સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

અહં વિશે અહં!

     અહં, અહંકાર, અભિમાન, મદ વિ. વિ. શબ્દો જેના માટે છે – એના વિશે ‘હું’ કશુંક કહીશ! અહીં અહં ઓગાળવા વિશે વાત નથી કરવાની, પણ અહંભાવનું મહાત્મ્ય સમજાવવાની આ કોશિશ છે.

      કેમ? સાવ ઊલટી ગંગા લાગી ને? ‘બની આઝાદ’ની વાત કરનારના ઉંદર(!) વડે ‘ખોદ્યો ડુંગર અને મળ્યો ઉંદર.’ જેવી આ ઉટપટાંગ વાત લાગી ને?   લો! હવે જરા વિગતમાં …

અહં વિના જીવન શક્ય જ નથી!

      ‘હું’ છું તો બધું છે. જે ઘડી મારામાંથી ‘હું’ કાર કરનાર તત્વ વિદાય લેશે, ત્યારે ‘હું’ મડદા રૂપે જ હશે, અને એને બને એટલો વહેલો ચિતા ભેગો કરવાની ચિંતા એના વારસોના મન પર સવાર હશે!

      શું આ સત્ય સમજાવવું પડશે? પરમ તત્વ અને પરમ ચેતના છે; એ સમજાવવું કદાચ આનાથી વધારે કપરૂં કામ છે. એ સામાન્ય બુદ્ધિથી સમજી શકાય એવી વાત નથી. એને આપણે જરૂર અનુભવી શકીએ. અભ્યાસથી એની સાથે ધીમે ધીમે એકરૂપતા પણ આવવા માંડે.  પણ અહં તો ડગલે ને પગલે આપણી સેવામાં હાજરા હજૂર હોય છે. એ ખુદાઈ ખિદમતગાર આપણી, આપણા કુટુમ્બની, આપણા સમાજની, દેશની, સમસ્ત માનવજાતની સેવા કરતો જ રહે છે.

   મેં ખાધું. હું બગીચામાં ચાલવા ગયો. મેં આ લખ્યું. મેં મારા મિત્ર સાથે વાતચીત કરી. મેં મારા સંતાનના ઘડતર માટે આમ કર્યું. આવા લાખો વાક્યો આપણા જીવનમાંથી આપણે ટાંકી શકીએ. અને એ બધાં વાક્યો સાવ નિર્દોષ છે. એનાથી કશી હાનિ થતી નથી. હું એમ કહું કે, ‘આપણી આજુબાજુ, ઘરના ઓરડામાં જ નજર કરીએ, તો કમસે કમ સો ચીજ તો બે ચાર સેકન્ડમાં જ દેખાઈ આવશે – જે અહં ભાવના પ્રતાપે બનેલી છે.’ – તો કોઈને નવાઈ નહીં લાગે. આ બધી ચીજો કોઈને કોઈ માણસ કે માણસોએ જ બનાવી છે. એની શોધ કરનાર કો’ક સાવ અજાણ્યા માણસનો અહં પણ એની શોધ વડે પોસાયો હશે. અરે! એને બનાવનાર કારીગર પણ કારખાનામાં એ બનાવી ઘેર ગયો હશે, ત્યારે ‘આજનું કામ ઠીક પતાવ્યું.’ – એવા આત્મસંતોષના ઓડકાર એને જરૂર આવ્યા હશે.

     બહુ મોયણ નાંખ્યા વિના સાદી સીધી વાત કરીએ તો, આપણા જીવન વ્યવહારનો બહુ જ મોટો હિસ્સો ‘અહં’ સંતોષાવા સાથે સંબંધ ધરાવે છે. ભલે જીવન જીવવાની ફિલસૂફી અને બધા ધર્મો અને સમ્પ્રદાયો ‘અહં ઓગાળવા’ પર ભાર મૂકતા હોય;

અહં વિના આપણને ચાલવાનું નથી.

     આ બધી વાત કોઈ રેશનાલિસ્ટના ગળે શીરાની જેમ ઊતરી જાય તેવી પણ લાગી જાય! પણ આપણે આ હકિકતનો અસ્વીકાર ન કરી શકીએ કે, અહં વડે ઘણી મોટી . રાક્ષસી કુરૂપતાઓ પણ પેદા થઈ જ છે. અહં વડે સર્જાયેલી ભૂતાવળો શું બનાવટી છે? શું હિટલર, મુસોલિની, ટોજો કે ઇદી અમીનનો અહંકાર ભર્યો ‘હું’કાર પ્રશંસનીય હતો?

   કેટલી મોટી વિડંબના? આપણને અહં વિના ચાલવાનું નથી, અને એ જ અહં આપણી પથારી પણ ફેરવી શકે તેમ છે!

   માટે જ  અહં ઓગાળવા પર આટલો બધો ભાર આપવામાં આવે છે ને? આ વાત થોડીક ઉટપટાંગ છે. પણ સમજવી અઘરી નથી.

   ‘અંધાર ઘેર્યા પ્રદેશના આંધળા રાજા’ એ બનાવેલ ‘રાક્ષસી યંત્રો’ ના અનવવા અને અનેક આશ્ચર્યોમાંનું આ પણ એક આશ્ચર્ય છે.

    એક સર્વ સામાન્ય સત્ય એ છે કે, એકમેકથી વિરુદ્ધ લાગતી બાબતો એક સાથે, એક જગ્યાએ અને એક જ કાળે સાચી હોય છે. ‘અહં’ નું પણ આમ જ છે. જ્યાં સુધી એ નિયમનમાં હોય, ત્યાં સુધી એ જીવન માટે જરૂરી છે – કલ્યાણકારી પણ છે. એના વિના રોજિંદું જીવન શક્ય નથી બનતું. તકલિફ થવાનું કારણ, ‘એ વકરી જાય છે.’ – એમાં છે. માનવ મનનું આ તત્વ માનવ જીવનમાં સુખાકારી પણ લાવી દે છે, અને જીવનને તબાહીની ઊંડી ખાઈમાં ગબડાવી પણ શકે છે. આના અગણિત દાખલા આપણે બહુ સહેલાઈથી આપી શકીએ.

   માટે અહંને પંપાળવામાં વિવેક જરૂરી બને છે. અહંભાવ પૂરેપૂરો ઓગળી જાય; એ કરોડો લોકોમાંથી ગણ્યા ગાંઠ્યા માનવોમાં શક્ય બનતું હશે. એ વીતરાગ મહાત્માઓને સાદર વંદન સાથે જણાવવાનું કે, સામાન્ય માણસો માટે કદાચ એ શક્ય કે જરૂરી નથી. જો વીસેક ટકા લોકો પણ વીતરાગ બની જાય તો, કદાચ સામાન્ય જીવન ઠપ્પ થઈ જાય. ખેડૂત હળ ચલાવવાનું બંધ કરી ભજન કરવા લાગી જાય કે, સરહદ પરનો સૈનિક રાઈફલ બાજુએ મુકી, અહોભાવથી દુશ્મન સૈનિકને ભેટવા જાય તો?

    પણ ત્રણ ચાર હજાર અબજોપતિઓ થોડોક સ્વાર્થ ઓછો કરી એમની મુડીનો દસ જ ટકા ગરીબી અને નિરક્ષરતા દૂર કરવા ખર્ચે તો? અથવા, મધ્યમ વર્ગનો એક માણસ એને ઘેર કામ કરતી કામવાળીના બે ત્રણ સંતાનોના શિક્ષણની જવાબદારી માથે ઊઠાવે તો? દેશની વસ્તીના માત્ર એક ટકા જ લોકો (અંદાજે – એક કરોડ લોકો) અહં અને સ્વાર્થને બે ઘડી કોરાણે મેલી આમ કરે, તો ત્રણ કરોડ બાળકોના શિક્ષણનો પ્રશ્ન ઉકલી જાય.

   ધર્મમય જીવનના અગણિત ઉપદેશો છતાં આમ થતું નથી. કારણ કે, આપણો વકરી ગયેલો અહં આપણને આંધળા બનાવવામાં સફળ નિવડ્યો છે.

   ધાર્મિક ઉપદેશ જેવી લાગતી આ વાત એ માટે કરવાની કે, અહંના અનેક પાસાં છે – પ્રકાશના રંગપટલ ના સાત રંગોથી ઘણા વધારે. એ સમજ્યા વિના આપણે અહં ઓગાળવા લાગી જઈએ, તો કશો અર્થ સરવાનો નથી. કદાચ એમ બને કે, વીતરાગ બની જવાના અભરખામાં આપણે કોઈક નવા જ અહંભાવને – સાત્વિક મહત્વાકાંક્ષાને જન્મ આપી દીધો હોય.

    આ વાત માનવ વર્તણૂંકના અભ્યાસના શાસ્ત્ર ( Behavioural science) મુજબ સમજવા પ્રયત્ન કરીએ.

    માનવ વર્તણૂંક ત્રણ મુખ્ય ભાગમાં વહેંચાયેલી હોય છે.

વાલી (Parent), બાળક (Child) અને આધેડ (Adult)

TransactionalAnalysis

Transactional analysis

        સમય અને સંજોગ મુજબ આપણી વર્તણૂંક આ ત્રણ જાતની વર્તણૂંકોના મિશ્રણ અને સંયોજનના પ્રતાપે ઘડાતી હોય છે. ‘વાલી’ પ્રકારની વર્તણૂંક ‘ગુરૂતા ગ્રંથિ’ના પ્રભાવ હેઠળ દેખા દે છે, તો ‘બાળક’ વર્તણૂંક લઘુતા ગ્રંથિના કારણે. ‘આધેડતા’ ત્યારે જ દેખા દે છે, જ્યારે આવી કોઈ ગ્રંથિ મનમાં બંધાયેલી ન હોય. માનવ સંબંધોના મોટા ભાગના પ્રશ્નો અને માનવ સર્જિત મોટા ભાગની સમસ્યાઓના મૂળમાં માનવ મનની આ વિકૃતિઓ કે ખુબીઓ જવાબદાર હોય છે.

   જેમ જેમ આપણી વર્તણૂંક વધારે ને વધારે ‘આધેડ’ પ્રકારની બનવા લાગે, તેમ તેમ આપણો અહં નિયમનમાં આવતો જાય. એને સાવ ઓગાળવાનો પ્રયત્ન કરવા માટે આપણે હજુ તૈયાર નથી. કદાચ આપણા ભવિતવ્યમાં એ નિર્મિત હશે- તો આપણે એન સાવ ઓગાળી પણ શકીશું.

    પણ કમ સે કમ એને અંકુશમાં રાખવા કૃત નિશ્ચય બનીએ તો? આપણે ફાળે આવેલી જીવન રીત અને જીવન કાર્યને પૂર્ણ પ્રેમથી બાથમાં લઈ, સમાજ અને સૃષ્ટિના અનેકાનેક તત્વો, જીવો અને માનવો માટે અનુગ્રહની ભાવના હૈયે જડી, આપણી દૈનિક જવાબદારીઓ, મોજશોખો અને મહત્વાકાંક્ષાઓને એક નવો વળાંક આપીએ તો?

  કદાચ તો… આપણો અહં જીવવા લાયક ન બની જાય?!

—-

આમ કહેવું તો બહુ સહેલું છે. પણ એ શી રીતે બને?

આમ…

આ ચિત્ર પર ક્લિક કરો

5 responses to “અહં વિશે અહં!

 1. Vinod R. Patel સપ્ટેમ્બર 23, 2015 પર 8:20 પી એમ(pm)

  હું કોણ છું ? એની આત્મશોધ સતત કરવી જરૂરી હોય છે.

  અહમ મર્યાદામાં હોય એ પ્રગતીકારક છે એ વાત બરાબર લાગે છે .

  રાવણની જેમ અહમ જ્યારે વિકરે ત્યારે જ એ વિનાશ નોતરે છે.

  “પોતે કોણ છે ને કોણ નથી’ એ જાણવું, એનું નામ ‘જ્ઞાન’.” -દાદા ભગવાન

 2. pragnaju સપ્ટેમ્બર 23, 2015 પર 8:20 પી એમ(pm)

  કાર્ય કરવાનું જે બળ તે અહં છે.
  -જે બળનો પિંડના-દેહના હિત માટે ઉપયોગ થાય તે અભિમાન,
  બળનો અન્યના હિત માટૅ ઉપયોગ થાય ત્યારે અહં સહાયરુપ થાય છે.
  -અહંનો સ્વભાવ વિષમતા ઉભી કરવાનો છે અહં સંવાદિતાથી વર્તવા દેતું નથી
  પ્રેમની પૂર્ણતામાં અહં-વિસર્જિત.
  એક રોજનો અનુભવ લ ઇ એ
  તમે ઊંઘથી એક પ્રકારનો આરામ અનુભવો છો કારણકે
  ઊંઘમાં ખાલી શરીર જ નથી સુતું તમારો અહં પણ સુઈ જાય છે !

  • સુરેશ સપ્ટેમ્બર 23, 2015 પર 9:00 પી એમ(pm)

   સુતી વખતે અહં પણ સુઈ જાય છે?
   ના… એ અહંનું બીજું રૂપ છે. સ્વપ્નો એ મનની સાફસૂફીની પ્રક્રિયા છે. ભેગા થયેલા ઢંગધડા વિનાના વિચારોની ચિત્ર રૂપ અભિવ્યક્તિ કરીને મન એના ભયો, લાલસાઓ, નીરાશાઓ, વિજયની આકાંક્ષાઓને સંતોષી જમા ઉધાર બરાબર કરી નાંખે છે.
   માટે જ તૂર્યાવસ્થા એ ચેતનાના નવા આવિર્ભાવની સ્થિતિ ગણાય છે.
   અહંને મારવાનો નથી – એની પર લગામ લગાવી , એની પાસેથી જીવન સાર્થક બને તેવાં કામો કઢાવી લેવાનાં છે. અત્યંત બળવાન ઘોડાને મારી ન નંખાય. એને ધારી દિશામાં દોડાવી અંતર જલદી કાપી નાંખવાનું છે.
   લેખમાં દાખલો આપ્યો છે તેમ, એક સૈનિક સાધુ ન બની શકે – ન બનવું જોઈએ. શાળાના શિક્ષકે અથવા માબાપે શિસ્ત પળાવવા કડક થવું જ પડે. એમાં ‘માધવના વેદાંતી ભાઈઓ’ ( ‘કરણ ઘેલો’ નવલકથા!) જેવી ફિલસૂફી ના ચાલે.

 3. nimi65 સપ્ટેમ્બર 24, 2015 પર 9:37 પી એમ(pm)

  Reblogged this on મેઘધનુષ and commented:
  જરૂર વાંચો અને જીવનમાં ઉતારો

 4. Vinod R. Patel સપ્ટેમ્બર 25, 2015 પર 12:07 પી એમ(pm)

  અહમ ને જીતવો સહેલો નથી ..

  પણ મર્યાદામાં અહમ એ પ્રગતી પોષક છે એ વાત સાચી છે .

  ઉદ્યોગપતિઓ બીજાથી વધુ ધનિક થવાના અહમને પોષવા ઉદ્યોગો વધાર્યા કરે છે

  જેનો છેવટે લોકોને રોજી રોટી મળતાં સમાજ માટે ફાયદો કરે છે.

  રાવણ અને હિટલર ની માફક અહમ જ્યારે વકરે છે ત્યારે એ વિનાશક બને છે .

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: