સેમ્યુઅલ, રિચાર્ડ, ઈવાન, જુલિયસ, જિરાલ્ડ અને બ્રાયનને (ફિયોનાનો મોટો ભાઈ) લઈને મીની બસ પુરપાટ વેગે કોટવેથી ૪૫ મિનીટના રસ્તે આવેલ મપીગી તરફ ધસી રહી હતી.
તેમની ઉમર સાત અને તેર વર્ષની વચ્ચે હતી. અલબત્ત સાથે કોચ રોબર્ટ કટેન્ડે પણ હતો જ. સાત દિવસ બધાંએ ત્યાં જ રહેવાનું હતું. બેન્જામિન ચેસ પ્રોજેક્ટ ચાલુ રાખવા રોકાયો હતો. બ્રાયન સિવાય કોઈએ કોઈ વાહનમાં કદી મુસાફરી કરી જ ન હતી ! એ તો બધા જાણે પરદેશ જઈ રહ્યા હોય, એવી મગરૂરીમાં મ્હાલતા હતા. બ્રાયન પણ તેની માની સાથે પિતાના મરણ વખતે ગામ ગયો હતો, એટલું જ ને ? એ વખતે એ કેટલો નાનો પણ હતો ?
બધાંના મનમાં આ નવા અનુભવ વિશે શંકા-કુશંકાઓ ચાલુ જ હતી. ‘કેવી એ જગ્યા હશે ? ઉચ્ચ વર્ગના અને અંગ્રેજી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ કેવા હશે ? એમની સાથે શી રીતે તેઓ ભળી શકશે ? શી રીતે તેમની સાથે રમી શકાશે ? વ્હાલસોયાં કુટુંબીજનોથી દૂર, સાવ અજાણી જગ્યાએ રહેવાનું કેવું રહેશે ?’
એ કહેવાની જરૂર છે ખરી કે, અત્યંત મોટા કામમાં વ્યસ્ત (!) ગલી આ છોકરાંવ માટે કપડાંની વ્યવસ્થા કરવાનું વીસરી ગયો હતો ? બધાએ એમનાં સારામાં સારાં કપડાં જ પહેરેલાં હતાં; અને સાથે બીજી એક જ એવી જોડ હતી. કોઈકના કપડામાં કાણાં હતાં, તો કોઈકના કપડા પર પોરિજના ડાઘ ! કોઈકે મોટાભાઈનું ખમીસ પહેર્યું હતું. નરસિંહ મહેતાએ કાઢેલી જાન જેવો એ સૌનો દેખાવ હતો !
અને છેવટે મીની બસ મપીગીની કિન્ગ્સ કોલેજના પ્રાંગણમાં પ્રવેશી. કોલેજના મકાનની આગળ વિશાળ બગીચો હતો; અને તેમાં લીલોતરી લહેરાતી હતી. જાતજાતનાં ફૂલોના ક્યારાથી વાતાવારણ મઘમઘી રહ્યું હતું. જાણે કોઈ સપન ભોમકામાં આવ્યા હોય; તેમ બધા વિસ્ફારિત આંખે આ તમાશૂ જોઈ રહ્યા. બ્રાયને તો પોતાની જાતને ચૂંટલી પણ ખણી જોઈ કે, આ સપનું તો નથી ને ? !
કોલેજની હૉસ્ટેલની ડોર્મિટરીમાં તેમને ઉતારો આપવામાં આવ્યો હતો. પણ કેવો હતો એ ઉતારો ? બીજા છોકરાઓ માટે અલાયદા પલંગો હતા. પણ આમના માટે તો માત્ર રજિસ્ટ્રેશનની રકમ જ ચુકવવામાં આવી હતી; આથી બધાંની વચ્ચે એક જ ગાદલું આપવામાં આવ્યું હતું. પણ એ કાંઈ મોટી જફા ન હતી. મોટા ભાગના પોતાના ઘેર ગાદલાનો ઓશીકા તરીકે ઉપયોગ કરીને જ સૂવા ટેવાયેલા હતા ને ? !
સવારનો નાસ્તો પતાવી બધા કોલેજના થિયેટરમાં યોજાયેલ ટુર્નામેન્ટના થાનકે પહોંચી ગયા. કેવો હતો એ નાસ્તો ? ઈંડાં, દૂધ, ટોસ્ટ અને ફળો. નિશાળમાં શિક્ષણને કારણે બધાંનાં નામ તો તેમને આવડતાં હતાં, પણ જીવનમાં પહેલી જ વખત તેમનો સ્વાદ ચાખવા મળ્યો હતો. છરી, કાંટા અને ચમચી વાપરવામાં પણ તેમની અણઘડતા દેખાઈ આવતી હતી. રમત એક આલિશાન હૉલમાં યોજાઈ હતી. આંખો આંજી નાંખે તેવી અને ચકાચૌંધ કરી નાંખે તેવી ફ્લડ લાઈટો, સિલિંગ ફેન અને દરેક ટેબલ પર નવાં નક્કોર ચેસબોર્ડ અને લાકડાની, પૉલિશ કરેલી કૂકરીઓ જોઈને તેમને શંકા થઈ કે, ‘અહીં શી રીતે તેઓ બેસી પણ શકશે ?’
રોબર્ટ છોકરાઓના મનમાં ચાલી રહેલી ગડભાંજ સમજી ગયો. તેણે તેમને એક બાજુએ લઈને કહ્યું,”આ બધાંની રીતભાત જુદી છે; પણ રમત તો આપણે રમતા હતા તે જ છે. તમે પ્લાસ્ટિકની કૂકરીઓથી રમતા હતા; અને આ લાકડાની છે. પણ રાજા, રાણી, ઘોડો.ઊંટ, હાથી અને પેદાંની ચાલમાં કશો જ ફરક નથી. રમત પર જ ધ્યાન રાખજો. સહેજ પણ ડરવાનું કે ગભરાવાનું નથી. ભૂલી ન જતા કે, જિસસ તમારી સાથે જ છે. આપણાં બધાં મિત્રોનું ભાવિ તમારા હાથમાં છે. એ બધાંને આવી તક મળે તેવો દેખાવ કરવાની આપણાં બધાંની ફરજ છે.”
આ લોકો કઈ નિશાળમાંથી આવે છે; તે બીજાં બાળકો જાણવા આતુર હતાં, પણ એ રહસ્ય ખુલ્લું થઈ જતાં વાર ન લાગી કે આ તો સ્લમવાસીઓ છે. ઘણા મોં મચકોડવા લાગ્યા, કોઈકે તો સીધી મશ્કરી પણ કરી. છ એ છ જણા ક્ષોભ અને લઘુતાગ્રંથિથી કાંપતા હતા.રમત શરૂ થઈ પછી કેટલાય વખત સુધી જિરાલ્ડ તો એટલો બધો કાંપતો હતો કે તે કૂકરી પણ પકડી શકતો ન હતો. પરંતુ થોડા વખત પછી તેણે જોયું કે તેના સાથીઓ રમતમાં મશગૂલ થઈને રમતા હતા અને તે પણ સ્વસ્થ બનીને રમવા લાગ્યો.
બપોરના ભોજનના વિરામ વખતે જાતજાતની, કદી ન ભાળી હોય, તેવી વાનગીઓ ટેબલ પર જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. ઘણી વાનગીઓનાં તો નામ પણ તેમને આવડતાં ન હતાં. એ શી રીતે ખવાય એની બીજી અવઢવ પણ હતી, પણ એમના જીવનમાં આટલું બધું ખાવા તેમને કદી મળ્યું ન હતું. રાતના ભોજન વખતે તો બ્રાયન અને જુલિયસ બોલી પણ ઊઠ્યા,” મને સહેજ પણ ભૂખ નથી.” લગભગ છયે છ જણની એ જ હાલત હતી ! તેમના હાલ જોઈ બીજાં બાળકો અને સંચાલકો મૂછમાં મલકાતા હતા.
પણ જેમ જેમ દિવસો વીતતા ગયા; તેમ તેમ બીજી શાળાઓના વિદ્યાર્થીઓએ જોયું કે આ બધા રમતમાં તો તેમના જેટલા જ કાબેલ હતા. એ ઉંમરે પૂર્વગ્રહો લાંબા ટકતા નથી હોતા. બીજા દિવસે જ બધા હળીમળીને, હસતાં, રમતાં એકેબીજાની સાથે ભળી ગયા. જો કે આ છમાંનો એક પણં અંગ્રેજી બોલી શકતો ન હતો; અને કોક અળવીતરાઓ આ માટે તેમની મજાક પણ ઊડાવતા હતા ! પણ એકંદરે અલકમલકની વાતો અને ટોળટપ્પાથી માહોલ મિત્રતાભર્યો બની રહ્યો. રમતના સંચાલકો અને ખાસ તો ઈનોચ અને ગલી આ છ જણાની વર્તણૂક અને રીતભાતની સભ્યતાથી બહુ જ ખુશખુશાલ બની ગયા. ગલી તો આ બાળકોની કોઈ પણ કામમાં મદદરૂપ થવાની ભાવના અને શારીરિક તાકાત પર ઓળઘોળ થઈ ગયો. તેણે રોબર્ટને કહ્યું પણ ખરું,”હવેથી બધી ટુર્નામેન્ટોમાં તમારી ટીમનું સ્થાન નક્કી જ છે.”
રમતના છેલ્લા દિવસે પરિણામો જાહેર થયાં, ત્યારે કોટવેની ટીમે મધ્યનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. બધાને ભાગ લેવા માટે મેડલ (ચંદ્રક) અને જીતેલી રમતો માટેની ટ્રોફીઓ આપવામાં આવી હતી. પણ તકલીફ તો ઘેર પાછા પહોંચ્યા પછી થઈ. દરેકે એમને મળેલી મતા રોબર્ટને સોંપી દીધી. એમના ઘરમાંથી તેમને એ ચોરાઈ જવાનો ડર હતો !
આ કાંઈ નાનીસૂની સિદ્ધિ ન જ હતી. એક વર્ષની રોબર્ટની તપસ્યા લેખે લાગી હતી. હવે રોબર્ટે તેની વ્યૂહરચના પ્રમાણે પાંખો પસારવાનું શરૂ કરી દીધું. હવે તેણે આ બધા મેડલો અને ટ્રોફીઓ બીજા સ્લમ વિસ્તારમાં બતાવીને કોટવેનાં બાળકોએ પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ વિશે સૌને માહિતગાર કર્યા. થોડાક જ વખતમાં કિબસુલી, નતીતે અને બ્વાઈઝ સ્લમોમાં પણ ચેસ પ્રોજેક્ટો ચાલુ થઈ ગયા. અને હવે તેની પાસે તાલીમબદ્ધ સૈનિકો પણ હાજર હતા જ ને ? બીજી એક મહત્ત્વની ઘટના એ પણ બની કે કોટવેનો ચેસ પ્રૉજેક્ટ આખા યુગાન્ડામાં જાણીતો થઈ ગયો; અને ચર્ચમાં તેને આગળ ધપાવવા દાનના પ્રવાહને પણ મોકળાશ મળવા લાગી.
આ બાળકોએ એમના અનુભવો બીજા બાળકોને વિગતવાર જણાવ્યા, ત્યારે સૌની આશાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ જાગી ઊઠી. એક સાવ અજાણ્યા જગત વિશે તેમને જાણકારી થઈ અને એમાં વસતા લોકો પણ તેમના જેવા જ માણસો છે; એમની સામે રમતમાં હોડ બકી શકાય છે- જીતી શકાય છે- તેની પ્રતીતિ તેમને થવા લાગી. એમના અભાગિયા જીવતરમાં જાગૃતિના એક નવા જ પ્રભાતનો જન્મ થઈ ચૂક્યો હતો.
………………………( ક્રમશ: )
ચર્ચાની એરણે –
સભ્ય સમાજનાં અને સ્લમવાસી બાળકોની સરખામણી કરીશું ?
Like this:
Like Loading...
Related
ગરીબ બાળકો માટે રોબર્ટની તપસ્યા રંગ લાવી તે મોડ પર અમને પણ મઝા આવી.જીસસે વ્હીલ સંભાળ્યું!
આ વખતની એરણ બરોબર નથી.બાળકો એટલે પવિત્રતા … આધ્યાત્મિક પ્રગતિ માટે તેમના જેવા થવાનું કહેવાય. ક્રૂરમાં ક્રૂર કે વિષાદમાં ગળાડૂબ રહેલા કોઈપણ વ્યક્તિને પણ ભૂલકાંઓ એક પવિત્ર સ્મિત આપીને ન્યાલ કરી દે.
દરેક જગ્યાએ બને છે તેમ પણ શૈતાની બદઇરાદા ધરાવતા તત્ત્વો સ્લમ વિસ્તારોને ખાસ ટાર્ગેટ બનાવે છે. સ્લમ વિસ્તારોમાં રહેતા બાળકો પર ખાસ નજર રખાય છે. શૈતાની તત્ત્વો દિવસો સુધી સ્થળની રેકી કરે છે અને બાદમાં તક મળતા જ બાળકોને ઉપાડી લેવાય છે. અત્રે નોંધનીય બાબત એ પણ છે કે, પાંચ વર્ષથી નીચેના બાળકોને શૈતાની ગેંગ ટાર્ગેટ કરે છે. ચોરી કરીને કે રાત્રિ દરમિયાન માતા-પિતા સાથે સૂતેલા હોય ત્યારે કુમળા-નિર્દોષ બાળકોને ઉપાડી જવાય છે. ગુનાહિત માનસ ધરાવતી વ્યક્તિ સાથે રહીને બાળકોની માનસિકતા પણ ગુનાહિત થઇ જાય છે. બાદમાં આ બાળકોને ટ્રેનિંગ અને માહોલ જ એ રીતે અપાય છે કે તેઓ વશમાં આવી જાય છે. અસામાજિક તત્ત્વો આવા બાળકો પાસે ભીખ મંગાવે છે. ઉપરાંત, બાળકોને પીક-પોકેટિંગ, ચોરી, દારૂની ખેપ વગેરે જેવી ગુનાખોરી-શોષણના દળદરમાં ધકેલી દેવાય છે.