જીવનમાં ઘણા આઘાતો આવવા છતાં પણ જીવ કેમ જાગતો નથી ?
કારણમાં વિવેકનો અભાવ છે. આપણી ભક્તિ સાપેક્ષ છે, આસક્તિયુક્ત છે. ભક્તિ અને આસક્તિ બન્નેમાં અહમ્ છે. છતા ભક્તિમાં અહમ્ ઓગળી જવા માંગે છે, જ્યારે આસક્તિ પકડી લેવા માંગે છે. ભક્તિમાં પ્રતીક્ષા હોય છે, જ્યારે આસક્તિમાં આગ્રહ અને અધીરાઇ હોય છે.
મીરાં અને કૃષ્ણ સાથે ન હતાં તેથી મીરાં માટે કૃષ્ણને મેળવવા પ્રતીક્ષા, તિતિક્ષા (*) સિવાય બીજો આશરો ન હતો. જો આ સ્થૂળ દેહનું સાન્નિધ્ય હોત તો જુદી વાત હોત. મીરાંમાં બાળપણથી કૃષ્ણ-પ્રેમ હતો. બાલ્યાવસ્થામાં કૃષ્ણની મૂર્તિ સાથે આસક્તિ હતી. આધાર પૂરતી આસક્તિ રાખેલ, પછી એ આસક્તિ પણ છુટી જાય છે.
આપણે સદગુરુ યા ઇશ્વરનો આધાર લઈએ છીએ, પણ પછી એ આધાર કામનામાં પરિણમે છે. શરુઆતમાં સેવા પૂજા કરીએ પણ પછી ક્યારે વ્યક્તિગત માંગણી મુકીએ તેની ખબર જ નથી પડતી!
દરેક આઘાત ભક્તને ઉપર ચડાવે છે.
આસક્તને આઘાત નીચે ઉતારે છે.
વેદના અને આઘાત તો દરેકના જીવનમાં આવે છે, પણ તેનો કેવો ઉપયોગ લેવો તેનો વિવેક આવવો જોઇએ. ગટરના પાણી અને ગંગાના પાણીની પરખ શક્તિ આવવી જોઇએ. આશ્રમજીવન સ્વીકારીએ એટલે ભક્તિ આવતી નથી. ભક્તિ માટે જીવ અંદરથી જાગવો જોઇએ.
આપણા વ્યવહારના સંબંધોમાં પણ શુદ્ધિ નથી. વાતવાતમાં ખોટુ લાગી જાય, ઇર્ષ્યા આવી જાય, સંબંધોમાં સ્વાર્થપરાયણતા આવી જાય, કોઇ પ્રકારનો નકારાત્મક ભાવ આવી જાય, તો એ આસક્તિનુ પરિણામ છે. ભક્તિમાં તો હમેશા શુદ્ધ અને હકારાત્મક ભાવ જ હોય.
અત્યારે આપણે ખોટું જીવન જીવીએ છીએ અને સાચાની અપેક્ષા રાખીએ છીએ ! ખોટો ચેક કેટલો ચાલે ? સત્યને માટે, ભક્તિને માટે બલિદાન આપવુ પડે. મીરાંએ બલિદાન આપ્યું. આપણે તો જે સમજીએ છીએ, માનીએ છીએ તેને જ સત્ય માનીએ છીએ, અને આપણી માન્યતાઓને યોગ્ય ઠેરવીએ છીએ! જ્યાં સુધી આવા જસ્ટિફિકેશન્સ છે ત્યાં સુધી જીવનમાં પરિવર્તનનો કોઇ અવકાશ નથી. ભક્તિ એ ગંગાનુ પાણી છે, ભક્તિ એ શુદ્ધ સોનું છે.
જીવન તો નિર્ભાર છે; ભાર લાગે તો સમજવું કે રસ્તો ચુકાઇ ગયો છે.
…બ્રહ્મવેદાંતજી
* તિતિક્ષા – સુખ, દુ:ખ વગેરે દ્વંદ્વો સહન કરવાની વૃત્તિ, સહિષ્ણુતા, ખામોશી
Like this:
Like Loading...
Related
બારીક રેખા
ભેદ [પારખવો મુશ્કેલ
સર્વ દુઃખોનું મૂળ આસક્તિ માં રહેલું હોય છે.
મહાત્મા ગાંધીજીએ ગીતાના એમના ગુજરાતી ભાષાંતર નું નામ સુંદર આપ્યું છે- અનાસક્તિ યોગ.આસક્તિનો ત્યાગ કરીએ એટલે જીવનમાં સફળતા પ્રાપ્ત થાય.
ગીતા એ જીવન યોગ છે. જીવન કેમ જીવવું એની કળા ગીતા એટલે કે અનાસક્તિ યોગ શીખવે છે.