અત્યારે આપણું હોવાપણું વ્યવહારમાં છે. વ્યવહારમાં પીડા હોય છે. જ્યાં ન ગમતું હોય ત્યાં રહેવું પડે. એનાથી અંદર જે સંવેદના થાય તેને પીડા કહે છે. નોકરી નથી કરવી તો પણ કરવી પડે, ત્યારે પીડા થાય છે. નાના બાળકને ભુખ લાગે, પેટમાં દુખે અને રડે તે એની પીડા છે. વ્યક્તિત્વના જગતમાં વ્યક્તિત્વને ઠેસ લાગે, ત્યારે પીડા થાય છે. સંસારીને પોતાની પીડાની ખબર નથી પડતી ત્યારે રાડો નાંખે છે. વ્યવહારિક પીડાનો ઉપચાર વ્યવહારિક જગતમાં થાય. મંત્ર, જાપ કે ઠાકોર-સેવાથી એ પીડાનો ઉકેલ ન મળે.
શરીરના સ્તર પર પણ પીડા થાય છે. શરીરની સિસ્ટમમાં કોઇ પણ ગરબડ થવાથી શારીરિક પીડા થતી હોય છે. ડોક્ટરી ઇલાજથી આ પીડામાંથી મુકત થવાય. એક પીડા સૂક્ષ્મ શરીરમાં થતી હોય છે. કોઇ અપમાન કરે ત્યારે મનમાં પીડા થાય છે. અપેક્ષા કે કામના પૂરી ન થાય, ત્યારે પીડા થાય છે. સંસારી માણસ અનેક કામનાઓથી પીડાતો હોય છે.
મોટે ભાગે પીડા થતી હોય છે બેહોશીના કારણે. કામનાની પૂર્તિ ન થાય અને જે નથી એની આકાંક્ષા – અપેક્ષા સેવીએ તે પુરી ન થાય તો અંદર જીવ બળે છે. જીવ બળે ત્યારે સમય અને શક્તિનો વ્યય થાય છે. પીડામાં વાસ્તવિકતા હોય છે; જ્યારે જીવ બળે છે એમાં મોટે ભાગે ભ્રાંતિ હોય છે. છોકરો હોસ્પિટલમાં હોય, દવા-દારૂ કે ઉપચારનું પરિણામ ન મળે ત્યારે બીજુ કશુ ન કરી શકવાથી જીવ બળે છે. આ જીવ બળવાનુ નિરર્થક છે.
ગમે તે કારણસર જીવ બળે તો તરત ઉપચાર કરવો; અને જીવને ઠારી નાખવો. જીવ બળે ત્યારે દ્રષ્ટાભાવ કેળવવો, બળતા જીવને જોયા કરવો. જોવાથી જીવ નકામો બળતો નથી. બળતા જીવને જોવાથી આપણને કોન્શિયસ એનર્જિ મળી જાય છે. જે જાગે છે તેને પીડા થતી નથી, જીવ પણ બળતો નથી. શરીર કે મનમાં થતી પીડા અને નાની-મોટી બાબતોમાં બળતા જીવને ઠારવાનો સાચો ઉપચાર છે જાગરણનો.
જાગૃત વ્યક્તિ જુવે છે
અને
જે જુવે છે
એને પીડા થતી નથી.
શરીરને કષ્ટ થાય છે, મનમાં સુખ-દુખ થાય છે; અને જીવ આ બધુ ભોગવે છે.
…..બ્રહ્મવેદાંતજી
Like this:
Like Loading...
Related
ખૂબ સરસ
અમે સમજ્યા…
જ્યાં સુધી આત્માનું અસ્પષ્ટ વેદન છે ત્યાં સુધી દુઃખને વેદે, એટલે કે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાના પ્રયત્નમાં હોય; જ્યારે ‘જ્ઞાની પુરુષ’ કે જેમને આત્માનું સ્પષ્ટ વેદન …આત્માનો અસ્પષ્ટ અનુભવ થઈ જાય છે અને ‘આ’ વેદન શરૂ થયું ત્યારથી
સંસારનું વેદન બંધ થાય. એક જગ્યાએ વેદન હોય, બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું જ્યારથી વેદન શરૂ થાય, તે આત્માનું ‘સ્વ-સંવેદન’ અને
તે ધીમે ધીમે વધીને ‘સ્પષ્ટ’ વેદન સુધી પહોંચે !