સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

પાણીની ખેતી

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

      પાણીનું એક ટેન્કર આવ્યું, અને ફ્લેટના ભોંયતળિયે આવેલી ટાંકીમાં એનું પાણી વહેવા લાગ્યું. પણ ધસમસતા પાણીના એ પ્રવાહની સાથે તમારા ચિત્તમાં આનંદ નહીં પણ ગ્લાનિનું લખલખું ફરી વળ્યું.

     જયવંત, તમે ચિંતા મગ્ન બનીને તમારા ફ્લેટની બાલ્કનીમાંથી નીચેનો નજારો નિહાળી રહ્યા છો. કેટલા ઉમંગથી તમે બેન્ગલરૂથી સાતેક માઈલ દૂર, સરજાપુર રોડ પર આવેલા કઈકોન્દ્રાહલ્લી વિસ્તારમાં આ ફ્લેટ ખરીદ્યો હતો?

jy1

          આમ તો એક મોટું તળાવ થોડેક જ દૂર છે. પણ તમે આ ફ્લેટ ખરીદ્યો ત્યારે,  મ્યુનિસિપલ હદની બહાર હોવાના કારણે વોટર સપ્લાય અને ગટર લાઈન તમારા એપાર્ટમેન્ટ બ્લોકને મળી શકે તેમ નહોતું – હજી કેટલાય વર્ષો સુધી એમ થવાની કોઈ શક્યતા નથી. ૨૦૦ એપાર્ટમેન્ટ હોવાના કારણે, સોસાયટીના ઓર્ગેનાઈઝરે સાત બોરવેલ, અને દરેક એપાર્ટમેન્ટમાં અન્ડર ગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકીની વ્યવસ્થા પહેલેથી જ કરી હતી. પણ જમીનમાં પાણીનું તળ નીચે ને નીચે જતું રહ્યું છે અને માત્ર બે જ બોરવેલ ચાલુ છે. મસ મોટા ખર્ચે દરરોજ ત્રણ ટેન્કરો ભરીને તમે લોકો બાજુના તળાવમાંથી પાણી મંગાવો છો. એપાર્ટમેન્ટના બીજા રહેવાસીઓને એની કશી ચિંતા જણાતી નથી, પણ  ‘આમ કેટલા દિ’ ચાલશે ?’ એનો ભય તમારા ચિત્તને કોરી ખાય છે. એક હાયકારો તમારા હોઠમાંથી સરી પડે છે.

******

     અને… તમારા સોફ્ટવેરી દિમાગમાં એક સંકલ્પ ઝળહળી ઊઠ્યો. ‘આ સમસ્યાનો ઉકેલ’ શોધવો જ રહ્યો. આમેય તમને જાહેર હિતના પ્રોજેક્ટો વહેતા, ધમધમતા કરવામાં ઘણો રસ હતો જ. બીજા આવા મિત્રો સાથેની એક મિટિંગમાં તમે આ પ્રશ્ન  છેડ્યો અને ૨૦૦૮ના માર્ચ મહિનાની એ સલોણી સાંજે ‘ રેઈન વોટર ક્લબ’નો જન્મ થયો. અવિનાશ કૃષ્ણમૂર્તિ અને તમે …જયવંત ભારદ્વાજની જુગલબંધી શરૂ થઈ ગઈ.

   બીજા અઠવાડિયે તમે સોસાયટીના સભ્યોની એક તાત્કાલિક મિટિંગ રાખવામાં સફળ થયા. ભલે ૩૨ સભ્યો જ હાજર રહ્યા, પણ સામાન્ય માણસને સમજણ પડે તેવી ભાષામાં તમે અને અવિનાશે તમારી યોજના સમજાવી. અલબત્ત શંકા- કુશંકાઓ તો આવી મિટિંગમાં થાય જ ને? પણ ઘણી મથામણ પછી વીસ સભ્યો તમારી યોજનામાં સહકાર વાપવા કબૂલ થયા. જરૂરી ફંડ ભેગું કરવામાં મહિનો નીકળી ગયો. પણ કામ ચાલુ થઈ ગયું.

   ત્રણ જ મહિના….. માત્ર ત્રણ જ મહિના… અને સુશીલકુમાર નાહર,  કે.પી. સિંઘ, મનોજ દિઘે અને સોસાયટીના બીજા સન્ન્નિષ્ઠ સભ્યોના સક્રીય સહકારથી સાત છીછરા કુવાઓ તમારી ટીમે ખોદાવ્યા અને એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સના નીચા વિસ્તારોમાંથી નીકો વડે વરસાદના પાણીને આ કુવાઓમાં તમારી ક્લબે બહુ ઓછા ખર્ચમાં વાળી લીધું. અને   એપાર્ટમેન્ટની વીસ અગાશીઓમાંથી વહી જતું, નિતર્યા કાચ જેવું વરસાદી  પાણી તો સીધું જ અન્ડર ગ્રાઉન્ડ ટાંકીમાં! ઉપરવાળાની કિરપા કે, તમારા વિસ્તારમાં વરસાદી પાણીની કોઈ કમી નથી. દૂરના તળાવમાં વહી જઈને વેડફાઈ જતું એ પાણી હવે તમારા તરસ્યા બોરવેલોને મળતું થઈ ગયું, અને સાતે સાત બોરવેલ ફરીથી ધમધમતા થઈ ગયા. સ્વાભાવિક રીતે પાણીના ટેન્કરો મંગાવવાના ખર્ચમાંથી  અને આ બધી યોજનાનો ખર્ચ નીકળી ગયો, અને ઉપરથી બચત થવા લાગી.

      એપાર્ટમેન્ટના રહીશોના રોજના વપરાશનું અને ગટર સિવાયનું પાણી પણ એક અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં ભેગું કરવાની યોજના તમે બનાવી. એનું નીતરેલું પાણી વાપરીને,  એપાર્ટમેન્ટ બન્યા ત્યારે મઘમઘતા હતા તે બગીચા હવે ફરીથી લહેરાવા લાગ્યા. આખા કોમ્પ્લેક્સનો સોગિયો અને ભુખ્ખડ ચહેરો તમારી યોજનાના પ્રતાપે ફૂલો અને લીલાં છમ ક્ષોથી નવ પલ્લવિત બની ગયો.

સાભાર – શ્રી.   ધીમંત પારેખ, Better India

http://www.thebetterindia.com/15/rainbows-rainwater-club/

http://bangalore.citizenmatters.in/articles/293-rainbow-drive-water

http://bangalore.citizenmatters.in/articles/293-rainbow-drive-water?utm_source=copy

One response to “પાણીની ખેતી

  1. Pingback: 1071- નાના માણસોની મોટી વાતો  … જીવન પ્રેરક સત્ય કથાઓ ….શ્રી સુરેશ જાની | વિનોદ વિહાર

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: