સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧૧, ટુર્નામેન્ટમાં પદાર્પણ

આખી શ્રેણી વાંચવા અહીં ‘ક્લિક’ કરો

         ફાધર ગ્રાઈમની ટુર્નામેન્ટમાં કટેન્ડે અને તેનાં બાળકો પરદેશી હતાં, ઉપેક્ષિત હતાં, ગંદા ગોબરાં હતાં; પણ કમ સે કમ એ બાળકો સભ્ય સમાજની નજરમાં કમને પણ દેખાતાં તો થયાં હતાં. કાયમી ધોરણે એમાં પ્રવેશવાની લાયકાત તો તેઓ મેળવી શક્યાં હતાં.

      પણ આ તો રોબર્ટ કટેન્ડેએ પોતે સર્જેલું વિશ્વ હતું. એ અભાગિયાં બાળકો માટે તેણે પોતે કલ્પેલું, સર્જેલું, જહેમતથી માવજત કરેલું એ પ્લેટોનિક સ્વર્ગ તે દિવસે જમીન પર ઊતરી આવ્યું હતું. કેટલા લાંબા સમયથી તે એની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો ? ચાર ચાર સ્લમોનાં ચોવીસ બાળકો તે દિવસે એક જગ્યાએ ભેગાં થયાં હતાં; એટલું જ નહીં, તેની દિલી ખ્વાહિશ હતી તેમ એક છોકરી પણ એ સ્વર્ગમાં હાજર હતી. ભલે એક જ હતી; પણ લાખોમાં એક હતી !

Mengo

     તેણે ૨૦૦૬ની સાલમાં, મેનગો, કમ્પાલાની શારીરિક ખોડખાંપણવાળાં બાળકો માટેની શાળાના જમવા માટેના ખંડમાં ‘ઇન્ટર પ્રૉજેક્ટ ટુર્નામેન્ટ’ યોજી હતી. કેવી હતી ત્યાંની વ્યવસ્થા ? ટાંચાં સાધનોને કારણે એ ટુર્નામેન્ટ ત્રણ જ દિવસ માટે હતી. માત્ર બપોરનું જમણ જ ત્યાં આપવામાં આવ્યું હતું અને એ જમણ પણ થોડું જ મપીગીની કૉલેજ જેવું બાદશાહી હતું ? એ જ ગરમાગરમ જાણીતો ને ભાવતો કસાવા, બાફેલા મકાઈ ડોડા અને જોડે લટકામાં એક ફળ !  હોલમાં ફલડ લાઈટો પણ નહીં અને પંખા પણ નહીં ! યુગાન્ડા ચેસ ફાઉન્ડેશનમાંથી ઉછીની લાવેલી, ઢંગધડા વિનાની જૂની કૂકરીઓ અને પૂઠા પર દોરીને બનાવેલાં બૉર્ડ.

    તેણે મળેલ દાનના એકે એક શિલિંગનો સદુપયોગ કર્યો હતો. રોજ સવારે ઉછીની લાવેલી વાનમાં રોબર્ટ જાતે બાળકોને ત્યાં લઈ જતો અને સાંજે બધાં બાળકોને તેમના સ્લમમાં પાછાં મૂકી આવતો. પણ…બાળકોમાં સ્વમાનની લાગણી પેદા થાય તે માટે ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ ચર્ચને પરદેશમાંથી દાનમાં મળેલ (થોડાંક જ વપરાયેલાં !) ટી-શર્ટ દરેક બાળકને જરૂર આપ્યાં હતાં. કોઈક ખમીસ પર સ્પાઈડરમેન કૂદતો હતો; તો કોઈની ઉપર સ્પોન્જ બોબ હસતો હતો ! પણ દરેકની પાછળ સિલ્ક સ્ક્રીન કરેલું ‘S.O.I. ACADEMY’ ચિતરામણ તો હતું જ ! બાળકો માટે તો એ ખમીસો જીવનભરનું સંભારણું બની રહે, તેવાં ઘરેણાં જેવાં હતાં.

    રમતના અંતે સાચવવામાં બોજ બની જાય એવાં મેડલ કે ટ્રૉફી રાખ્યાં ન હતાં. જીતેલાં બાળકોના વાલીઓને બહુ જ ગમી જાય તેવી નવી નક્કોર શિલિંગની નોટો તેમને આપવામાં આવી હતી ! છોકરાઓમાં પહેલા નંબરે આવનાર સેમ્યુઅલે ઘેર જઈને તેની દાદીમાના હાથમાં ૧૫,૦૦૦ શિલિંગની માતબર રકમ (આશરે ૮ ડોલર) મુકી દીધી હતી. બીજા અને ત્રીજા ક્રમે આવનારા ૧૦,૦૦૦ શિલિંગ ઘેર લઈ ગયા હતા.

     (૨૦૦૬ પછીની ટુર્નામેન્ટો માટે કટેન્ડે ૧૯૭૩ની સાલની કોઈક ચેમ્પિયન ટ્રોફી દાનમાં લઈ આવ્યો હતો; અને તેની નામની તકતી પર પોતાની ‘મહાન’ સંસ્થાનું નામ લખેલો કાગળ ચિપકાવી દીધો હતો !)

     આ ચોવીસ બાળકો વચ્ચે ફિયોના એકલી જ છોકરી હતી. તેણે ટુર્નામેન્ટ શું બલા હોય, તેની માત્ર વાતો જ સાંભળી હતી. આટલા બધા અજાણ્યા છોકરાઓ વચ્ચે ઊભા રહેતાં પણ તેને એટલો ડર લાગતો હતો કે, હોલમાં પેંસતાં જ તેણે કટેન્ડેને કહી દીધું,” હું તો આ બધાંની રમત જોઈશ જ.” પણ જ્યારે કટેન્ડેએ તેને યાદ દેવડાવ્યું કે, તે સ્લમની બધી છોકરીઓ વતી રમવાની છે; અને તેમના ભવિષ્યની જવાબદારી તેના હાથમાં છે, ત્યારે તેનામાં થોડી ઘણી હિંમત આવી. છતાં તે કાંપી તો રહી જ હતી. પહેલા દિવસે તેણે રમેલી ત્રણ રમતોમાંથી માત્ર એક જ રમતમાં તે જીતી શકી. આ જીતથી તેનામાં આત્મવિશ્વાસ આવી ગયો કે, તે સાવ અજાણ્યા છોકરાઓ સામે પણ જીતી શકે છે. બીજા દિવસે તે ત્રણે ત્રણ રમતમાં વિજેતા બની. આને કારણે, રમતના નિયમો અનુસાર ત્રીજા દિવસે તે જીતેલા છોકરાઓ સામે રમવા હકદાર બની. જો કે, તે દિવસે એક પણ રમત તે જીતી ન શકી; પણ તેનો ડર હવે ભાંગીને ભુક્કો બની ગયો હતો. હવે ટુર્નામેન્ટની દુનિયા તેને મુગેરવાની ઓફિસના વરંડા જેવી પોતીકી લાગવા માંડી.

    રમતના અંતે ઈનામો જાહેર થયા, ત્યારે તેને કશી આશા ન હતી કે, તેને કોઈ ઈનામ મળશે; તે તો નવી પેદા થયેલી આત્મગૌરવની સુખદ લાગણીમાં જ ચકચૂર હતી. પહેલો નંબર લાવનાર સેમ્યુઅલનું નામ જાહેર થયું, એટલે સૌને એમ જ લાગ્યું કે, ટુર્નામેન્ટનો અંત આવી ગયો. પણ સ્ટેજ પરથી જાહેર કરવામાં આવ્યું,” અને…છેલ્લું ઈનામ છે – છોકરીઓમાં ચેમ્પિયન માટેનું – જે ફિયોના મુતેસી મેળવે છે ! “

    તાળીઓના ગડગડાટ વચ્ચે ફિયોના સ્ટેજ તરફ ધસી ગઈ; અને બાળકને મીઠાઈ મળે તેવી લોલુપતાથી તેણે ૧૫,૦૦૦ શિલિંગના ઈનામ સાથેનું કવર ઝડપી લીધું. તેના ચાલાક દિમાગમાં એ વાતની ખબર તો પડી જ ગઈ કે, તે છોકરી હોવાના કારણે જ તેને આ ઈનામ આપવામાં આવ્યું હતું. ઈનામ મેળવવા માટે સાચા હકદાર થવા માટે જરૂરી, એક પણ જીત તેને ત્રીજા દિવસે પ્રાપ્ત થઈ ન હતી.

      અલબત્ત એક રીતે તો આ આશ્વાસન ઈનામ જ હતું. પણ કુશળ નેતાગીરીવાળા રોબર્ટ કટેન્ડેએ આની પહેલેથી યોજના કરી હતી. કચડાયેલી; દરિદ્રતા, કામ અને જવાબદારીના બોજ નીચે હંમેશાં દબાયેલી; માત્ર પુરુષોના હવસ સંતોષતી પુતળી જેવી; બિચારી, બાપડી, સ્લમવાસી સ્ત્રીઓના આત્મગૌરવને એ ૧૫,૦૦૦ શિલિંગની મામૂલી રકમથી તેણે સન્માનના પર્વતના ઊંચા શિખરે ચઢાવી દીધું હતું. પુરૂષ સમોવડી બનવાની દરેક નારીમાં ધરબાયેલી પડેલી જન્મજાત શક્તિને તેણે આ નાનકડી કરામતથી ખાણમાંથી હીરાને ખોદીને બહાર કાઢવામાં આવે તેમ ઉજાગર કરી હતી.

     ફિયોનાએ તેના જીવનનો બીજો સંકલ્પ તે જ ક્ષણે કરી લીધો. ‘છોકરીઓ માટેની રોબર્ટ સરની, આ સદભાવનાનો બદલો, સાચી જીત મેળવીને જ જંપીશ – ગમે તેવા અજાણ્યા લોકો સાથે ભલે ને, મારે મૂઠભેડ કેમ કરવી ન પડે.” હવે એ હીરાને પોલિશ કરી દુનિયાભરમાં ઝગમગતો કરવા ફિયોના મુતેસી પ્રતિબદ્ધ બની હતી. હવે તે ગંદી ગોબરી ફિયોના ન હતી. નવી નવી ટુર્નામેન્ટોમાં બિન્ધાસ્ત રમનારી એક રણચંડી તે સાંજે જન્મી ચૂકી હતી. એક નવી નક્કોર ફિયોનાના તરવરાટનો આવિષ્કાર ફિયોના પોતાની ચેતનામાં અનુભવી રહી.


( ક્રમશ: )


ચર્ચાની એરણે :

(૧) સ્ત્રીસન્માનની આ રીત તમને કેવી લાગી ? તમને નથી લાગતું કે, બીજાં બાળકોને આનાથી અન્યાય થયો હતો ? !

(૨) આ ટુર્નામેન્ટમાં બીજી કોઈ છોકરીઓ કેમ ન હતી ? તમે શું ધારો છો ?


તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: