સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગટર અને ગુલાલ

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

      છી…છી… છી… આવી તે કાંઈ જુગલબંધી હોતી હશે?

      હા! મૈસુર  શહેરમાં રહેતો એકસઠ વર્ષનો સૈયદ ઈશાક હમણાં જ નજીકની  સુખી માણસોની સોસાયટીના બંગલાની ગટર સાફ કરીને ઘેર પાછો આવ્યો છે. એને ઘર કહેવું હોય તો કહેવાય. આમ તો એ રસ્તા પરની ઝુંપડી જ છે. કાથીના ખાટલા પર એ ‘હાહ’ ખાતો બેઠો છે. પણ એનો થાક તો ઝુંપડીની અંદર બેઠેલા માણસોને જોઈને ક્યારનો ય ઊતરી ગયો છે.

g1

      એની ઝુંપડીની ઓરડીમાં ચારે બાજુ દેશભક્તોના ચિત્રો લટકે છે. બાજુના એક ઘોડામાં થોડીક ચોપડીઓ, દૈનિક અખબારો અને સામાયિકો પડ્યાં છે. ચાર જણા નીચે બીછાવેલી જાજમ પર બેસીને ધ્યાનથી વાંચી રહ્યા છે. દિવાલ પરની એક માત્ર ટૂટલ ફૂટલ બારીમાંથી બાજુના ક્યારામાં ઈશાકે રોપેલા, ગુલાબના ચાર છોડની ઉપર લાલ અને ગુલાબી રંગનાં ગુલાબ હવાની લહેરખીઓ સાથે ઝૂલી રહ્યાં છે.

       આ દૃષ્યની કલ્પના ગંદું કામ કરતા ઈશાકને પાંચ વર્ષ પહેલાં આવી હતી. ગંદકી સાફ કરવામાં  જ તો એની કમાણી હતી ને? માંડ પેટિયું રળતા એના બાપે એ બે છેડા ભેગા કરવા ઈશાક દસ વર્ષનો થયો ત્યારથી, નજીકના ચાના ગલ્લા પર કામે લગાડી દીધો હતો. એની આખીયે જુવાની આમ છૂટક કામ કરતાં પસાર થઈ ગઈ હતી. ભણી ન શકવા માટે ઈશાકને હમ્મેશ અફસોસ થતો. પણ હવે પાકા ઘડે કાંઠા શી રીતે ચઢે? આખા દિવસની કમરતોડ મજૂરી પછી, બે અક્ષર શીખવાની હામ એ શી રીતે લાવે?

     પણ ૨૦૧૧ની સાલમાં રમઝાનના રોજા કરતાં એના મગજમાં ગેડ બેસી ગઈ. ‘ભલે હું ભણ્યો નથી, પણ મારી ઝુંપડીમાં લોકો આવે, કાંઈક વાંચે અને એ વાંચેલી વાતો મને કહે તો આ ગંદી ગોબરી ઝુંપડી બેહિશ્તની જેમ  ઝળહળી ઊઠે.’

     પછીના રવિવારે  ઈશાક થોડેક દૂર ભરાતી ગુજરીમાં પહોંચી ગયો, અને ચોપડીઓ વેચતા એક પાથરણા વાળા પાસેથી ચાર ચોપડીઓ પાણીના મૂલે ખરીદી લાવ્યો. ભંગાર વાળા પાસે લોખંડની પટીઓનો જૂનો ઘોડો પણ સાવ સસ્તામાં મળી ગયો. પસ્તીવાળાની દુકાનેથી થોડીક બીજી ચોપડીઓ વજનના ભાવથી ખરીદી લીધી. એની ઝૂંપડીની પાછળ જ આવેલા બંગલાવાળી શેઠાણીએ થોડાંક જૂનાં છાપાં સાવ મફતમાં આપી દીધાં. એમ જ બીજાં થોડાંક છાપાં શનિવારે જે બંગલામાં એ ગટર સાફ કરીને આવ્યો હતો, એ શેઠે રાજી ખુશીથી આપી દીધાં – કચરો ઓછો કરવા જ તો !  એમાંથી ‘મેગેઝિન’ વિભાગનાં આકર્ષક અને રંગીન પાનાંની થોકડીઓ ઈશાકે જૂદી પાડી દીધી.

     અને બાપુ! ઇશાકની લાયબ્રેરી ચાલુ થઈ ગઈ. રસ્તા પરથી મળી આવેલા  એક મોટા ખોખાંને વાળીને એની ઉપર ચાકથી લખી દીધું-

‘સૈયદ પબ્લિક લાયબ્રેરી’

g2

     થોડી વારમાં તો બાજુનાં ઝૂંપડાં વાળા આ નવું કૌતૂક જોવા ભેગા થઈ ગયા. એમને ‘સલામ આલેકૂમ’ કરી સૈયદે ઝૂંપડીમાં આવવા કહ્યું. ચાર જણા અંદર આવીને બેઠા પણ ખરા. એમણે છાપાંઓના મેગેઝિનમાંથી વાર્તાઓ વાંચવા માંડી. એકે એક રમૂજી વાર્તા ઈશાકને વાંચી સંભળાવી.

     ઈશાકની એ રવિવારી સાંજ સુધરી ગઈ.

     બસ … એ ઘડીથી ઈશાકની ‘પબ્લિક લાયબ્રેરી’ ધમધોકાર ચાલવા માંડી. એક દિલદારે વારંવાર ઊડી જતા પૂંઠાના પાટિયાની જગ્યાએ એક સરસ બોર્ડ ચીતરાવી દીધું. ઈશાકની લાયબ્રેરી સવારના છથી સાંજના સાત વાગ્યા સુધી ખુલ્લી હોય છે- અઠવાડિયાના સાતે સાત દિવસ અને …બાવને બાવન અઠવાડિયા માટે !

      બંગલાઓમાં ઊભરાતી ગટર અને પાઈપો સાફ કરી આપવાનું કામ કરતા ઈશાકને કામ મળે ત્યારે ૩૦૦ – ૪૦૦ રૂપિયા તો સહેજમાં મળી જાય છે. કામ ન મળે ત્યારે કડિયાકામ કે મકાન ધોળવા કે રંગવાનું કામ ચાલતું હોય ત્યાં મજૂરી કરી ઈશાક રોજની કમાણી કરી લે છે.

g3

       ઈશાકની લાયબ્રેરીમાં ‘ખાનદાન’ કહી શકાય એવી તો ચાર જ ચોપડીઓ છે! ગુજરી બજારમાંથી કેટલા માન સાથે તેણે એ ખરીદી હતી? એમાંની એક કન્નડા ભાષાના રાષ્ટ્રકવિ ગણાતા ‘કુવેમ્પુ’ની કવિતાઓની છે. ઈશાક એમાંનો એક શબ્દ પણ વાંચી શકે તેમ નથી. માંડ માંડ એ ‘કુવેમ્પુ’ શબ્દ પર મમતાથી આંગળી ફેરવી એ મહાન કવિને સલામ ભરી લે છે. મીઠી, મધુરી કન્નડ ભાષાનું એને ગજબનું વળગણ છે.

     આ પાંચ વર્ષ પછી ઈશાક વરસે પાંચેક હજાર રૂપિયા આ કામ માટે ખર્ચે છે. એ કોઈનું દાન લેતો નથી. પણ કોઈ ચોપડીઓ દાનમાં આપે તો હરખથી સ્વીકારી લે છે. એને મન ચોપડીઓ ‘પાક’ ઝવેરાત છે.

   ઈશાકનું ‘પાક’  સ્વપ્ન છે – ’ કોઈક દિવસ પાકી ઈંટોવાળા મકાનમાં લોખંડના ચમકતા કબાટોમાં ઢગલાબંધ ચોપડીઓ ભરેલી હશે. બે ટેબલની આજુબાજુ ડઝન જેટલી ખુરશીઓ હશે, અને ઉપર વિજળીનો પંખો ઠંડી હવા ફેંકતો હશે.’

     ઈશાક કહે છે,’ ભણતર બહુ મોટો ખજાનો છે. ભલે મારા નસીબમાં એ નથી. પણ આટલું કરીને મને સંતોષનો નાનકડો ખજાનો મળી ગયો છે.’

      ઈશાકની ઝુંપડી નાની છે, પણ એનું દિલ વિશાળ છે. ૧૦,૦૦૦ માણસોની એ ગંદી બસ્તીમાં ઈશાકની આ મદ્રેસાની સુવાસ એ ગુલાબની સુવાસને આંટી મારી દે તેવી છે.    લોકોને મફતમાં અને નજીકમાં વાંચવાની સગવડ કરી આપી, ગટરિયા ઈશાકે ગમતાંનો ગુલાલ કર્યો છે.

સાભાર –  ઐશ્વર્યા સુબ્રહ્મણ્યમ, બેટર ઇન્ડિયા

સંદર્ભ

http://www.thebetterindia.com/83657/mysuru-drainage-pipe-cleaner-runs-free-library-house/

http://bangaloremirror.indiatimes.com/news/state/read-a-book-in-this-hut-look-at-roses-through-its-windows/articleshow/56742380.cms

6 responses to “ગટર અને ગુલાલ

 1. pravinshastri જૂન 17, 2017 પર 9:22 એ એમ (am)

  બસ કશું જ કહેવું નથી. એક ખૂબજ સરસ વાત જાણવા મળી રિબ્લોગ કરીને થોડા ઘણા મિત્રોને વહેંચીશ. જોકે આપણાં કોમન મિત્રો સિવાય પણા આપના તો અસંખ્ય વાચકો છે. મારા કોઈક મિત્ર જેઓ તમારા બ્લોગથી અપરિચિત હોય એને તો લાભ મળશે જ.

 2. pravinshastri જૂન 17, 2017 પર 9:24 એ એમ (am)

  Reblogged this on પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો and commented:
  આપ સૌ મિત્રો માટે સુરેશ જાનીની આ ખાસ પોસ્ટ રિબ્લોગ કરું છું આશા છે કે આપને એ ગમશે જ.

 3. Vinod R. Patel જૂન 17, 2017 પર 9:56 એ એમ (am)

  ચીંથરે વીંટ્યું રતન !

 4. pratikvekariya19 જૂન 25, 2017 પર 2:47 એ એમ (am)

  Reblogged this on pratikvekariya19 and commented:
  ગગમતાંનો કર્યો ગુલાલ…!

 5. Pingback: 1071- નાના માણસોની મોટી વાતો  … જીવન પ્રેરક સત્ય કથાઓ ….શ્રી સુરેશ જાની | વિનોદ વિહાર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: