નૈરોબી (કેન્યા) અને અને દુબાઈમાં પ્લેન બદલીને કટેન્ડે, ફિયોના અને યુગાન્ડાની બીજી ચાર યુવતીઓ રશિયાના મધ્ય ભાગમાં આવેલા ખેન્તિ મેન્સિયાસ્ક પહોંચ્યાં, ત્યારે કોઈક સાવ અજાણ્યા ગ્રહ પરની ધરતી પર તેમણે પગ માંડ્યો હોય, તેવી લાગણી તેમને થઈ. કોટવે તો શું – ક્યાં કમ્પાલાના પછાત આફ્રિકન દેશની ધરતી અને ક્યાં દુબાઈના એરપોર્ટની માયાવી નગરી? અને ક્યાં સાઇબિરિયાના સ્ટેપ્સમાં એકલું અટૂલું ખેન્તિ મેન્સિયાસ્ક?
ખેન્તિ મેન્સિયાસ્ક – રશિયા અને સાઈબિરિયાને છૂટા પાડતી યુરલ પર્વતમાળાનો પૂર્વ ઢોળાવ ઉતરતાં અને સાઇબિરિયાના પશ્ચિમ ભાગમાં આવેલું, મહાન ઓબ નદીને દક્ષિણમાં મળતી ઈર્તિશ નદીના પૂર્વ કાંઠે વસેલું, માંડ ૮૧,૦૦૦ ની વસ્તી ધરાવતું, પેટ્રોલિયમ બુમ ટાઉન. તેનું સરેરાશ ઉષ્ણતામાન -૧ અંશ સે., અને ઓછામાં ઓછું માત્ર -૪૯ અંશ સે.! ઇર્તિશ નદી તો શિયાળામાં ઠરી જ જાય. એની પર અને બાજુના પર્વતોના ઢોળાવો પર સ્કીઈંગ કરવાના ધખારાવાળા ત્યાં ધસી જાય અને એકેય હોટલમાં શિયાળામાં જગ્યા ન મળે!
પંદરમા માળે આવેલા હોટલના રૂમમાંથી ફિયોનાએ નજર માંડી, તો નીચે કીડીમંકોડા જેવાં કો’ક કો’ક રડ્યાંખડ્યાં વાહનો જ દેખાતાં હતાં. આખો રસ્તો સાવ નિર્જન અને છીંક આવે તેવો ચોખ્ખો હતો. હોટલથી થોડેક જ દૂર એકેય વાહન ન હોય તો પણ, ચાર રસ્તા પરનો ટ્રાફિક સિગ્નલ લીલો, પીળો અને લાલ થતો રહેતો હતો! કદીક કોઈ વાહન આવી ચઢે તો પણ તે લાલ લાઈટ જોઈ, અચૂક થોભી જતું હતું. ફિયોનાને કોટવેના ધૂળિયા રસ્તાઓમાં કોઈ રોકટોક વિના ઘૂમતાં વાહનો યાદ આવી ગયાં. એવા એક વાહન સાથે અથડાતાં માંડ હેરિયેટ બચી ગઈ હતી,તે પણ તેને યાદ આવી ગયું. અહીંના લોકોની મુર્ખામી પર તે હસી પડી. તેણે બહારની હવા માણવા બારી સહેજ જ ખોલી અને થીજી જવાય એવી ઠંડી હવા રૂમમાં ઘૂસી ગઈ.
આવા આ શહેરમાં ત્યાંની ઉગરા ચેસ એકેડેમીના સૌજન્યથી ૨૦૧૦ના સપ્ટેમ્બર મહિનામાં ચેસ ઓલિમ્પિયાડ યોજાઈ હતી. એમાં ૧૧૫ દેશો અને ૧૩૦૬ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં સ્ત્રીઓ માટેની સ્પર્ધામાં યુગાન્ડાની પાંચ મહિલાઓ હાજર રહી હતી. ફિયોના આ બધામાં સૌથી નાની હતી- માત્ર ચૌદ જ વરસની. યુગાન્ડા ૧૯૮૦થી ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લેતું આવ્યું હતું; પણ આ પહેલી જ વાર યુવતીઓ માટેની સ્પર્ધામાં તેણે ખેલાડીઓને મોકલ્યા હતા.
આટલા બધા ખેલાડીઓ હોવાના કારણે અહીં ઓલિમ્પિક નિયમો પ્રમાણે ચાર કક્ષાનાં ટેબલો પર અલગ અલગ દેશોના ચાર કક્ષાના ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા થતી હતી – પહેલા ટેબલ પર ઉચ્ચ કક્ષાના ખેલાડીઓ અને ચોથા ટેબલ પર નિમ્ન કક્ષાના ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાઓ. ફિયોનાના રેન્કિંગ પ્રમાણે તે બે નમ્બરના ટેબલ માટે નિયુક્ત થઈ.
વિશાળ ટેનિસ સ્ટેડિયમમાં ટુર્નામેન્ટ શરૂ થઈ, બીજા દિવસે ફિયોનાએ એક નાનકડી ભૂલ કરી અને સામેવાળી તાઇવાનની યુવતીના ફાંસલામાં તે એવી તો જકડાઈ ગઈ કે તેણે હાર કબૂલ કરવી જ પડી. તે રાતે તે ઊંઘી ન શકી અને સતત રડ્યા જ કર્યું.
પણ હવે તેને સમજાયું હતું કે આફ્રિકામાં રમવું એ એક વાત હતી અને વિશ્વ કક્ષાના ખેલાડીઓ સાથે ઓલિમ્પિયાડમાં રમવું એ બીજી વાત હતી. ત્રીજા દિવસે તેની મૂળ સ્વસ્થતા પાછી આવી ગઈ હતી, પણ ઇજિપ્તની મોના ખાલેદની રમતિયાળ ચાલો જોઈ ફિયોનાનો વિશ્વાસ ખૂલી ગયો અને એ અતિ વિશ્વાસમાં તે ફરીથી ભૂલ કરી બેઠી. મોનાની કુશળ ચાલો આગળ તેણે ફરીથી હાર કબૂલ કરવી પડી. પણ હવે તેણે હિંમત હાર્યા વિના કટેન્ડેને વિશ્વાસ અપાવ્યો કે હવે તે જીતીને જ રહેશે.
છેક નવમા દિવસે તેના નસીબે યારી આપી અને ઇથિયોપિયાની એબેરા સામે તે જીતી શકી.
યુગાન્ડાની છેલ્લી રમતમાં ફિયોનાને એક નંબરના ટેબલ પર મોઝામ્બિકની વેનિયા ફોસ્તો સામે રમવાનું થયું. કટેન્ડેને હવે થઈ ગયું કે આમાં તો ફિયોનાને જીતવાની કોઈ જ શક્યતા ન હતી, પણ આશ્ચર્યજનક રીતે ફિયોના હવે પરાજયને સ્વીકારવા જેટલી સ્વસ્થ અને મજબૂત બની ગઈ હતી. બધાંના આશ્ચર્ય વચ્ચે એ રમતમાં વેનિયાની બાજી પાછી પડતી ગઈ અને તેણે ફિયોના પાસે ડ્રોની માગણી કરવી પડી. ફિયોના માટે આ સૌથી મોટો વિજય હતો. રમતના હોલમાંથી બહાર આવીને ફિયોનાએ પોતાનો દબાવી રાખેલો વિજયોલ્લાસ મુઠ્ઠીઓ ઊંચી કરીને અને હર્ષોલ્લાસની રણહાક પાડીને માણી લીધો. હવે ઓલિમ્પિયાડમાં પણ જીતી શકાય તેવો આત્મવિશ્વાસ તેણે મેળવી લીધો હતો.
પરંતુ એકંદરે યુગાન્ડાનો દેખાવ નબળો જ રહ્યો. જીતેલા પહેલા દસ દેશોમાં પણ યુગાન્ડાનું નામ તમે નહીં વાંચી શકો. આફ્રિકાનો કોઈ દેશ કે ભારત પણ નહીં! ટુર્નામેન્ટના છેલ્લા દિવસે, એવોર્ડ આપવાના ભવ્ય જલસામાં ફિયોના અને કટેન્ડે સમેત યુગાન્ડાના બધા ખેલાડીઓ બહુ જ નિરાશ થઈ ગયા. તેમને કોઈ ટ્રૉફી કે મેડલ મળ્યાં ન હતાં, પણ યુગાન્ડાના બધા ખેલાડીઓમાં ફિયોનાનો દેખાવ સૌથી વધારે સારો રહ્યો હતો. એક નંબરના ટેબલ પરની તેની જીતે હવે પછીની ઓલિમ્પિયાડ માટે તેનું સ્થાન નિશ્ચિત બનાવી દીધું હતું. વિશ્વના ફલક પર ફિયોનાનું નામ જાણીતું કરવા માટે આ સ્પર્ધા ઓટલા પરના ઉમરા જેવી બની રહી.
વતન પાછા આવ્યા બાદ ફિયોનાની શાળામાં તો મોટો ઉત્સવ યોજાઈ ગયો હતો. શાળાની નજીકના પેટ્રોલ પમ્પ પરથી ભાડે લાવેલી કારમાં ફિયોનાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો! રસ્તાની બન્ને બાજુ લોકોનાં ટોળેટોળાં તેનો સત્કાર કરવા કલાકોથી ઊભાં રહ્યાં હતાં અને હાથથી બનાવેલાં પોસ્ટરો ફરકાવતાં હતાં. તેને મળેલી ભથ્થાની રકમમાંથી તે આખી નિશાળનાં છોકરાંઓ માટે, નવાઈ પમાડે તેવી રશિયન કેન્ડી લાવી હતી.
કોટવેના તેના ઘરમાં ફિયોનાનો મિજાજ હવે સાવ બદલાઈ ગયો હતો. સુદાનથી પાછા આવ્યા બાદનો વિષાદ હવે સદંતર ગાયબ થઈ ગયો હતો. તે એક પૂરા અઠવાડિયા સુધી રાતના અંધારામાં અને ગાભાની ગોદડી પર સૂતાં સૂતાં બ્રાયન અને રિચાર્ડને સાઇબિરિયા, થીજાવી નાંખે તેવી ઠંડી, વિમાની મુસાફરી, ભવ્ય હોટલ અને ટુર્નામેન્ટની રસભરી વાતો કરતી રહી. જ્યારે તેણે કહ્યું કે રશિયાના છેક ઉત્તરના પ્રદેશોમાં છ મહિનાની રાત અને છ મહિનાનો દિવસ હોય છે, ત્યારે એના ભાંડુઓ એ વાત માનવા તૈયાર ન હતાં! વિશ્વ વિખ્યાત ગેરી કાસ્પારોવને પણ તે મળી શકી હતી. રશિયાના લોકોને આફ્રિકાના લોકોના ફોટા પાડવાનું ઘેલું લાગેલું હતું અને તે માટે તેઓ એમને રસ્તા પર રોકી પાડતા હતા.
નાના રિચાર્ડે પુછ્યું,” એમને કેમ તમારા ફોટા પાડવા હતા?”
ફિયોનાએ કહ્યું, “એ લોકોને વિશ્વાસ બેસતો ન હતો કે, અમે બધાં ખરેખર કાળા ભૂત જેવાં છીએ! એમને તો એમ જ હતું કે, આ આફ્રિકન લોકો સવારે રંગ લગાડીને ઘરની બહાર નીકળતા હશે!”
છેવટે રશિયાનાં સંસ્મરણોનું સ્થાન તેમની ભવિષ્ય માટેની આશાઓમાં પરિવર્તન પામવા લાગ્યું. બાળક સહજ આશાઓના મિનારા હવે ચણાવા માંડ્યા હતા. તેમણે મોટા થઈને એન્જિનિયર, ડોક્ટર કે મેનેજર બનવાનાં સપનાં જોવા માંડ્યા હતા! ‘તેમનું ભવિષ્યનું સપનાનું મકાન સાત રૂમવાળું હશે; અને તેની પાછળના વંડામાં તરવાનો પુલ પણ હશે! વૃદ્ધ થઈ ગયેલી તેમની મા ઊંચા પલંગ પર આખો દિવસ સૂતી રહેશે.’
ચેસની રમતનાં રાજા અને રાણી તો નિર્જીવ હતાં; પણ તેમણે આ નિર્દોષ બાળકોના મનોરાજ્યમાં તેમને તેમની સપન ભોમકાનાં રાજા રાણી બનાવી દીધાં હતાં. અનેક હતાશાઓ અને વ્યથાઓની વચ્ચે નવી આશાઓનો સૂર્ય ઝળહળવા લાગ્યો હતો.
( ક્રમશ: )
ચર્ચાની એરણે …
સુદાનના ભવ્ય વિજય પછીનો ફિયોનાનો વિષાદ અને ખેન્તિ મેન્સિયાસ્કમાં નબળા દેખાવ છતાં પ્રગટેલી આશા – આ ફેરફારને તમે મનોવૈજ્ઞાનિક રીતે કઈ રીતે મૂલવશો?
રેફરન્સ :
ખેન્તિ મેન્સિયાસ્ક
૨૦૧૦ ચેસ ઓલમ્પિયાડ
Like this:
Like Loading...
Related
જાણીતી વાતની ચઢાવ ઉતારની કટોકટી ફરી માણી આનંદ
હાર બાદ પણ સ્વસ્થતા મેળવી આવી કાળી જીતી શકે તે વાત ગોરાના ભેજામા ઉતારી તે સાનંદાશ્ચર્ય !
‘છીંક આવે તેવો ચોખ્ખો હતો’ આનો શો અર્થ ?
જીતની ઉજવણી કરવામાં આવે છે પરંતુ હારનો ગુસ્સો ઘણો ખરાબ હોય છે. નિ:શંકપણે ઘણા ખેલાડીઓ હારની સ્થિતિ સામે સારી રીતે ટક્કર ઝીલશે જેના લીધે હાર તેને વધુ અભ્યાસ કરીને ભવિષ્યમાં વધુ સારૂ પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરશે પણ કેટલાક એવા ખેલાડીઓ પણ હશે કે જેના માટે આ હારને ભૂલી જવી બહુ સરળ કામ નહીં હોય. હારના ત્રણ માસ પછી પણ તેના લીધે ડિપ્રેશનનો શિકાર થવાની શક્યતા છે.મનોવૈજ્ઞાનિક અને અનુભવી પ્રજ્ઞાજુ વ્યાસ