સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કોટવેથી મેનહટન : પ્રકરણ – ૭; નાઈટ

આખી શ્રેણી વાંચવા અહીં ‘ક્લિક’ કરો

      નાઈટ – હેરિયેટની પાટવી કુંવરી ! જ્યારે તે જન્મી હશે, ત્યારે ખીલતી કળી જેવી યુવાન હેરિયેટને કેટલો ઉમંગ હશે ? કેવા કેવા અરમાન એની આ પહેલા ખોળાની લાડલી માટે તેણે યુવાનીના ઉંબર પર પ્રવેશતાં સેવ્યાં હશે ?

     પણ દસેક વર્ષના પતિ સાથેના ચપટીક સુખી લગ્ન જીવન પછી હેરિયેટને માથે દુ:ખનો પહાડ ટૂટી પડ્યો; અથવા તો આપત્તિઓના ચક્રવાતે તેના ચહચહતા માળાને ઊંડી, કાજળ કાળી, ભયાવહ ખીણમાં ફંગોળી દીધો. પતિનું મૃત્યુ, નિશાળમાં રસોઈ બનાવવાની નોકરીમાંથી રૂખસદ, પ્રમાણમાં ઠીક કહી શકાય તેવા પતિના મકાનમાંથી હકાલપટ્ટી, એક વ્હાલસોયી ઊગતી કળી જેવી દીકરીનો દેહાંત, જે માતાએ તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકી હતી, ત્યાં જ આશરો લેવાની મજબૂરી, ચારચાર માસૂમ બાળકોને ઉછેરવાની જવાબદારી, વેચાણકામનો બિનઅનુભવ…. આટલી વ્યથાઓ સૃષ્ટિના સર્જનહારને હેરિયેટ માટે પૂરતી લાગતી ન હતી. જેનો અંત આવવાની કોઈ જ આશાયેશ ન હતી; તેવું અંધકાર, યાતનાઓ અને હતાશાથી ભરેલું તેની જીવનયાત્રામાં વચ્ચે આવી પડેલું બોગદું વધારે ને વધારે ઊંડું અને ઘનઘોર બનતું જતું હતું.

    કસાવા વેચવાના અને મકાઈ બાફીને છોકરાંવ પાસે વેચાવવાના ધંધામાં હેરિયેટની અણઆવડત છતી થઈ ગઈ. તેણે સૂવાના ગોદડાની અવેજીમાં માર્કિટમાંથી માલ સામાન ઉછીનો મેળવવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ એમાંથી થતો નફો રોજના ખોરાકમાં અને બ્રાયન અને ફિયોનાની શાળાની ફી ભરવામાં જ વપરાઈ જતો. છેવટે ખરીદીની રકમ ન ચૂકવાતાં તેને સૂવાનું ગોદડું ગુમાવવું પડ્યું. અતિશય વૃદ્ધ બનેલી કેવિના સમેત સૌ માટે ભૂમિશયન જ હવે રાતના સુખનો આશરો બની ગયું.

     આટલું ઓછું હોય તેમ, એક જ વ્યક્તિ રહી શકે તેવા એ ઝૂંપડાના મકાનમાલિકે છ મહિનાનું ભાડું ન ચુકવાયાના કારણે હેરિયેટને એ ખાલી કરી દેવાની નોટિસ ફટકારી દીધી. કોટવેના છેવાડે આવેલા, સસ્તા ભાડાના એક ઝૂંપડામાં બદલી તો કરી, પણ છેવટે કેવિના આ દુઃખમાંથી કાયમી છૂટકારો પામી ગઈ. એની અંતિમ ક્રિયાનું ખર્ચ તો આડોશપાડોશની મદદથી પત્યું, પણ એક દિવસ ઘરની સામગ્રી ભગવાનના ભરોંસે મૂકીને બધાં કામે ગયાં હતાં; ત્યારે પાછા આવતાં ખબર પડી કે એના બારણે તાળું ન હોવાના કારણે અને સાવ નિર્જન વિસ્તાર હોવાના કારણે બધી મતા ચોરાઈ ગઈ હતી. હવે તો બીજું ઝૂંપડું પણ કાળક્રમે હેરિયેટને મળે તેમ ન હતું.

     દૂરના એક મશિયાઈ ભાઈને દયા આવતાં પોતાના ઝૂંપડામાં તેમને ચારેક મહિના રહેવા દીધાં, પણ એ આફ્રિકન જંગલી મેલી વિદ્યાની સાધના કરતો હતો. તેને સતત વહેમ રહેતો હતો કે હેરિયેટનાં નાનાં બાળકો પેશાબ કરે છે, એટલે એની સાધના ફળતી નથી અને તેને પત્ની મળતી નથી. આ કારણે એના ઘરમાંથી પણ સૌને બહાર નીકળી જવું પડ્યું.

     છેવટે પાંચેય જણાં રસ્તા પર રઝળતાં થઈ ગયાં. કિબુયે માર્કિટની દુકાનોના ઓટલે તેમનો રેન બસેરા હતો. વરસાદ આવે ત્યારે પલળવામાંથી બચવાની કોઈ જ શક્યતા નહીં અને એ ભીને કપડે જ બાકીની રાત ઠુંઠવાતાં ઠુંઠવાતાં ગુજારવાની. ધોયેલાં કપડાં પણ ક્યાં સૂકવવા, એની રોજ પળોજણ. કોઈકે આવી અસલામત રીતે રહેવા કરતાં બાપને ગામ જતા રહેવા હેરિયેટને સલાહ આપી, પણ ત્યાં જવાના બસભાડનાં ફદિયાં ગાંઠે હોય તો જવાયને ? ત્યાં આશરો મળવાની કોઈ સંભાવના પણ ક્યાં હતી ? એ લોકોને ખાવા માટે કસાવા વેચવાનો ધંધો તો હજી ચાલુ જ હતો, પણ ઘણા દિવસ એવા જતા કે છોકરાંવ જ માંડ સાંજનું વાળુ પામતાં – અને આખા દિવસની કમર તોડી નાંખે તેવી મજૂરી બાદ હેરિયેટને તો નક્કોરડા જ સૂઈ જવું પડતું.

     આમ મહિનો વીત્યો હશે, ત્યારે અમુક હિતેશરીઓએ હેરિયેટના કુટુંબની આ દયાજનક હાલતની વાત ચર્ચના પાદરીને કરી અને રાતે ચર્ચના વરંડામાં આશરો લેવાની પરવાનગી મળી. બધાંને એ રાત જાણે કોઈ મહેલમાં રહેવા મળ્યું હોય તેવો હાશકારો થયો !

     યુવાની ફૂટુંફૂટું કરી રહી હતી તેવી નાઈટને માટે આ સ્થિતિ અસહ્ય બની. તેણે આ દારૂણ પરિસ્થિતિમાંથી થોડીક રાહત મેળવવાનો કોટવેની ગલીઓનો સૌથી સહેલો રસ્તો ગોતી કાઢ્યો. રસ્તામાં ચાલતાં ઘણા યુવાનો તેની સામે ચેનચાળા તો કરતા જ હતા. એક દિવસ રસ્તા પરથી પસાર થઈ રહેલી ઓટોરિક્ષા તેની પાસે થોભી. એમાંથી ઊતરીને એક સુખી લાગતા માણસે નાઈટને સાથે બેસી જવા આમંત્રી. હવે આ સૂચન ન સમજે તેવી તે નાદાન ન હતી. તેને આખા કુટુંબ માટે ઊજળા ભવિષ્યનાં દર્શન આ શક્યતામાં થયાં. આંખો મીંચીને નાઈટ એ રિક્ષામાં બેસી ગઈ. પાછી આવી, ત્યારે તેનું કૌમાર્ય લૂંટાઈ ગયું હતું; પણ તેને પહેરવા ઉચ્ચ મધ્યમ વર્ગની સ્ત્રીઓ પહેરે તેવું ફ્રોક અને ગળે સસ્તી, ચમકતી માળા હતી. મોડી રાતે તે પાછી આવી ત્યારે તેણે હેરિયેટના હાથમાં ૨૦,૦૦૦ શિલિંગ મૂકી દીધા. હેરિયેટ દીકરીને શું કહે ? આ વિવશતા સ્વીકાર્યા સિવાય તેની પાસે બીજો કયો વિકલ્પ બાકી જ રહ્યો હતો ?

