સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

નવી દિશા તરફ

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

re1

      અઢાર વર્ષની રેહાના મુઝફ્ફરનગરની શાક માર્કિટમાં ખરીદી કરવા આવી હતી. હજુ તો કોઈ પણ શાક સામે નજર કરે તે પહેલાં, તેની નજર થોડેક જ દૂર, તેના તરફ આવી રહેલી ચાર સ્ત્રીઓ તરફ ગઈ. આમ તો બધી ગરીબ વર્ગની દેખાતી હતી, પણ તેમના ચહેરા પર અજીબો ગરીબ ઉત્સાહ છવાયેલો હતો. તે સ્ત્રીઓ રેહાનાની નજીક આવી અને તેમની વાતોમાંથી થોડાક શબ્દો તે પકડી શકી. તેમાંથી તેને એટલી સમજ પડી કેમ તેઓ સ્ત્રીઓને થતા અન્યાય અને શોષણ સામે જાગૃત થવા જેવી કાંઈક વાતચીત કરી રહી હતી.

    જેણે અન્યાય, શોષણ, મારપીટ અને તબાહી સિવાય કશું જ જોયું ન હતું, અને આટલી યુવાન વયે પાંચ દિકરીઓની મા બની ગઈ હતી, તેવી રેહાનાને આ વાતોમાં રસ પડ્યો. શાક ખરીદવાનું  બાજુએ મુકીને રેહાના તે સ્ત્રીઓની નજીક ગઈ. હવે તો તેને એમની વાતો બરાબર સંભળાવા લાગી. ‘ઘરમાં થતા જોર જૂલમ હવે સહન નહીં જ કરીએ.’  તેવો નિર્ધાર એમની વાતોમાંથી વ્યક્ત થતો હતો.

    રેહાનાથી બોલ્યા વિના ન રહેવાયું,” હું તમારી સાથે આવી શકું?”

    આટલો સવાલ પુછવાની હિમ્મત અને આ ‘દિશા’માં ચાલવાની શરૂઆતે રેહાના અને તેના જેવી હજારો અસહાય સ્ત્રીઓની જિંદગી બદલી નાંખી.

…………

      માંડ તેર વર્ષની હતી, ત્યારે રેહાના ચોધાર આંસુએ રડતી રડતી ઘેર આવી હતી. પાડોશીના યુવાન દીકરાએ તેને ફોસલાવીને બોલાવી હતી, અને તેની ઉપર કારમો બળાત્કાર કર્યો હતો. ઘરમાં એની માએ તો તેને બાથમાં ઘાલી સહાનુભૂતિ બતાવી. પણ તેના અબ્બા અને કાકાનો વર્તાવ તેની કાચી ઉમરમાં ન સમજી શકાય તેવો કઠોર હતો. તેને એટલી ખબર પડી કે, તે ઊંડા અંધાર્યા અંધકારમાં ધકેલાઈ ગઈ છે, અને હવે તેના માટે જીવનમાં કોઈ જ આશા બાકી રહી નથી.

     થોડાક જ દિવસ અને તેના નિકાહ એક પચાસ વર્ષના, કદરૂપા અને કઠોર માણસ સાથે થઈ ગયા. અબ્બાની વસ્તીથી તે બહુ દૂર ફંગોળાઈ ગઈ. તેને તો નિશાળમાં ભણવા પાછું જવું હતું, સહેલીઓ સાથે ગપસપ કરવી હતી, સંતાકૂકડી રમવી હતી. હવે એ બધી સુભગ આશાઓ કચડાઈ ગઈ. રેહાના પણ કચડાતી જ રહી. લગ્ન તો કહેવાનાં જ હતાં. દરરોજ રાતે તે ખાવિંદના બળાત્કારનો ભોગ બનતી રહી. પોતાની કોઈ જ મરજી વિના એ પાંચ  બાળકીઓની મા પણ બની ગઈ. દિલ ખોલીને રડવા માટે તેને એકાંત સિવાય કોઈ જ આશરો ન હતો. તેને આપઘાત કરવાના વિચારો સતત આવતા. પણ એ ‘પાપ’ કહેવાય એટલી એને ખબર હતી, એટલે તે  આ નરકની વેદના સહન કરતી રહી. ………..

    હા! શાક લેવાના બદલે તે ચાર સ્ત્રીઓની સાથે જવાની ‘દિશા’એ રેહાનાની  જીવનની દિશા બદલી નાંખી. સહરાનપુરમાં  મુખ્ય મથક ધરાવતી   ‘દિશા’ નામની એક સમાજસેવાની સ્થાનિક મિટિંગમાં હાજરી આપવા એ સ્ત્રીઓ જઈ રહી હતી. રેહાનાએ ત્યાં ભેગી થયેલી સ્ત્રીઓ અને બે ઉજળિયાત વર્ગની દેખાતી અને સભાનું સંચાલન કરતી મહિલાઓ સાથે બે કલાક ગાળ્યા. તેને લાગ્યું કે, તેના જીવનમાં નવી રોશની ‘આવું’  ‘આવું’ કરી રહી છે. છેલ્લે એક ઉજળિયાત મહિલાએ એને ‘દિશા’ માં જોડાવા આમંત્રણ આપ્યું. ઘરનાં  માણસો સિવાય કદી એકલી  બહાર ગઈ ન હતી, તેવી રેહાનાને  ડર લાગ્યો. ‘કાંઈક નવા કાળાં કુંડાળામાં તો નહીં ફસાઈ જવાય ને?’ પણ તેણે તે મહિલાને અઠવાડિયા પછી, એ જગ્યાએ   ભરાનારી મિટિંગમાં હાજર રહેવા ખાતરી આપી.

   અઠવાડિયા પછી રેહાના ‘દિશા’ની સ્વયંસેવિકા બની ગઈ. આવી બે ત્રણ મિટિંગો બાદ તેના પતિને રેહાના શાક લઈને  મોડી ઘેર આવે છે, તેવી બાતમી મળી. મારઝૂડનો સિલસિલો ચાલુ થઈ ગયો. પણ તેની રેહાનાને ક્યાં નવાઈ હતી? હવે તો તેને મળેલી જીવનની આ નવી દિશામાં આગળ ને આગળ વધવા કૃતનિશ્ચય હતી. તેણે પતિને હિમ્મત પૂર્વક સંભળાવી દીધું કે, “ખાવાનું ખાવું હોય, અને રાતે રંગત માણવી હોય તો, આ હરકત તેણે ચલાવી લેવી પડશે.”

       આમ બોલવાની તેનામાં હિમ્મત આવી ગઈ હતી, એટલું જ નહીં, અત્યાચારો અને મારઝૂડનો મુકાબલો કેવી રીતે કરવો, તેની તાલીમ પણ તેને ‘દિશા’એ આપી હતી. જીવનમાં ઊગેલી નવી સવારમાંથી કોઈ તેને નિબીડ રાત્રિના અંધકારમાં હડસેલી ન શકે, તેટલી તાકાત તેના પ્રાણમાં હવે સંચરવા લાગી હતી. પછી તો તે બુરખો પહેરીને ‘દિશા’ની સહરાનપુર ખાતેની મિટિંગોમાં પણ હાજરી આપવા લાગી. પોતાના જેવી અન્ય દુખિયારી સ્ત્રીઓના જીવનમાં  આશાના કિરણનો સંચાર શી રીતે કરી શકાય? – તેની ભાંજગડ હવે તેના દિમાગમાં પાંગરવા માંડી.

      ૨૦૦૫ – ‘દિશા’ના માર્ગદર્શન હેઠળ રેહાના જાતે જ આવી સંસ્થા ચલાવવા કાબેલ બની ગઈ. મુઝફ્ફરનગરમાં દબાતી, કચડાતી, મુસ્લિમ સ્ત્રીઓ માટે તેણે ‘અસ્તિત્વ’ ની સ્થાપના કરી. ઘણી બદનસીબ સ્ત્રીઓ તેની સાથે જોડાઈ. હવે રેહાનાને કોઈ તાકાત રોકી શકે તેમ ન હતું . રેહાના હવે પિંજરમાં તરફડતી કબુતરી રહી ન હતી. મુક્ત ગગનમાં વિહાર કરતી ગરૂડ પંખીણીમાં તેના હોવાપણાનું અભ્યુત્થાન  થયું હતું.

re2

re3

     પોસ્ટરો બનાવવા, દમન સામે અવાજ ઊઠાવતી મહિલા-કૂચો યોજવી, શાળાઓમાં બાળકીઓને તેમના હક્કોની જાણકારી આપવી, વિ. વિવિધ પ્રવૃત્તિઓથી ‘અસ્તિત્વ’ ધમધમવા લાગી. રેહાનાને  ઘર અને સમાજ તરફથી બહિષ્કારનો સામનો કરવો પડ્યો છે, એટલું જ નહીં પણ ટોળાંઓનો મુકાબલો,પોલિસના લાઠીમારનો પણ કર્યો છે. જૂઠા આક્ષેપોના આધારે જેલવાસ પણ કર્યો છે.

પણ જાગી ઊઠેલા તેના પ્રાણને
હવે કોઈ ગુંગળાવી શકે તેમ નથી.

૨૦૧૩

      નવ જ વર્ષની રેખા પર પાંચ નરાધમોએ બળાત્કાર કર્યો હતો. રેહાના એમને જેલ ભેગા કરીને જ જંપી. તેના આ આક્રોશને સમાજમાંથી અદભૂત પ્રતિભાવ પણ મળ્યો. રેખા સાથે લગ્ન કરવા એક આદર્શવાદી યુવાન પણ તૈયાર થયો.  રેહાનાના આ વિજયે તેનું રૂપાંતર  એક અનોખી મહિલા પ્રતિભામાં કરી દીધું. આવી હજારો બાળકીઓના જીવનમાં રેહાના અને અસ્તિત્વે બગાવતનો બુંગિયો ફૂંક્યો છે. રેહાનાને ગર્વ છે કે, તેના પિતા અને પતિને પોતાની ભુલ સમજાઈ છે, અને તેમનો સહકાર પણ હવે રેહાનાની અસ્કયામત બન્યાં છે.

      અસ્તિત્વ માત્ર સ્ત્રીઓ માટે જ કામ કરે છે, તેમ નથી. કોમી હુલ્લડો વખતે પણ અસ્તિત્વે શાંતિ સ્થાપવાના પ્રયત્નોમાં સહયોગ આપ્યો છે. ૨૦૧૩માં મુઝફ્ફરનગરના શામલી વિસ્તારમાં થયેલા કોમી રમખાણોમાં અસ્તિત્વે પાયાનું કામ નીડર રીતે કર્યું હતું, અને અપૂર્વ સામાજિક ચાહના અને માન મેળવ્યાં હતાં .

      ભ્રષ્ટાચાર અને રાજકારણીય દખલોથી ખદબદતી, ઉત્તર પ્રદેશની બદનામ સ્થાનિક સરકારી સંસ્થાઓ ભલે તેના કામને ન બીરદાવે, સમાજ તરફથી અને બીજી ઘણી બિન સરકારી સંસ્થાઓનાં સહકાર અને મદદ અસ્તિત્વને મળતાં રહ્યાં છે.  શરૂઆતમાં જાટ વિસ્તારમાં તેણે ઓફિસ રાખી હતી. પણ મુસ્લિમ મહિલા હોવા માટે તેને તે ખાલી કરવી પડી હતી. મુસ્લિમ વિસ્તારમાં તે બુરખો પહેરતી ન હોવાના કારણે તેનો વિરોધ થયો હતો. પણ ધીમે ધીમે તેના કામને મળતી સફળતા અને સામાજિક સ્વીકારના કારણે હવે તેની ઓફિસ ધમધોકાર ચાલતી થઈ ગઈ છે. તેની ઓફિસમાં રાણી, ઉસ્માન અને ગૌરવ તેને મદદ કરે છે. જાતજાનાં આધુનિક સાધનો પણ તેઓ વાપરે છે.

re4

      વર્ષોની સાધના, તપસ્યા  અને આમરણ જંગના પ્રતાપે બાઈજિંગ – ચીનમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય મહિલા સશક્તીકરણ અધિવેશનમાં રેહાનાએ વિશેષ અતિથિનું પદ શોભાવ્યું હતું – એ સમાચાર સાથે વીરમીએ.

re5

સંદર્ભ –

http://www.thebetterindia.com/19535/rehana-adeeb-muzzaffarnagar-domestic-violence-astitva-ngo/

https://yourstory.com/2017/04/rehana-adeeb/

https://thewire.in/4452/in-riot-hit-muzaffarnagar-an-ngo-focuses-on-female-victims-of-violence/

6 responses to “નવી દિશા તરફ

 1. readsetu જૂન 26, 2017 પર 2:09 પી એમ(pm)

  સુરેશભાઇ, આ લખતા રહો… રેહાનાની વાત દિલ હચમચાવી નાખનારી…

  2017-06-21 11:54 GMT+05:30 સૂરસાધના :

  > સુરેશ posted: ” અઢાર વર્ષની રેહાના મુઝફ્ફરનગરની શાક માર્કિટમાં ખરીદી
  > કરવા આવી હતી. હજુ તો કોઈ પણ શાક સામે નજર કરે તે પહેલાં, તેની નજર થોડેક જ
  > દૂર, તેના તરફ આવી રહેલી ચાર સ્ત્રીઓ તરફ ગઈ. આમ તો બધી ગરીબ વર્ગની દેખાતી
  > હતી, પણ તેમના ચહેરા પર અજીબો ગરીબ ઉત્સાહ છવાયેલો ”
  >

 2. Pingback: 1071- નાના માણસોની મોટી વાતો  … જીવન પ્રેરક સત્ય કથાઓ ….શ્રી સુરેશ જાની | વિનોદ વિહાર

 3. smdave1940 એપ્રિલ 20, 2018 પર 8:18 એ એમ (am)

  I cannot imagine and believe a rape on a girl of 8 years..
  Go knows what would be truth inside the current event.

 4. pragnaju ઓક્ટોબર 12, 2022 પર 7:24 પી એમ(pm)

  ચાર સ્ત્રીઓની સાથે જવાની ‘દિશા’એ રેહાનાની જીવનની દિશા બદલી નાંખી

 5. સુરેશ ઓક્ટોબર 16, 2022 પર 1:39 પી એમ(pm)

  પ્રગ્યાબેને સરસ યાદ અપાવી

  રેહાના વાતે યાદ આવે-
  રેહાના બશીર IAS, જમ્મુ ડિવિઝનમાં પૂંચની પ્રથમ મહિલા IAS અધિકારી, વ્યવસાયે ડૉક્ટર હતી અને તેમનું સ્વપ્ન ડૉક્ટર બનવાનું હતું. સારા માર્ક્સ સાથે 12મું પાસ કરવા માટે તેણે શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં જોડાયા હતા. તે ખૂબ જ ખુશ હતી અને ડોક્ટર બનવાનું પોતાનું સપનું જીવી રહી હતી. પરંતુ તેની ઇન્ટર્નશિપ દરમિયાન જ તેને સમજાયું કે જીવનમાં કેટલું બધું કરી શકાય છે. માત્ર આ વિચાર સાથે તેણીએ NEET PGમાં પ્રવેશ ન લીધો અને UPSC તરફ આગળ વધી.
  નાના ભાઈએ તૈયારી માટે માર્ગદર્શન આપ્યું.પરંતુ કહેવાય છે કે કોઈનું જીવન સરળ નથી હોતું. રેહાનાએ પણ નાનપણથી જ જીવનનું સત્ય પોતાની આંખોથી જોયું છે. તે માત્ર 14 વર્ષની હતી જ્યારે તેના પિતાનું અવસાન થયું. ત્યાર બાદ રેહાના અને તેના ભાઈની સંપૂર્ણ જવાબદારી તેની માતા પર આવી ગઈ. ઘણી સમસ્યાઓ આવી પરંતુ તેનો નાનો ભાઈ અને તેની માતા એકબીજા માટે ઢાલ બનીને ઉભા રહ્યા. રેહાનાએ યુપીએસસીની તૈયારી ઘરેથી જ શરૂ કરી હતી. પરંતુ સમસ્યા એ હતી કે માર્ગદર્શન ક્યાંથી મેળવવું. આમાં રેહાનાને તેના નાના ભાઈએ મદદ કરી હતી જે પહેલેથી જ સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.
  પ્રથમ પ્રયાસમાં સફળતા ન મળી
  રેહાનાને તેના ભાઈએ ટેકો આપ્યો હતો જે બાળપણથી સાથે ભણે છે. રેહાનાએ 2017માં પહેલો પ્રયાસ કર્યો હતો પરંતુ નબળી તૈયારીને કારણે પસંદગી થઈ શકી ન હતી. પણ તે ક્યાં હાર માની જવાની હતી? તેણે ફરીથી તૈયારી કરવાનું શરૂ કર્યું અને 2018ની સિવિલ સર્વિસ પરીક્ષાના બીજા પ્રયાસમાં 187નો રેન્ક મેળવીને જમ્મુ ડિવિઝનના પૂંચમાંથી પ્રથમ મહિલા IAS અધિકારી બની. તેના ભાઈને પણ યુપીએસસીમાં સફળતા મળી. પરંતુ આ સફળતાનો માર્ગ બંને ભાઈ-બહેન માટે ઘણો મુશ્કેલ હતો.
  માતાની તબિયત અને ઘર બંનેનું ધ્યાન રાખ્યું
  જ્યારે રેહાના તેના મેઇન્સ લખી રહી હતી ત્યારે તેની માતાને હિપમાં ફ્રેક્ચર થયું હતું, ત્યારબાદ આખા ઘર અને માતાના સ્વાસ્થ્યની જવાબદારી રેહાના પર આવી ગઈ હતી. આ સમય દરમિયાન, તેણીએ એક સારી પુત્રી બનવાની સાથે-સાથે સારી મોટી થવાનું કર્તવ્ય નિભાવીને બધું જાતે સંભાળ્યું. ઘરના કામકાજથી લઈને અભ્યાસ સુધી, તે કોઈપણ ફરિયાદ વિના કરતી રહી. આજે રેહાના એ તમામ છોકરીઓ માટે એક ઉદાહરણ છે જે જવાબદારીઓના બોજ હેઠળ પોતાના સપનાઓને પાછળ છોડી દે છે. કોઈપણ પરિસ્થિતિમાં તમારું સ્વપ્ન પૂરું કરવાનો પ્રયાસ કરો.-
  ૨ એક્ટિવિસ્ટ રેહાના….
  સબરીમાલા મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરનાર એક્ટિવિસ્ટ રેહાનાને કેરાલાના એક મુસ્લિમ સંગઠને મુસ્લિમ સમાજમાંથી બહાર કાઢી મુકવાની જાહેરાત કરી છે.
  કેરાલા મુસ્લિમ જમાત કાઉન્સિલે મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરીને હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરવાનો આરોપ રેહાના પર મુકીને આ એલાન કર્યુ છે. સાથે સાથે કાઉન્સિલે અર્નાકુલમ સેન્ટ્રલ મુસ્લિમ જમાતને પણ ફાતિમા અને તેના પરિવારને સમાજ બહાર મુકવાની અપીલ કરી છે.
  ફાતિમા અને હૈદ્રાબાદની એક પત્રકારે બે દિવસ પહેલા મંદિરમાં પ્રવેશવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. દરમિયાન મુસ્લિમ કાઉન્સિલના પ્રમુખ પૂકૂંજુએ કહ્યુ છે કે ફાતિમાને મુસ્લિમ નામ ઉપયોગ કરવાનો હક નથી.
  રેહાના સરકારી કર્મચારી અને બે બાળકોની માતા છે તેમજ એક મોડેલ અને એક્ટિવિસ્ટ પણ છે. સબરીમાલામાં ઘૂસવાની કોશિશ કર્યા બાદ તેમના ઘર પર હુમલો પણ કરવામાં આવ્યો હતો.
  સબરીમાલા મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરનાર એક્ટિવિસ્ટ રેહાનાને કેરાલાના એક મુસ્લિમ સંગઠને મુસ્લિમ સમાજમાંથી બહાર કાઢી મુકવાની જાહેરાત કરી છે.
  કેરાલા મુસ્લિમ જમાત કાઉન્સિલે મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરીને હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરવાનો આરોપ રેહાના પર મુકીને આ એલાન કર્યુ છે. સાથે સાથે કાઉન્સિલે અર્નાકુલમ સેન્ટ્રલ મુસ્લિમ જમાતને પણ ફાતિમા અને તેના પરિવારને સમાજ બહાર મુકવાની અપીલ કરી છે.
  ફાતિમા અને હૈદ્રાબાદની એક પત્રકારે બે દિવસ પહેલા મંદિરમાં પ્રવેશવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. દરમિયાન મુસ્લિમ કાઉન્સિલના પ્રમુખ પૂકૂંજુએ કહ્યુ છે કે ફાતિમાને મુસ્લિમ નામ ઉપયોગ કરવાનો હક નથી.
  રેહાના સરકારી કર્મચારી અને બે બાળકોની માતા છે તેમજ એક મોડેલ અને એક્ટિવિસ્ટ પણ છે. સબરીમાલામાં ઘૂસવાની કોશિશ કર્યા બાદ તેમના ઘર પર હુમલો પણ કરવામાં આવ્યો હતો.
  ત્યારે આ રેહાના
  પણ જાગી ઊઠેલા તેના પ્રાણને
  હવે કોઈ ગુંગળાવી શકે તેમ નથી.
  નાના માણસોની મોટી વાતો
  માણી આનંદ…રેહાનાને સલામ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: