સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧૪, આફ્રિકામાં બાળ ચેમ્પિયન

આખી શ્રેણી વાંચવા અહીં ‘ક્લિક’ કરો

          જુબા ખાતેની સ્પર્ધામાં ૧૬ દેશોનાં એટલે કે કુલ ૪૮ બાળકોએ ભાગ લીધો હતો. એ બધાંમાં કોટવેનાં આ ત્રણ જણ ઉંમરમાં સૌથી નાનાં હતાં. એમના સિવાય બીજાં કોઈ સ્લમવાસીઓ પણ નહોતાં, સ્પર્ધા શરૂ થઈ તે પહેલાં…

        રોબર્ટ કટેન્ડે,” આ બાળકો પ્લેનમાં બેસીને સુદાન ગયાં, તે જ મારા માટે એક મોટી સિદ્ધિ હતી. તેઓ જીતીને પાછાં આવશે કે નહીં, તેનો મને વિચાર પણ આવતો ન હતો.”

        ગોડફ્રે ગલી,” આટલા બધા દેશોનાં બાળકો, જેમને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો આગોતરો અનુભવ હતો જ, અને એમની વચ્ચે આ ત્રણ જણ સારો દેખાવ પણ કરી શકે; તેમ હું માનતો ન હતો. તેઓ હિમ્મત ન હારી જાય, એની જ મને ચિંતા હતી.”

       આ ત્રણ જણના મનમાં તો જાતજાતની ગડભાંજો ચાલુ જ હતી. આટલી બધી ઉચ્ચ જીવન પદ્ધતિ તેમને માટે અકળાવનારી તો હતી જ; પણ અધૂરામાં પૂરું અંગ્રેજી ન બોલી શકવાના કારણે, તે લોકો કોઈ પણ વિદેશી સાથે વાત પણ કરી શકે તેમ ન હતું. બીજા દિવસે સ્પર્ધા શરૂ થવાની હતી. આથી પોતાની ટીમનો ડર ભાંગવા ગલીએ હોટલની લોબીમાં સૌથી શ્રેષ્ઠ મનાતી કેન્યાની ટીમ સાથે મૈત્રી રમત રમવાનું આયોજન કર્યું. દરેક જણ કેન્યાના બીજા એકની સામે ત્રણ ત્રણ રમત રમ્યાં અને આશ્ચર્યજનક રીતે બધી રમતમાં ત્રણે જણ જીતી ગયાં. કારણ સાવ સાદું હતું. આ ત્રણને માટે એ માત્ર રમત ન હતી. એ જીવન કે મરણ જેવી બાબત હતી. હવે તેમને સધિયારો થયો કે સ્પર્ધામાં તેમને તકલીફ નહીં પડે.

      સ્પર્ધા શરૂ થઈ. પહેલી જ રમતમાં ફિયોનાની સામે તેની સાથે રૂમમાં રહેતી કેન્યન છોકરી એસિએમા હતી. આવી ઉચ્ચ વર્ગમાથી આવતી, વિદેશી ભાષા બોલતી અને તેના કરતાં ત્રણ ચાર વર્ષ મોટી છોકરી સાથે રહેવાના કારણે ફિયોના પહેલી જ ક્ષણથી લઘુતાગ્રંથિ અનુભવતી હતી. તેના હાથ પગ કાંપતા હતા. તે કૂકરી પણ સ્થિર રીતે પકડી શકતી ન હતી. આથી તેણે એકદમ રક્ષણાત્મક ચાલો ચાલીને જ સતોષ માન્યો. એસિએમા બહુ જ આક્ર્મક હતી, પણ રમત થોડીક જ આગળ ચાલતાં, તે ફિયોનાની રક્ષણાત્મક દિવાલમાં જાતે જ ફસાવા લાગી! તે હવે એક પછી એક ભૂલો કરવા લાગી અને તેનાં છૂટાં પડી ગયેલા અને રક્ષણ વિનાનાં પ્યાદાંઓ અને મોટી કૂકરીઓ એક પછી એક ફિયોનાના હાથે વધેરાવા માંડી. અલબત્ત, ફિયોનાની કૂકરીઓ પણ અદૄશ્ય થતી જ હતી; પણ તેની હાલત તે ઠીક ઠીક ટકાવી શકી. રમત બહુ જ લાંબી ચાલી, પણ છેવટે એસિએમા પાસે માત્ર રાજા જ બાકી રહ્યો. ફિયોના પાસે હજુ રાજા ઉપરાંત હાથી અને ચાર પ્યાદાં બાકી રહ્યાં હતાં. બહુ સરળતાથી ફિયોનાએ એસિએમાના રાજાને ચેકમેટ કરી દીધો. આમ પહેલી જ રમતથી ફિયોનાની વિજય કૂચ શરૂ થઈ ગઈ. બેન્જામિન અને ઈવાન પણ તેમના પ્રતિસ્પર્ધીઓ કરતાં આગળ રહી શક્યા હતા.

      પહેલા દિવસના અંતે બીજી બધી ટીમોમાં ભયનું મોજું ફરી વળ્યું. યુગાન્ડાની ટીમને શી રીતે હરાવી શકાય તે માટે દરેક દેશના કોચ તેમના ખેલાડીઓને આ યુગાન્ડનોની ચાલબાજીઓ સમજાવતા રહ્યા – તેમનો પ્રતિકાર કરવાના રસ્તા શીખવાડતા રહ્યા.

      પણ આ ત્રણ જણને એમના જીવનના અનુભવો પરથી દરેક બદલાતી પરિસ્થિતિનો શી રીતે પ્રતિકાર કરવો તેની પાયાની આવડત સાધ્ય થઈ ગઈ હતી. સ્પર્ધાને અંતે ફિયોના આઠે આઠ રમતો જીતી ગઈ હતી. તેના સાથીઓ પણ ક્યાં કમ હતા. એ બેમાંથી એક પણ હાર્યો ન હતો. (તેમની અમુક મેચો ડ્રો થઈ હતી.) આમ જયજયકાર સાથે યુગાન્ડા ચેમ્પિયન જાહેર થયું. મેડલો, સર્ટિફિકેટો અને ચેમ્પિયન ટ્રૉફી હવે તેમણે પોતાની સાથે પાછાં લઈ જવાનાં હતાં. ટ્રૉફી તો તેમના નાનકડા બગલથેલામાં સમાવવા માટે ઘણી જ મોટી હતી, પણ તેમને અને તેમનાં ઘરવાળાંઓને તો મગીબીમાંથી મળતી હતી તેવી કડકડતી શિલિંગની નોટો જ વધારે આકર્ષક અને કામની હતી!

       કટેન્ડેને નિયમિત રીત દરરોજની રમતનો અહેવાલ ઇન્ટરનેટ પરથી મળતો હતો. જ્યારે તેણે જાણ્યું કે ત્રણે જણ સુવર્ણચન્દ્રક અને ટ્રૉફી જીતીને પાછાં આવી રહ્યા છે, ત્યારે આ સમાચાર તેણે રોડની સુદિથ અને ‘સ્પોર્ટ્સ આઉટરીચ’ની ઑફિસમાં સૌને જણાવ્યા. કોઈ પણ વ્યક્તિ આ સમાચાર માનવા તૈયાર ન હતી! પણ બીજા દિવસનાં અખબારો થકી આખા યુગાન્ડામાં આ વિજયની ઘોષણા થઈ ગઈ.

      સ્વદેશ પાછાં વળ્યાં ત્યારે એરપોર્ટ પર કટેન્ડેની બાજુમાં કમ્પાલાના મેયર ખુદ આ ત્રણ બાળકોનો સત્કાર કરવા હાજર રહ્યા હતા. સ્લમનાં બાળકો માટે જ નહીં પણ સમસ્ત સ્લમવાસીઓ માટે આ અભૂતપૂર્વ સિદ્ધિ હતી. કોટવે પહોંચ્યા બાદ મુગેરવાની ઓફિસ પાસે ટોળેટોળાં તેમનો સત્કાર કરવા, પિપૂડાં અને વાવટાઓ સાથે હાજર હતાં. ફિયોનાને તો બ્રાયને તેના ખભા પર બેસાડી દીધી અને શોરબકોર વચ્ચે રસ્તાઓ પર સરઘસ આગળ ધપતું રહ્યું. બધાંના ચહેરા પર અનુપમ વિજયનો ઉત્સાહ અને આનંદ મર્ચિસનના ધોધની જેમ ઉછળી રહ્યો હતો – સિવાય કે, આ ત્રણ જણના ચહેરાઓ પર.

       તેમના ચહેરાઓ પરથી ‘જુમા’નો અને ‘એન્ટેબે’ના એરપોર્ટ પરનો ઉત્સાહ અને આનંદ હવે વિદાય લઈ ચૂક્યાં હતાં. ફરી પાછી ઝૂંપડાની એ જ જિંદગી, એ જ ગંદા રસ્તાઓની આબડખૂબડ, એ જ રોજિંદી યાતનાઓ અને જીવન સંઘર્ષો….ચિત્કારી ચિત્કારીને તેમની મૂળ હસ્તીની બિહામણી જાણ કરી રહ્યાં. વર્તુળનો ઘેરાવો એક ચક્કર મારીને ફરી હતો ત્યાં પાછો આવીને ઊભો રહી ગયો હતો.

……..(ક્રમશ: )

———————–
ચર્ચાની એરણે…

‘એકસરખા દિવસ સુખના કોઈની જાતા નથી.’ (રાઈનો પર્વત, રમણ ભાઈ નીલકંઠ) યાદ આવી ગયું.

તમે સફળતાની ચરમસીમા પછીની એ ત્રણ બાળકોની મનોદશાને શી રીતે મૂલવો છો?

Advertisements

2 responses to “કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧૪, આફ્રિકામાં બાળ ચેમ્પિયન

 1. pragnaju ઓગસ્ટ 24, 2015 પર 8:44 પી એમ(pm)

  આપણી ફિયોનાની કસમકસ ભરી રમત અને તેમા જે રીતે જીતે છે તે વાત જાણતા હોય તો પણ ફરી વાંચતા મઝા આવે! ચર્ચાના એરંણ – શ્રી પ્રભુલાલ દ્વિવેદીએ એનાં સંવાદો-કાવ્યો લખ્યાં. મા. અશરફખાન આ ગઝલને ગાઈને મુખ્ય ભૂમિકા અદા કરતાં હતા અને વારંવાર વન્સ મૉરથી નાટકો તરી જતા!ભાગ્ય બળવાન છે. એ રૃઠે કે રીઝે એની તમા કરવી નહીં ! ભાગ્ય એનું કામ કરે. આપણી મહેનત આપણી પ્રામાણિકતા છે. જે સાચો વીર છે એ મુસીબતથી ગભરાતો નથી. મુસીબતને આવકારે છે અને મુસીબતને ભોંઠી પાડે છે. જે ખીલે છે તે કરમાય છે અને જે સરજાય છે તે લોપાય પણ છે. જે ચઢે છે તે પડે છે એ નિયમ ક્યારેય બદલાતો નથી ! દસકો સુખનો હોય કે દુઃખનો તેને સફળતામાં પરિણમતો અને શતકો સુધી અનુભવવો હોય તો આ કવિતાનો ભાવાર્થ રોજ મનના એકાંતમાં ગણગણવો જોઈએ. આપણે હતાશામાંથી હૂંફ તરફ ગતિ કરતા થઇ જઈશું. આપણી પાસે રહેલું અદ્રશ્ય ભિક્ષાપાત્ર સમયને ઓળખી લેવાનું શાસ્ત્ર બની રહેશે !
  સમય બડો બળવાન છે,
  નહીં પુરુષ બળવાન
  કાબે અર્જુન લૂંટિયો એ જ ધનુષ એ જ બાણ
  સજ્જન આ સંસારમાં,
  ગર્વ છોડતાં શીખ
  ભાગ્ય ફર્યું ત્યાં ભૂપતિ ભમતો માગે ભીખ
  ધન જન સંપત સાહ્યબી,
  કાંઇ ન આવે સાથ
  ઈશ્વરના દરબારમાં જાવું ખૂલ્લે હાથ
  ડરવાનું દુષ્કર્મથી,
  એ જ જીવનનો સાર
  મરવાથી ડરવું નહીં,
  મરવું એક જ વાર
  હું પદથી હળવા થશો
  હું પદ કરો ન કો’ય
  ધાર્યું આપણું ધૂળ છે. હરિ કરે સો હોય
  પડતા પર પાટુ કદી દાઝયા ઉપર ડામ
  દઈશ ના કોઈને કદી…
  એ દુર્જનનું કામ.આ નાટકોની પ્રેરણાથી ઘણા ડીપ્રેશન અને આપઘાતમાંથી બચી જતા !

 2. hirals ઓગસ્ટ 27, 2015 પર 1:11 એ એમ (am)

  Nicely articulated psychology and sociology. very well written novel as well very inspirational.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: