અમદાવાદમાં ૨૦૦૬ના ડિસેમ્બરની એક શીતળ સવારે મનોજભાઈ સ્કૂટર પર બેસીને તેમની ઓફિસે જવા નીકળ્યા. એર કન્ડિશનરો રિપેર કરવાનું કામ કરતા મનોજભાઈ પાસે કામનું ઠીક ઠીક લાંબું લિસ્ટ હતું – અને અલબત્ત સાથે ઘરનાં કામોનું પણ. તેમના એક સંબંધી બિમાર હતા, અને તેમની હાલત બહુ નાજૂક હતી. તેમને મળવા જઈ, કુટુમ્બીજનોને સધિયારો આપવો બહુ જરૂરી હતો. આ બધી ગડભાંજના વિચારો મનોજભાઈના ચિત્તમાં ઘુમરાઈ રહ્યા હતા.
અચાનક એક પતંગની દોરી તેમના ગળાને કાપતી પસાર થઈ. સ્કૂટર ઝડપમાં હતું અને મનોજભાઈના ગળામાંથી લોહીની ધાર વહેવા લાગી. સદભાગ્યે દોરી પણ આ આઘાતથી કપાઈ ગઈ અને મનોજભાઈને જીવલેણ રીતે ઘાયલ ન કરી શકી. તરત મનોજભાઈ નજીકની એક ખાનગી હોસ્પિટલમાં પહોંચી ગયા. ડોક્ટર બીજા દરદીઓને આવી જ સારવાર આપવામાં વ્યસ્ત હતા. ગળે કપડાનો લોહીથી ખરડાયેલો ડૂચો પકડી રાખી મનોજભાઈએ બાજુમાં પડેલ દૈનિકના મથાળાં વાંચવામાં મન પરોવ્યું. છેલ્લા પાના પર એક નવજુવાનના આવી જ પતંગની દોરીથી ઘવાવાના કારણે થયેલ અવસાનના સમાચાર પર સ્વાભાવિક રીતે મનોજભાઈનું ધ્યાન કેન્દ્રિત થયું. આખા સમાચાર વાંચવાનું પૂરું થયું અને ભાવિની અમંગળ શંકાઓના ઓથારે એમના રોમે રોમમાં ભયનું લખલખું ફેરવી દીધું.
એટલામાં જ તેમને નર્સે અંદર બોલાવી લીધા. પાટાપિંડી કરી, જરૂરી દવાઓ લઈ તે બહાર તો આવ્યા પણ ‘આવતીકાલના છાપામાં તેમના સમાચાર તો આવી નહીં જાય ને?’ – એવી શકા કુશંકાઓ તેમના મગજમાં ડહોળાતી રહી. ઓફિસે પહોંચી, જરૂરી સામાન લઈ તેમણે આગળ પ્રયાણ તો કર્યું , પણ તે શીતળ સવારની ગરમા ગરમ વ્યથા હજુ તેમની ડોકમાં ચરચરી રહી હતી. ‘કઈ ઘડીએ આવી બીજી દોરી ફરીથી આક્રમણ નહીં કરે?’ એવો ભય પણ સતત તેમના મનને કોસતો રહ્યો. પણ સાંજ સુધીમાં ઘેર પહોંચતાં તેમના મનમાં એક સંકલ્પે જન્મ લઈ લીધો હતો – ‘આમ ન થાય તે માટે મારાથી બનતું કર્યા વિના મને હવે જંપ નહીં વળે.’
થોડાક જ દિવસમાં તેમના ટેક્નિકલ દિમાગમાં સ્પાર્ક થયો અને થોડાક અખતરા બાદ, તાંબાના વાયરનો ઉપયોગ કરી તેમણે ગળે પહેરવાનો કોલર બનાવ્યો, જે દોરીને ગળાની ચામડીથી દૂર રાખી શકે. થોડાક વધારે પ્રયોગ અને એમનો કોલર આ નવી શોધથી ‘ટાઈટ’ થઈ ગયો ! હવે સ્કૂટર ચાલક અને તેની પાછળ બેઠેલ વ્યક્તિના સંરક્ષણ માટે સાવ સાદું સાધન તૈયાર થઈ ગયું હતું.
મનોજ ભાવસાર ‘૧૦૮’ નમ્બરની તાત્કાલિક સેવા આપતી સંસ્થામાં પણ સ્વયંસેવક તરીકે જોડાઈ ગયા. પોતાના ખર્ચે આવી ઘાયલ થયેલી વ્યક્તિઓને સેવા આપવાના ઉમદા કામમાં યોગદાન આપવા લાગ્યા. ઘણી વાર તો એમ્બ્યુલન્સ પહોંચે એની પહેલાં જ મનોજ ભાઈની સારવાર ઘાયલ વ્યક્તિને મળી ગઈ હોય છે.
ખાસ કરીને ખુલ્લી જગ્યા હોવાના કારણે, રસ્તા પરના પૂલ અને ફ્લાય ઓવર પર આવા અકસ્માતો વધારે જોખમી હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને આવા પૂલો પર મજબૂત તાર બાંધવા તેમણે જેહાદ આદરી. બહુ લાંબા સમય બાદ સત્તાવાળાઓ આ માટે તૈયાર થયા, અને ફાયર બ્રિગેડને સાથે રાખીને વાહન ચાલકોના રક્ષણ માટે જાડા ગેલ્વેનાઈઝ તાર પૂલો પર આવેલી સ્ટ્રીટ લાઈટના થાંભલા પર બાંધવાનું શરૂ થયું. અત્યાર સુધીમાં શહેરના ૧૮ પૂલો પર આવા તાર બાંધી ત્યાં આવા અકસ્માતો નિવારી શકાયા છે.
પણ અંગત રીતે તો મનોજભાઈની પોતાની બ્રિગેડ પણ આગળ વધતી ગઈ. દર વર્ષે મનોજ ભાવસાર ૧ લાખ રૂપિયા આ ઉમદા કામ પાછળ ખર્ચે છે. ઉતરાણના દિવસોમાં એ બ્રિગેડની આ ઝલક જુઓ –
Pingback: 1071- નાના માણસોની મોટી વાતો … જીવન પ્રેરક સત્ય કથાઓ ….શ્રી સુરેશ જાની | વિનોદ વિહાર