ગ્લોરિયા….કોટવેના સ્લમનું એક બીજું સેમ્પલ ! કટેન્ડેની ચેસ ક્લબના સૌથી જૂના ખેલાડીઓમાંના એક અને એ ક્લબના એ સમયના સૌથી શ્રેષ્ઠ ખેલાડી – બેન્જામિનની બહેન. એ ઓળખ કરતાં વધારે નવાઈ પમાડે તેવી વાસ્તવિકતા એ કે, બે જ જણનાં કુટુંબનું એ બાળક અને બેન્જામિન એનો વાલી !
વાત જાણે એમ છે કે ગ્લોરિયા બે જ વરસની હતી, ત્યારે એ બન્નેની માતા કોટવેમાં ગુજરાન ચલાવવું દોહ્યલું લાગતાં આ બે ભાંડુંના ભાગી ગયેલા બાપને ગોતવા ગઈ તે ગઈ જ. એમ કહે છે કે એના વરે તેને કોઈ કોઠું ન આપતાં તેણે આપઘાત કર્યો હતો. કોઈક વળી એમ કહે છે કે, ‘વિક્ટોરિયા તળાવમાં આવેલા ટાપુઓ પર એ માછલાં પકડવાના કામમાં જોતરાઈ ગઈ છે.’ જેમ હોય તેમ. બે વરસથી બેનજામિન જ કોટવેના રસ્તા પરની એક હોટલમાં નાનુંમોટું કામ કરતો હતો અને બહેનનો વાલી પણ હતો ! એની નોકરી સવારના પાંચથી સાંજના પાંચ સુધીની. એ સોકર રમવા આવી શકે તેમ ન હતું અને શરીરે પણ એ બહુ સશક્ત ન હતો, પણ ચેસમાં એને ઠીક ગેડ બેસી ગઈ હતી. સાંજે પોરિજ મળે અને રાંધવાની કડાકૂટ બચે, એટલે તેણે ગ્લોરિયાને પણ ચેસ ક્લબમાં દાખલ કરી દીધી હતી.
ફિયોના માટે ગ્લોરિયાને મહાત કરવાનો સંકલ્પ કરવો એક વાત હતી અને એનું અમલીકરણ કરવું એ બીજી વાત હતી. ગ્લોરિયા છ મહિનાથી આ રમત રમતી હતી. એને થોડીથોડી ચાલબાજી આવડવા માંડી હતી. ફિયોનાથી નાની હોવા છતાં તે સિનિયર હતી !
ત્રીજા દિવસથી ફિયોના એકદમ ધ્યાનથી ગ્લોરિયાની રમત જોવા લાગી. એને એ સમજાતું જ નહોતું કે, ‘હાથે ચાલીને ગ્લોરિયા તેનું પ્યાદું મારવા શા માટે સામે ધરી દેતી હતી ?’ ફટ કરતાંક ખુશ થઈને ફિયોના એને ઊડાવી તો દેતી; પણ તરત ગ્લોરિયાનો હાથી, ઊંટ કે ઘોડું ધસમસતું આવી જતું અને ફિયોનાના ગઢમાં પેસી ખાનાખરાબી કરી દેતું. કેટલાય દિવસ પછી ફિયોનાને એ વાતનું ભાન થયું કે તાત્કાલિક ફાયદો માત્ર જોવાથી અહીં કામ હાલવાનું નથ ! આમ કેટલાય દિવસ પછી એને એ પ્યાદું મેળવી લેવાની લાલચ પર લગામ મારવાનું અતિજ્ઞાન થયું !
અને આમ ને આમ દિવસો પર દિવસો વીતવા લાગ્યા અને નવીનવી ચાલો ફિયોનાને હસ્તગત થતી ગઈ. તેને પોતાની રમતનું રક્ષણ કરવાનું આવડી ગયું. હવે ગ્લોરિયા એના ગઢમાં ગાબડાં પાડી શકતી ન હતી, એને સાણસામાં (Fork) લઈ શકતી ન હતી. એ બેની રમત હવે નીરસ બની ગઈ હતી. આથી એકબે રમત રમીને કોઈ પરિણામ લાવ્યા વિના બન્ને બીજા ચેસના ખેરખાંની રમત જોવા ઊભી રહી જતી. ત્યાં ફિયોનાને જ્ઞાન થવા લાગ્યું કે એ મહારથીઓ બહુ લાંબી નજરવાળા હતા ! ત્રીજા કે ચોથા પગલે એમની વ્યૂહરચના પરિણામ આપતી હતી. રક્ષણ અને આક્રમણ બન્નેની તરફ એ ખેરખાંઓ નજર રાખી શકતા હતા.
ચેસનું બોર્ડ કોટવેના સ્લમ જેવું રણમેદાન હતું; બલ્કે એના આટાપાટા, પડકારો, રસાકસી અને પેંતરા વધારે જટિલ હતા. રમત પણ એમના જીવનના રગશિયા ગાડા કરતાં બહુ જ દિલચસ્પ હતી. સૌથી વધારે અગત્યની વાત તો એ હતી કે અહીં રમનાર કોઈનું ઓશિયાળું કે ગરીબડું ન હતું. કાબેલિયત કેળવી શકાય એવી હતી અને એનું એક ફદિયું પણ ચૂકવવાનું ન હતું ! અહીં રમનાર રાણીના પ્યાદા જેવું શક્તિમાન બની શકે તેમ હતું.
બીજું એક મહત્ત્વનું અને ધીમેધીમે કામ કરવા માંડેલું પરિબળ એ હતું કે, રમતની સભ્યતા અને વર્તણૂકની શિસ્તબદ્ધતા આપોઆપ રમનારમાં ખીલતાં જતાં હતાં. તેના કરતાં ચાર વરસ નાની હોવા છતાં, ફિયોનાનો પિત્તો હટે કે ગાળ બોલવા જાય; ત્યારે એ ટબુકડી એને ટપારતી. આમ ફિયોનાની અંદર એક નવા જ વ્યક્તિત્વનો અંકુર ફૂટવા લાગ્યો હતો.
આમ ને આમ બે મહિના વીતી ગયા. ચબરાક શિક્ષક એવા કટેન્ડેને ફિયોનામાં આવી રહેલું પરિવર્તન ખ્યાલમાં આવી ગયું હતું. તેણે હવે ફિયોનાને છોકરાઓની પાસે શીખવા બેસાડી દીધી. ઈવાન અને બેન્જામિન બહુ સારા નાયબ કોચ હતા અને તેમની સાથે ફિયોના હવે રમતના મધ્ય અને અંત ભાગના દાવપેચ શીખવા લાગી.
જેમ જેમ ફિયોનાનો રમતમાં રસ વધવા લાગ્યો, તેમ તેમ કુટુંબની અંદર તેને ભોગવવી પડતી યાતનાઓ સહ્ય બનવા લાગી.
* * * * *
જિજ્ઞાસુઓ માટે ચેસની રમત અંગેના મહત્ત્વના લિંક્સ :
http://en.wikipedia.org/wiki/Rules_of_chess
http://www.chess.com/learn-how-to-play-chess
( ક્રમશ: )
ચર્ચાની એરણે :
[“જો કે એ ઓથાર કેટલો ભયાવહ હતો કે તે જાણવા આપણે થોડીક રાહ જોવી રહી !”
આપણને સ્લમવાસીઓની મુશ્કેલીઓની સાવ જ જાણ નથી – એમ નથી; પણ તમને એમ નથી લાગતું કે….
‘લેખક આ બધી કરુણતાઓનું વિગતે બયાન કરી રહ્યા છે, જેની કશી જ જરૂર નથી.’ ? ]
Like this:
Like Loading...
Related
વાચકોના પ્રતિભાવ