
હા! દિલ્હીની લાવણ્યા રાજસ્થાનના સોડા ગામમાં ઘણી વખત જાય છે. સાથે સ્વયંસેવક વિદ્યાર્થીઓને પણ લેતી જાય છે. પણ એની આ યાત્રા દક્ષિણ આફ્રિકાના કેપેટાઉનની મુલાકાતથી શરૂ થઈ હતી. લાવણ્યા અમેરિકાની ખ્યાતનામ યેલ યુનિવર્સિટીની પોસ્ટ ગ્રેજ્યુએટ પણ છે! દિલ્હીની લાવણ્યા ગર્ગ આમ તો અઢાર જ વર્ષની શહેરી કન્યા છે. પણ ગાંધીવાકય – ‘ભારત ગામડાંઓમાં વસે છે.’ માં તે પૂરેપૂરો વિશ્વાસ ધરાવે છે. વળી તે આમ વિચારીને અટકી નથી ગઈ – તેણે રાજ્સ્થાનના સોડા ગામને એની કર્મભૂમિના ઉમરા તરીકે સ્વીકારી લીધું છે.
આટલી નાનકડી ઉમરમાં પણ લાવણ્યાનાં ઠેકાણાં કેટકેટલાં બદલાયાં? – દિલ્હીની લેડી શ્રીરામ કોલેજ, ટાટા ઇન્સ્ટિટ્યુટ બેન્ગલોર, દક્ષિણ આફ્રિકાનું કેપટાઉન, અમેરિકાના કનેક્ટિકટ રાજ્યની યેલ યુનિ., મિશિગન રાજ્યની મિશિગન યુનિ., અસ્મત અને છેલ્લે રાજસ્થાનના જેસલમેર પાસે પાકિસ્તાન સાથેની બોર્ડર નજીકનું, માત્ર ૧૦,૦૦૦ ની વસ્તી વાળું નાનકડું ગામ સોડા.
પણ આ લિસ્ટમાં ‘અસ્મત’ શી બલા છે? ચાલો એ નામના જન્મની કથા માંડીએ !

દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં યોજાયેલા આંતર રાષ્ટ્રીય સ્વયંસેવક કાર્યશાળામાં ( International volunteering workshop) લાવણ્યાનો તે પહેલો દિવસ હતો. ત્યાં દાખલ થતાં જ આખા અઠવાડિયાના કાર્યક્ર્મની વિગતવાર માહિતી આપતું સાહિત્ય એને આપવામાં આવ્યું. બાજુના સોફા પર બેસીને લાવણ્યા એનાં પાનાં ફેરવવા લાગી.
આમ તો કેપટાઉનના એ ફેશનેબલ વિસ્તારની ઝાકઝમાળ કોઈની પણ આંખને આંજી નાંખે તેવી હતી. પણ લાવણ્યા માટે નવી દિલ્હીની ચકાચૌંધ કરતાં એ કાંઈ વધારે આકર્ષક ન હતી. પણ પહેલા દિવસની પાયાની તાલીમ પતે, તે પછીના દિવસોમાં તેણે જ્યાં જવાનું હતું, તે કેપટાઉનના સ્લમ વિસ્તાર અંગેની વિગતમાં લાવણ્યાને ખાસ રસ પડ્યો. એ સ્લમ સેટલમેન્ટના થોડાક ફોટાઓએ તેને ભારતનાં ગામડાંઓની યાદ અપાવી દીધી. એવી જ દરિદ્રતા અને એવાં જ છેવાડાનાં મનેખ. એમની સાથે તેણે અને તેના સાથીઓએ કેવા કેવા કાર્યક્રમો કરવાના છે, તેની વિગતો પણ એમાં હતી.
અને લાવણ્યાના હોઠ પર બે જ શબ્દ આવીને અટકી ગયા -‘સિમ્પલી સુપર્બ’. આવું કશુંક જ્ઞાન મળે તેવી અપેક્ષા સાથે તો તે દિલ્હીની લેડી શ્રીરામ કોલેજમાંથી અહીં આવી હતી ને? હવે પછીના અઠવાડિયાના કામ અને તાલીમ માટે લાવણ્યાનું મનડું થનગનવા લાગ્યું.
લાવણ્યાએ આખું અઠવાડિયું કાળા, શરારતી બાળકો અને એમની ચિંતાગ્રસ્ત માતાઓ સાથે વીતાવ્યું. એમને અક્ષરજ્ઞાન અને પાયાના સ્વાસ્થ્ય અંગેની તાલીમ આપતાં આપતાં ભારતના પછાત વિસ્તારો અને ગામડાંઓમાં આવી જરૂરિયાત અંગે તેની સભાનતા વધારે ધારદાર બનતી રહી. અઠવાડિયાની તાલીમ પતી અને કેપટાઉનના એરપોર્ટ પર લાવણ્યા વિમાનની રાહ જોતી બેઠી હતી, ત્યારે એક સંકલ્પ એના ચિત્તમાં આકાર લેવા માંડ્યો, ‘આવું કશુંક દેશના યુવાનો અને યુવતિઓ માટે હું કરીશ –अहं करिष्ये ।‘
લાવણ્યાનો મનગમતો વિષય સમાજશાસ્ત્ર રહ્યો છે. છેવાડાની વ્યક્તિ માટે તેને બાળપણથી કૂણી લાગણી રહી છે. એટલે જ તો તેણે બીજી બધી આકર્ષક કારકિર્દીઓની લાલચ છોડીને લેડી શ્રીરામ કોલેજમાં ‘સમાજ શાસ્ત્ર’ નો વિષય પસંદ કર્યો હતો ને? પણ એ નીરસ વિષયોમાં છેવાડાના માણસની વેદનાનો છાંટો પણ ક્યાં હતો? પરીક્ષાઓ પાસ કરવાની, ડીગ્રી મેળવવાની અને શહેરની કોઈ માતબર સંસ્થા, વેપારી પેઢી, સરકારી ખાતું કે કહેવાતી નોન પ્રોફિટ સંસ્થાનો એક ભાગ બની જવાનું. એમાં છેવાડાના માણસ માટે ક્યાં કોઈ બળતરા રહેવાની?
એટલે જ તેની ઝળહળતી શૈક્ષણિક તવારીખ નજરમાં રાખીને લેડી શ્રીરામ કોલેજ તરફથી કેપટાઉનની એ આંતરરાષ્ટ્રીય વર્કશોપ માટે તેનું નામ સૂચવવામાં આવ્યું; ત્યારથી લાવણ્યા આવો કોઈક નવતર અનુભવ મેળવવા થનગની રહી હતી. એની એ આશા ઠગારી ન નિવડી. એ વર્કશોપે એના માનસમાં સોડ તાણીને સૂતેલા કોઈક અગમ્ય બીજને ઢંઢોળીને જગાડી દીધું.
પાછી આવીને લાવણ્યાએ કોલેજના પ્રાધ્યાપકો અને પ્રિન્સિપાલને આવી વર્કશોપનો પ્રયોગ કરવા સૂચવ્યું. પણ ચીલાચાલુ રસમ ન બદલવાની તેમની અસૂયા જોઈ લાવણ્યાએ કમને અભ્યાસમાં મન પરોવ્યું. સ્નાતકની ડીગ્રી તો જોત જોતામાં મળી ગઈ. એના આધારે બેન્ગલરૂની ખ્યાતનામ ટાટા ઇન્સ્ટિટ્યુટના સમાજ વિદ્યા ભવનમાં તેને નોકરી પણ મળી ગઈ. પણ પેલું ફૂટુ ફૂટું થઈ રહેલા બીજ માટે ત્યાં ક્યાં યોગ્ય ધરતી, ખાતર અને પાણી હતાં? એક નિર્જીવ યંત્રનો ભાગ બની જવાની કોરી વ્યથા એના અંતરને કોરતી જ રહી…કોરતી જ રહી.
પણ બેન્ગલરૂની હવામાં ભારતના કોઈ પણ શહેર કરતાં વિદેશી લહેરખીઓ વધારે વાતી હતી ને? એવી જ કોઈ લહેરમાં તેને અમેરિકાની પ્રખ્યાત ‘યેલ’ યુનિવર્સિટીમાં અનુસ્નાતક અભ્યાસ કરવાની તક મળી ગઈ. ત્યાં તેની કારકિર્દીમાં ‘માસ્ટર’ બન્યાનું વધારાનું છોગું તો ઉમેરાયું જ. પણ સાથે સાથે અમેરિકાની શિક્ષણ વ્યવસ્થામાં ‘સ્વયંસેવક’ જુસ્સાને અપાતું મહત્વ પેલા બીજને પોષતું જ રહ્યું.
‘આપણા દેશમાં દક્ષિણ આફ્રિકા, અમેરિકા કે વિશ્વના ઘણા બધા જાગૃત દેશો જેવો સ્વયંસેવક જુસ્સો કેમ નથી?’ – બસ આ જ મનોવ્યથા લાવણ્યાના ચિત્તને કોરતી રહી.
આ જ ઉલઝન – અને લાવણ્યાએ બીજી ઝળહળતી કારકિર્દીઓની લાલચને કોરાણે મેલીને લેડી શ્રીરામ કોલેજમાં જ અધ્યાપકની નોકરી સ્વીકારી લીધી. દક્ષિણ આફ્રિકા કે અમેરિકા જેવો કોલેજના વિદ્યાર્થીઓ માટેનો વોલન્ટિયર પ્રોગ્રામ શી રીતે કરવો તેની ચર્ચા તેની સખી કાવ્યા સક્સેના સાથે તે કરતી રહી. ઇન્ટરનેટ ઉપર તપાસ કરતાં ભારતમાં આટલી મોટી સંખ્યામાં યુવાધન હોવા છતાં આવી કોઈ પદ્ધતિ ન હોવા અંગે તેનો અફસોસ વધતો રહ્યો. યુવાન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતાં આવું કામ શરૂ કરવામાં આવે તો તેમાં કામમાં જોડાવાનો તેમનો ઉત્સાહ તો ઊડીને આંખે વળગે તેવો હતો.
‘આવો નવો ચીલો આપણે જાતે જ પાડવો પડશે.’ એવા નિર્ધાર પર બન્ને સખીઓ આવી. અને આમ ૨૦૧૪ની સાલમાં ‘અસ્મત’નો જન્મ થયો. ન્યુ ગિનીની ભાષાનો આ શબ્દ કેપટાઉનમાં સાંભળ્યો ત્યારથી લાવણ્યાને ગમી ગયો હતો. તેનો અર્થ થાય છે – ‘આપણે લોકો’.
જ્યારે આ સંસ્થા માટે લાવણ્યાએ રજિસ્ટ્રેશન કરાવ્યું ત્યારે તેના ઉદ્દેશમાં પછાત વિસ્તારોના લોકો માટે કામ કરવા ઉપરાંત, યુવાનોને સેવા કરવાની તક પૂરી પાડવાનું લક્ષ્ય પણ સામેલ કર્યું હતું.

લાવણ્યા અને કાવ્યાએ ‘અસ્મત’ના પહેલા પ્રોજેક્ટ તરીકે બહુ જ ચોકસાઈથી પાકિસ્તાનની સીમા અને જેસલમેરની નજીક આવેલા, રાજસ્થાનના સોડા ગામને પસંદ કર્યુ. કારણ એ કે, છેવાડાનું ગામ હોવા છતાં એની સરપંચ લેડી શ્રીરામ કોલેજમાંથી જ એમ.બી.એ. થયેલી, ૩૯ વર્ષની છબી રાજવત છે. બહુ ઓછી વસ્તી હોવા છતાં આ ગામની પોતાની વેબ સાઈટ છબીએ શરૂ કરી છે! ભારતનાં બીજાં ગામોને નડતા ઘણા પ્રશ્નો છબીએ ઉકેલી નાંખેલા જ છે, અને છતાં ‘ઘણું કરવાનું બાકી છે.’ એવી જાગરૂકતાના આધારે તેણે લાવણ્યાને આ પ્રોજેક્ટ શરૂ કરવા પ્રેરણા અને સહકાર આપ્યાં. ૨૦૧૩ના ડિસેમ્બર મહિનામાં છબીના માંત્રણથી લાવણ્યા અને કાવ્યાએ ‘સોડા’ગામની મુલાકાત લીધી અને બધી વ્યવસ્થાને આખરી ઓપ આપી, ૨૦૧૪ના એપ્રિલથી આ પ્રોજેક્ટના શ્રી ગણેશ મંડાયા.
લાવણ્યા અને કાવ્યાની દોરવણી નીચે, ‘અસ્મત’ના સ્વયંસેવકો સોડાની પ્રાથમિક શાળાનાં બાળકોને અભ્યાસક્રમની બહાર, એમની સર્જન અને કલ્પના શક્તિને ઉત્તેજન આપે તેવું શિક્ષણ આપે છે. સ્ત્રીઓને માસિક સ્રાવ, ગર્ભાવસ્થા, અને બાળકને જન્મ આપવા પછીની તકેદારી અને તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપે છે. સરકારી તંત્ર દ્વારા મળી શકતી મદદ અંગે પણ તેઓ જાગૃતિ આણે છે.
આ બે વર્ષમાં દિલ્હીના ૧૨૦ વિદ્યાર્થી સ્વયંસેવકોએ સોડા ખાતેના અભિયાનમાં ભાગ લીધો છે. લાવણ્યાએ દક્ષિણ આફ્રિકા અને અમેરિકાના પોતાના અનુભવ પરથી, આ અંગે વિદ્યાર્થીઓને સભાન અને તૈયાર કરવાની પદ્ધતિ વિકસાવી છે. ખચિત, શહેરમાં ઉછરેલા વિદ્યાર્થીઓ માટે ગામડામાં રહેવું અને કામ કરવું એટલું સહેલું નથી જ. ગ્રામવાસીઓની ટીકા ‘આ શહેરી લોકોને આપણી ઉલઝનોની શી ખબર પડે?’ પણ સૌએ વેઠવી/ અતિક્રમવી પડે છે. સાથે સાથે જમાના જૂની, ગલત માન્યતાઓમાંથી ગ્રામવાસીઓને મુક્તિ અપાવતો આ એક દાખલો ‘અસ્મત’ના પ્રયત્નોને મળેલી સફળતાની સાક્ષી પૂરે છે.
અલીના ખાન – “ મારા માસિક કાળ વખતે ત્રણ દિવસ કશું કામ ન કરીને હું કંટાળી જતી હતી. પણ હવે અલ્લાને સલામ કરીને હું રસોડામાં કામ કરવાની મારામાં હિમ્મત આવી છે. અલ્લાએ બનાવેલ કોઈ ચીજ નાપાક નથી. માસિક આવવું એ કુદરતી બાબત છે, એની મને ખાતરી થઈ ગઈ છે.” અસ્મત’ના પ્રયત્નોથી સોડા ગામની મહિલાઓ ગંદા અને ચેપ લગાડે તેવા ગાભાઓની જગ્યાએ ફેંકી દેવાય તેવા સેનિટરી નેપકિન વાપરતી થઈ ગઈ છે.
આ અંગેનો ઘણો ખર્ચ સ્પોન્સર કરતા વ્યાવસાયિકો અને ખાનગી દાનવીરો આપે છે. પણ ઘણો બધો ખર્ચ સ્વયંસેવકો જાતે પણ ઊપાડી લે છે. આમ તો દરરોજ ૩૦૦ રૂપિયાનો ખર્ચ આવતો હોય છે. પણ ભાગ લેતા સ્વયંસેવકો ૧૫૦/- રૂપિયા જાતે ખર્ચે છે. તાજેતરમાં સોડા ગામમાં સ્વાસ્થ્ય અંગેનો કેમ્પ યોજવા માટે જરૂરી એક લાખ રૂપિયાના ભંડોળના લક્ષ્યાંક સામે લાવણ્યાએ ૬૦,૦૦૦ રૂપિયા ભેગા કરી નાંખ્યા છે અને નિઃશુલ્ક સેવા આપવા માટે ઘણા બધા ડોક્ટરોને પણ તૈયાર કર્યા છે.
અલબત્ત લાવણ્યાનો ભાર સ્વયંસેવકોને આ અંગે તૈયાર કરવા પર વિશેષ છે. લાવણ્યાના અધ્યક્ષ સ્થાન હેઠળ ‘અસ્મત’ના બોર્ડમાં ૧૬ કાયમી સભ્યો છે. અલબત્ત બંગલરૂના કપડાં બનાવતાં કારખાનાઓમાં કામ કરતી મહિલાઓ અંગેના રિસર્ચ પ્રોજેક્ટમાં પણ લાવણ્યાનું યોગદાન ચાલુ જ છે. લાવણ્યાએ બહુ જ દીર્ઘદૃષ્ટિ વાપરીને છબી જેવી જાગૃત અને ઉચ્ચ કેળવણી પામેલી સરપંચનો સહારો લીધો હતો. આ મોડલ પરથી અનેક ગામડાંઓ અને ઝુંપડપટ્ટીઓમાં આવા પ્રોજેક્ટો શરૂ કરવા લાવણ્યા ઉમેદ રાખે છે. પણ તેનું મહત્વનું લક્ષ્ય છે –
વિશ્વના જાગૃત દેશોની જેમ ભારતમાં ‘વોલન્ટિયરિંગ’ની પ્રવૃત્તિને એક પ્રમાણિત, શિસ્તબદ્ધ અને સુગઠિત પદ્ધતિ તરીકે વિકસાવવી.
લાવણ્યાને સોડા ગામની મહિલાઓ દ્વારા મળેલ સ્વીકૃતિની આ છબી સાથે વીરમીએ .

સાભાર – માલવિકા વ્યવહારે, The Better India
સંદર્ભ –
મૂળ લેખ
‘અસ્મત’ની વેબ સાઈટ
સોડા ગામની વેબ સાઈટ
દક્ષિણ આફ્રિકાના વોલન્ટિયર પ્રોગ્રામ વિશે –
Like this:
Like Loading...
Related
Salam Salam.
2017-06-19 11:41 GMT+05:30 સૂરસાધના :
> સુરેશ posted: ” હા! દિલ્હીની લાવણ્યા રાજસ્થાનના સોડા ગામમાં ઘણી
> વખત જાય છે. સાથે સ્વયંસેવક વિદ્યાર્થીઓને પણ લેતી જાય છે. પણ એની આ યાત્રા
> દક્ષિણ આફ્રિકાના કેપેટાઉનની મુલાકાતથી શરૂ થઈ હતી. લાવણ્યા અમેરિકાની
> ખ્યાતનામ યેલ યુનિવર્સિટીની પોસ્ટ ગ્રેજ્યુએટ પણ છે! દિલ્હી”
>
Pingback: 1071- નાના માણસોની મોટી વાતો … જીવન પ્રેરક સત્ય કથાઓ ….શ્રી સુરેશ જાની | વિનોદ વિહાર