સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧- ગંદીગોબરી

આખી શ્રેણી વાંચવા અહીં ‘ક્લિક’ કરો

ગંદીગોબરી

     રોબર્ટ દસેક બાળકોની ચેસની રમત જોવામાં મશગૂલ હતો; ત્યાં જ એકાએક તેને લાગ્યું કે બારીમાંથી કોઈ ઝાંખી રહ્યું છે.

      તેણે બારી તરફ નજર કરી અને જોયું તો નવેક વરસની એક ગંદી ગોબરી છોકરી આતુરતાથી ચેસના બોર્ડ તરફ જોઈ રહી હતી. તેણે તેને અંદર બોલાવી. ફિયોના અંદર આવતાંની સાથે જ ચેસના એક બોર્ડ તરફ ધસી ગઈ અને પ્લાસ્ટિકના રાજાની સોહામણી લાગતી કૂકરી તેણે ઊઠાવી લીધી અને તેની સુંવાળપ અને આકર્ષક દેખાવને માણવામાં ઓતપ્રોત થઈ ગઈ. હવે બધાં બાળકોની નજર પણ ફિયોનાની તરફ વળી.

      ઉઘાડે પગે કોટવેના ધૂળિયા અને કાદવથી ભરેલા રસ્તા પર લાંબે સુધી ચાલવાના કારણે ફિયોનાના પગ પણ કાદવથી ખરડાયેલા હતા. તેનું આખું શરીર કંઈક કેટલાય દિવસથી નહીં નહાવાના કારણે ધૂળ અને પસીનાના થથેડાથી છવાયેલું હતું. તેના જિંથરિયા વાળ કાંઈ કેટલાય દિવસોથી ઓળાયેલા વિનાના અને ધૂળથી ભરેલા હતા. મોટા ભાઈનું ઉતરેલું અને તેના શરીરથી ઘણું મોટું ખમીસ પણ અનેક બાકોરાંઓના શણગારથી કોઈક મોડર્ન આર્ટની જેમ શોભી રહ્યું હતું !

    બધાં બાળકો ફિયોનાને ત્યાં ઊભેલી જોઈને ખડખડાટ હસી પડ્યાં. એ બધાંની લુગાન્ડા ભાષામાં બેન્જામીન બોલી  ઊઠ્યો, ”એય ગંદી ગોબરી… અહીં તારું શું કામ છે ? ચાલ એકદમ આ રૂમની બહાર જતી રહે.” બધાં બાળકો ફિયોનાની મજાક ઊડાવવાની આ રસીલી રમતમાં જોડાઈ ગયાં. ફિયોના પણ ક્યાં ઊતરે એવી હતી ? એના મોંમાંથી એ બધાંની ગંદકી વિશેની અને એમના શરીરોમાંથી ફેલાઈ રહેલી દુર્ગંધ માટે ગાળો નીકળવા લાગી. ચારે બાજુથી ભસતા કૂતરાઓથી ઘેરાયેલ વાંદરાના યુદ્ધ ખેલી લેવાના પેંતરાઓની માફક તેણે પોતાની જાતને તૈયાર કરી દીધી.

     તરત બ્રાયન બોલી ઊઠ્યો,” ફિયોના ! હું કહું છું ને કે, તું તરત ઘેર જતી રહે. અહીં તારું કશું કામ નથી.” બ્રાયન ફિયોનાનો મોટો ભાઈ હતો; અને તે બહેનની આવી મજાકમશ્કરી સહન ન કરી શક્યો.

    રોબર્ટ હવે વચ્ચે પડ્યો. તેણે ફિયોનાને એ ઓરડામાંનાં બાળકોમાં એક માત્ર પાંચ વરસની છોકરી, ગ્લોરિયાની સામે બેસાડી અને તેને ચેસની રમતના પાયાના નિયમો ફિયોનાને શીખવાડવાનું કહ્યું. જો કે, ફિયોનાને પણ પોતાનાથી ચાર વરસ નાની આ છોકરી પાસે શીખવામાં પોતાનું માન ઘવાતું લાગ્યું; પણ ઓરડાના દૂરના ભાગમાં કેરોસીનના સ્ટવ પર ઊકળી રહેલ પોરિજની સુવાસ અને તે આરોગવા મળવાની લાલચે તે ગ્લોરિયાની સામે પાટલી પર બેસી ગઈ; અને એક પછી એક કૂકરીઓની ચાલ સમજવાની કોશિશ કરવા લાગી.

Phiona_1Phiona_4

     ૨૦૦૫ની એ સાલ હતી. દસ જ વરસની ફિયોનાને નિશાળમાં જતાં પહેલાં રોજ સવારે ત્રણ કિલોમીટર દૂરથી ચાર જણના એમના કુટુંબ માટે પાણી ભરી લાવવું પડતું હતું; અને પછી સવારના નાસ્તાની વેળાએ આજુબાજુની ગલીઓમાં રહેતાં થોડાંક તવંગર(!) કુટુંબોને માએ બાફેલી મકાઈ વેચવા જવું પડતું. નિશાળેથી પાછા આવીને પણ આખી સાંજ આ જ કામ. અને જે થોડાક શિલિંગ તે કમાઈ લાવે તેટલો કુટુંબને તેણે આપેલો ટેકો!

      સૌથી નાનો રિચાર્ડ તો સવારથી જ માની સાથે આંગળી પકડીને સાથે રહેતો હતો. એને તો ઝૂંપડપટ્ટીની ધૂળિયા નિશાળમાં એકડિયું ભણવાની પણ તક મળી ન હતી. મોટોભાઈ બ્રાયન તેની અને ફિયોનાની મજૂરિયા ટીમનો કેપ્ટન હતો ! પણ થોડા કેટલાક દિવસથી તે સાંજે નિશાળમાંથી છૂટીને ગુલ્લી મારી દેતો હતો. સાંજે રમવાના સમયે મકાઈ વેચવાનું કામ ફિયોનાને એકલા જ કરવું પડતું હતું. તેને હંમેશ નવાઈ લાગતી કે બ્રાયન આમ ક્યાં છટકી જાય છે; અને રાતે બધાંની સાથે કેમ ખાતો પણ નથી ? જરૂર તેને ક્યાંકથી સાંજનું ખાવાનું મળી જતું હશે.

     તે દિવસે ફિયોનાએ આ રહસ્યનો ઉકેલ લાવવા નિર્ણય કર્યો. રોજ તો બ્રાયન હાથમાં આવતો જ નહીં; પણ તે દિવસે તેણે પાંચ કિલોમીટર ચાલીને બ્રાયન અને તેના બીજા એક મિત્રનો ચોરીછૂપીથી પીછો કર્યા કર્યો. ઝૂંપડપટ્ટીથી દૂર આવેલા ધૂળિયા મેદાનમાં થોડાક છોકરાઓ સાથે બ્રાયન સોકર રમવા લાગ્યો. ત્રીસેક વરસનો એક ચબરાક લાગતો યુવાન તેમને તાલીમ આપી રહ્યો હતો. તેની એક બાપ જેવી મમતા ફિયોનાને સ્પર્શી ગઈ.

     રમત પત્યે બન્ને મિત્રો ત્યાંથી થોડેક દૂર આવેલા અને થોડાક ઠીક લાગતા મકાન તરફ વળ્યા. ફિયોનાને ખબર હતી કે ઝૂંપડપટ્ટીના તીનપાટિયા ચર્ચના પાદરી જ્‍હોન માઈકલ મુગેરવાની ઑફિસ ત્યાં હતી. વચ્ચે બ્રાયનને ખબર પડી ગઈ કે ફિયોના તેમનો પીછો કરી રહી છે. તેણે તેને ઘેર જવા ઠપકારી. ફિયોનાએ પાછા જવાનો દેખાવ તો કર્યો, પણ અડધો કલાક બાદ તે મુગેરવાની ઑફિસના વરંડામાં ઝાંકતી ઊભી રહી ગઈ. તેણે જોયું કે સોકર શીખવતો એ જ પ્રભાવ શાળી યુવાન મકાનના વરંડામાં બધાં ભેગાં થયેલાં છોકરાંવને કશુંક શીખવી રહ્યો હતો.

       આ દૃશ્ય તે ચોરીછૂપીથી નિહાળી રહી હતી; ત્યાં જ બ્રાયને તેને પકડી પાડી હતી.

      રમતનો સમય પૂરો થયો અને બધાંની સાથે ફિયોનાને પણ પોરિજનો વાડકો ખાવા માટે મળ્યો. ત્યાં કોઈ ચમચાઓ તો હતા જ નહીં. બધાં બાળકો હાથની પાંચે આંગળીઓથી પોરિજ આરોગવામાં મશગૂલ બની ગયાં. ઘેર મળતા લૂખાસૂકા ભોજન કરતાં આ સ્વાદિષ્ઠ વાનગી (!) જમતાં જમતાં સૌના ચહેરા પર મલકાટ છાનો રહી શકતો ન હતો. ફિયોના તો તે સાંજની આ સૌથી આકર્ષક બાબતથી સાતમા આસમાનમાં વિહરવા લાગી.

* * * * *

(ક્રમશ: )

ચર્ચાની એરણે :

      “રોબર્ટ કે ફિયોના બન્નેમાંથી કોઈને ક્યાં ખબર હતી કે, એક મહાન ચમત્કારના ભાગ બનવાની એક મધુર ઘડી તેમના બન્નેના માટે જન્મી ચૂકી હતી?”

     આ લેખકનું આમ માનવું છે, કારણ કે તેને અંતની ખબર છે. પણ તમે આવા ચમત્કારોમાં માનો છો ખરા ? વાચકોને આ ચર્ચામાં જોડાવા હાર્દિક આમંત્રણ છે.


One response to “કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧- ગંદીગોબરી

  1. Vinod R. Patel મે 25, 2015 પર 11:27 એ એમ (am)

    લઘુ નવલની શરૂઆત રસ દાયક થઇ છે. આગળ શું બનશે એની જીજ્ઞાસા થાય એવી વાર્તાની માંડણી થઇ છે. લેખક અને લેખન ની એ જ તો ખૂબી હોય છે .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: