સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કોટવેથી મેનહટન : પ્રકરણ – ૯ ફાધર ગ્રાઈમ ટુર્નામેન્ટ

આખી શ્રેણી વાંચવા અહીં ‘ક્લિક’ કરો

     અને તે દિવસ આવી જ પહોંચ્યો. રોબર્ટ હવે જાતે ફિયોનાને ભણાવવા લાગ્યો !

     જોસેફને હરાવ્યા પછી, ફિયોનાએ દરરોજ ઈવાન અને બેન્જામિન સાથે રમવાનું રોબર્ટ માસ્ટરે નક્કી કર્યું. તેની બહુગામી યોજના (Master plan) મુજબ આમને આમ ખાલી રમતો રમ્યે રાખવાથી કાંઈ વળવાનું નહોતું. બહુ ઓછાં છોકરાં ચેસ પ્રોજેક્ટમાં ટકી રહેતાં હતાં – જોસેફાઈનની જેમ છોકરીઓ તો ખાસ. જો ત્રણ ચાર જણને કમ્પાલામાં રમાતી જુનિયર ટુર્નામેન્ટમાં ઉતારવામાં આવે, તો જ તેમની આવડતની ખરેખરી કસોટી થઈ શકે, નવી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે અને આ પ્રવૃત્તિ કમ્પાલાના બીજા સ્લમ વિસ્તારોમાં પણ પ્રસારી શકાય.

      એક દિવસ છૂટા પડતી વખતે રોબર્ટે કરેલા એક નાનકડા જ સૂચનને ફિયોનાએ આત્મસાત્ કરી લીધું હતું અને પોતાની અક્કલ હોશિયારીથી તેણે જોસેફને મ્હાત કર્યો હતો. ચકોર રોબર્ટ આ પરિવર્તન, આ નવ-ઉત્થાન કળી ગયો હતો. આ નાનીસૂની બાબત ન હતી. ફિયોનામાં રહેલી જન્મજાત પ્રતિભાની કળી હવે ઉઘડી ગઈ હતી. ઉચ્ચ કક્ષાના ગુલાબને ખીલવા માટે જે માવજત જરૂરી હોય, તેવી માવજત હવે આ બાગબાન માટે આવશ્યક બની ગઈ હતી.

     અને જુઓ તો ખરા ! આ દસ જ વરસની બાળા હવે બીજા અને ત્રીજા નંબરના ખેલાડીઓ સામે સહેજ પણ ગભરાયા વિના હોડ મારવા માંડી હતી. બન્ને ઉસ્તાદોને કહેવામાં આવ્યું કે, ‘જીતવા માટે તેને કોઈ જ સૂચનો હવે આપવાનાં નથી.’ અને હવે એ સૂચનો જરૂરી પણ ક્યાં હતાં ? હવે તો એક વરસનું નાનકડું લીંડોળિયું ઊભું થઈને ચાલવા અને દોડવા લાગે, તેમ ફિયોના હરણફાળો ભરવા માંડી હતી.

    અને આથી ગણતરીના દિવસોમાં જ રોબર્ટે જાતે ફિયોનાને તૈયાર કરવાનું શરૂ કરી દીધું.

Katende       આ કામ રોબર્ટ ધારતો હતો, એટલું સહેલું ન હતું. તે પોતે તો સૉકરનો (ફૂટબોલ) ખેલાડી હતો. તેણે તે પ્રોજેક્ટથી જ સ્લમનાં બાળકોને નવી દિશા આપવાનું શરૂ કર્યું હતું ને ? તેણે ચર્ચની લાયબ્રેરીમાંથી ફિયોનાને શીખવવા માટે ચેસની ચોપડીઓ લાવીને વાંચવાનું શરૂ કર્યું. દરરોજ કોઈને કોઈ નવી ચાલ, નવા ચક્રવ્યૂહ, નવા ધોબીપછાડ તેની એરણ પર પધારવા લાગ્યા. કદીક તો ફિયોનાએ બહુ વિચારીને આગળ ધપાવેલા દાવની જગ્યાએ તે તેને મૂંઝવવા ખોટી ચાલ સૂચવતો. પણ ફિયોના નમ્રતાથી કહી દેતી,”માફ કરો સર ! કદાચ મારી ચાલ બરાબર છે !” રોબર્ટે જોયું કે, ફિયોનાની ગાડી હવે ફ્રન્ટિયર મેલની જેમ પૂરપાટ દોડી રહી હતી. હવે તો તે હવામાં ઊડતી (Air borne) થઈ ચૂકી હતી.

     ૨૦૦૫ની સાલ – ચેસ પ્રોજેક્ટ શરૂ કર્યાને માંડ એક જ વર્ષ – અને સમય ગુમાવ્યા વિના રોબર્ટ ‘યુગાન્ડા ચેસ ફાઉન્ડેશન’ના ચેરમેન ઇનોચ બુરૂમ્બાને મળવા ગયો હતો. ઔપચારિક વાતો પરથી તેણે કહ્યું,” સાહેબ ! મેં કોટવે સ્લમનાં છએક છોકરાઓ અને એક છોકરીને ચેસની જુનિયર ટુર્નામેન્ટમાં ઉતરવા તૈયાર કર્યાં છે. બીજી શાળાઓનાં બાળકો સામે તેમને હરીફાઈમાં ઉતારવાં છે.”

      ઈનોચે રોકડું પરખાવી દીધું, “છટ ! સ્લમનાં બાળકો અને ઉચ્ચ કુટુંબમાંથી આવતાં બાળકોની સાથે અને સામે ? એ ગંદાં, સભ્યતા વિનાનાં, ગાળાગાળી કરતાં, ચોર, લબાડ બંદરોની સાથે રાખીને મારે એ બધાંને ભગાડી મૂકવાં ? જાજરમાન શાળાઓના આચાર્યો અને સભ્ય સમાજની નારાજી વહોરી લેવી ?  હરગિજ નહીં.” આમ છતાં પણ રોબર્ટ હિંમત હાર્યા વિના ત્રણ મહિના લગણ ઈનોચને મળતો રહ્યો, પણ તેને કોઈ સફળતા મળે તેવી શક્યતા જ ન હતી.

      નિરાશ થઈને રોબર્ટ હવે શું કરવું, તે વિચારવા લાગ્યો.

      ફાધર ગ્રાઈમ ડેમિયન – યુગાન્ડાની જુનિયર ચેસ ટુર્નામેન્ટના પ્રણેતા. ૧૯૬૭માં રોમન કેથોલિક ચર્ચ વડે ચલાવાતી નામાસાગલી કોલેજ (યુગાન્ડાની સૌથી વધારે પ્રતિષ્ઠિત માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની શાળા)ના આચાર્ય તરીકે ગ્રેટ બ્રિટનમાંથી નિમણૂક થયા બાદ, તેમણે પોતાની શાળાનાં બાળકોને માટે ચેસની તાલીમ આપવાની શરૂઆત કરી હતી. ધીમે ધીમે તેનો પ્રસાર બીજી શાળાઓમાં પણ થવા લાગ્યો. અમુક વર્ષો પછી આવી બધી શાળાઓ વચ્ચે ટુર્નામેન્ટો યોજાવા માંડી. આ ટુર્નામેન્ટ ‘ફાધર ગ્રાઈમ ટુર્નામેન્ટ’ તરીકે જાણીતી થઈ ગઈ. (નોંધવા લાયક બાબત એ છે કે, આવી ઘણી બધી શાળાઓના આચાર્યો ઈદી અમીનના ક્રૂર શાસન બાદ પણ ગોરાઓ હતા. આંતરિક વિગ્રહોથી ખદબદતા યુગાન્ડામાં તો બુદ્ધિધન વિકસે એમ જ ક્યાં હતું?)

Grime      રોબર્ટ એ સંસ્થાના જનરલ સેક્રેટરી ગોડફ્રે ગલીને પણ મળતો હતો. એક દિવસ તે ગલીને ઈવાન અને ફિયોનાની રમત જોવા લઈ આવ્યો. એ રમત જોઈને ગલી તો આશ્ચર્યચકિત બની ગયો.  આ બાળકોની શક્તિ માટે તેને માન ઉપજ્યું. તેમની સભ્ય વર્તણૂક પણ સભ્ય સમાજના કોઈ બાળક કરતાં સહેજ પણ ઉતરતી ન હતી. હા ! તેમનો લઘરવઘર પહેરવેશ અને મડદાલ દેખાવ તેમની દરિદ્રતાની ચાડી ખાતાં હતાં. પણ તેણે વિચાર્યું, “એ દેખાવ બદલવા માટેનાં કપડાંની કિંમત કેટલી ? થોડીક ટાપટીપ, થોડોક પફ પાવડર – અને નાટકના સ્ટેજ પરના હીરોની જેમ આ ત્રણ જણને તો ચમકાવી દેવાય ને ? ટુર્નામેન્ટ વખતના ખાણીપીણીના ખર્ચ આગળ એ તો મામૂલી વિસાત જ ને ?’ તેના મગજમાં હવે નવો દાવ શો ખેલવો એનો ચક્રવ્યૂહ (Fork) ઘડાવા લાગ્યો! તેણે ઈનોચને સમજાવી લેવાનું બીડું ઝડપી લીધું. તેણે ઈનોચના મનમાં એમ ઠસાવી દીધું કે, ‘જો આ બાળકોને સ્પર્ધામાં ભાગ લેવા દીધા વગર માત્ર રમવા જ દેવાય; તો પણ યુગાન્ડાના શાસકોને સમાજના તરછોડાયેલા અને ઉપેક્ષિત વર્ગમાં ઘણી બધી સહાનુભૂતિ અને રાજકીય લાભ મળી શકે તેમ છે. તેની પોતાની બઢતી માટે પણ આ એક પગથિયું બની શકે !’

      આ વાત ઈનોચના મગજમાં ઉતરી ગઈ. પોતાને પણ આનાથી મોટો લાભ થાય, એવી આ મહાન ચાલ એના મગજમાં શીરાની જેમ ઉતરી ગઈ ! તેણે બહુ આનાકાની બાદ, જો આ બાળકોની રજિસ્ટ્રેશન ફી ભરવામાં આવે તો, તેમને રમવા દેવાની પરવાનગી આપી. બીજે જ દિવસે ‘સ્પોર્ટ્સ આઉટરીચ’ના પ્રમુખ રોડની સુદીથે એ રકમની વ્યવસ્થા કરી દીધી.

     આમ ૨૦૦૫ની ટુર્નામેન્ટમાં ‘બાળકોની ટીમ’ તરીકે છ જણાને રમવાની લીલી ઝંડી મળી ગઈ, પણ એક છોકરીને તો સામેલ નહીં જ કરવાની બાંહેધરી કટેન્ડેએ આપવી પડી.

     જ્યારે રોબર્ટે આવીને આ વાત બધાં બાળકોને કરી, ત્યારે એ અબૂધ બાળકો સમજી જ ન શક્યાં કે હવે તેમણે શું કરવાનું છે ! એમને માટે તો પાદરી મુગેરવાનો એ વરંડો માત્ર જ તેમના અભાગિયા જીવતરનું સાતમું સ્વર્ગ હતો. એ સિવાયની કોઈ દુનિયા હોઈ જ શકે; તેનો કશો ખ્યાલ તેમને ન હતો – સિવાય કે દૂરદૂરથી દેખાતી, કમ્પાલાની ગગબચૂંબી ઇમારતો. એમાં પ્રવેશી પણ શકાય, એવી આ પામર જંતુઓને કલ્પના પણ ક્યાંથી આવે ?

     રોબર્ટનું હવે પછીનું ચેસની રમત શિખવાડવા કરતાં પણ વધારે મુશ્કેલ કામ તેણે નક્કી કરેલાં છ જણને માનસિક રીતે તૈયાર કરવાનું હતું. તેમની લઘુતાગ્રંથિને નાનાંનાનાં કામચલાઉ થીગડાં લગાડવાનાં હતાં ! રોબર્ટને પોતાના જીવનમાં એવા અભિમન્યુના કોઠા તેણે શી રીતે પસાર કર્યા હતા; તે તવારીખ સિલસિલાબંધ યાદ આવી ગઈ. કેવી હતી એ કઠોર યાત્રા ? કેવાં કેવાં સીધાં ચઢાણ ? રોબર્ટની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

     ખેર…..એ શુભ દિવસે એ છ બાળકો જ નહીં, પણ ફિયોના અને કમ્પાલાનાં સ્લમવાસી બાળકો માટે, એ સમસ્ત ગંદી,ગોબરી જમાત માટે પ્રગતિનાં સુવર્ણદ્વાર ફટાબાર ખૂલી ગયાં.

……………….( ક્રમશ: )

ચર્ચાની એરણે :

બીજા જ દિવસે ‘સ્પોર્ટ્સ આઉટરીચ’ના પ્રમુખ રોડની સુદીથે એ રકમની વ્યવસ્થા કરી દીધી.

ખ્રિસ્તી ચર્ચે કરેલાં આવાં મિશનરી કામો વિશે તમારો શો અભિપ્રાય છે ? શું આવું બીજા સમાજોમાં બનતું તમે જોયું છે ?

One response to “કોટવેથી મેનહટન : પ્રકરણ – ૯ ફાધર ગ્રાઈમ ટુર્નામેન્ટ

 1. pragnaju જુલાઇ 19, 2015 પર 11:19 એ એમ (am)

  ફિયોનાને ઘરનું વાતાવરણ, ફેમીલી નું કડક વલણ, નાનપણની શારીરિક અને માનસિક ક્ષતિ થી નોર-એપીનેફ્રીન જેવા ન્યૂરોટ્રાન્સમીટરનું પ્રમાણ ઓછું થાય. રોબર્ટ એ ઇનસાઇટ-ઓરિએન્ટેડ સાઇકોથેરપી તેની લઘુતાગ્રંથિમાંથી બહાર લાવી . – બિહેવ્યર થેરપી, એસર્ટિવ ટ્રેનિંગ તથા ગ્રૂપ થેરપીથી આત્મવિશ્વાસ વધારે છે અને તે પોતાની લાગણી અને વિચાર વધારે સારી રીતે, ડર્યા વગર વ્યક્ત કરી શકે છે આત્મવિશ્વાસ વધારે છે અને સાથે સ્લમવાસી બાળકો માટે, એ સમસ્ત ગંદી,ગોબરી જમાત માટે પ્રગતિનાં સુવર્ણદ્વાર ફટાબાર ખૂલી જાય છે.આ વાત કદાચ સિધ્ધી થી પણ અગત્યની…
  અને આપના એરણ
  ખ્રિસ્તી ચર્ચે કરેલાં આવાં મિશનરી કામો નો ઉહાપોહ તો ઘણો થાય છે અમારા સર્વોદયી આ. જયપ્રકાશ નારાયણજી જેવા એ સેવા માટે મધર નૅચરનો આશરો લઇ આકાશ ગગા સૂર્ય ચંદ્ર તારા કોઇના નથી..જેવા ગીતોથી સભા શરુ કરતા પણ વિશ્વભરમા તેઓનો જોટો હાલ તો દેખાતો નથી
  માણો આ વિચારો
  Video for dalit us help youtube▶ 2:01:01
  http://www.youtube.com/watch?v=_6-xip9QCYM
  Feb 16, 2014 – Uploaded by Shen Pe Uts Taa-Neter
  Black-Americans, in general, seem almost idolized by the Dalit, and the … African-American leaders can give our struggle tremendous support …

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: