આપણા અસ્તિત્વના એક અગત્યના પાસા જેવા તત્વ માટે વપરાતા આ બધા શબ્દો આમ તો એક જ બાબત અંગે છે. પણ એ તત્વના વિવિધ રૂપો પ્રમાણે આ શબ્દો અલગ અલગ અર્થ દર્શાવે છે.
હિન્દુ ધર્મના જ નહીં પણ મોટા ભાગના ધર્મો, ફિલસૂફીઓ, સમ્પ્રદાયો અને જીવન-દર્શનો અહં ઓગાળવા પર ભાર મુકે છે. એ બધાની રીત, ભાર અને ઝોક અલગ અલગ હોય છે. પણ પાયામાં એ બધાનો ઉદ્દેશ એક જ હોય છે.
અહં ઓગાળવા વિશે કોઈ બેમત ન જ હોઈ શકે, પણ અહીં જરાક જૂદી વાત કરવાની છે. અહંભાવનું સ્વરૂપ સમજ્યા વિના એને ઓગાળવા મચી ના પડાય, એ સમજાવવાની આ કોશિશ છે.
અહં વિના જીવન શક્ય જ નથી!
‘હું’ છું તો બધું છે. જે ઘડી મારામાંથી ‘હું’ કાર કરનાર તત્વ વિદાય લેશે, ત્યારે ‘હું’ મડદા રૂપે જ હશે, અને એને બને એટલો વહેલો ચિતા ભેગો કરવાની ચિંતા એના વારસોના મન પર સવાર હશે! શું આ સત્ય સમજાવવું પડશે?
પરમ તત્વ અને પરમ ચેતના છે; એ સમજાવવું કદાચ આનાથી વધારે કપરૂં કામ છે.રેશનાલિસ્ટો તો ‘એવું કશું છે જ નહીં.’ એમ જ પ્રતિપાદન કરતા રહે છે. કારણ કે, ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપ કે અત્યંત આધુનિક, વૈજ્ઞાનિક સાધનો વડે પણ એવા કોઈ તત્વને જોઈ કે માપી શકાતું નથી! એ સામાન્ય બુદ્ધિ કે તર્કથી સમજી શકાય એવી વાત નથી. એને આપણે જરૂર અનુભવી શકીએ. અભ્યાસથી એની સાથે ધીમે ધીમે એકરૂપતા પણ આવવા માંડે. પણ એવું તત્વ આપણા જીવનના પાયામાં રહેલું તો છે જ.
આમ તો અહં પણ કોઈ સાધન વડે માપી શકાતો નથી! પણ મનોવૈજ્ઞાનિક ચિકિત્સા શાસ્ત્ર પાસે એની લાક્ષણિકતાઓ અને વિકૃતિઓના અભ્યાસ માટે ઘણી બધી રીતો હોય છે. આપણા જીવનમાં એવી વિકૃતિઓ કે સમસ્યાઓ દેખા દે અને આપણે એ બાબત જાગૃત બનીએ, ત્યારે આપણે એમની પાસે જઈ, આપણને નડતર રૂપ થતી એ બધી બલાઓના નિદાન અને ઈલાજ માટે જતા હોઈએ છીએ.
પણ આપણે એક વાત કદી ભુલવી ન જોઈએ કે, સ્વસ્થ અને તંદુરસ્ત અહં તો ડગલે ને પગલે આપણી સેવામાં હાજરા હજૂર હોય જ છે. એ ખુદાઈ ખિદમતગાર આપણી, આપણા કુટુમ્બની, સમાજની, દેશની, સમસ્ત માનવજાતની સેવા કરતો જ રહે છે. માનવ સંસ્કૃતિઓએ રચેલી મોટા ભાગની મહોલાતો, સવલતો, શોધખોળો, જ્ઞાનો, શાસ્ત્રો, કલાકૃતિઓ વિ. માટે માણસના મનની બુદ્ધિ, તર્ક, કલ્પના, સંશોધન અને મહેનત જવાબદાર છે. અને એ બધાને ગતિમાન કરતું તત્વ અહં છે. જો અહં ન હોય તો એ બધાનું ચાલક બળ પણ નબળું પડી જતું હોય છે. એક લેખક વાર્તા, કવિતા, નાટક, નિબંધ, સંશોધન લેખ લખે છે કારણકે, એને દાદની, પોતાના વિચાર અને કલ્પનાશક્તિ માટે દાદની અપેક્ષા હોય છે. એ અપેક્ષા અહંની જ પેદાશ હોય છે – એ સમજાવવું પડે તેમ છે ખરું?
અરે! સાવ સામાન્ય બાબતો – જેવી કે, ‘મેં ખાધું. હું બગીચામાં ચાલવા ગયો. મેં આ લખ્યું. મેં મારા મિત્ર સાથે વાતચીત કરી. મેં મારા સંતાનના ઘડતર માટે આમ કર્યું.’ – આવા લાખો વાક્યો આપણા જીવનમાંથી આપણે ટાંકી શકીએ – જે બધાની પાછળ આપણો ‘હું’ કાર સાવ સામાન્ય ભાવ સાથે હાજરાહજૂર હોય છે. અને એ બધાં વાક્યો સાવ નિર્દોષ છે. એનાથી કશી હાનિ થતી નથી. એ તો જીવન વ્યવહારની સાવ સામાન્ય રીત જ છે. કોઈ મહાત્મા કદાચ ‘હું’ શબ્દ ન વાપરે અને ‘આ જીવ’ એમ કહે – તો પણ ભાવ અને અર્થ તો એક જ રહે છે.
આપણી આજુબાજુ, ઘરના ઓરડામાં જ નજર કરીએ, તો કમસે કમ સો ચીજ તો બે ચાર સેકન્ડમાં જ દેખાઈ આવશે – જે અહં ભાવના પ્રતાપે બનેલી છે. આ બધી ચીજો કોઈને કોઈ માણસ કે માણસોએ જ બનાવેલી છે. એની શોધ કરનાર કો’ક સાવ અજાણ્યા માણસનો અહં પણ એની શોધ વડે પોસાયો હશે. અરે! એને બનાવનાર કારીગર પણ કારખાનામાં એ બનાવી ઘેર ગયો હશે, ત્યારે ‘આજનું કામ ઠીક પતાવ્યું.’ – એવા આત્મસંતોષના ઓડકાર એને જરૂર આવ્યા હશે.
બહુ મોયણ નાંખ્યા વિના સાદી સીધી વાત કરીએ તો, આપણા જીવન વ્યવહારનો બહુ જ મોટો હિસ્સો ‘અહં’ સંતોષાવા સાથે સંબંધ ધરાવે છે. ભલે જીવન જીવવાની ફિલસૂફી અને બધા ધર્મો અને સમ્પ્રદાયો ‘અહં ઓગાળવા’ પર ભાર મૂકતા હોય; અહં વિના આપણને ચાલવાનું નથી.
પણ આપણે એ હકિકતનો અસ્વીકાર પણ ન કરી શકીએ કે, અહં વડે ઘણી મોટી, રાક્ષસી કદની કુરૂપતાઓ પણ પેદા થઈ જ છે. અહં વડે સર્જાયેલી ભૂતાવળો શું બનાવટી છે? શું હિટલર, મુસોલિની, ટોજો કે ઇદી અમીનનો અહંકાર ભર્યો ‘હું’કાર પ્રશંસનીય હતો? અંધારી આલમના અસ્તિત્વ વિશે, એમના વડે સર્જાયેલી/ સર્જાતી જ રહેતી તબાહીઓ વિશે કોઈ શંકા છે ખરી? રાજા, મહારાજા, ઉમરાવો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, જમીનદારો વિ. ની સમ્પત્તિ અમર્યાદિત રીતે વધાર્યે જ જવાની લોલૂપતાએ સમાજના કેટલા મોટા હિસ્સાનું શોષણ હજારો વર્ષોથી કર્યે જ રાખ્યું છે – એ શું સમજાવવું પડે તેમ છે? અરે! સાવ સામાન્ય માણસોની સ્વાર્થલક્ષિતા અને અરસ્પરસના ઝગડા અને પૂર્વગ્રહો પણ ‘હું’ , ‘હું’ અને ‘માત્ર હું’ ના જ પ્રતાપે જ નથી વારૂ?
સાથે એ પણ ઉવેખી ન જ શકાય તેવી વાસ્તવિકતા છે કે, સમાજવાદ અને સામ્યવાદના સુફિયાણા સિદ્ધાંતો પણ માનવ સમાજમાં બિન કાર્યક્ષમ અને બિહામણા પૂરવાર થયા છે. ‘માનવ માત્ર સમાન’ એ રૂપાળો વિચાર વ્યવહારમાં કામચોરીને જ વકરાવે છે અને ઉત્પાદકતા કે સર્જનાત્મકતા માટે હાનિકારક જ પૂરવાર થયો છે. જો બધા સરખા જ હોય તો, કોઈ શા માટે વિશિષ્ઠ સર્જન કે સંશોધન માટે મહેનત કરે? ૬૦-૭૦ વર્ષમાં જ સામ્યવાદના વળતા પાણી થવા પાછળની આ પ્રક્રિયા પણ ‘અહં’ ની પ્રચંડ છડી પોકારતી બાંગ જ નથી શું?!
કેટલી મોટી વિડંબના? આપણને અહં વિના ચાલવાનું નથી, અને એ જ અહં આપણી પથારી પણ ફેરવી શકે તેમ છે; અનેક દુષણોને તે જન્મ આપે છે!
માટે જ અહં ઓગાળવા પર ભાર મુકવાની સાથે ‘એને શી રીતે શ્રેયસ્કર બનાવવો?’ – એ આત્મસાત કરવામાં ડહાપણ છે. આ વાત થોડીક ઉટપટાંગ છે. પણ સમજવી અઘરી નથી. (માનવ મનની લાક્ષણિકતા અંગેની બે કલ્પનાઓ પરિશિષ્ઠમાં જુઓ.)
એક સર્વ સામાન્ય સત્ય એ છે કે, એકમેકથી વિરુદ્ધ લાગતી બાબતો એક સાથે, એક જગ્યાએ અને એક જ કાળે સાચી હોય છે. ‘અહં’ નું પણ આમ જ છે. જ્યાં સુધી એ નિયમનમાં હોય, ત્યાં સુધી એ જીવન માટે જરૂરી છે – કલ્યાણકારી પણ છે. એના વિના રોજિંદું જીવન શક્ય નથી બનતું. તકલિફ થવાનું કારણ, ‘એ વકરી જાય છે.’ – એમાં છે. માનવ મનનું આ તત્વ માનવ જીવનમાં સુખાકારી પણ લાવી દે છે, અને જીવનને તબાહીની ઊંડી ખાઈમાં ગબડાવી પણ શકે છે. આના અગણિત દાખલા આપણે બહુ સહેલાઈથી આપી શકીએ.
માટે અહંને પંપાળવામાં વિવેક જરૂરી બને છે. અહંભાવ પૂરેપૂરો ઓગળી જાય; એ કરોડો લોકોમાંથી ગણ્યા ગાંઠ્યા માનવોમાં શક્ય બનતું હશે. એ વીતરાગ મહાત્માઓને સાદર વંદન સાથે જણાવવાનું કે, સામાન્ય માણસો માટે કદાચ એ શક્ય કે જરૂરી નથી. જો વીસેક ટકા લોકો પણ વીતરાગ બની જાય તો, કદાચ સામાન્ય જીવન ઠપ્પ થઈ જાય. ખેડૂત હળ ચલાવવાનું બંધ કરી ભજન કરવા લાગી જાય કે, સરહદ પરનો સૈનિક રાઈફલ બાજુએ મુકી, અહોભાવથી દુશ્મન સૈનિકને ભેટવા જાય તો?
પણ ત્રણ ચાર હજાર અબજોપતિઓ થોડોક સ્વાર્થ ઓછો કરી એમની મુડીનો દસ જ ટકા ગરીબી અને નિરક્ષરતા દૂર કરવા ખર્ચે તો? અથવા, મધ્યમ વર્ગનો એક માણસ એને ઘેર કામ કરતી કામવાળીના બે ત્રણ સંતાનોના શિક્ષણની જવાબદારી માથે ઊઠાવે તો? દેશની વસ્તીના માત્ર એક ટકા જ લોકો (અંદાજે – એક કરોડ લોકો) અહં અને સ્વાર્થને બે ઘડી કોરાણે મેલી આમ કરે, તો ત્રણ કરોડ બાળકોના શિક્ષણનો પ્રશ્ન ઉકલી જાય.
ધર્મમય જીવનના અગણિત ઉપદેશો છતાં આમ થતું નથી. કારણ કે, આપણો વકરી ગયેલો અહં આપણને આંધળા બનાવવામાં સફળ નિવડ્યો છે. એ ઉપદેશો કદાચ જીવનની તળ સપાટીને સ્પર્શતા નથી હોતા. આથી તે આપણા લક્ષ્ય પર આવે છે; તો પણ આપણે એમને અવગણીને જાકારી દઈએ છીએ. અથવા … કદાચ એમ બને કે, વીતરાગ બની જવાના અભરખામાં આપણે કોઈક નવા જ અહંભાવને – સાત્વિક મહત્વાકાંક્ષાને જન્મ આપી દીધો હોય, અથવા જીવનની વાસ્તવિકતાઓ તરફ પલાયનવાદ કેળવાવા લાગ્યો હોય.
અહંના અનેક પાસાં છે – પ્રકાશના રંગપટલ ના સાત રંગોથી ઘણા વધારે. એ સમજ્યા વિના આપણે અહં ઓગાળવા લાગી જઈએ, તો કશો અર્થ સરવાનો નથી. આ વાત માનવ વર્તણૂંકના અભ્યાસના શાસ્ત્ર ( Behavioural science) મુજબ સમજવા પ્રયત્ન કરીએ.
માનવ વર્તણૂંક ત્રણ મુખ્ય ભાગમાં વહેંચાયેલી હોય છે.
સમય અને સંજોગ મુજબ આપણી વર્તણૂંક આ ત્રણ જાતની વર્તણૂંકોના મિશ્રણ અને સંયોજનના પ્રતાપે ઘડાતી હોય છે. ‘વાલી’ પ્રકારની વર્તણૂંક ‘ગુરૂતા ગ્રંથિ’ના પ્રભાવ હેઠળ દેખા દે છે, તો ‘બાળક’ વર્તણૂંક લઘુતા ગ્રંથિના કારણે. ‘આધેડતા’ ત્યારે જ દેખા દે છે, જ્યારે આવી કોઈ ગ્રંથિ મનમાં બંધાયેલી ન હોય. માનવ સંબંધોના મોટા ભાગના પ્રશ્નો અને માનવ સર્જિત મોટા ભાગની સમસ્યાઓના મૂળમાં માનવ વર્તણૂંકના આ ત્રણ પાસાં જવાબદાર હોય છે. આપણી વર્તણૂંક કદીક સાવ બાળક જેવી હોય છે, અથવા પોતાની વાત પર અટલ રહેતા અડિયલ ટટ્ટુ વડીલ જેવી! જેમ જેમ આપણી વર્તણૂંક વધારે ને વધારે ‘આધેડ’ પ્રકારની બનવા લાગે, તેમ તેમ તે વધારે ને વધારે વિવેક સભર બનવા લાગે છે. આપણો અહં નિયમનમાં આવતો જાય.
એને સાવ ઓગાળવાનો પ્રયત્ન કરવા માટે આપણે હજુ તૈયાર નથી. કદાચ આપણા ભવિતવ્યમાં એ નિર્મિત હશે, તો આપણે એને સાવ ઓગાળી પણ શકીશું. પણ એ પ્રક્રિયા બરફમાંથી પાણી બનવા જેવી હોવી જોઈએ. પાણીનું ટીપું પણ ન રહે તેવી નહીં! આપણે અહંને મારી નાંખવાનો નથી. એની પર લગામ લગાવી, એની પાસેથી જીવન સાર્થક બને તેવાં કામો કઢાવી લેવાનાં છે. અત્યંત બળવાન ઘોડાને મારી ન નંખાય. એને ધારી દિશામાં દોડાવી અંતર જલદી કાપી નાંખવાનું છે. અહં અને મન એ તો આપણા સૌથી વધારે ધારદાર ઓજારો છે – એમને ઓગાળી/ ફેંકી ન દેવાય. એ ઘોડા પર સવાર થઈને પૂરપાટ હાંકવાની મજા માણવા આપણને એ મળ્યા છે. એમને બરાબર કેળવણી આપવાની છે. એ તો સાવ બાળક જેવા નાદાન છે – પણ હુંશિયાર છે!
આનો સાવ સરળ અને મનમાં ઠસી જાય તેવો દાખલો આપણી ઊંઘ છે. જ્યારે આપણે સવારમાં જાગીએ છીએ, ત્યારે સરસ મજાની હળવાશ કેમ અનુભવીએ છીએ? સ્વપ્નો સિવાય, મગજ અને આપણો અહં ભાવ તે વખતે પોઢી જાય છે. અહં મરી નથી જતો, પણ સૂઈ જાય છે. એ અંકુશમાં તો નથી આવતો, પણ થાકેલો અહં ચપટીક ઝોકું ખાઈ લે છે.
બસ આમ જ આપણે અહંને પટાવી પટાવીને અંકુશમાં રાખવા કૃત નિશ્ચય બનીએ તો? અહંને સુવાડી દઈને નહીં પણ જાગતા રહીને તેની તરફ સભાન બનતા રહીએ તો? આને જ્ઞાનની ભાષામાં પ્રેક્ષક બનવાની રીત કહે છે. સાદી ભાષામાં, એ જે કાંઈ બની રહ્યું છે – તે એક ઘટના તરીકે, એક નાટક કે ફિલ્મ તરીકે જોઈ શકવાની કાબેલિયત છે. જ્યારે આવી જાગૃતિ આપણને ઉપલબ્ધ થવા લાગે છે, તેમ તેમ આપણને આપણા માનસમાં ઉભરી આવતા વિકારો દેખાવા લાગે છે, અને તેમને સંયમમાં રાખવાની કળામાં આપણે વધારે ને વધારે માહેર બનતા જઈએ છીએ.
આ સાથે ‘ધ્યાન’ અંગે પ્રવર્તમાન અધુરી સમજ વિશે બે એક વાત. ધ્યાન એ કોઈ ક્રિયા નથી; પણ મનની અવસ્થા છે. કોઈ પણ ક્રિયા આપણે કરીએ, એમાં પૂર્ણ રીતે આપણી નજર કેન્દ્રિત થાય તો એ ક્રિયા થકી આપણે ધ્યાનની અવસ્થા હાંસલ કરી છે, તેમ કહી શકાય. આમ ‘ધ્યાન’ને પ્રવૃત્તિ બનાવવાની નથી; પણ જે કાંઈ પ્રવૃત્તિ કરીએ તેમાં પૂર્ણ ધ્યાન રાખવાનું છે. જેમ જેમ પ્રવૃત્તિમાંથી ફળ મેળવવાની આપણી વૃત્તિ સરી જવા લાગે છે, તેમ તેમ આપણે એ પ્રવૃત્તિ ઘણા વધારે ઊંડાણથી કરતા થઈએ છીએ. આમ થવા લાગે ત્યારે જીવવાનો સાચો આનંદ આપણને મળતો થવા લાગે છે.
બીજી એક વાત….આપણી પ્રવૃત્તિઓની સાથે સાથે જો આપણા ચિત્તમાં ‘પદ્મમુદ્રા’નો ભાવ દોહરાવતા રહીએ, તો આપણા અસ્તિત્વને શક્ય બનાવનાર લાખો જીવો અને પરિબળો પ્રત્યે આપણી સભાનતા અને સન્માન કેળવાવા લાગે છે. આના પરિણામે આપણે કેવળ સ્વલક્ષી જ ન બની રહેતાં, બીજાઓના વિશે, એમના દૃષ્ટિબિંદુ વિશે પણ જાગૃત થવા લાગીએ છીએ.
બસ. આપણા અહં ભાવમાં માત્ર સ્વાર્થ ભાવ જ નહીં પણ બીજા માટેની પાકટ/ આધેડ નજર ઉમેરવાનાં છે; નિસ્વાર્થ ‘સેવા’નું તત્વ ઉમેરી દેવાનું છે. તો જીવન જીવવાની મજા જ કાંઈક ઓર બની જાય છે. એક વાર આમ કરી જોઈએ તો?
આમ થવાથી આપણા સુખ અને સમૃદ્ધિ વધે કે ન વધે, પણ ‘જીવનનું એ જ એકમાત્ર લક્ષ્ય છે.’ – એ ભાવ ધીમે ધીમે ઓગળવા લાગે છે. જીવન તરફનો અભિગમ આમૂલ પરિવર્તન પામવા લાગે છે. આપણે ફાળે આવેલી જીવન રીત અને જીવન કાર્યને પૂર્ણ પ્રેમથી બાથમાં લઈ, સમાજ અને સૃષ્ટિના અનેકાનેક તત્વો, જીવો અને માનવો માટે અનુગ્રહની ભાવના હૈયે જડી, આપણી દૈનિક જવાબદારીઓ, મોજશોખો અને મહત્વાકાંક્ષાઓને એક નવો વળાંક મળવા લાગે છે. જીવન જીવવાની એક મધુર અને સાવ અલગ પ્રકારની શક્યતા આપણા જીવનમાં સાકાર બનવા લાગે છે.
કદાચ તો જ… આપણે અને આપણો અહં જીવવા લાયક બની જાય.
શ્રી. શ્રી. રવિશંકર – અહંકાર વિશે શું કહે છે?
अहंकारको तोडनेकी चेष्ठा न करो,
उसको जहां है, वहीं रहने दो ।
“Know thy self” tell us that you are there but find out what is or who is real “you”. According to simple thinking the moment JIVA gains the physical existence the MAYA comes in play. This is because the expressed world is nothing but MAYA. This also means that the physical world is limiting in the journey of JIVA or soul to become or be one with SHIVA. There is no અહંકાર without અહં. This is where the suggestion or implication of dissolving Ahamkar comes in play for the evolution of the soul.
“આપણને અહં વિના ચાલવાનું નથી, અને એ જ અહં આપણી પથારી પણ ફેરવી શકે તેમ છે; અનેક દુષણોને તે જન્મ આપે છે!”
“પણ આપણે એક વાત કદી ભુલવી ન જોઈએ કે, સ્વસ્થ અને તંદુરસ્ત અહં તો ડગલે ને પગલે આપણી સેવામાં હાજરા હજૂર હોય જ છે. માનવ સંસ્કૃતિઓએ રચેલી મોટા ભાગની મહોલાતો, સવલતો, શોધખોળો, જ્ઞાનો, શાસ્ત્રો, કલાકૃતિઓ વિ. માટે માણસના મનની બુદ્ધિ, તર્ક, કલ્પના, સંશોધન અને મહેનત જવાબદાર છે. અને એ બધાને ગતિમાન કરતું તત્વ અહં છે. જો અહં ન હોય તો એ બધાનું ચાલક બળ પણ નબળું પડી જતું હોય છે.”
અહંકારના વિવિધ સ્વરૂપોની સરસ સમજણ સાથે નવસર્જન અને પ્રગતિ માટે અહંમના હકારાત્મક સ્વીકારની જરૂર તરફ નિર્દેશ કરતો લેખ ગમ્યો.શ્રી શ્રી સાથેની પ્રશ્નોત્તરીનો વિડીઓ પણ સર .આભાર.
‘જાત સાથે જીવવાની રીત’…
એ રીત અનુભવે જ સમજાય. વાંચન, ઉપદેશ કે ગુરૂ વડે માર્ગદર્શન એક ગાઈડ બુક જરૂર, પણ ચાલ્યા વિના ‘જ્યાં છીએ’ – ત્યાંજ રહેવાય.
અને એક વખત જાત સાથે જીવવાની મઝા માણી હોય, પછી બધા રસ ફિક્કા લાગે. એવાં એવાં બારણાં ખુલવા લાગે, જેની સ્વપ્નમાં પણ કલ્પના ન કરી હોય.
કદાચ….
મહાન શોધો કરનાર વૈજ્ઞાનિકો, અદભૂત કલાકૃતિઓના સર્જકો કે, અપ્રતીમ શારીરિક કૌશલ્ય હાંસલ કરી શકનારાઓ અને એવા બીજા ઘણાને માટે આવી કોઈ અટૂલી પળે કોઈક બારણું ખુલી જતું હશે- અને સ્પાર્ક અને નવી ક્ષિતીજો ફટ્ટાક કરતાંકને ખુલ્લી થઈ જતી હશે?
કદાચ ….
એમ જ પૈડું શોધાયું હશે?
——– https://bestbonding.wordpress.com/2012/06/26/selfdiscloser/
TA … probably made first inroad into that unknown horizon for SuJa – year 1991, 2-3 years before Landmark Forum.
अहंकारको तोडनेकी चेष्ठा न करो,
उसको जहां है, वहीं रहने दो ।
અહ્કારોના પ્રકારોની સરસ સમજણ આપી .
“Know thy self” tell us that you are there but find out what is or who is real “you”. According to simple thinking the moment JIVA gains the physical existence the MAYA comes in play. This is because the expressed world is nothing but MAYA. This also means that the physical world is limiting in the journey of JIVA or soul to become or be one with SHIVA. There is no અહંકાર without અહં. This is where the suggestion or implication of dissolving Ahamkar comes in play for the evolution of the soul.
“આપણને અહં વિના ચાલવાનું નથી, અને એ જ અહં આપણી પથારી પણ ફેરવી શકે તેમ છે; અનેક દુષણોને તે જન્મ આપે છે!”
“પણ આપણે એક વાત કદી ભુલવી ન જોઈએ કે, સ્વસ્થ અને તંદુરસ્ત અહં તો ડગલે ને પગલે આપણી સેવામાં હાજરા હજૂર હોય જ છે. માનવ સંસ્કૃતિઓએ રચેલી મોટા ભાગની મહોલાતો, સવલતો, શોધખોળો, જ્ઞાનો, શાસ્ત્રો, કલાકૃતિઓ વિ. માટે માણસના મનની બુદ્ધિ, તર્ક, કલ્પના, સંશોધન અને મહેનત જવાબદાર છે. અને એ બધાને ગતિમાન કરતું તત્વ અહં છે. જો અહં ન હોય તો એ બધાનું ચાલક બળ પણ નબળું પડી જતું હોય છે.”
અહંકારના વિવિધ સ્વરૂપોની સરસ સમજણ સાથે નવસર્જન અને પ્રગતિ માટે અહંમના હકારાત્મક સ્વીકારની જરૂર તરફ નિર્દેશ કરતો લેખ ગમ્યો.શ્રી શ્રી સાથેની પ્રશ્નોત્તરીનો વિડીઓ પણ સર .આભાર.
અહં ની મથામણ ગમી. ટીએ માટે ગુજરાતીમાં મારી માથાકુટ સમય મળ્યે જોઈ જશો –
સ્વની ખણખોદ – ની ચારપાંચ પોસ્ટ – https://bestbonding.wordpress.com/2012/06/26/selfdiscloser/
‘જાત સાથે જીવવાની રીત’…
એ રીત અનુભવે જ સમજાય. વાંચન, ઉપદેશ કે ગુરૂ વડે માર્ગદર્શન એક ગાઈડ બુક જરૂર, પણ ચાલ્યા વિના ‘જ્યાં છીએ’ – ત્યાંજ રહેવાય.
અને એક વખત જાત સાથે જીવવાની મઝા માણી હોય, પછી બધા રસ ફિક્કા લાગે. એવાં એવાં બારણાં ખુલવા લાગે, જેની સ્વપ્નમાં પણ કલ્પના ન કરી હોય.
કદાચ….
મહાન શોધો કરનાર વૈજ્ઞાનિકો, અદભૂત કલાકૃતિઓના સર્જકો કે, અપ્રતીમ શારીરિક કૌશલ્ય હાંસલ કરી શકનારાઓ અને એવા બીજા ઘણાને માટે આવી કોઈ અટૂલી પળે કોઈક બારણું ખુલી જતું હશે- અને સ્પાર્ક અને નવી ક્ષિતીજો ફટ્ટાક કરતાંકને ખુલ્લી થઈ જતી હશે?
કદાચ ….
એમ જ પૈડું શોધાયું હશે?
——–
https://bestbonding.wordpress.com/2012/06/26/selfdiscloser/
TA … probably made first inroad into that unknown horizon for SuJa – year 1991, 2-3 years before Landmark Forum.
Pingback: અહંકાર | સૂરસાધના