ફિયોનાની માતા હેરિયેટનો જન્મ આશરે ૧૯૬૯માં થયો, ત્યારે એનાં મા કે બાપ કોઈને તે સહેજ પણ આવકાર્ય ન હતી. માતા કેવિના નાન્યાન્ઝી અને પિતા લિવિન્ગ્સ્ટન કિગોઝીની તે અનૌરસ દીકરી હતી. લિવિન્ગ્સ્ટનને જુદાંજુદાં ગામોમાં અનેક પ્રેમિકાઓ હતી અને તે બધીઓની સાથે વારાફરતી રહ્યા કરતો હતો! તેની આવી એક રખાત સ્ત્રી કેવિનાથી સીટા ગામમાં અવતરેલ દીકરી એ હેરિયેટ. કેવિના કદીક તેના પતિ સાથે, તો કદીક માતાની સાથે રહેતી હતી. એ બધી ઘરબદલીઓમાં હેરિયેટનું ભણતર કદી સળંગ રહી શક્યું નહીં. છેવટે બાર વર્ષની ઉંમરે ચોથા ધોરણમાં હેરિયેટે ભણવાને રામરામ કહી દીધા અને માતાની સાથે જીવતરના જંગમાં ઝુકાવી દીધું તેની મા કોટવેના રસ્તા પર સાંજે કસાવા વેચીને ગુજરાન ચલાવી રહી હતી. એ કામમાં હેરિયેટ પણ જોતરાઈ ગઈ.
’બાળપણનું સુખ કોને કહેવાય તે મેં કદી અનુભવ્યું નથી.’ – હેરિયેટ ઉવાચ. પણ તે હજુ યાદ કરે છે કે એ ઉંમરમાં તેણે નર્સ બનવાનાં સપનાં સેવ્યાં હતાં. ‘કેવાં સરસ ચોખ્ખાં ચણક કપડાં અને લોકોની કેવી સરસ સેવા કરાય ?’
હેરિયેટ પંદર જ વરસની હતી, ત્યારે ગોડફ્રે બયિન્ઝાએ એને નાનીનાની ભેટો આપી લોભાવી અને તેની સાથે તે રાતો ગાળવા લાગી. આના પ્રતાપે એને એક દીકરી જન્મી. તે રાતે જન્મી હોવાથી એનું નામ હેરિયેટે નાઈટ રાખ્યું. ગોડફ્રે તો તેની બીજી પત્ની સાથે રહેવા ભાગી ગયો હતો, પણ તે જ્યારે હેરિયેટને મળવા પાછો આવ્યો; ત્યારે કેવિનાએ તેને હેરિયેટની જવાબદારી લેવા મજબૂર કરી દીધો. નાનકડી નાઈટની સાથે હેરિયેટ કોટવેમાં જ તેના પતિ સાથે રહેવા લાગી. જે નિશાળમાં તે થોડુંક પણ ભણી હતી, તેના રસોડામાં હેરિયેટને નોકરી પણ મળી ગઈ.
છેવટે સુખના થોડાક દિવસો હેરિયેટને જોવા મળ્યા ખરા ! આમ તેણે દસ વર્ષ ગાળ્યાં; જેમાં બીજાં ત્રણ બાળકો જન્મ્યાં – જુલિયેટ, બ્રાયન અને ફિયોના. આશરે ૧૯૯૬માં ફિયોનાનો જન્મ થયો હતો, એમ માનવામાં આવે છે!; તેની જન્મ તારીખ તો શું – જન્મ વર્ષનો પણ કોઈ જ રેકર્ડ નથી. કોટવેનાં ઝૂંપડાંઓમાં વસતાં કમનસીબો વસ્તીપત્રકમાં માત્ર ચૂંટણીની જરૂરિયાતો માટે જ અસ્તિત્વ ધરાવતાં હોય છે! ફિયોનાને તો તેના બાપની કશી યાદ નથી, પણ તેનાં મોટાં ભાંડુઓ કહે છે કે ગોડફ્રે પ્રેમાળ બાપ હતો અને તેની સાથેના સુખદ જીવનનાં સંસ્મરણો તેમને હજુ પણ યાદ છે. કદીક તે આખા કુટુંબને વીડિયો હૉલમાં કે સૉકરની રમત જોવા પણ લઈ જતો હતો.
હેરિયેટે તેના પાંચમા બાળક રિચાર્ડને જન્મ આપ્યાને બે મહિના થયા અને ગોડફ્રેને કશીક અસાધ્ય બીમારી લાગુ પડી. હવે તે વેલ્ડર તરીકેના તેના કામ પર જઈ શકતો ન હતો. આટલા મોટા કુટુંબનો ગુજારો તે કરી શકે તેમ ન હતો. બીજે પણ તેનું આવું જ બીજું કુટુંબ પણ તેની સહાયની રાહ જોઈ જ રહ્યું હતું ને ?! આ બધી હતાશાઓમાં તે ઘર છોડીને ભાગી ગયો. હેરિયેટની સ્કૂલની નોકરી પણ કમભાગ્યે છૂટી ગઈ. આખા કબીલાના માથે જાણે આભ જ ટૂટી પડ્યું. ઝૂંપડાનું ભાડું ન ભરાવાના કારણે તે પણ ખાલી કરવું પડ્યું અને હેરિયેટને થાકી-હારીને માનો આશરો લેવો પડ્યો.
૧૯૯૯માં ગોડફ્રેના આગલા લગ્નથી જન્મેલી દીકરીએ હેરિયેટને ખબર આપી કે ગોડફ્રે તેના ગામમાં મરણ પથારીએ છે. હેરિયેટ બધાં બાળકોને લઈને પતિના ગામ બુયુબુ પહોંચી ગઈ, ત્યારે તેને ખબર પડી કે ગોડફ્રેને એઈડ્ઝની બીમારી લાગુ પડી હતી અને તે છેલ્લા તબક્કામાં રિબાઈ રહ્યો હતો. કોઈની સાથે વાત કરવા પણ તે અશક્ત હતો. ચાર જ દિવસમાં તે મરણ શરણ થઈ ગયો. શોકમગ્ન અને ભગ્ન હેરિયેટે માંડમાંડ તેની સ્મશાનક્રિયા પતાવી. આ તેની શોક્યનું કુટુંબ હતું, છતાં પણ તેમણે હેરિયેટને સધિયારો આપ્યો કે પાંચ બાળકોને તે એકલે હાથે કોટવેમાં ઉછેરી નહીં શકે અને તેનાં બાળકો તેમની સાથે જ બુયુબુમાં રહે, તે વધારે યોગ્ય રહેશે. આથી હેરિયેટ માત્ર નાનકડા રિચાર્ડને લઈને કોટવે પાછી આવી.
હજુ મહિનો પણ પૂરો થયો ન હતો અને ખબર આવ્યા કે તેની વચેટ દીકરી જુલિયેટ સખત રીતે બીમાર થઈ ગઈ છે. હેરિયેટ સફાળી બુયુબુ પહોંચી ગઈ, પણ જુલિયેટનું શબ જ તે જોઈ શકી. નાઈટ અને નાનકડાં ફિયોના અને બ્રાયન માટે તો વ્હાલસોયી બહેન જુલિયેટને ગુમાવ્યાનો ઓથાર અસહ્ય હતો.
હેરિયેટે નક્કી કર્યું કે બાળકો વિના રહેવાનું તેને માટે અશક્ય છે. આથી તે તેની મા કેવિનાને ઘેર કોટવેમાં આખું હાઉસન જાઉસન લઈને પાછી આવી ગઈ. તેને મનમાં વહેમ પણ પેસી ગયો હતો કે ગોડફ્રેના સંગમાં તેને પણ એઈડ્ઝ લાગુ પડ્યો જ હશે અને કોઈ પણ ઘડીએ જમરાજાનું તેડું આવી શકે તેમ છે. આત્મહત્યા કરવાના ખ્યાલો તેના માનસમાં સતત ઘોળાવા લાગ્યા, પણ માસૂમ બાળકો સામે જોતાં તેમને બળપૂર્વક દબાવી દેવા પડ્યા.
આવા સંજોગોમાં ફિયોનાના બાળપણની દારૂણ કઠણાઈઓનો આરંભ થઈ ગયો.
* * * * *
( ક્રમશ: )
ચર્ચાની એરણે :
હેરિયેટનાં દુ:ખો માટે તમે કોને જવાબદાર ઠેરવો છો ? આ માટે સમાજના ઉત્તરદાયિત્વ અંગે તમે શું વિચારો છો ?
Like this:
Like Loading...
Related
વાચકોના પ્રતિભાવ