સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ધ્યાન , ભાગ – ૧

ઘણા વખતથી આ બાબત લખવા મન થતું હતું.
આજે એ તરફ ધ્યાન કેન્દ્રિત થયું.
એટલે આ લેખ!

    દરેક જણ ધ્યાન કરતું જ હોય છે; અને છતાં આ બાબત બહોળું સાહિત્ય સર્જાયું છે! એના ક્લાસો ચાલે છે – એનો પણ એક મલ્ટી મિલિયન ડોલર ધંધો હાલે છે!

દરેક જણ ધ્યાન કરતું જ હોય છે – આની ઉપર થોડીક નજર કરીએ.

·      એક સાવ નાનું બાળક એકડો ઘૂંટે છે. એનું ચિત્ત જો રમત રોળિયાં કરવામાં જ હશે- તો તે એકડો બરાબર ઘુંટી નહીં શકે.

·      ભરત નાટ્યમ્  કરતી એક નર્તકી છે. જો એનું ધ્યાન એના અંગત પ્રશ્નો પર હશે, તો એ તબલાની ઠેક ચૂકી જશે, અને એનું નૃત્ય જમાવટ નહીં કરી શકે.

·      સરકસના ઝૂલાના ખેલનો એક ખેલાડી, જો ઘેર માંદગીમાં સબડતા એના વ્હાલસોયા પુત્ર કે પુત્રીની ચિંતા કરતો રહેશે, તો એ વચ્ચે લટકતા ખેલાડીએ પાડેલી તાળી ચૂકી જશે, અને નીચે પાથરેલી નેટમાં પડી જશે.

·      એક રાજકીય નેતા વિરોધ પક્ષના, જૂના હરીફ સાથે સમાધાન કરી ચૂંટણી જીતવા કમર કસે છે. જો એ જૂનું વેર ભુલવા કૃત નિશ્ચય નહીં બને, તો સમાધાન નિષ્ફળ જશે.

·      એક વેપારી સંત સમાગમ કરી, નફો નહીં લેવાનો નિર્ણય લેશે, તો બહુ થોડા વખતમાં એનો ધંધો પડી ભાંગશે.

·      મેટ્રિકની પરીક્ષા આપતો એક વિદ્યાર્થી નીરાશાત્મક વિચારો રાખી, ‘આ સંસાર અસાર છે.’;‘કારકિર્દી માટેની આ મૂષક દોડ અર્થહીન છે.’ – એવા વિચારો જ રાખતો હશે; તો સવાલોના બરાબર જવાબ આપી નહીં શકે, અને નાપાસ થશે.

     આવા ઘણા ઉદાહરણ આપણે જીવાતા જીવનમાંથી ટાંકી શકીએ, અને દરેકમાં આપણને તરત જણાશે કે, આ બધી બાબતો ‘ધ્યાન’ માટે આપણી આસ્થા વધારી આપે છે! અરે! સાદી સીધી ક્રિયાઓ – ચાલવાની ક્રિયા, મોંમાં જમણનો કોળિયો આરોગવાની ક્રિયા અને એવી બધી અસંખ્ય, સાવ બેધ્યાન પણે થતી ક્રિયાઓ જોઈએ તો પણ, મગજનો કોઈક ભાગ માત્ર આ બાબતો તરફ જ કેન્દ્રિત હોય છે; અને કોઈ ચૂક વિના એ ન્યુરોન ફટાફટ નિર્ણયો લઈ, જરૂરી સ્નાયુઓને સૂચનાઓ આપે જ રાખે છે. એમાં સહેજ ચૂક થઈ જાય તો? ગબડી જવાય, અંતરસ આવે વિ. અકસ્માતો!

   તો પછી ‘ધ્યાન’ અંગે આટલી બધી બૂમરાણ શા માટે છે?

   સામાન્ય રીતે જીવાતા જીવનમાં જરૂરી ધ્યાનથી જુદી જાતનાં બીજાં પણ અનેક સ્તરો હોય છે. આપણને થાય કે, જીવન માટે જરૂરી હોય, એનાથી વિશેષ ધ્યાનની તો વળી શી જરૂર?

    કારણ સાવ સાદું અને સમજી શકાય એવું છે. આપણે જેવી કોઈ પણ ક્રિયા કરીએ અથવા એનો વિચાર કરીએ કે તરત જ એનું પરિણામ પણ ગર્ભ ધારણ કરી જ લે છે! એ પરિણામનો જન્મ તરત થાય કે, ન પણ થાય. કોઈકની ક્રિયાનું ફળ વર્ષો, દાયકાઓ પછી પણ મળે. દા.ત. ભણતર. (૧૨+૪) વર્ષ જાય ત્યારે બાળક સ્નાતક બને!

   અને આ કારણે જ આપણા મનમાં ફળના વિચારો પેદા થવા લાગે છે. સફળ થવાશે કે નહીં? પહેલો નમ્બર આવશે કે નહીં? એન્જિનિયરિંગ કે મેડિકલમાં પ્રવેશ મળશે કે કેમ? ભણતરના દબાણ કરતાં આ વિચારો અને ચિંતાઓ વિદ્યાર્થીને વધારે ત્રસ્ત કરી નાંખે છે.

     આમ જ મનના બીજા વિકારો પણ તાણ પેદા કરે છે. ‘મારી સાથે કામ કરતા સહ કાર્યકરને માત્ર સાહેબની ખુશામત કરવાના કારણે પ્રમોશન મળી ગયું, અને ગધ્ધા મજૂરી કરવા છતાં હું રહી ગયો. ‘ – એ જલન ઘણાએ અનુભવી હશે.

    ‘દસ લાખની મૂડી તો ભેગી કરી, પણ હવે કરોડપતિ ક્યારે થવાશે?’ આ અને આવી બધી લોભની હૈયા વરાળો.

    આના પણ અનેક દાખલા આપણા જીવનમાંથી તરત જડી આવશે.

   અહીં પણ આપણે ધ્યાન જ   કરતા હોઈએ છીએ! પણ એ બધું મનની તાકાત હણી લેતું હોય છે.

  વળી એક સાવ નોખા જ પ્રકારનું ધ્યાન. જીવનનો પાયાનો હેતુ શું છે? પરમ ચેતના શું છે? ઈશ્વર છે કે નહીં? મૃત્યુ પછી મારું શું થશે? – આવા બધા વિચારો. આમ વિચાર કરવામાં પણ આપણે ગરકાવ થઈ જતા હોઈએ છીએ.

       સરવાળે … ‘કશાક’ પર આપણું ધ્યાન કેન્દ્રિત થયા જ કરતું હોય છે! એ જ તો માનવ મનનો સ્વભાવ છે. અરે! સમસ્ત જીવ સૃષ્ટિનો સ્વભાવ છે. દા.ત. ઉંદર પકડવા ત્રાટક કરી રહેલી બિલાડી!

   આથી એક વાત નોંધી લો કે, જ્યાં જ્યાં જીવન જીવાય છે, ત્યાં ત્યાં ‘વિચાર’ છે અને વિચાર છે, માટે એના વિષય પર ધ્યાન કેન્દ્રિત થાય છે. પણ જેમ જીવન બહુ જટિલ છે એમ, અને એ કારણે આ કેન્દ્રીકરણના પણ અનેક પાસાં છે. ધ્યાનની અવસ્થાનાં અનેક સ્તરો છે.

  આનાથી આગળના વિચારો….. આવતા અંકે.

Advertisements

10 responses to “ધ્યાન , ભાગ – ૧

 1. Vinod R. Patel સપ્ટેમ્બર 11, 2015 પર 1:42 પી એમ(pm)

  પોતાના સ્વરૂપનું ધ્યાન એને ધ્યાન કહેવાય. બીજું, ખીચડીનું ધ્યાન રાખીએ તો ખીચડી થાય. આ બે જ ધ્યાન રાખવાં, બીજાં બધાં તો ગાંડાં ધ્યાન કહેવાય. આ ‘દાદા’ના ધ્યાનમાં રહે તો ભલે રહે; એને બીજી કોઇ સમજણ ના હોય, પણ પોતે ‘તે’ રૂપ થયા કરે. ‘જ્ઞાની પુરુષ’ એ પોતાનો જ આત્મા છે અને એટલે પછી પોતે ‘તે’ રૂપ થયા કરે.

  આત્મા પ્રાપ્ત થયો તે આત્મધ્યાન અને સંસારી ધ્યાનમાં ખીચડીનું ધ્યાન કરવાનું. લોકો બધા જે ધ્યાન શીખવાડે છે તે તો ઊલટાં બોજારૂપ થઇ પડે છે. એ તો જેને વ્યગ્રતાનો રોગ હોય એને એકાગ્રતાનું ધ્યાન શીખવાડાય, પણ બીજાને એની શી જરૂ? એ ધ્યાન એને કયે ગામ લઇ જશે એનું શું ઠેકાણું?

  -દાદા ભગવાન

 2. pragnaju સપ્ટેમ્બર 11, 2015 પર 2:49 પી એમ(pm)

  સામાન્ય રીતે ધ્યાનમાં ઇશ્વરનો કોઇ આકાર કે આત્મ સ્વરૂપનું ધ્યાન કરવામા આવે છે. આવા ધ્યાનને સાકાર ધ્યાન કહેવાય. જેમાં નિરાકાર-સર્વવ્યાપી ઇશ્વરનું ધ્યાન કરાય તેને નિરાકાર ધ્યાન કહે છે. શરૂઆતમાં નિરાકાર ધ્યાન કરવું અઘરું હોવાથી સાકાર ધ્યાન કરવાની યોગગુરૂઓ દ્વારા સલાહ આપવામાં આવે છે.ધ્યાન અંતરની શોધ માટે, સમર્પણની ભાવના માટે, નિર્વિચારીતાની સ્થિતિ કેળવવા માટે, પ્રાર્થનાના ભાવમાં લય થવા માટે પણ યોગીઓ કરતા હોય છે. ધ્યાન કરવાથી આત્મબળ પણ વધતું હોવાનો યોગીઓનો મત છે. વૈજ્ઞાનિક રીતે પણ મન વિચારશૂન્ય બનવાથી તેની કાર્યક્ષમતા વધે છે એમ માની શકાય છે. આ બધા હેતુઓ માટે ધ્યાન થાય છે.
  આંખો બંધ કરીને ધ્યાનમાં બેસ્યા બાદ વિચારો પર કાબૂ મેળવીને નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાનો હોય છે, અથવા માત્ર કોઇ એક જ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમાં વધુ ને વધુ ઊંડા ઊતરવાનું હોય છે. ધ્યાનથી એકાગ્રતા, પ્રસન્નતા, શાંતિ, સ્થિરતા, સમતા વગેરે કેળવાય છે.
  સામાન્યતયા આમા ન માનનાર ફક્ત ચર્ચા કરનારને કહીએ કે ફક્ત ૧૦-૧૫ મીનીટ શાન્તીથી બેસી જો જુઓ અને વિચારોને સાક્ષી ભાવે જોતા રહો…જાગરણ રાખો કે તેમા વહેવાનું નથી

 3. P.K.Davda સપ્ટેમ્બર 11, 2015 પર 3:07 પી એમ(pm)

  ધ્યાન શબ્દનો સામાન્ય અર્થ સાવચેતી લઈયે તો દરેક વ્યક્તિ દરેક કામ ધ્યાનથી જ કરે છે. જે વ્યક્તિ જરાપણ બેધ્યાન થાય છે, એને નુકશાન વેઠવું પડે છે. રસોઈ કરતાં બેધ્યાન થાવ તો દાઝી જવાની કે રસોઈ ઢોળાઈ જવાની શક્યતા ઊભી થાય છે. મને લાગે છે કે આપણે આવા ધ્યાનની વાત નથી કરતા, પણ કંઈક વધારે ઊંચી વાત કરીયે છીયે. આવી ઊંચી વાતો સેમીનાર ખતમ થયા પછી ૪૮ કલાક ધ્યાનમાં રહે છે.

 4. Sharad Shah સપ્ટેમ્બર 11, 2015 પર 9:29 પી એમ(pm)

  સુરેશભાઈ;
  મને લાગે છે તમે ધ્યાન (Attention ) ધ્યાન (Meditation ) વચ્ચેનો ફરક નથી સમજી શક્યા. ટુંકમાં કહું તો એનર્જી એક જ છે, એક ટોર્ચનો પ્રકાશ છે અને એક દીવાનો કે સુર્યનો. તમારી સમસ્યા છે ગુજરાતીમા બન્ને માટે એક જ શબ્દ છે અને તેમાંથી ગેરસમજ ઉદ્ભવેલ છે. પ્રજ્ઞાબેને વધુ સારી સમજણ આપી છે. ફરીવાર આ વિષયે વિચારી લેશો. જોકે ધ્યાન વિચારવાનુ નામ નથી નિર્વિચાર અવસ્થાનુ નામ છે. પરંતુ પ્રતિતિ વગર લખાય ત્યારે છબરડા વળવા સ્વાભાવિક છે.
  શરદ.

 5. Sharad Shah સપ્ટેમ્બર 12, 2015 પર 12:48 એ એમ (am)

  ધ્યાનની આપણી પાસે આ એક જ ઉર્જા છે જેના દ્વારા બહિર કે અંતરયાત્રા સંભવ બને છે. આ ઉર્જા ચિત્તની છે. અંતઃકરણના ચાર કરણમાંનુ એક. એક બીજો શબ્દ છે ધ્યાનને એકાગ્ર કરવુ. ( ). જ્યારે ધ્યાન કોઈ એક વસ્તુ પર કેન્દ્રિત થાય છે ત્યારે એ ઉર્જા અનેક ગણી બની જાય છે. જેમ સુર્યના કિરણો બીલોરી કાચથી કેન્દ્રિત કરવામાં આવે તો આગ ઉત્પન્ન થાય છે તેમ જ ધ્યાનની આ ઉર્જાને તમે ગણિતપર કેન્દ્રીત કરો તો ગણીતજ્ઞ બની શકો કે અન્ય વિષય પર કેન્દ્રિત કરો તો જે તે વિષયમાં નિષ્ણાત બની શકો. ધ્યાન કેંદ્રિત કરવાનુ મહત્વ ભણતરમાં આપણને શિખવવામાં આવતું. અધ્યાત્મમાં (અંતરયાત્રા) પણ કેટલાંક પ્રયોગો કે ધ્યાનની વિધી ધ્યાન કેન્દ્રિત કરવાની છે. જેમ કે ત્રાટક ધ્યાન. ત્રાટક ધ્યાન માં દીવાની જ્યોત કે તમે જેને ઈસ્ટદેવ માનતા હોય તેની મૂર્તિ નજર સમક્ષ રાખી સમગ્ર ધ્યાન તેના પર કેન્દ્રિત કરવામાં આવે છે. આ ઉર્જા જેવી કેન્દ્રિત થવા લાગે છે એક જ બીન્દુ પર તેવું જ એક રુપાંતરણની પ્રક્રિયા ભિતર શરુ થાય છે અને અભ્યાસે તે નિર્વિચાર અને ક્રમશઃ સમાધીની અવસ્થા તરફ દોરી જાય છે. મને લાગે છે આટલી સ્પષ્ટતા કદાચ ગેરસમજ દુર કરવા પર્યાપ્ત છે.

 6. Sharad Shah સપ્ટેમ્બર 12, 2015 પર 12:51 એ એમ (am)

  ધ્યાનને એકાગ્ર કરવુ. (concentration)

 7. Sharad Shah સપ્ટેમ્બર 12, 2015 પર 1:10 એ એમ (am)

  વિનોદભાઈએ દાદાભગવાનની વાણીમાં ધ્યાનનો ઊલ્લેખ કર્યો છે. અસલ પટેલ છાપ વાણી. એક ઘા અને બે કટકા જેવી. કોઈ ચિકણી ચુપડી વાત નહીં. હરામ છે દાદા ભગવાન પાસે જે ટોળું એકઠું થયેલ છે તે આ પ્રબુધ્ધ પુરુષની વાણી સમજી શકે. ૯૯%ને તો વાત અધ્ધર જ જાય તેમ છે.

 8. La' Kant " કંઈક " સપ્ટેમ્બર 12, 2015 પર 3:49 એ એમ (am)

  “….ફક્ત ૧૦-૧૫ મીનીટ શાન્તીથી બેસી જો જુઓ અને વિચારોને સાક્ષી ભાવે જોતા રહો…જાગરણ રાખો કે તેમા વહેવાનું નથી” – જેમ જ્યાં છો ત્યાં તેમ રહેવાનો મહાવરો કેળવવાનો છે …
  “ધ્યાન ” એટલે ” કંઈ ન કરતાં રહીને લયમાં રહેવું ” કેમ રહેશે ?
  ઘણું બધું વાંચ્યા -સાંભળ્યા,જોયા,બોલ્યા પછી ……. આ ” કંઈ [સખળ-ડખળ] ન કરવાનું ……” કરી જોવા જેવું છે !
  -લા ‘ કાન્ત , ‘કંઈક’ / ૧૨-૯-૧૫

 9. hirals સપ્ટેમ્બર 12, 2015 પર 9:15 એ એમ (am)

  પ્રતિભાવો ઘણું વિચારવા પ્રેરે છે.

 10. Pingback: ધ્યાન ભાગ – ૩ , બેધ્યાનાવસ્થા | સૂરસાધના

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: