સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કોટવેથી મેનહટન : પ્રકરણ –૫ ; મૃત્યુ સાથે મૂઠભેડ

આખી શ્રેણી વાંચવા અહીં ‘ક્લિક’ કરો

        ફિયોના સાત વરસની હતી, ત્યારની આ વાત છે. એક દિવસે સાંજે મકાઈનું વેચાણ પતાવીને તે ઘેર પાછી આવી રહી હતી, ત્યારે તેનું શરીર બહુ જ અકડાઈ રહ્યું હતું. એકએક ડગલું તે માંડ ભરી રહી હતી. તેને રસ્તાની બાજુમાં જ સૂઈ જવાનું મન થયા કરતું હતું, પણ ખીસામાં જાળવીને રાખેલી આખી સાંજના વેચાણની મતા કોઈ લૂંટી જાય એનો ડર તેના માથે ઝળૂંબી રહ્યો હતો. માંડમાંડ તે ઘેર તો પહોંચી, પણ અંદર આવતાં જ તે ઢળી પડી. માત્ર બ્રાયન જ ઘેર હતો. તેની મા જ્યાં વેચાણ કરી રહી હતી, ત્યાં દોડી ગયો અને તેને આ ખબર આપી.

      હેરિયેટ દોટ મૂકીને ઘર તરફ દોડી. ઘરમાં આવતાં જ તેણે જોયું કે ફિયોનાનું શરીર તાવથી ધગધગી રહ્યું હતું. તેણે તેની જાણીતી વનસ્પતિના ભૂકાનો ઉકાળો બનાવી ફિયોનાને પાયો. માંડમાંડ તેણે પીધો તો ખરો, પણ તરત તેને ઉલટી થઈ ગઈ અને તે બેભાન બનીને પડી ગઈ. હેરિયેટે તેના કપાળ અને માથા પર પાણીનાં પોતાં મૂકવાનું શરૂ કર્યું.

     મોડી રાતે તાવ ઊતરવા લાગ્યો અને ફિયોનાનું શરીર ઠંડું પડવા લાગ્યું. હેરિયેટને હવે શાંતિ થઈ અને તે પણ સૂઈ ગઈ. પણ સવારે ફિયોના ઊઠવાનું નામ લેતી ન હતી. તેનો શ્વાસ પણ ચાલતો ન હતો અને છાતી પણ ધબકતી લાગતી ન હતી. હેરિયેટ ગભરાઈ ગઈ અને પાડોશની એક સ્ત્રીને બોલાવી લાવી. તેણે જાહેર કર્યું, ”અરે! આ તો સ્વધામે પહોંચી ગઈ છે.” ઘરમાં રોકકળ મચી ગઈ. બીજી બે પાડોશણો આ રોકકળ સાંભળી આવી પહોંચી. બધાંએ ફિયોનાને તપાસી અને તે મરણ પામી છે, તેની સૌને ખાતરી થઈ ગઈ. જાતિના રિવાજ પ્રમાણે તેના નાકમાં રૂનાં પૂમડાં મૂકવામાં આવ્યાં. ઘરની જે થોડી ઘણી સામગ્રી હતી, તે ઘરની બહાર મૂકી દીધી અને ફિયોનાના શરીરને ઝૂંપડીની વચ્ચે મૂકીને બધાં તેની સદગતિ માટે પ્રાર્થના કરવા લાગ્યાં.

      હેરિયેટ ચર્ચ તરફ રવાના થઈ – પાદરી અને બીજાંઓને વાત કરવા કે ફિયોનાને દફનાવવા કાંઈક રકમ એકઠી કરી શકાય. હેરિયેટના ગયા પછી ફિયોનાના શરીરની બાજુમાં જ બેઠેલી અને હેરિયેટની ગેરહાજરીમાં કુટુંબની વડીલ એવી નાઈટને લાગ્યું કે ફિયોનાના હાથ પર પસીનો વળી રહ્યો હતો. તેના શ્વાસ પણ ધીમે ધીમે ચાલતા હોય તેમ લાગ્યું. તરત એના નાકમાંથી પૂમડાં કાઢી નાંખવામાં આવ્યાં. બીજી સ્ત્રીઓએ પ્રાર્થના બંધ કરી, ફિયોનાના શરીરને માલિશ કરવા લાગી. બધાંના આશ્ચર્ય વચ્ચે ફિયોનાએ આંખો અડધીપડધી ખોલી પણ ખરી !

     હેરિયેટ પાછી આવી, ત્યારે તે માની જ ન શકી કે તેની વ્હાલસોયી દીકરી મોતને હાથતાળી આપીને પાછી આવી ગઈ હતી. પડોશની એક સ્ત્રી બોલી ઊઠી, ”આ ફિયોના નથી. કોઈ પ્રેત એના શરીરમાં ઘૂસી ગયું છે!”  બધું ઠેરનું ઠેર કરી, બધાં વિખરાયાં. બે ત્રણ દિવસે ફિયોનાના શરીરમાં તાકાત આવી અને તે ઝૂંપડીની બહાર ફરવા લાગી. પણ આજુબાજુનાં બાળકો તેની સામે કેટલાય દિવસો સુધી જાણે કોઈ પ્રેતને જોઈ રહ્યાં હોય, તેમ ડરતાં રહ્યાં અને તેની સાથે વાતચીત કરવાનું પણ ટાળતાં રહ્યાં. આસપાસમાં એવી વાતો પણ ઊડી કે ફિયોના સેતાનનો અવતાર છે, કારણ કે સેતાનનાં સંતાનો જ શબ બનતાં અને ભગવાન પાસે જતાં ડરે છે! ઘણીય સ્ત્રીઓએ હેરિયેટને સલાહ પણ આપી કે,”ગામડેથી ભૂવા મહારાજને બોલાવી, ફિયોનાના શરીરમાંથી પ્રેતને ભગાડી દેવું જોઈએ !” ખેર, આ અબૂધ પ્રજા જાતજાતની માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓનો આમેય શિકાર બનતી રહેતી હોય છે, પણ હેરિયેટનો જિસસની કરુણામાં વિશ્વાસ અડગ હતો.

     એક વરસ પછી ફરીથી ફિયોના આમ જ બીમાર પડી, પણ આ વખતે હેરિયેટ આડોશપાડોશમાંથી રકમ ઉછીની લઈને ફિયોનાને હૉસ્પિટલ જ લઈ ગઈ. ડોક્ટરે કહ્યું કે, “આમ તો મેલેરિયાનો તાવ જ છે, પણ છેલ્લી અવસ્થાની ભયંકરતાવાળો છે. એની કમરમાં પાણી ભરાઈ ગયું છે, તે કાઢવું પડશે. તે બચી જાય એવી શક્યતા બહુ ઓછી છે.” નાઈટને ફિયોના પાસે રાખી, ફિયોનાને દફનાવવી પડે તો ફરીથી બીજી થોડી રકમ ભેગી કરવા હેરિયેટ નીકળી પડી. તેને એમ જ લાગ્યું કે આ વખતે તો ફિયોના નહીં જ બચી શકે.

    પણ ડોક્ટર અને બધાંના આશ્ચર્ય વચ્ચે ફિયોના સાજી થઈ ગઈ! હેરિયેટના મનમાં પાદરીએ કહેલા શબ્દો ગૂંજતા જ રહ્યા,” આ છોકરી ભગવાનને વ્હાલી છે. જિસસ એને કોઈક અકળ ભવિષ્ય તરફ દોરી રહ્યા છે.”

* * * * *

( ક્રમશ: )

ચર્ચાની એરણે :

[“જીવનની ચેસની રમતમાં ફિયોનાએ અજ્ઞાત રીતે મોતની રાણીને બે વખત મ્હાત કરી હતી !” શું તમે લેખકના વિચારો સાથે સહમત છો કે આને તેમની કલ્પનાનો ખેલ ગણો છો ?! ]

One response to “કોટવેથી મેનહટન : પ્રકરણ –૫ ; મૃત્યુ સાથે મૂઠભેડ

  1. Vinod R. Patel જૂન 21, 2015 પર 2:24 પી એમ(pm)

    આ છોકરી ભગવાનને વ્હાલી છે. જિસસ એને કોઈક અકળ ભવિષ્ય તરફ દોરી રહ્યા છે.”

    આ વાક્યમાં ફીયોનાના ઉજળા ભાવિની આગાહી છે .કહે છે ને કે અણી ચુક્યો સો વર્ષ જીવે એટલું જ નહી

    પણ કૈક કરી બતાવીને જાય.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: