ભીતરની જાગૃતિ વગર શાંતિની ઇચ્છા વાંઝણી છે. ભીતરની જાગૃતિ વગર સુખ અને કહેવાતી મસ્તી લાંબો સમય ટકતાં નથી, અંતે બધું ભાંગી પડે છે.
મનુષ્યે બુદ્ધિનો વિકાસ ખૂબ કર્યો. હવે તેણે ભીતરની જાગૃતિ વધારવાની છે. પુરી મનુષ્યજાતિ માટે આ તબક્કો હવે બહુ મહત્વનો છે. જાગૃતિ વગર ધંધાધાપામાં રઝળપાટ, માની લીધેલા માનપાન, સુખવૈભવ; છેવટે એકડા વગરનાં મીંડાં સાબિત થાય છે. માણસ જ્યારે આવી સ્થિતિમાં આવી પડે છે. ત્યારે કારણો શોધે છે. અન્યને દોષિત માને છે.
સંસાર પૂરેપૂરો માણવાનો છે. ભાગવાનું નથી. ભીતર જાગૃતિ વધે, તે માટે પ્રયત્નો પણ કરવાના છે. જાગૃતિ વધે તેમ તેમ બેહોશી દૂર થાય. અંદર અંધારું ઓછું થાય. પ્રકાશિત બુદ્ધિને બધું સાફ-સાફ દેખાય. પ્રકાશિત બુદ્ધિને વિવેક કહે છે. પ્રકાશ જેમ જેમ વધતો જાય તેમ તેમ બુદ્ધિ નિખરતી જાય. ઉત્તરોત્તર નવાં નવાં દર્શનો થતાં જાય. બિનજરૂરી આપાધાપી ઓછી થાય. સ્વદર્શનનો માર્ગ ખુલ્લો થાય.
બુદ્ધિ પ્રકાશિત થતી જાય તેને શાસ્ત્રીય નામો આપ્યા છે – વિવેક, મતિ, ધી, પ્રજ્ઞા, મેધા; પ્રકાશનો ઉત્તરોત્તર વધારો.
ભીતરની અતૃપ્તિ ‘સ્વ’ના દર્શન સુધી કોઈ ને કોઈ સ્વરૂપે રહેવાની. જીવન ઊર્જા પ્રયાસ માટે વાપરવી પડશે. અત્યારે તો પુરેપુરી જીવન ઉર્જા સંસારમાં કંઇક મેળવવા, કંઇક બની જવાના પ્રયાસમાં વપરાઈ રહી છે.
સમજીએ-
જેમ પૈસા કાં તો વપરાય, વેડફાય, કાં ઇન્વેસ્ટ થાય. આવુ જીવન ઊર્જા બારામાં છે. જીવન ઊર્જા સરપ્લસ હશે તો ઇન્વેસ્ટમેન્ટ થઈ શકશે.
જીવન ઊર્જાનો ઉપયોગ વધુ ને વધુ સજગતાથી જીવનમાં કરવો પડે. જીવન ઊર્જાનો ઉપયોગ વધુ ને વધુ વર્તમાન ક્ષણમાં રહેવા કરવો પડે. વર્તમાન ક્ષણમાં ઠહેરાવ વધશે તો ચિત્તની ભટકન ઓછી થશે. આ સાધનાની ચાવી છે. ઉત્ક્રાંતિનુ પગથિયું છે. મનુષ્યની ઉર્ધ્વગામી સંભાવનાઓનું દ્વાર છે. સૌ પ્રથમ તો જીવન ઊર્જાના બિનજરુરી વ્યયને અટકાવવો પડે.
રસોઇમાં સપ્રમાણ મીઠું જરૂરી. વધુ પણ નહીં અને ઓછું પણ નહીં. આમ થાય તો રસોઇ સ-રસ થાય. સંગીતમાં સપ્રમાણ સૂર જરૂરી. કમ પણ નહીં અને તીવ્ર પણ નહીં. આમ થાય તો સંગીત ગમે. આવું જ જીવનના બારામાં છે. જીવન એવું ગોઠવતાં રહો કે આવો ‘સમ’ ઉપલબ્ધ થાય. જીવન મધુર બને.
સાધનાની ગહેરાઇ પછી સમજાશે. પહેલાં જીવનને મધુરું તો બનાવો. જીવનમાં હાર્મની, બેલેન્સ તો પ્રગટાવો.
બે પેંગડામાં સ્થિર ઉભા ન રહેવાના કારણે કેટલાય રાજાઓ દ્રૌપદીના સ્વયંવરમાં નીચે પછડાયા હતા. અર્જુનની જેમ ‘સમ’ પકડાય, બન્ને પલ્લાં સમતોલ થાય તો મત્સ્યવેધ થઈ શકે. સાધનાની ગહેરી વાતો ઋષિમુનીઓ કહી ગયા છે. દ્રૌપદી સેક્સ-એનર્જિનું પ્રતિક છે. એ એનર્જિ અત્યારે આપણા ઇન્સ્ટિન્ક્ટ, મુવિંગ, સેક્સ, ફિલિંગ અને થિંકિંગ; એમ પાંચ કેન્દ્રો સાથે જોડાયેલી છે. આ એનર્જિના ચેનલાઈઝીંગ દ્વારા કૃષ્ણદર્શન શક્ય બને છે.
ગહેરી વાતો છે, વિસ્તારથી સમજીશું.
…..બ્રહ્મવેદાંતજી
Like this:
Like Loading...
Related
સતત ભીતરની જાગૃતિ જરુરી
મનુષ્ય દર્શનનાં બે પાસાં હોય છે. આંતર દર્શન અને બાહ્ય દર્શન .આ બે દર્શન વ્યસ્ત પ્રમાણમાં મનુષ્ય સાથે જોડાએલા રહે છે. જેટલું બાહ્ય દર્શન વધે એટલું આંતર દર્શન ઘટે છે . આંતર દર્શન જેમ વધે એમ બાહ્ય દર્શનનો મોહ ઘટતો જાય છે.
બહારનો આનંદ ટૂંકા ગળાનો હોય છે , ભીતરનો આનંદ કાયમી સાદ્યંત હોય છે .