દીકરા સાથે હરદ્વાર ગયેલી નીરૂ પાછી આવીને હાશ! કરતી, ઘરના એર કન્ડિશન્ડ દિવાન ખંડના સોફા પર બેઠી. આમ તો ઘણી વખત કુટુમ્બના બધા સાથે તે હરદ્વાર ગઈ જ હતી. હરકી પૌડી પર સાંજની આરતી કરવાનું બધાંને ગમતું હતું – તેમ આ વખતે પણ તેને મજા આવી હતી. ગંગાકિનારેથી ગામમાં જતાં ગલીમાં સાકર નાંખેલું, મલાઈદાર દૂધ માણવાની મજા પણ દરેક વખતની જેમ આ વખતે પણ તેણે માણી જ હતી.
પણ કોણ જાણે કેમ આ વખતની યાત્રા કાંઈક અનોખી જ હતી. આખા રસ્તે તેણે ચારેક વખત દીકરાને કહ્યું હતું, ‘બેટા, તું થાકી ગયો હોઈશ. લાવ, હવે કલાક હું ગાડી ચલાવું.’ પણ માતૃભક્ત દીકરો માને એવી તકલીફ આપે ખરો? એને શી ખબર કે, નીરૂ ફરી નાની યુવતી બની ગઈ જવાનાં સપનાં સેવતી હતી?
દીકરાની બાજુમાં બેઠાં બેઠાં નીરૂના મગજમાંથી એ ખ્યાલ હટતો જ ન હતો. ‘હું એકલી ગાડી ચલાવું તો કેવી મજા આવે? ભલે શરદીની દવા લેવી પડે. પણ બારી તો ખુલ્લી જ રાખું. સડસડાટ પવનમાં વાળની લટ નાચતી હોય. કેવી મસ્ત મજા પડી જાય?’ કોલેજ જતી હતી, ત્યારે સ્કૂટર પરની રોમાંચક સફરો નીરૂને યાદ આવવા લાગી હતી. સાંજના જમણ વખતે તો નીરૂએ પતિ અને દીકરાને મનની વાત કહી જ દીધી.
’મારી બે ત્રણ બહેનપણીઓ સાથે હું પ્રવાસે જવાની છું.’
બન્નેએ કહ્યું,” ચોક્કસ જજે. આ પહેલાં પણ તું ગઈ છે જ ને? અને હવે ઘરના કામની ચિંતા પણ તારે ક્યાં છે. અમારી ચિંતા ના કરતી. અમને કોઈ તકલીફ નહીં પડે.’
નીરૂ – “ પણ હું તો જાતે ગાડી ચલાવવાની છું.”
બાપ -દીકરો વિસ્ફારિત નયને નીરૂ સામે જોઈ રહ્યા. ‘આનું ચસકી તો ગયું નથી ને?’ થોડીક વાતાચીત બાદ બન્નેને ખ્યાલ આવી ગયો કે, એક્સઠ વરસની નીરૂ ફરી સોળ વર્ષની બનવા માંગે છે ! બન્ને દિલ્હીગરા મુક્ત મનના હતા. તેમણે છેવટે કબુલ કર્યું કે, ‘નીરૂ ભલે આમ ડ્રાઈવર બની જાય!’ સાથે એમ પણ કહ્યું કે, કમસે કમ ત્રણ બહેનપણીઓને સાથે લઈ જાય અને કારમાં રસ્તે પડતી તકલીફોને પહોંચી વળવાની ટ્રેનિંગ લઈ લે. દીકરા નિમિતે ‘મા’ના શિક્ષક બનવાનું કબુલ કર્યું !
બીજા દિવસની સવાર અને નીરૂના ફોન કોલ ચાલુ થઈ ગયા. દસેક બહેનપણીઓને તેણે દિલની વાત કહેવા માંડી. પણ કોઈ આવું સાહસ કરવા તૈયાર ન થયું. ત્રણેક જણે સધિયારો આપ્યો કે, ‘ઘરમાં બધાંને પુછીને હા/ ના નો જવાબ આપીશ.’ ત્રણેક દિવસ આ જફામાં ગયા, પણ છેવટે નીરુની મોટીબહેન સરિતા મનોચા( ૬૩) અને પડોશણ મોનિકા ચનાના (૫૨)આ સાહસ માટે તૈયાર થઈ. દીકરાઓ પાસે ટ્રેનિંગમાં ત્રણ દિવસ ગયા.
છેવટે માર્ચ- ૨૦૧૬માં આ ત્રણ ‘નાની’ઓની ગાડી રામેશ્વરની જાતરા કરવા દિલ્હીથી ઉપડી ! નીરૂ અને સરિતા ટૂર મેનેજર અને મિકેનિક અને મોનિકા ઇલેક્ટ્રોનિક્સ ખાતાના ચાર્જમાં! રસ્તામાં ક્યાં ક્યાં રહેવું, તબીબી તકલીફ પડે તો કઈ કઈ હોસ્પિટલોનો સંપર્ક કરવો, આખી યાત્રાના નકશા – એ બધી માહિતી ભેગી કરવી જ પડે ને? આમેય ૧૯૯૬માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી, તે પહેલાં નીરૂ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ રિસર્ચમાં આંકડાશાસ્ત્રી તરીકે કામ કરતી હતી ને?
ઘરનાં બધાંને એમ કે, આગ્રામાં તાજના દર્શન કરીને આ હાઉસન જાઉસન પાછું ઘેર આવી જશે! પણ ૨૯ દિવસના અંતે ૪,૪૪૦ કિલોમિટર, અને ૨૩ જગ્યાઓએ રોકાણ બાદ, રામેશ્વરના દરિયા સાથે કબડ્ડી રમીને ત્રણે બહેનપણીઓ સહિસલામત દિલ્હી પાછી ફરી. રસ્તામાં એમની ટોળકીએ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુની ઘણી બધી જોવાલાયક જગ્યાઓ પણ આવરી લીધી હતી. અલબત્ત રસ્તામાં જાતજાતની ભાષાઓના કારણે હરકતો અને છબરડા પણ માણ્યાં હતાં. ત્રણેક વખત પંક્ચર પડેલાં ટાયર પણ જાતે જ બદલ્યાં હતાં. પોલિસની કનડગત પણ સહી હતી અને –
પાર્કિંગ ટાણે અને રસ્તામાં ઠેર ઠેર, આજુબાજુના લોકો માટે અજાયબી ભરેલા આ તમાશાનું વિનામૂલ્યે મનોરંજન.
એક વર્ષ પછી…
૨૦૧૭, માર્ચમાં આ જનાના એક્સ્પ્રેસમાં નાદુરસ્ત તબિયત વાળી સરિતાની જગ્યા પ્રતિભા સભ્રવાલે( ૬૧) પૂરી છે. ૪,૦૦૦ માઈલ કાપીને આ ત્રણ જણની ટોળીએ રાજસ્થાન અને ગુજરાત ‘સર’ કર્યાં છે! અલબત્ત આ વખતે સોમનાથ મહાદેવની સાક્ષીએ દરિયાદેવ સાથે કબડ્ડીનો ખેલ ખેલાયો હતો. ‘દાદીમાની પોટલી’ વધારે અનુભવી પણ થઈ છે. આ વખતે ક્યાંય ટાયર ફ્લેટ થયું ન હતું!

આ ચિત્ર પર ક્લિક કરો

નીરૂને હાઈ બ્લડ પ્રેશર રહે છે. મોનિકાને દમની તકલીફ છે, અને પ્રતિભાને પણ નાની મોટી શારીરિક તકલીફો છે જ. પણ આ બધાંને કારણે તેમની યાત્રા ક્યાંય અટકી નથી. તેઓ સાથે ફળ, ફળોના રસ, તાજી છાશ, દવાઓ સાથે રાખે છે. તેમની કારમાં પોર્ટેબલ સ્ટવ અને આઈસ બોક્સ સાથેનું નાનકડું રસોડું હોય છે. બને ત્યાં સુધી તેઓ જાતે બનાવેલો, સાદો પૌષ્ટિક ખોરાક જ લે છે. જો કે, ઘેરથી બનાવીને લઈ ગયેલા લાડુ તો ખરા જ!
સલામતી માટે ઇલેક્ટ્રોનિક બંદૂક અને મરી/ મરચાંના ભુકાની પ્લાસ્ટિકની થેલીઓ પણ હાથવગાં રાખે છે. કોઈ મોંઘા દાગીના પહેરતું નથી. બહુ જ ઓછી રોકડ રકમ સાથે રાખે છે. લાબી મુસાફરી જ તેઓ પોતાની કારમાં કરે છે અને મોટા શહેરોની અંદર ભાડાની ટેક્સી કે ઓટોરીક્ષા વાપરે છે, જેથી સ્થાનિક રસ્તાઓની બબાલમાં ફસાવું ન પડે. માથાદીઠ ૫૦,૦૦૦ ₹. ના બજેટમાં તેમની બીજી મુસાફરી પતી ગઈ હતી.
નીરૂના શબ્દોમાં
આ બે યાત્રાઓએ અમારી નૈતિક તાકાત અને હિમ્મત જબરદસ્ત વધારી દીધી છે. અમે એ પૂરવાર કર્યું છે કે, મક્કમ નિર્ધાર આગળ ઘણી બધી મર્યાદાઓના સીમાડા ઓગળી જાય છે.
નીરૂની સહાદ્યાયી પ્રતિભાના કહેવા પ્રમાણે,
કેટલાં બધાં વર્ષો પછી અમે બે ફરીથી કોલેજ કન્યા બની ગયાં.
મોનિકા ઉમેરે છે –
દરિયાકિનારે ગાડી ચલાવતાં ચલાવતાં અંતાક્ષરી રમવાની લિજ્જત કદી ભુલાય તેમ નથી. આવી યાત્રાઓથી જમાનાજૂના સાસુ -વહુ સંબંધોમાં આમૂલ પરિવર્તન આવવાની શક્યતા છે. ખાસ તો અમારી ઉમરની સ્ત્રીઓના – મને તો આ ઓશીકું જ ફાવે, અમુક જ જગ્યાએ ઊંઘ આવે, અમુક જ ખાવાનું ફાવે, અમુક જાતનાં કપડાં જ ગમે – એવા નાની નાની ચીજ માટેના આગ્રહોનો તો ભાંગીને ભુક્કો જ બોલી જાય છે.
અલબત્ત, સ્ત્રી સહજ લાક્ષણિક વાતો માટે, તેમની પાસે હવે અનુભવોનો કદી ન ખુટે તેવો, ખજાનો ભેગો થઈ ગયો છે ! એમના ફેસબુક પાનાં પર દેશ પરદેશમાંથી સંદેશાઓનો ઢગલો ભેગો થઈ ગયો છે. દેશભરમાંથી ઘણી બધી નાનીઓ અને દાદીઓ પણ હવે પછીની યાત્રામાં જોડાવા તલપાપડ બની ગઈ છે ! નાનાઓ અને દાદાઓ પણ હવે લાંબા અંતરના ડ્રાઈવર બનવાની આ હરિફાઈમાં ઝુકાવવાના છે – તેવા બિનસત્તાવાર અહેવાલો મળ્યા છે !
નીરૂના માનવા પ્રમાણે હવે પછીની યાત્રા પૂર્વ વિસ્તારમાં યોજવી જોઈએ.
આપણા રસિક ઝવેરી જીવતા હોત તો કદાચ આ ‘નાની-યાત્રા’ જેવી યાત્રા કરી એમની ‘અલગારી રખડપટ્ટી’નો નવો અધ્યાય લખત. તેમના વિશે જાણો –
https://sureshbjani.wordpress.com/2006/12/16/rasik_jhaveri/
તમારે નીરૂ, સરિતા,મોનિકા, પ્રતિભા સાથે આસામ જવા જોડાવું છે? આ રહ્યું એમનું ઈમેલ સરનામું … agenobar017@gmail.com
તેમનો બ્લોગ –
https://womenonthehighway.wordpress.com/
એક વિડિયો
https://www.facebook.com/INdotcom/videos/10155118427699437/
સાભાર – માનવી કટોચ , The Better India.
સંદર્ભ –
http://www.thebetterindia.com/97789/age-no-bar-nanis-on-the-highway/
https://www.scoopwhoop.com/3-grandmothers-travelling-across-the-country/#.2dzpz84mp
Like this:
Like Loading...
Related
Good. Every body should be couragious.
રસિક ઝવેરી મારા પ્રિય લેખક હતા. આજે ય તેમના પુસ્તકો મારી પાસે સલામત છે. અલગારી રખડપટ્ટી તો ખુબ જ ગમતું. આ લેખ પણ ગમ્યો. અભિનંદન. With Love & Regards, NAVIN BANKER6606 DeMoss Dr. # 1003, Houston, Tx 77074 713-818-4239 ( Cell) My Blog : navinbanker.gujaratisahityasarita.orgએક અનુભૂતિઃએક અહેસાસ
From: સૂરસાધના To: navinbanker@yahoo.com Sent: Friday, June 9, 2017 2:12 AM Subject: [New post] અલગારી રખડપટ્ટી #yiv4573758982 a:hover {color:red;}#yiv4573758982 a {text-decoration:none;color:#0088cc;}#yiv4573758982 a.yiv4573758982primaryactionlink:link, #yiv4573758982 a.yiv4573758982primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv4573758982 a.yiv4573758982primaryactionlink:hover, #yiv4573758982 a.yiv4573758982primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv4573758982 WordPress.com | સુરેશ posted: ” દીકરા સાથે હરદ્વાર ગયેલી નીરૂ પાછી આવીને હાશ! કરતી, ઘરના એર કન્ડિશન્ડ દિવાન ખંડના સોફા પર બેઠી. આમ તો ઘણી વખત કુટુમ્બના બધા સાથે તે હરદ્વાર ગઈ જ હતી. હરકી પૌડી પર સાંજની આરતી કરવાનું બધાંને ગમતું હતું – તેમ આ વખતે પણ તેને મજા આવી હતી. ગંગાકિનારેથી ગા” | |
Pingback: 1071- નાના માણસોની મોટી વાતો … જીવન પ્રેરક સત્ય કથાઓ ….શ્રી સુરેશ જાની | વિનોદ વિહાર