    આમ જગતના સૌથી પ્રાચીન આ ધંધામાં નાઈટે પગ માંડી દીધા. દિવસ પછી દિવસ વીતતા ગયા અને આ કામમાં નાઈટને ફાવટ આવતી ગઈ. તેનો દેખાવ અને પહેરવેશ પણ હવે ઘણાં આકર્ષક બની ગયાં હતાં. હવે તે દરરોજ વધારે ને વધારે રકમ માના હાથમાં મૂકી શકતી હતી.

    છેવટે તેને રખાત તરીકે રાખનાર એક ગરજુ જણ મળી ગયો. નાઈટ એની સાથે રહેવા ચાલી ગઈ. પણ એ વ્હાલસોયી દીકરીએ મા અને ભાંડુઓને રહેવા એક ઝૂંપડાની વ્યવસ્થા તો કરી જ દીધી. આમ હેરિયેટનો રહેવાનો પ્રશ્ન દીકરીના દેહના વેચાણમાંથી નીકળવા લાગ્યો. ઘરમાં ખાનારું એક પેટ પણ ઓછું થયું જ હતું ને ? અવારનવાર નાઈટ મળવા આવતી અને માના હાથમાં ઠીક ઠીક કહી શકાય તેવી રકમ મૂકી જતી – અને કદીક ભાંડુઓ માટે નવાં કપડાં પણ આપી જતી.

    આ પછી પણ હેરિયેટને અલગ અલગ કારણોથી બીજાં ત્રણ ઘર બદલવાં પડ્યાં, પણ વિધિની આ બધી વક્રતાઓએ હવે હેરિયેટને વધારે સમજદાર બનાવી દીધી હતી. અનુભવે એને એ શીખવા મળ્યું કે શાકવાળીના ધંધામાં વધારે સારી બરકત રહેશે અને છોકરાંઓને ભણાવી પણ શકાશે. આથી હવે તે રોજ રાતે બે વાગે ઊઠી કિબુયેના જથ્થાબંધ શાકભાજીના માર્કિટમાંથી શાક ખરીદી લાવવાનો અને તેનું છૂટક વેચાણ કરવાનો ધંધો શરૂ કર્યો. આમાં તેને પ્રમાણમાં ઓછી મજૂરી કરવી પડતી અને નફો પણ ઠીક રહેતો હતો. અલબત્ત રાતે પાછી આવે, ત્યારે તો છોકરાંઓ ઊંઘી જ ગયાં હોય. કેટલાય દિવસ જતા કે બાળકો મા સાથે વાતચીત કરી શક્યાં હોય. પરંતુ ધીમે ધીમે હેરિયેટનું ગાડું ઘાંચમાથી બહાર આવવા લાગ્યું. તેણે એની સામગ્રીમાં પણ વધારો કરવા માંડ્યો. હવે તે પ્લાસ્ટિકનો સસ્તો સામાન, અન્ડરવેર, ટુથપેસ્ટ વગેરે પણ વેચવા લાગી.

    જ્યારે ચેસની રાણીની કૂકરી ફિયોનાએ પહેલી વખત પોતાના હાથમાં લીધી હતી, ત્યારે નાઈટ કોઈકની વાસના સંતોષી રહેલી રાણીના રૂપમાં એક અનોખું આત્મબલિદાન આપી રહી હતી.

* * * * *

( ક્રમશ: )

ચર્ચાની એરણે :

આપણે હેરિયેટની આ પાટવી કુંવરીને અભિનંદન આપીશું કે ફિટકારીશુ ? મારા મતે કહું તો “ધન્ય છે એ હૈયાંને જે લોહીની સગાઈનો બદલો લોહીના ધંધામાથી ચૂકવે છે. ધન્ય છે એ કુમળી કન્યાઓને જે ભાંડુઓ અને વ્હાલી મા માટે આંખ મીંચીને પોતાની આબરૂનું લીલામ થવા દે છે.”

વાચકોને પ્રતિભાવરૂપે ચર્ચામાં જોડાવા હાર્દિક નિમંત્રણ છે.

Advertisements

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: