યા છો. સામે ભુલકાંઓ કિલ્લોલ કરી રહ્યાં છે. વીતેલા ભુતકાળ પર નજર ફેરવતાં, તમે સંતોષનો એક ઊંડો શ્વાસ, પાર્કની શુદ્ધ હવાની સાથે તમારા ફેફસામાં ભરી રહ્યા છો.
મહેશ અમેરિકાની એક બહુ જ મોટી કમ્પનીમાં વરસના દોઢ લાખ ડોલરના પગાર વાળું સિનિયર મેનેજરનું પદ શોભાવે છે; બે લાખ ડોલરના પોતાના મકાનમાં રહે છે; અને એના હાથ નીચે ૧૦૦ અમેરિકનો કામ કરે છે.

12 responses to “મેનેજર

 1. mdgandhi21 નવેમ્બર 2, 2014 પર 10:20 પી એમ(pm)

  બહુ સુંદર વાર્તા છે. દુધમાંથી પોરા નથી કાઢતો, પણ આ જમાનામાં જો દોઢ લાખનો પગાર હોય તો એ બે લાખના મકાનમાં-હાઉસમાં ન રહે , કદાચ બે મીલીયન હોઈ શકે….પણ , જે પણ હોય, દરેક માબાપને સમજવા જેવી સરસ વાર્તા છે તે તો કહેવું પડે……સંતાનને જેમાં રસ હોય, કે જે વિષયમાં આવડત હોય, તેનું ભણે તોજ ભવિષ્યમાં વધારે ઉપયોગી નીવડે.

  સુંદર વાર્તા…..

  • સુરેશ નવેમ્બર 3, 2014 પર 7:55 એ એમ (am)

   શ્રી. મનસુખલાલ ગાંધીને જવાબ…
   ૧. અમેરિકામાં વાર્ષિક પગાર જણાવવામાં આવતો હોય છે.
   ૨. મહેશે બી.કોમ. ફર્સ્ટ ક્લાસમાં કર્યા પછી સી.એ. માં જોડાયો હતો; પણ અનેક નિષ્ફળતાઓ પછી અને એક ચેપ્ટર બાકી હતું; ત્યારે અમેરિકાની વાટ પકડી. આથી એ ૧૪ વર્ષ પહેલાં કમાતો થયો હતો.
   ૩. સ્વાભાવિક રીતે અમેરિકાના ખર્ચા કાઢતાં એ પાંચ વરસ પહેલાં પોતાનું મકાન ધરાવતો થયો હતો.

   • mdgandhi21 નવેમ્બર 3, 2014 પર 2:11 પી એમ(pm)

    શ્રી સુરેશભાઈ,
    મેં તો અમસ્તું લખવા ખાતર મજાકમાં લખ્યું હતું, કોઈ ભુલ કાઢવાની કે ટીકા કરવાની ભાવના નહોતી. અને તમારી વાત તદ્દન સાચી છે, ૧૪ વરસ પહેલાં દોઢ-બે લાખમાં મકાન મલતાં હતાં….. કોઈક વાર મનમાં સુઝે અને મજાકના સુરમાં પણ લખવાનું મન થઈ જાય…એટલે લખાઈ જાય…..!!!!!! એટલે ખોટું ન લગાડતાં…..

 2. pragnaju નવેમ્બર 3, 2014 પર 12:39 પી એમ(pm)

  સરસ વાર્તાનો પ્રસાર પણ ઝડપી ધન્યવાદ

 3. dee35 નવેમ્બર 3, 2014 પર 10:47 પી એમ(pm)

  બાળકોને મનગમતા વિષયોમાં રાચવાદો પણ સાથે સાથે તેમનો ઉત્સાહમાં વધારો થાય તેમાટે પ્રયત્ન કરવો જોઇએ. વારંવાર ટોક ટોક પણ ન કરવા જાઇએ. તેમના મિત્રોના સંપર્કમાં રહીને તેમની પ્રગતીનો અહેવાલ પણ જાણવો જોઇએ.

 4. Pingback: ‘મેનેજર’ નો વ્યાપ | સૂરસાધના

 5. aataawaani નવેમ્બર 8, 2014 પર 10:21 એ એમ (am)

  મનેતો મારા દીકરાઓને ટોક ટોક કરવાનો કે ઉત્સાહ આપવાનો સમયજ નોતો .પણ એક વખત પરિક્ષાના સમયમાં રાતના 3 વાગ્યા પછી ઝોકા ખાતા ખાતા વાંચતો હતો .ત્યારે કીધેલું કે રાતના બાર વાગ્યા પછી પરિક્ષાનો બાપ આવતો હોય તોય વાંચવાનું નહિ . આઝાદ છોકરો ગરમ થઈને બોલ્યો .તમારે મને સારા ટકાએ પાસ થતો જોવો છે .અને બાર વાગ્યા પછી વાંચવા નથી દેવો અને બકરીયુ ચરાવ ડાવવી છે . ભણવા બાબત તું ફલાણો થજે એવો આગરહ નોતો રાખતો કેમકે હું પોતેજ ભણેલો નહિ .
  પણ એક વખત મેં એવું કીધેલું કે તું ગમે તે ભણજે અને આ દીકરો વગર ટ્યુશન મેટ્રીકમાં 14માં નંબરે પાસ થયો .અને નેશનલ સ્કોલરશીપ મેળવી .પણ અમેરિકા ગયો હોવાથી સ્કોલરશીપ પડતી મુકવી પડી અને કેમિકલ એન્જીનીયર બન્યો . મારા ભાઈના તેડાવ વાથી ઇન્ટર પાસ થયા પછી અમેરિકા ગએલો . અને કોલગેટ કંપનીમાં જોડાયો આઈરીશ સ્પ્રિંગ નામનો સાબુ જે વિશ્વમાં વેચાય છે .એ આ ઉઘાડે પગે બકરીયું ચરાવનારની શોધનું પરિણામ છે
  સૌ મિત્રોને આતાના રામ રામ

 6. aataawaani નવેમ્બર 8, 2014 પર 8:20 પી એમ(pm)

  પ્રિય પ્રજ્ઞા બેન પ્રિય પ્રજ્ઞા બેન

  એક ભાઈનો શેર છે મને યાદ નથી આવતો પણ એનો અર્થ યાદ છે . ઘણે ભાગે આ શેર અકબર ઈલાહાબાદી નો છે .
  અલ્લાહને પણ ઉર્દુ જુબાન બહુ ગમી ગએલી પણ શું કરે એના પ્યારા રસુલને કુરાન અરબી ભાષામાં ઉતરે એવી ઈચ્છા હતી . નહીતર કુરાન પણ ઉર્દુ ભાષામાં ઉતારત .

  એક ભાઈનો શેર છે મને યાદ નથી આવતો પણ એનો અર્થ યાદ છે . ઘણે ભાગે આ શેર અકબર ઈલાહાબાદી નો છે .
  અલ્લાહને પણ ઉર્દુ જુબાન બહુ ગમી ગએલી પણ શું કરે એના પ્યારા રસુલને કુરાન અરબી ભાષામાં ઉતરે એવી ઈચ્છા હતી . નહીતર કુરાન પણ ઉર્દુ ભાષામાં ઉતારત .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: