સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧૫, ઠેરના ઠેર

આખી શ્રેણી વાંચવા અહીં ‘ક્લિક’ કરો

          પાછા આવ્યા પછી; બે દિવસ સુધી ફિયોનાએ કશું જ ખાધું નહીં. ક્યાં હોટલની એરકન્ડિશન રૂમની એ બાદશાહી પથારી, એ ટીવી, એ ફ્લશ ટોયલેટ, એ ગરમ/ઠંડા પાણીવાળો શાવર બાથ, અનેક વાનગીઓવાળાં જમણો અને ક્યાં રંગહીન, પ્લાસ્ટર વિનાની ઈંટોની દિવાલો, પતરાંનં કાણાંવાળાં છાપરાં અને માત્ર એક જૂનાપુરાણા કપડાથી ઢાંકેલા બારણા વાળી ૧૦ ફૂટ x ૧૦ ફૂટની આ ઝૂંપડી? સૂતાં સૂતાં પણ નજરે ચઢે – ગંદી ગોબરી વળીઓ વચ્ચે લટકતાં કરોળિયાનાં જાળાં અને દોરીઓ પર સૂકવવા મુકેલાં, આવતી કાલે પહેરવાનાં કપડાં. ઝૂંપડીના એક ખૂણામાં હતી પતરાંના ત્રણ ટુકડા ગોઠવીને બનાવેલી, એક બાલદી સહિતની બાથરૂમ અને બીજી દિવાલ પર રંગ પણ ન ઓળખાય તેવા પ્લાયવુડના ટુકડાથી ઢાંકેલી એક માત્ર બારી.

        અને ઘરવખરીમાં? ગોબાવાળા એલ્યુમિનિયમના બે જગ, ચાની એલ્યુમિનિયમની કિટલી, એલ્યુમિનિયમની એવા જ ગોબાવાળી તપેલી, કપડાં ધોવાનું, રંગ ઊડી ગયેલું પ્લાસ્ટિકનું ટબ, કેરોસીનનો દીવો, પતરાંની ડોલમાંથી જાતે બનાવેલી, માટીથી લીંપેલી કોલસાની ભઠ્ઠી, થોડીક પ્લાસ્ટિકની રંગ ન ઓળખાય તેવી ડીશો, બધાંની વચ્ચે વાપરવાનું એક જરી પુરાણું ટુથ બ્રશ, માંડ ચહેરો દેખાય એવો એક આયનો, ચાર જણ વચ્ચે સૂવાની બે ગાભાની ગોદડીઓ અને જર્જરિત પાનાંવાળું બાઈબલ! કોલસાની ભઠ્ઠી પાસે હતાં – રસોડાના શણગાર જેવી, ચોખા, મસાલાનો પાવડર, ચા, ખાંડ, અને મીઠાની પાંચ પ્લાસ્ટિકની કોથળીઓ અને એવી જ જરી પુરાણી પ્લાસ્ટિકની ચમચીઓ.

home

         કોઈક પ્રવાસીએ લખ્યું છે,” આફ્રિકાની સામાન્ય પ્રજાના ચહેરા પર જીવનની અનેક કઠણાઈઓની વચ્ચે પણ અજાયબી ભરેલાં શાંતિ અને સંતોષ જણાયા વિના રહેતાં નથી – જે સુસંસ્કૃત લોકોના ચહેરા પરની ચિંતા અને તાણની મશ્કરી ઊડાવતાં લાગે છે. સંયોગો અને અભિગમ વચ્ચે એ પ્રજાએ સિદ્ધ કરેલા સુમેળભર્યા સમાધાનની એ ચાડી ખાય છે. સમાજના બે વાડા વચ્ચે ન પૂરી શકાય તેવી મોટી ખાઈ હોવા છતાં, જીવનની આ શક્યતાને પશ્ચિમી માનસ કદી ન સમજી શકે.”

        આનું કારણ સાવ સાદું, સીધું છે. કોટવેના લોકોને જીવનની બીજી કોઈ શકયતાની કશી જાણ જ નથી. એ પ્રજા એના દરિદ્રતાભર્યા અજ્ઞાનની ખુમારીમાં જ મુસ્તાક છે. ઈવાન, બેન્જામિન અને ફિયોના જેવાં જે કમભાગી (!) એ લક્ષ્મણ રેખા ઓળંગી બીજી કોઈ શક્યતાઓનાં દર્શન કરી શકે છે; તેમનાં જીવતર ત્રિશંકુના આધાર વિનાના કોઈક અંધારભર્યા, ભેંકાર કોરાણે ફંગોળાઈ જાય છે. એ દુર્ભાગી લોકો નથી રહેતા ઘરના કે નથી રહેતા ઘાટના.

        બ્રાયને પૂછ્યું,” સુદાનમાં ખાવાનું કેવું હતું?”

       ફિયોના,”!”

      બ્રાયન,” પ્લેનમાં તને કેવું લાગતું હતું?”

      ફિયોના,”!”

      બ્રાયન,” પ્લેનમાં પી પી શી રીતે કરવાની?”

       હવે ફિયોના હસી પડી અને મહાપ્રયત્ને ફ્લશ કરી શકાય તેવા ટોયલેટનો બ્રાયનને ખ્યાલ આપવા પ્રયત્ન કર્યો!

       પણ ફિયોનાનું અંતર આંસુઓ વિનાની દારૂણ ગમગીનીમાં રડી રહ્યું હતું. ફરી એ સપન ભોમકા આ દુર્દશા વચ્ચે કદી આવવાની ન હતી. બ્રાયન તેની વ્યથા અંતરની કોક અગમ્ય સૂઝથી સમજી શક્યો. એક મહિના સુધી તેણે યુગાન્ડાના ચમકતા હીરા જેવી વ્હાલસોયી બહેનને કશું કામ કરવું ન પડે, તેની કાળજી લીધા કરી. તેને માટે તો તેની બહેન એક રાજકુમારી કે પરી બની ગઈ હતી.

       જ્યારે હેરિયેટ, રિચાર્ડ સાથે થાકેલી પાકેલી મોડી સાંજે પાછી આવે, ત્યારે તો બ્રાયન અને ફિયોના સૂઈ ગયેલાં જ હોય. ચાર દિવસ બાદ, માર્કિટ બંધ હોવાના દિવસે, રવિવારે જ ફિયોના હેરિયેટ સાથે વાત કરી શકી અને તેને અને તેના મિત્રોને સુદાનમાં મળેલ વિજયની માંડીને વાત કરી. રૂપકડું સર્ટિફિકેટ પણ બતાવ્યું. હોટલમાંથી આણેલા સાબુ, પેન, નેપકીન વગેરે ઝવેરાત જેવી સોગાતો પણ બતાવી! મેડલ તો ચોરાઈ જવાની બીકે કટેન્ડેને સોંપી દીધો હતો, પણ હેરિયેટ માટે એ બધા કરતાં તેની દીકરી સહીસલામત અને વિજયી બનીને પાછી આવી હતી તે જ બહુ મોટા આનંદની વાત હતી. એ ધર્મભીરુ મહિલા, જિસસનો આભાર માનવા તરત ચર્ચમાં દોડી ગઈ.

       વતન પાછા આવ્યાના બીજા દિવસે ફિયોના તેની શાળામાં હાજર થઈ; ત્યારનો અનુભવ પણ એવો જ રહ્યો. પ્લાસ્ટિકની લીલી થેલી લઈને, પાંચ કિલોમિટર ચાલીને, તેની નિશાળ -યુનિવર્સલ જુનિયર પ્રાઈમરી સ્કૂલ- ગઈ ત્યારે સાવ સાંકડી, ધૂળથી છવાયેલી અને જાજરૂઓની દુર્ગંધથી સુવાસિત (!) આંગણું તેને ‘જુબા-સુદાન’ ખાતેના સ્ટેડિયમના પ્રતિભાશાળી વિસ્તારની યાદ આપ્યા વિના ન જ રહ્યાં. આંગણામાં ટ્રકના પૈડાની રીમ અને પૈડું ખોલવાનો ક્રોબાર(?) નિશાળના ઘંટનું કામ આપી રહ્યો હતો! એ ઉબકા આવે તેવો વિરોધાભાસ તેણે શી રીતે જીરવ્યો હશે; તે તો એવી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિ જ સમજી શકે.

        આફ્રિકન અમેરિકન લોકોની સમાન હક્કની લડત (Civil rights campaign) દરમિયાનનું ગીત ‘We shall overcome’ તેમની શાળા શરૂ થતી વખતનું પ્રાર્થના ગીત હતું. તે ગવાઈ રહ્યું હતું, ત્યારે તે ગીતના શબ્દે શબ્દ તેના મનમાં ચાલી રહેલા પ્રચંડ તાંડવને ઉદ્દીપ્ત કરતા રહ્યા. તેણે જોયેલી જીવનની ગુણવત્તાની શક્યતા અને તેના ચાલુ જીવનના નર્ક વચ્ચેના તફાવત તરફ તેના આક્રોશને પુષ્ટિ આપતા રહ્યા.

       પણ આ બધી હતાશાની વચ્ચે, વાદળોની કોર પર સુવર્ણરેખા જેવી એક બાબતની પણ આપણે નોંધ લેવી ઘટે. શાળા શરૂ થયા બાદ, શાળાના આચાર્ય, ઝકાબા અલ અબ્દલે બેન્જામિન અને ફિયોનાએ મેળવેલી સિદ્ધિ માટે તેમનું અભિવાદન કર્યું; અને જાહેર કર્યું કે, ‘હવેથી બેન્જામિન અઠવાડિયામાં ત્રણ વખત શાળાના બાળકોને ચેસ શીખવશે; અને ફિયોના તેને મદદ કરશે.’ આ જાહેરાત પછી બન્નેએ પોતાને સુદાનમાંથી મળેલ નાના સરખા ભથ્થામાંથી બચાવીને લાવેલી રકમમાંથી સુદાનના ચલણની પાઈઓ શાળાના બાળકોને વહેંચી; ત્યારે આચાર્યની આંખમાં આ બે જણાની ખાનદાની અને જિંદાદિલી માટે હર્શ્રાશ્રુ આવી ગયાં. તેણે મનોમન પ્રાર્થના કરી કે,’અલ્લા આ બાળાને જન્નત જેવી જગ્યાએ પહોંચાડે, એવી મારી દુવા છે.’

‘We shall overcome’ – song


……………..(ક્રમશ: )


ચર્ચાની એરણે :

         આફ્રિકા જેટલા મોટા ખંડના ફલક પર મેળવેલ સિદ્ધિ પછીના ફિયોનાના જીવનના આ અવરોહને તમે શી રીતે મૂલવશો?  તેમાં બદલાવ માટે કોઈ દિશાસૂચન?

6 responses to “કોટવેથી મેનહટન : પ્રકરણ – ૧૫, ઠેરના ઠેર

 1. Vinod R. Patel ઓગસ્ટ 31, 2015 પર 12:06 પી એમ(pm)

  સુદાનમાં ગયા પછી બહારના ઝાકમજોળ વિશ્વને જોઇને અને હરીફાઈમાં સિદ્ધિ પ્રાપ્ત કરીને ફિયોનાના વિચારો અને ભાવી જિંદગી માટેનો એનો માનસિક ફલક વિસ્તૃત થયો હશે જ .
  આ ટ્રીપ પછી જ્યારે એ એના મૂળ દીન અને દુખી વાતાવરણમાં પરત આવી હશે ત્યારે એને જરૂર થયું હશે કે સાંપ્રત સ્થિતિમાં બદલાવ ક્યારે આવે અને એમાં હું શું કરી શકું. આવા વિચારોમાંથી સમાજ સુધારકો પાકતા હોય છે. બીજાઓ નો સાથ લઈને ફિયોના કંઇક નક્કર કામ પણ શરુ કરે તો નવાઈ નહિ.આમે ય બીલ ગેટ્સ , બીલ ક્લીન્ટન જેવા મિશનરી ઝીલ વાળી સેવા ભાવી વ્યક્તિઓની સંસ્થાઓ આફ્રિકાના પછાત લોકોના સ્વાસ્થ્ય, ગરીબી નિવારણ ,શિક્ષણ વિગેરે માટે મદદ કરી જ રહ્યા છે. આવી સંસ્થાઓનો સંપર્ક કરીને ફિયોના એના ગામથી જ કામ શરુ કરી શકે.

  • pragnaju ઓગસ્ટ 31, 2015 પર 12:25 પી એમ(pm)

   આપણે પણ સ્વર્ગ જેવી જગ્યાની સફર કરી આવીએ તો આવો જ આનંદ થાય.૫૦ ૬૦ વર્ષો પહેલા પશ્ચિમના દેશોથી આવનાર પોતાની વાત કરતા ત્યારે કેટલું સમજાતું કેટલું સમજવા પ્રયત્ન કરતા અમારી પણ ફિયોના અને તેના કુટુંબીજન જેવી દશા થતી ! ચેસ : મગજની કસરત માટેની રમત’દરેક બાળક માટે ચેસની રમત અભ્યાસક્રમમાં ફરજિયાત કરવી જ જોઇએ. આ રમતથી બાળક આગળ જતાં તર્કબદ્ધ નિર્ણય લેતો થાય છે ત્યારે જિંદગી ચેસની રમત નથી, જિંદગી ચાલબાજી નથી. ચેસ ભલે બુદ્ધિશાળીની રમત કહેવાતી હોય પણ અંતે તેમાં સામેવાળાનાં પ્યાદાં મારવાની જ વૃત્તિ હોય છે એમ માની તેને સારી નથી ગણતા જેવી સૌ સૌની સમજ !
   …………………………પોષણક્ષમ આહારના અભાવ છતાં મકકમ મનોબળથી ગરીબ પરિવારમા સોનાના સુરજ સમાન બનનારે દરેક સ્થિતીમા યાદ રાખવું પડે કે મક્કમ મનોબળની સાથે આકરી મહેનત સદા ચાલુ જ રાખવી જરુરી

 2. pragnaju ઓગસ્ટ 31, 2015 પર 12:24 પી એમ(pm)

  દરેક વ્યક્તિ ગાયક , સંગીતકાર , ખેલાડી કે ચિત્રકાર તો નાં હોઈ શકે પણ એનો અર્થ એ તો નથી જ કે આ ક્ષેત્રમાં હોય એને જ ક્રિયેટીવ કહી શકાય ! ઓશો -” ક્રિયેટીવીટી એ બીજું કઈ નહિ પણ એ એક ગુણવત્તા છે , એ ગુણવત્તા કે જે કામ કે પ્રવૃત્તિ તમે કરી રહ્યા છો . ક્રિયેટીવીટીને ખાલી કળા કે લેખન વગેરે સાથે નાં જોડી શકાય . ખરેખર તો ગુણવત્તાસભર કરેલું કોઈ પણ કામ કે પ્રવૃત્તિ એ ક્રિયેટીવીટી જ છે . જે પણ તમે કરી રહ્યા છો તે આનંદપૂર્વક કરો , જીવ લગાવીને કરો અને તમે જે કરી રહ્યા છો એ જો સમ્પૂર્ણ પણે વ્યવસાયિક નાં હોય તો એ બીજું કઈ નહિ પણ ક્રિયેટીવીટી છે . ઓશો આગળ કહે છે કે જે કામ કરતા તમને આનદ આવે એમાં અચૂક કશુક ને કશુક ક્રિયેટીવ છુપાયેલું છે ભલે બીજાને એનો ખ્યાલ નાં આવે પણ તમને તો કોઈક અદ્ભુત આનંદનો અનુભવ થશે જ , તમે કરેલા એ કામ કે પ્રવૃત્તિમાં શું ક્રિયેટીવ હતું એ કદાચ સંશોધિત કરવું તમારા માટે પણ અઘરું હોઈ શકે પણ એમાં કશુક નવીન – કશુક ક્રિયેટીવ હતું જ એનો આનદ તો અનુભવશો જ .” આ અંગે આપનું ચિંતન જણાવશોજી

  • સુરેશ ઓગસ્ટ 31, 2015 પર 12:55 પી એમ(pm)

   આ વાત બહુ જ ગમી ગઈ. મારો દાખલો આપું તો…
   સ્ક્રેચ પ્રોજેક્ટથી મળતો આનંદ ગદ્ય/પદ્ય લેખન કરતાં સહેજ પણ ઉતરતો નથી. અરે! રોજ વાસણ માંજું અને ગંદા વાસણ ચકચકાટ થઈ જાય – એનો પણ અનેરો આનંદ હોય છે. હમણાં જ જમીને , સિન્ક સાફ કરી દીધું , હવે સુડોકુની બે રમત રમીને વામ કુક્ષી કરીશ. આ બધી બાબત એક સરખો આનંદ આપે છે.
   અહીં આવ્યા ત્યારે ઘરનાં કામ કરવા પડતા હતા – તે કાળ જેવા લાગતા હતા.
   આ ગનાન ૧૫-૨૦ વર્ષની ઉમરે મળ્યું હોત તો ?

 3. Vinod R. Patel ઓગસ્ટ 31, 2015 પર 1:15 પી એમ(pm)

  ખરેખર તો ગુણવત્તાસભર કરેલું કોઈ પણ કામ કે પ્રવૃત્તિ એ ક્રિયેટીવીટી જ છે . જે પણ તમે કરી રહ્યા છો તે આનંદપૂર્વક કરો , જીવ લગાવીને કરો અને તમે જે કરી રહ્યા છો એ જો સમ્પૂર્ણ પણે વ્યવસાયિક નાં હોય તો એ બીજું કઈ નહિ પણ ક્રિયેટીવીટી છે — ઓશો
  આવી જ વાત ગીતામાં “યોગ: કર્મશુ કૌશલમ ” શ્લોકમાં કરવામાં આવી છે.જે પણ કામ કરતા હો એમાં મન પરોવી સારી રીતે પાર પાડો એ એક યોગ જ છે.યોગ યુજ ધાતુ પરથી આવ્યો છે. યુજ એટલે જોડવું .તમારા મનને જે કામ કરતા હો એમાં જોડી એને સારી રીતે પાર પાડવાનો સંતોષ અને આનંદ લો એ થયો યોગ .
  એક શિલ્પકાર પત્થરમાંથી એકાગ્ર ચિત્તે કામ કરીને એમાંથી એક સુંદર મૂર્તિનું સર્જન કરે છે ત્યારે એ મૂર્તિનું સર્જન જોઇને એને જે માનસિક રીતે આનંદ થાય છે એનું શબ્દોમાં વર્ણન કરી ના શકાય .એવું જ દરેક પ્રકારના કામ માટે પણ સાચું છે.

 4. hirals સપ્ટેમ્બર 4, 2015 પર 12:28 એ એમ (am)

  નવલકથાના આ પ્રકરણ અને પ્રતિભાવો બધું જ ઉત્તમ. ફિયોના અને એની મનોવ્યથાનું ઘણું જ સરસ આલેખન.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: