ઇન્વોલ્યુશન એટલે અધોગતિ. કામના હોય ત્યાં ચેતના નીચે તરફ પડી જાય છે. માણસ ભાવનાના જગતમાં રહે તો એની ઊર્ધ્વગતિ થાય છે. મનુષ્યમાં આજકાલ ભાવના ઓછી થતી જાય છે. મનુષ્ય કામનાગ્રસ્ત વધારે છે. સમસ્યા એ છે કે, ભાવનાના જગતમાં પણ કામના ઘૂસી જાય છે ! કોઇની સાથે હર્યા-ફર્યા, ખાધું-પીધું, ભાવ જાગ્યો અને તે સાથે તરત જ ભાવનામાં કામના આવે છે કે, આવી સ્થિતિ ફરી ક્યારે આવશે ? જેવી કામના થઈ કે, તરત જ ચેતના ભવિષ્યમાં જતી રહી ! ભાવના હંમેશા વર્તમાનમાં જ હોય; કામના હંમેશા ભવિષ્યમાં હોય.
ભાવના દિલમાં હોય છે, જ્યારે કામના દિમાગમાં હોય છે. ભાવના શુદ્ધ હોય છે, જ્યારે કામના વિકારગ્રસ્ત હોય છે. કામનામાં મમત્વ અને માલિકીભાવના ખતરનાક જીવાણુ હોય છે. આપણે એક સુંદર ફૂલને જોઇએ છીએ, તે સાથે જ અંદર વિચાર પકડાઈ જાય છે કે, આ ફૂલને ઘેર કેવી રીતે લાવવું ? જોવાની સાથે જ આસક્તિ જાગે છે. આ ક્ષણે સાવધાન થઈ જવું. ફૂલને માત્ર જોવાનું છે. વસ્તુને ખરીદી શકાય છે, પણ તે સાથે માલિકીભાવ જોડાઈ જાય છે ! મારી પત્નિ, મારો પતિ, મારો ગુરુ, મારો ધર્મ. આ ‘મારું – મારું’ ના બંધનમાં જીવ ફસાઈ જાય છે.
ભાવના અને કામનાની પોતપોતાની જગ્યા છે. આપણે માત્ર જોવાનું છે. સંસારમાં સંબંધથી જીવીએ છીએ. પતિ, પત્નિ, પ્રેમિકા, મિત્ર…જે કોઇ સંબંધ હોય તેમાંભાવ અને કામનાના ક્ષેત્ર જુદા જુદા છે. સંસારી સંબંધ એક વાત છે, અને ભાવનાત્મક સંબંધ બીજી વાત છે. ભાવનાત્મક સંબંધમાં માલિકીભાવ હોતો નથી. મિત્ર સાથે માલિકીભાવ નહીં હોય પરંતુ ભાઈની સાથે માલિકીભાવ આવે છે. જ્યાં સમર્પણ હોય ત્યાં માલિકીભાવ જતો રહે છે. છોકરા-છોકરીમાં પ્રેમ થાય તે એક વાત છે, પણ લગ્ન કરતાની સાથે જ બંધન બની જાય છે. પછી ભાવના જતી રહે છે. માત્ર કામના બાકી રહે છે. સંબંધમાં ઊતરતાંની સાથે પ્રેમની જગ્યાએ સામ-સામે આરોપ મુકવાનું ચાલુ થઈ જાય છે! પ્રેમ, મોહ, આસક્તિ એ બધું અલગ છે. જેને પ્રેમ માનીએ છીએ એ પ્રેમ હોતો જ નથી. પ્રેમમાં તો આહૂતિ આપવાની હોય છે. પ્રેમ એ હોવાપણાની ઊંચી અવસ્થા છે.
પ્રેમમાં અપેક્ષા ન હોય. ત્યાં માત્ર આપવાનું જ છે. આમ થાય ત્યારે કામનાનું રૂપાંતર ભાવનામાં થાય. શુદ્ધ ભાવના અપેક્ષા રહિત હોય છે. શિબિરમાં બધા ભાવનાથી ભેગા થાય છે. ત્યાં અનુગ્રહના ભાવ સાથે સહયાત્રા થાય છે. અહીં કંઇ લેવા કે આપવાનો વિચાર આવે તો સાવધાન થઈ જવું. મનની જાળમાં ફસાઇ ન જવાય તે માટે જાગ્રત રહેવું, વર્તમાનમાં રહેવું.
મન હંમેશા કામનાની પાછળ ભાગે છે. આ મનને કેળવીને ભાવનાના ક્ષેત્રમાં વાળવા સભાન રહેવું.
…..બ્રહ્મવેદાંતજી
Like this:
Like Loading...
Related
આત્મસાત કરવા જેવું સૂત્ર
આ મનને કેળવીને ભાવનાના ક્ષેત્રમાં વાળવા સભાન રહેવું.
ભાવ પરથી ભાવના શબ્દ આવ્યો અને કામ પરથી કામના .
ભાવના અને કામનાનો ભેદ સરસ સમજાવ્યો છે. ભાવનામાં ભક્તિનો ભાવ છે તો કામનામાં વિકૃતિ-વિકાર નો ભાવ છે.