સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કોટવેથી મેનહટન : પ્રકરણ – ૪ – બાળમજૂર

આખી શ્રેણી વાંચવા અહીં ‘ક્લિક’ કરો

     ૨૦૦૧ની સાલના એક દિવસે પાંચ વરસની  ફિયોના માએ બાફેલી મકાઈ એક તબડકામાં માથે લઈ કોટવેની ગલીઓમાં ઘૂમી રહી હતી. ચારેક છોકરાઓને દૂરથી આવતા તેણે જોયા. તેના માસૂમ મનમાં ઘરાકી થવાની આશા બંધાઈ. નજીક આવતાં જ ચારે જણાએ ફિયોનાના  માથેથી તબડકું નીચે ઉતરાવ્યું; દરેકે બે બે મકાઈના ડોડા લીધા. અને… કશી ચુકવણી કર્યા વિના ચારેય જણા ભાગી ગયા.

    તબડકાના ભાર સાથે આ નાનકડી બાલિકા તેમનો પીછો શી રીતે કરે ?  તેમને ગાળો દેવાના હોશ પણ તેનામાં ન હતા. તે ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી. બાજુના ઝુંપડામાં રહેતી એક બાઈને દયા આવી અને તેણે આઠ મકાઈના ડોડા તેનાં બાળકો માટે ખરીદી  લીધા. થોડીક કળ વળતાં તે આગળ વધી અને બે ચાર કલાકે બધું વેચાણ પતાવી, થાકેલી પાકેલી તે થોડોક પોરો ખાવા બેઠી. ખિસ્સામાંથી કાઢી મળેલી ૧૨૦૦ શિલિંગની માતબર મતા( !) તે મલકાતી મલકાતી ગણી રહી હતી.

     દસેક વરસની બે છોકરીઓ સામેથી આવી રહી હતી. ‘ઓલ્યા  કાળમુખાઓ મકાઈ લૂંટી ગયા ન હોત, તો આમને તે વેચી શકાત; અને બીજા ૮૦૦ શિલિંગ વકરામાં ઉમેરાયા હોત !’ – એવા વિચાર ફિયોનાના મનમાં ઘુમરાઈ રહ્યા.

      અને આ શું ?  એ બે જણીઓ ફિયોનાની ઉપર ટૂટી પડી અને તેના હાથમાંની નોટો ઝૂંટવીને સફાળી ભાગી ગઈ.

     ફિયોનાનું કૂમળું જગત તે ગોઝારા દિવસે ધરતીકંપની જેમ  ઉથપપાથલ થઈ ગયું.

      અને બ્રાયન ?  જે સાથીઓ સાથે એ સ્કૂલમાં ભણતો હતો, એ બધા નિશાળ છૂટ્યા પછી રમતમાં મશગૂલ હતા; અને તે તેમને બાફેલી મકાઈ વેચી રહ્યો હતો.

        કેવી એ હતાશા હશે ?  કેવો એ અકિંચનતાનો ઓથાર ?  ભવિષ્યની ચિંતા કરવાનો તો વિચાર જ એમાં ક્યાંથી હોય ?  આખા દિવસના વૈતરા, સંઘર્ષ અને થાક પછી વ્હાલાં કુટુંબીજનો સાથે સાંજનું ભોજન મળી રહે – એ જ તો એકમાત્ર સપનું હતું ને ?  અને તે દિવસે ફિયોનાનું એ સપનું પણ રોળાઈ ગયું હતું.

…….

       કે.જી.માં દાખલ થવાની જગ્યાએ પાંચ જ વરસની ફિયોના બાળમજૂર બની ગઈ હતી. પિતા અને બહેન જુલિયેટનાં અણધાર્યાં મરણ,  નોકરી ગુમાવી ચુકેલી મા  અને ભાડાના મકાનમાંથી હકાલપટ્ટી – આ સંજોગોની ભરમાર વચ્ચે બીજો કોઈ વિકલ્પ જ ક્યાં હતો ?  ભણતરની જગ્યાએ સાંજનું વાળું કેમ મેળવવું એ જ આ દુખિયારા કુટુંબ માટેનો પ્રાણપ્રશ્ન  હતો ને !

     ૧૩ વરસની નાઈટ અને ૬ વરસના બ્રાયન સાથે મજૂરટોળીમાં  ફિયોનાની પણ ભરતી થઈ ગઈ. સવારમાં હેરિયેટ સ્લમની સામેની બાજુએ આવેલા કિબુયે માર્કેટમાંથી  ઉછીની રીતે મકાઈ લઈ આવતી  અને બાફીને ત્રણ તબડકાંઓમાં નાઈટ, બ્રાયન અને ફિયોનાના માથે ચઢાવી દેતી. જે આવક થાય તેમાંથી જ સાંજનું ખાવાનું અને એમાંથી બચે તેનો સવારી નાસ્તો ! એ વેચાણની બચતમાંથી જ આગલા દિવસે ખરીદેલા મકાઈનું બિલ ચુકવાય ને !  દાદીમા કેવિનાના આશરે હતાં; એટલે મકાનનું ભાડું ચુકવવાનો સવાલ સદભાગ્યે ન હતો !

     ફિયોનાની જવાબદારી હતી – વીસ મકાઈના ડોડા વેચવાની – જેનાથી ૨૦૦૦ શિલિંગની આવક તે કુટુંબને કરાવી આપે. (આ મહાન આંકડાથી અંજાઈ જવાય; પણ સતત વીસ વરસથી ચાલી રહેલા જાતિ જાતિ વચ્ચેના આંતર વિગ્રહમાં યુગાન્ડાનું અર્થતંત્ર એટલું તો ખાડે ગયેલું હતું કે એ બે હજાર શિલિંગ તો સાવ મામૂલી રકમ જ હતી !

    રડમસ ચહેરે, અસહ્ય ભૂખથી પિડાતા પેટ સાથે અને સાવ ખાલી હાથે ફિયોના તે દિવસે ઘેર પાછી આવી. આ અસહ્ય  આપત્તિથી બેબાકળી બની ગયેલી હેરિયેટ સોટી ઉગામ્યા વિના ન રહી શકી. કુટુંબનો આખા દિવસનો નફો બાજુમાં વહી રહેલી ગંદા પાણીની નીકમાં વહી ગયો હતો.

    આવા તો અનેક દારૂણ અનુભવોથી ફિયોના ટેવાવા લાગી. કદીક તો બીજાં ભાઈબહેનો પણ સાવ મામૂલી વકરો કરીને પાછાં આવતાં. બીજા દિવસની માર્કેટમાથી ખરીદી માટે રકમ બાજુએ મૂકતાં ખાવા માટે એક શિલિંગ પણ બચ્યો ન હોય; તેવા કપરા દિવસો પણ આવી જતા. ઘણા દિવસે સૌને રાતે માત્ર ચા પીને ચલાવી પડતું. કેટલાય એવા દિવસો હતા કે છોકરાંવને લૂખુંસૂકું જમાડીને હેરિયેટને ભૂખી જ સૂઈ જવું પડતું.

     અને ફિયોનાની એ દિવસોની દિનચર્યાનો આ તો એક જ ભાગ હતો. સવારે ઊઠીને આખા દિવસ માટે પીવાનું અને રસોઈનું પાણી લઈ આવવાની જવાબદારી તેની હતી. એકલી એ પ્રક્રિયા જ પૂરા ત્રણ કલાકની હતી ! કદીક એ વાસણ માથે મૂકીને આ નાનકડી છોકરી પાડોશી માટે પણ પાણીનો જગ ઊંચકી લાવી થોડાક શિલિંગ  કમાઈ લેતી હતી. અને દિવસના અંતે કપડાં પણ ધોવાનાં જ ને ?  વરસાદ પડતો હોય તો એ ઝૂંપડાની શોભાની જેમ દોરી પર ઝુમ્મરની જેમ લટકેલાં રહેતાં !

       હેરિયેટને શાળામાં શિક્ષણની અગત્યતાની ખબર તો હતી; પણ તે બિચારી આ બધી જફામાંથી ક્યાંથી ફીની રકમ કાઢી શકે ?  છતાં કકડે કકડે તે નિશાળમાં તેમને દાખલ કરાવતી. એ છ વરસના ગાળામાં ફિયોના બીજા ધોરણ સુધી તો પહોંચી શકી હતી !

     પણ… દરેક કાળા ડિબાંગ વાદળની આજુબાજુ સોનેરી રેખા હોય છે તેમ  આવા દારૂણ અનુભવોથી ફિયોના હવે ટેવાવા લાગી હતી. રક્ષણ જ નહીં, આક્રમણ કરવામાં પણ તે પાવરધી બની ગઈ હતી. તેની છ વરસની ઉંમરે, પાડોશના એક છોકરાએ ફિયોનાને બાપ ન હોવા માટે ચિઢાવી; ત્યારે તે તેની ઉપર ચઢી બેઠી હતી અને તેનું  ગળું દબાવી દીધું હતું. જો હેરિયેટ વચ્ચે ન પડી હોત તો ઈવડો એ પરલોક સિધાવી ગયો હોત !

      ફિયોના પોતે જ કહે છે કે, ”મને ગાળો દેવાનું, મારામારી કરવાનું અને એવી ઘણી બધી ખરાબ રહેણીકરણી આપોઆપ આવડી ગઈ હતી. મને ટોકનાર પણ ક્યાં કોઈ હતું ! બિચારી મા તો તેની પોતાની જંજાળોમાં જ કેટલી બધી ગળાડૂબ હતી ?”

* * * * *

( ક્રમશ: )

ચર્ચાની એરણે :

[“આમ જીવનના જંગમાં જીવતા રહેવાની કળામાં માહેર થતી  જતી ફિયોનાને પોતાનું અને પોતાની મતાનું રક્ષણ કરવાની વ્યૂહરચનાઓ  હવે બરાબર આવડવા માંડી  હતી – ચેસની રમતની ચાલોની જેમ જ તો !”]

જીવન અને ચેસની રમતની સરખામણી કરતી કલ્પનાઓ આવકાર્ય છે. 

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: