સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ધ્યાન , ભાગ -૨ – અવસ્થા

         જીવનમાં ધ્યાનનું અગત્ય છે, એ નિર્વિવાદ વાત છે. ધ્યાન વિના જીવનની કોઈ ક્રિયા સફળ નિવડી શકતી નથી. જો કે, એ પણ એટલું જ સાચું છે કે, ગમે તેટલું ધ્યાન રાખ્યું હોય, પણ આપણે સફળ જ બનીશું, એવી કોઈ ગેરન્ટી નથી હોતી! સૌનો આ અનુભવ છે.

   અને કરૂણતા એ છે કે, ધ્યાન કરી શકાતું નથી, એ થઈ જતું હોય છે! આ વાત થોડીક સમજાવવી પડશે.

   ધ્યાન એ મનની એક અવસ્થા છે. મન કશાકમાં ચોંટેલું રહે – એ ધ્યાન. પણ એ કોઈક ક્રિયા કરવાથી જ થઈ શકે છે. ‘ધ્યાન’ નામની કોઈ ક્રિયા નથી હોતી.

એક સાદો દાખલો…

       વર્ગમાં એક વિદ્યાર્થી ડાફોળિયા મારી રહ્યો છે. શિક્ષિકાનું એની તરફ ધ્યાન જાય છે, અને તેને પાટિયા તરફ અને તે જે બોલે છે, એની પર ધ્યાન રાખવાનું કહે છે. પણ બાળકનું મન બહાર શેરીમાં દોડાદોડ કરી રહેલા કૂતરાઓની ધિંગામસ્તીમાં છે. અથવા મમ્મીએ સવારમાં આપેલો ઠપકો છે. એનું મન ત્યાં છે. એ પાટિયા સામું જુએ છે, શિક્ષિકા બોલે છે, તે સાંભળે છે. પણ બધું બેધ્યાન પણે. એનું મન બીજી જ કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત છે. તેણે મનના વ્યાપારોને અભ્યાસમાં વાળ્યા ન હોય ત્યાં સુધી આમ જ રહેવાનું.

      આ બાળક માટે જેટલું સાચું છે, એટલું જ આપણા જેવા પુખ્તો માટે પણ સાચું છે. આપણે મોટા ભાગે મનથી પૂર્ણ રીતે કોઈ પ્રવૃત્તિમાં લાગી રહેવા અસમર્થ હોઈએ છીએ.

       આમ કેમ હોય છે? કારણ સાવ સાદું અને સીધું જ છે. આપણા મનની રચના જ એવી છે કે, એ એને પ્રિય ચીજો પકડી રાખે છે. અને એ ચીજો પ્રિય જ હોય એવું પણ પાછું નથી! થયેલો આઘાત કે વિશ્વાસ ઘાત કે નીરાશા કે આપત્તિ પણ એના લીસોટા નીકળી ન શકે તે રીતે મગજના ન્યુરોનમાં છોડી દેતાં હોય છે. કમભાગ્યે મન એને પણ પકડી જ રાખે છે. આપણા મનના મોટા ભાગનો ઉપયોગ આ બે બલાઓ સાથે એકાકાર થવામાં જ વપરાતો હોય છે. કોઈ મનગમતી પ્રવૃત્તિ કરીએ ત્યારે પણ ભૂતકાળમાં પડેલી મુશ્કેલીઓ અને ભવિષ્યની અનિશ્ચિતતાની ચિંતા- આ બેમાંથી મન જકડાયેલું જ રહે છે.

      આવા મનને આજ્ઞા શી રીતે આપવી કે,  હવે ધ્યાન રાખ?.અડધું પડધું ધ્યાન અને પાછી એ ભુત – ભાવિની ભુતાવળોએ ઘેરો ઘાલ્યો જ સમજો. એમ જ બને છે. આવી બીજી ભુતાવળો પણ વાદળ સૂર્યને ઢાંકી દે તેમ આપણા ચિત્ત પર છવાયેલી રહે છે – કોઈક સફળ થયેલાની ઈર્ષ્યા, વધારે લાભ ખાટી જવાનો લોભ, પોતાની આવડતનું ગુમાન અથવા અણઆવડત કે અશક્તિનો ભય. પછી કામમાં શો શુક્કરવાર વળે?

     માસ્તરની સોટી તો નહીં પણ ખફા મરજી તો મળી જ સમજો!

    મનની આવી અવસ્થા બધાની ન પણ હોય. પણ જેમનો સ્વભાવ એકાગ્ર થઈ શકે તેમ હોય, તેમને બીજી ભુતાવળો નડતી હોય છે – ન સંતોષી શકાય તેવી મહત્વાકાંક્ષા અને સફળતાની ભૂખ. આને કારણે સર્જાય છે તણાવ – રાતે ઊંઘ પણ ન આવવા દે તેવો તણાવ. ચહેરા પર હિમાલય ઊંચક્યો હોય તેવો મોટો ભાર અને હાઈ બી.પી./ ડાયાબિટિસ કે કેન્સરની ભુતાવળો્ને નાચ કરવા માટે સરસ મજાની પીચ!

      સંતોષ રાખવાના,કામમાં જ ધ્યાન રાખવાના લાખ ઉપદેશ  ભલે ને  સાંભળ્યા ન હોય? આપણા રામ તો એવા ને એવા જ. કશી એકાગ્રતા કે આનંદ જ નહીં.

     આમ મનનો સામાન્ય સ્વભાવ જ છે – એકાગ્ર નહીં થવાનો. અથવા બિનજરૂરી તણાવો સંઘરવાનો. ગરીબીની રેખાની ઉપર હો કે નીચે; મનના ઊંડાણોમાં તો અંધકાર જ અંધકાર.

   આમાં કશું નવું કહ્યું નથી. આ મોટા ભાગના લોકોની – તમારી, મારી , સૌની વ્યથા છે – આ જ આપણા મનની અવસ્થા છે.

માટે જ ધ્યાનની અવસ્થા જરૂરી છે.

Advertisements

5 responses to “ધ્યાન , ભાગ -૨ – અવસ્થા

 1. hirals September 12, 2015 at 9:10 am

  સાચું

 2. Pingback: ધ્યાન ભાગ – ૩ , બેધ્યાનાવસ્થા | સૂરસાધના

 3. P.K.Davda September 12, 2015 at 12:17 pm

  વિજ્ઞાનની જેમ મન પણ Line of least resistance ની પ્રક્રીયા અનુસરે છે. જે વિષયમાં મનને ઓછી તકલીફ થાય, મન એ વિષય તરફ વળે છે.

 4. Vinod R. Patel September 12, 2015 at 2:07 pm

  ધ્યાન અને મન એ એક સિક્કાની બે બાજુ જેવા છે. એક બીજા સાથે જોડાએલા છે. મનની ચોમેર વિખરાએલી વૃત્તિઓને જ્યાં સુધી કેન્દ્રિત કરવામાં ના આવે અને વિચારો પર કાબુ કરવામાં ના આવે ત્યાં સુધી ધ્યાનમાં વિક્ષેપ રહેવાનો જ .એક શાંત સરોવરના પાણીમાં મુખ જોઈ શકાય પણ જો એમાં કાંકરી કે પથ્થર નાખવામાં આવે તો એમાં થતા તરંગોથી સરોવરની શાંત સપાટીમાં વિક્ષેપ સર્જાય છે. એવું જ મનના સરોવરનું છે.

  દરેક વ્યક્તિની જન્મ જાત પ્રકૃતિ જુદી હોય છે.જે વાત કોઈ વ્યક્તિના મનને ખુબ અસર કરે એ જ વાત બીજા માણસના મનને બિલકુલ અસર નાં કરે .

 5. La Kant Thakkar September 13, 2015 at 10:52 am

  “અને કરૂણતા એ છે કે, ધ્યાન કરી શકાતું નથી, એ થઈ જતું હોય છે! આ વાત થોડીક સમજાવવી પડશે.”
  ” આમાં કશું નવું કહ્યું નથી. આ મોટા ભાગના લોકોની – તમારી, મારી , સૌની વ્યથા છે – આ જ આપણા મનની અવસ્થા છે.માટે જ ધ્યાનની અવસ્થા જરૂરી છે.”…….waah Su.Ja. baapu waah !
  અહીં,એક વાત/મુદ્દો ઉમેરવાનુંમન:-” કોઈ એક વ્યક્તિને માફક આવેલી “ધ્યાન” પધ્ધતિ-રીતિ-નીતિ કામ ન આવે!
  દરેકની પોતાની ભૂમિકા -કક્ષા-દશા -મનની અવસ્થા અને એવા ઘણા બધા ફેકટર્સ કામ કરે …,પણ સૌથી અગત્યનો ‘કર્મ-બંધન’નો હિસાબ. એના અનુસાર જ ગાડી આગળ ચાલે ,
  હા, આદતો,મહાવરો,ટેવ-કુટેવ કેળવી શકાય. !? [ જેને જે અનુકૂળ/લાગુ પડે / હોય તે ‘ચિન્હ’ લગાવી લે ! ]
  -લા’કાન્ત / ૧૩-૯-૧૫

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: