સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧૨, યુગાન્ડામાં બાળ મહિલા ચેમ્પિયન

આખી શ્રેણી વાંચવા અહીં ‘ક્લિક’ કરો

      “ખૂબીની વાત તો મેં એ જોઈ કે તે એક વાક્ય પણ અંગ્રેજીમાં બોલી શકતી ન હતી; અને લુગાન્ડામાં (કમ્પાલામાં વપરાતી બહુમતી ભાષા) પણ તે ખાસ બોલતી ન હતી. મને તે વખતે જ થયું કે, આ લિંડોળિયા જેવી છોકરી તેના લક્ષ ઉપર કેન્દ્રિત થયેલા પોતાના મનથી જગતમાં યુગાન્ડાનું નામ જરૂર રોશન કરશે.”

     ઇન્ટર પ્રૉજેક્ટ ટુર્નામેન્ટમાં રૂપકડું ઈનામ મળ્યે માંડ પાંચ મહિના થયા હતા અને જાન્યુઆરી-૨૦૦૭માં યુગાન્ડાની અન્ડર-૨૦ રાષ્ટ્રીય સ્પર્ધામાં જોડાવાની તક ફિયોનાને મળી ગઈ.

lugogo      આ બહુ જ મહત્ત્વની સ્પર્ધા હતી; અને કમ્પાલાના અત્યંત પ્રતિષ્ઠિત અને વિશાળ લુગોગો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાઈ હતી. આખા દેશમાંથી બધા મળીને ૭૦ ખેલાડીઓએ તેમાં ભાગ લીધો હતો, જેમાં રોબર્ટના પ્રૉજેક્ટના ચાર ઘટકોમાંથી કુલ ૨૦ બાળકો પણ હતાં. સ્વાભાવિક રીતે અહીં છોકરાઓ અને છોકરીઓ સામેલ હતાં. ફિયોના અહીં એકલી છોકરી ન હતી, પણ તે માત્ર ૧૧ જ વર્ષની હતી; જ્યારે બીજી બધી છોકરીઓ ૧૮ થી ૨૦ વર્ષની વચ્ચેની, ઉચ્ચ વર્ગમાંથી આવતી, ટાપટીપવાળાં વસ્ત્રો પહેરેલી, કૉલેજકન્યાઓ હતી ! પણ હવે ફિયોનાનો ડર ભાંગી ગયો હતો. તેનું ધ્યાન મત્સ્યવેધ કરી રહેલા અર્જુનની જેમ તેની રમતમાં આવનાર રાજા પર જ હતું; જેને બચાવવો એ જ તેનું એક માત્ર લક્ષ્ય હતું.

     ઇન્ટર પ્રૉજેક્ટ સ્પર્ધામાં ફિયોનાના ત્રીજા દિવસના દેખાવ પછી કટેન્ડે માટે ફિયોનાની જીત કે હાર એટલાં બધાં અગત્યનાં ન હતાં. આખી સ્પર્ધા દરમિયાન તેનું ધ્યાન તેના વીસેય ખેલાડીઓ વચ્ચે વહેંચાયેલું હતું. આથી તે ફિયોનાની રમત પર ખાસ ધ્યાન આપી શકે તેમ ન હતું.

     પણ ગોડફ્રે ગલી આ નાનકડી બાળાની માનસિક સ્વસ્થતા જોઈ પહેલેથી પ્રભાવિત થયેલો હતો. તેણે ફિયોનાની એક આખે આખી રમત ધ્યાનથી જોઈ હતી. તેના પોતાના જ શબ્દોમાં…

= = =

       “…. તે રમતનો અંત આવવાની વેળા આવી ગઈ હતી. ફિયોનાની બાજી ચારેબાજુથી ઘેરાયેલી હતી. બધે શિકારને જાળમાં ફસાવવાનાં છટકાં ગોઠવાયેલાં હતાં. હું વિચારતો હતો કે, જો ફિયોના તેના એક ઘોડાને (Knight) એક ખાસ જગ્યાએ નહીં મૂકે; તો તે ચોક્કસ હારી જ જશે. તે બે ત્રણ મિનિટ વિચારતી બેસી રહી, અને તેણે તેનો ઘોડો બરાબર એ જ જગ્યાએ મૂકી દીધો. આના પછી ફરી પાછી તેના માટે કટોકટી ઊભી થઈ. આ વખતે તો મને ચોક્કસ ખાતરી હતી જ કે, તેનું ઊંટ (Bishop) અમુક જગ્યાએ મૂકવાનું તેને નહીં જ સૂઝે અને તો તો તેનો સર્વનાશ નક્કી જ હતો. ફરી તેણે ઊંટને તે જગ્યાએ ખસેડી દીધું. આવી ચાર વ્યૂહાત્મક રીતે, બહુ જ લાંબી નજર માંગી લે તેવી ચાલ તે ખેલી શકી. છેવટે સામેવાળી, અત્યંત આકર્ષક દેખાવ વાળી, તેનાથી આઠ વર્ષ મોટી કોલેજ કન્યાને તેણે મહાત કરી દીધી. આખી રમત દરમિયાન તેના ચહેરા પર કોઈ જ ઉશ્કેરાટ, ગભરામણ કે લઘુતાગ્રંથિ જણાતાં ન હતાં. તેનું આખું ધ્યાન રમતના બૉર્ડ પર જ કેન્દ્રિત થયેલું હતું. તેની આ રમત જોઈને મને ચેસના ગ્રાન્ડ માસ્ટરોની આવી બેનમૂન ચાલો યાદ આવી ગઈ. ખૂબીની વાત તો મેં એ જોઈ કે તે એક વાક્ય પણ અંગ્રેજીમાં બોલી શકતી ન હતી અને લુગાન્ડામાં (કમ્પાલામાં વપરાતી બહુમતી ભાષા) પણ તે ખાસ બોલતી ન હતી. મને તે વખતે જ થયું કે, આ લિંડોળિયા જેવી છોકરી તેના નિશ્ચિત લક્ષ તરફ કેન્દ્રિત થયેલા મનથી જગતમાં યુગાન્ડાનું નામ જરૂર રોશન કરશે.”

     આ સ્પર્ધા રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાઈ રહી હતી. (સ્પર્ધાની દરેક વ્યક્તિ બીજાં બધાંની સામે રમે તેવું આયોજન) આમ દરેક ખેલાડીએ ૬૯ રમતો રમવાની હતી. આથી કોણ જીતી રહ્યું છે, તેની જાણ થઈ શકે તેમ ન હતું. સ્પર્ધકોની ઉમર ધ્યાનમાં રાખીને હાર કે જીતની કોઈ જાહેરાત પણ કરવામાં આવતી ન હતી. ફિયોનાને એની કશી દરકાર પણ ન હતી. તે કેટલી રમતો જીતી હતી; તે પણ તેને યાદ ન હતું. તેને અંતરથી સંતોષ હતો કે, તે ઠીક ઠીક રીતે રમી હતી; અને તેના માટે અત્યંત માનભર્યા રોબર્ટ સરની પ્રતિષ્ઠાને બટ્ટો લાગે તેવી, પાંચ મહિના પહેલાંની, ત્રીજા દિવસની સ્પર્ધા જેવી, હીણપતભરી રીતે તે રમી ન હતી. તેને પોતાનું કર્તવ્ય નિભાવ્યાનો આત્મસંતોષ હતો.

‘રાઉન્ડ રોબિન ફોર્મેટ’ વિશે વધારે માહિતી આ રહી
….. round-robin tournament (or all-play-all tournament)

      છેવટે સ્પર્ધાનાં પરિણામો જાહેર કરવાની વેળા આવી પહોંચી. સ્પર્ધાના નિયમો મુજબ છોકરાઓ અને છોકરીઓ માટે અલગ રીતે વિજેતાઓનાં નામ જાહેર કરાઈ રહ્યાં હતાં. છોકરીઓ માટેના ત્રીજા અને બીજા નંબરની વિજેતાઓ સ્ટેજ પર આવીને ટ્રૉફીઓ અને ઈનામો લઈ ગઈ. બધાંની જેમ ફિયોના પણ પહેલો નંબર કોણ જીતી જાય છે, તેની આતુરતાથી વાટ જોઈ રહી હતી. કટેન્ડેને તો ફિયોના માટે આટલી મોટી સ્પર્ધામાં કશી આશા જ ન હતી. તેને તો ફિયોના તેનાથી સાત આઠ વર્ષ મોટી, અત્યંત સુઘડ કપડાં પહેરેલી અને સભ્ય સમાજમાંથી આવતી વ્યક્તિઓ સાથે સ્વસ્થતાથી રમી રહી હતી; તે જ એક બહુ મહત્ત્વની વાત હતી.

      અને ફિયોનાને ખાતરી ન થઈ કે, તેનું નામ પ્રથમ વિજેતા તરીકે જાહેર થઈ રહ્યું હતું. તે લગભગ મૂર્છિત અવસ્થામાં પોતાનું નામ સાંભળી રહી. બાજુમાં બેઠેલી એક છોકરીએ ગોદો મારીને તેને ઊભી કરી, ત્યારે ફિયોના ઊઠી અને સ્ટેજ પર જઈ, તાળીઓના ગડગડાટ અને સ્લમવાસી બાળકોના જયઘોષ વચ્ચે ટ્રૉફી અને ઈનામ સ્વીકાર્યાં. બધાં જોઈ રહ્યાં કે, લગભગ પોતાની ઊંચાઈ જેટલી મોટી એ સોનેરી ટ્રોફી ફિયોના માંડ હાથમાં પકડી શકી હતી!

      કટેન્ડે સ્ટેજ પર રીતસર દોડી જ ગયો અને તેણે ફિયોનાને તેડી લીધી. બેન્જામિને આવીને ફિયોનાના હાથનો ભાર ઓછો કર્યો.

     અને એ ઘડીએ ફિયોના પોતાની અંદર સમાવી રાખેલા આનંદના ઓઘને સમાવી ન શકી. ચોધાર આંસુઓની પાવક વર્ષા તેની વર્ષોની વ્યથાઓને; તેના નાનકડા જીવનની બધી મલિનતાઓ, દુર્દશાઓ, હતાશાઓને ધોઈ રહી હતી. આ દૃશ્ય જોનાર ઉજળા વર્ગના બાળકોની સાથે આવેલી સભ્ય સમાજની મહિલાઓની આંખો પણ ભીની થઈ ગઈ.

     સ્ટેડિયમથી કોટવે જતાં ફિયોનાના ચિત્તમાં હવે યુગાન્ડાની પહેલી મહિલા ગ્રાન્ડ માસ્ટર બનવાની મહત્ત્વાકાંક્ષા જાગી ઊઠી.


………………(ક્રમશ: )


ચર્ચાની એરણે

જીવનમાં મહત્ત્વાકાંક્ષાઓ હોવી જોઈએ કે નહીં? – તે વિશે તમારું શું માનવું છે?

(કોઈ વાચક ભારતના ક્રિકેટ ખેલાડી ‘ઈરફાન પઠાણ’ વિશે આવી માહિતી ટૂંકમાં આપશે, અથવા તેને લગતી માહિતીની લિન્ક આપશે, તો સૌ વાચકોને પણ આપણા આવા એક સ્લમડોગ મિલિયોનેરની કથા જાણી ગૌરવ થશે.)


‘ સ્લમ ડોગ મિલિયોનેર અને લગાન’ – એક વિચારતા કરી દે તેવી સરખામણી …… અહીં 

One response to “કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧૨, યુગાન્ડામાં બાળ મહિલા ચેમ્પિયન

 1. pragnaju ઓગસ્ટ 9, 2015 પર 12:43 પી એમ(pm)

  ‘…તેના ચહેરા પર કોઈ જ ઉશ્કેરાટ, ગભરામણ કે લઘુતાગ્રંથિ જણાતાં ન હતાં. તેનું આખું ધ્યાન રમતના બૉર્ડ પર જ કેન્દ્રિત થયેલું હતું…’ આ વાતનું ધ્યાન રખાય તો સિધ્ધી મેળવવાનું વધુ આસાન થાય

  ‘બાળ મહિલા ચેમ્પિયન’ ‘મહિલા ગ્રાન્ડ માસ્ટર’ માટે લાયક થાય તો ઉંમર ક્ર બાળા-મહિલાનો કે સ્ત્રી=પુરુષનો ભેદ કાઢી કોઇ પણ ચેમ્પિયનશીપ માટે કોઇને પણ લાયક ગણવા જોઇએ અને ગ્રાંડ ચેમ્પિયન કોઇ પણ થઇ શકે તેવા નિયમ કરવા જોઇએ
  ………………….
  ‘ હંમેશાં ઊંચી મહત્ત્વાકાંક્ષા રાખો.ઊંચી મહત્ત્વાકાંક્ષાને પામવા માટે તમારા જ્ઞાનને સતત અપડેટ રાખો, પુસ્તકો અને પોતાના ટીચર્સ પાસેથી જ્ઞાન મેળવતા રહો અને જયાં સુધી મહત્ત્વાકાંક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી ગભરાયા વિના સતત સખ્ત મહેનત કરતાં રહો. સખ્ત પરિશ્રમને અંતે જ સફળતાનાં ફળ ચાખી શકાશે.’ડા¸કલામની અમર વાણી

  ત્યારે ગજાબહારની મહ્ત્વાકાંક્ષા …ક્રિસ ગાર્ડનરે ‘ધ પર્સ્યુટ ઑફ હૅપીનેસ’ નામની આત્મકથા લખી જેના પરથી ગ્રેબ્રિયાલ સુચિનો નામના ઈટાલિયન દિગ્દર્શકે આ જ નામની બૉક્સ ઑફિસ હિટ ફિલ્મ બનાવી. હૉલિવુડના સુપર સ્ટાર વિલ સ્મિતે ફિલ્મમાં હીરોની ભૂમિકા ભજવી અને ક્રિસના દીકરા તરીકેનો રોલ વિલ સ્મિથના પોતાના દીકરા જેડને ભજવ્યો. ક્રિસ ગાર્ડનને જે ચર્ચના ધર્માદા આશ્રયસ્થાનનો સહારો મળ્યો ત્યાં એ વર્ષોથી નિયમિત મોટી રકમ દાનમાં મોકલે છે. દક્ષિણ આફ્રિકાના ગાંધી નેલ્સન મન્ડેલાને રૂબરૂ મળીને ક્રિસે પોતાના જાતભાઈઓનું કલ્યાણ થાય એવી અનેક યોજનાઓમાં મોટાં રોકાણો કર્યાં છે. ‘ગજા બહારની મહત્ત્વાકાંક્ષા’ ધરાવનારાઓએ કે જીવનમાં કોઈ નામુમકિન સપનું જોનારાઓએ ક્રિસ ગાર્ડનર પરની આ ફિલ્મ તો જોવી જ જોઈએ, ઉપરાંત એની આત્મકથા પણ વાંચવી જોઈએ અને ‘ધ પર્સ્યુટ ઑફ હૅપીનેસ’ જુઓ
  Super Inspirational Movie – The Pursuit of Happiness Full …
  Video for youtube The Pursuit of Happiness Full Movie▶ 2:15:21
  http://www.youtube.com/watch?v=hxMhmvlMYNU
  Jul 11, 2015 – Uploaded by Tien 5
  Super Inspirational Movie – The Pursuit of Happiness Full Movie Genres: Biography movie| Drama movie …

  સાથે તમારા ઇફ્ને પણ માણો
  VTV – SPECIAL INTERVIEW WITH CRICKETER IRFAN …
  Video for ઈરફાન પઠાણ▶ 27:14
  http://www.youtube.com/watch?v=Mjx_CygNKH0
  Jul 9, 2012 – Uploaded by VtvGujarati Gaurav
  ખાસ મુલાકાત… ઈરફાન પઠાણ સાથે, બાળપણમાં યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણ બંને ભાઈઓ વચ્ચે માત્ર એક જ સાઈકલ હતી,આ સંજોગોમાં ક્રિકેટ કોચિંગમાં જતા ત્યારે …

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: