વેન્કટરામન! ચેન્નાઈથી ૫૦૦ કિ.મી. દૂર આવેલ ઈરોડની સરકારી જનરલ હોસ્પિટલની બાજુમાં આવેલી તમારી વીશીના થડા ઉપર તમે વકરો કરવા બેઠા હતા. તમારી વીશી વર્ષોથી ધમધોકાર ચાલે છે. દસ રૂપિયામાં છ ઈડલી ઘણા બધા રાજીખુશીથી આરોગે છે. આખા ભોજન માટે તો ૫૦ રૂપિયા લોકો હોંશે હોંશે આપી દે છે. પણ તે દિવસે તે બાઈ આવી અને દસ રૂપિયા ધરી ઈડલી માંગી. ઈડલી તો બધી ક્યારનીય ખલાસ થઈ ગઈ હતી. તમે ત્રણ ઢોંસા લઈ જવા તેને કહ્યું. પણ તે બાઈ તો મોં વકાસીને હાલવા માંડી. તમે તેને પાછી બોલાવીને કહ્યું,” કેમ ના પાડે છે?”
તેણે ઓશિયાળા ચહેરે જવાબ આપ્યો કે, એના કુટુમ્બમાં એ શી રીતે વહેંચીને ખાય? તમે તેની આ લાચારીથી વ્યથિત થઈ ગયા અને તેને અપવાદરૂપે છ ઢોંસા આપી વિદાય કરી. તેના ચહેરા પરની ખુશી તમારા દિલને અસર કરી ગઈ.
બીજે દિવસે તમે હોસ્પિટલની નર્સોને મળ્યા ત્યારે તમને ખબર પડી કે, દર્દીઓને તો બહુ ઓછી રકમમાં ત્યાંથી ખાવાનું આપવામાં આવે છે, પણ સાથે આવેલાં દર્દીઓનાં સગાંઓને તો સ્વાભાવિક રીતે એ લોકો આવી સવલત ન જ આપી શકે ને? રોજની મજુરીની આવકમાંથી માંડ પેટ ભરતા અને સદા ગરીબીમાં જ સબડતા એ લોકો દર્દીની સાથે આવીને મજુરી પર ક્યાંથી જઈ શકે? આથી મોટા ભાગે અડધા ભુખ્યે પેટે જ એ બિચારા પડી રહેતા હોય છે.
અને તે દિવસથી તમારી નજર બાજુમાં આવેલી હોસ્પિટલમાં આવતાં ગરીબ કુટુંબોની આવી લાચારી અને મજબુરી તરફ ખુલવા લાગી. દસ રૂપિયા જેવી મામૂલી રકમ પણ કેટલા બધાંને માટે પહાડ જેવી મોટી હોય છે? – તેની હવે તમને ખબર પડવા માંડી. તમારી આંખો આ લાચારીના ગનાનથી સજળ બની ગઈ. ઘેર આવી તમારી પત્ની આગળ તમે રીતસર રડી જ પડ્યા. જીવનમાં સદાય તમને સાથ આપનાર તેણે કહ્યું, “ આપણો નફો થોડોક ઓછો થશે, એટલું જ ને? કાલથી આપણે આવી જરૂર વાળાને એક રૂપિયામાં ધરાય એટલું ખાવાનું આપીએ તો? આપણે કાંઈ એનાથી ગરીબ નહીં બની જઈએ.” વેન્કટ રામન, દયાભાવવાળી આવી પત્ની આપવા માટે તમે ઈશ્વરનો પાડ માન્યો.
બીજે દિવસે તમે અને તમારી પત્ની હોસ્પિટલમાં ગયા અને આવી જરૂરવાળા વીસ માણસોને વીશીમાથી જમણ મેળવવા ટોકન વહેંચ્યા. આમ તમે થોડાક દિવસ તો ચલાવ્યું. પણ કેટલા દિવસ આમ સાવ મફત જમાડાય? તમે હવે એક રૂપિયામાં આ ટોકન આપવાનું નક્કી કર્યું.
માંડ માંડ ચાલતી તમારી વીશીની આવક એટલી બધી તો ન હતી કે, આ બોજો તમે એકલા ઉપાડી શકો. પણ યોગ શીખવાડતી તમારી પત્નીની આવકનો થોડોક ભાગ પણ આ કામમાં ઉમેરાયો.
તમારી એક દીકરી પરણેલી છે અને બીજીને બી.ટેક.નું ભણવા માટે એડમીશન મળ્યું હતું. પણ નાણાંની સતત ખેંચના કારણે એની ફી તમે બન્ને મળીને પણ ખર્ચી શકો તેમ ન હતા. દીકરીએ બી.એસ.સી.માં એડમીશન લેવાનું મને કમને આવકારી લીધું હતું.
પણ ઉપર વાળાની દયા તો જુઓ! રામકૃષ્ણ મીશન વાળાઓને તમારી આ મજબુરીની જાણ થઈ અને તેમણે દીકરીના એડમીશનની રકમ કોલેજમાં ભરી દીધી. અને…. ધીમે ધીમે કરતાં હવે તમે દિવસમાં આવા ૭૦ ટોકન ગરીબોને વહેંચતા થઈ ગયા છો. પહેલા પંદર ટોકનમાં તમે સવારે ત્રણ ઢોંસા અને બે ઈડલી આપો છો. સવારના વાળુ આવા ૩૦ ટોકન ખપે છે અને સાંજના જમણ વખતે વીસ. તમારી ઇચ્છા આ આંકડો ૧૦૦ સુધી પહોંચાડવાની છે.
અને…સારા ભાવથી શરૂ કરેલ આવા કામની આજુબાજુ ખબર પડતાં કેટલી વાર? દયાભાવ વાળા લોકોએ હવે તમારી આ ભાવનાને પોરસાવી અને તમને દાન મળવાં લાગ્યાં.મહિને ૧,૦૦૦થી ૫,૦૦૦ રૂપિયા પણ હવે તો આમ ઉમેરાય જ છે ને?
આ ખબર જાહેર કરનાર ખબરપત્રી તનયા સિંઘને વેન્કટરામને કહેલું, ”ભગવાને મને ઘણું આપ્યું છે. અને તે જ મને જરૂરિયાત વાળાઓને મદદ કરવા મદદ કરે છે. અમારી અંગત જરૂરિયાતોની પરવા કર્યા વિના મારા કુટુંબીજનો પણ આ સેવા ચાલુ રાખવા મને ઉત્તેજતા રહે છે.”
Nice!
Pingback: 1071- નાના માણસોની મોટી વાતો … જીવન પ્રેરક સત્ય કથાઓ ….શ્રી સુરેશ જાની | વિનોદ વિહાર
Pingback: મારો જીવડો ધીમે ધીમે બળે છે | સૂરસાધના