
ચોત્રીસ જાતની મધુર, મઘમઘતી ચા પીવડાવનાર મધુર! તમારી ‘ચા-૩૪’ નામની હોટલના પાછળના ભાગમા આવેલી ઓફિસની કાચની બારીમાંથી આગળના હોલમાં ચાની ચુસ્કી માણી રહેલા તમારા ઘરાકોના ખુશખુશાલ ચહેરાઓ જોતાં જોતાં એક મધુરા દિવાસ્વપ્નમાં તમે સરકી ગયા છો. ભોપાલના શિવાજીનગરની તમારી ‘ચા-૩૪’ હોટલમાંથી મનની કેવી પાંખો વડે અને કઈ સુભગ ક્ષણે સિડની, ઓસ્ટ્રેલિયાની લટાર મારવા માંડ્યા છો – એની તમને ક્યાં કશી જાણ જ છે?

૨૦૦૯ ની એ યાદગાર સાંજે ઓસ્ટ્રેલિયન સરકારની સ્વાસ્થ્ય અંગેની તમારી ઓફિસમાંથી થાક્યા પાક્યા તમારી રૂમ પર જવા માટે તમે દાદર ચઢી રહ્યા છો. માંડ તેત્રીસ વર્ષના મધુર મલ્હોત્રા! તમે હજુ આધેડતામાં પગ નથી મુક્યો. છતાં બહુ જવાબદારીવાળું અને માથાકૂટ વાળું તમારું સરકારી અને કોમ્યુટર સાથે નિસ્બત ધરાવતું એ કામ તમને સારો એવો પગાર તો આપે છે, પણ ભોપાળમાં એકલા અટૂલા રહેતાં તમારાં મા-બાપની યાદ પણ આ સાત સાત વર્ષનાં વહાણાં વાયાં છતાં, તમને સતત સતાવ્યા કરે છે. બહેનો પરણીને બીજા શહેરોમાં રહેવા જતી રહી છે. માની તબિયત નરમ ગરમ રહ્યા કરે છે. અને બાપુજી પણ સતત એકલતા અનુભવ્યા કરે છે. એ દિવસની સાંજે પણ તમે એ જ વિચારોના ચક્કરોમાં ફસાયેલા છો. દાદરનું એક એક પગલું ચઢતાં, એક એક જૂની યાદ તમારા મગજમાં ઊભરાતી જાય છે. સાથે સાથે તમે ભણવા માટે દેશમાં અને અહીં કરેલા સંઘર્ષ માટે અપાર સંતોષની લાગણીના ઓડકારની સાથે તમે ચપટીક ખુશહાલ મિજાજની લહેરખીનો અનુભવ પણ કરતા રહો છો. કેટલી બધી મહેનત અને મગજમારીથી તમે સિડનીની યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડીગ્રી મેળવી હતી? એના પરિપાક રૂપે જ આ માતબર પગારવાળી નોકરી તમે મેળવી શક્યા છો ને?
આવી મિશ્રિત લાગણીઓની વચ્ચે, તમે રૂમ પર પહોંચો છો, અને ટપાલપેટીમાંથી હમણાં જ લાવેલી ટપાલના થોકડામાં સૌથી ઉપર રાખેલો, દેશમાંથી આવેલો કાગળ આતૂરતાથી ખોલો છો. અને આ શું? એમાંથી તમને ખબર પડે છે કે, તમારી વ્હાલી માનું દિલ હવે ધડકવામાં ભૂલો કરવા માંડ્યું છે. એના ઈલાજ રૂપે તેની ઓપન હાર્ટ સર્જરી અઠવાડિયા પછી થવાની છે.
તમે તમારો સેલ ફોન હાથમાં લો છો, અને ‘સાહેબ’ને જાણ કરો છો કે, તમારે તાત્કાલિક ભારત જવું પડે એમ છે – માત્ર પંદર દિવસ માટે જ. તમારા આઈ.ટી. ક્ષેત્રના જ્ઞાન અને દિવસ-રાત કામ પર મચ્યા રહેવાની તમારી કામગીરીથી ‘સાહેબ’ ખુશ છે. તે તમને રાજીખુશીથી ‘હા’ પાડે છે અને માના સ્વાસ્થ્ય માટે દુવા પાઠવે છે. બીજા જ દિવસે મળતી પહેલી જ ફ્લાઈટમાં તમે દેશ જવા રવાના થાઓ છો. મધુર મલ્હોત્રા! તમને ક્યાં ખબર હતી કે, એ નિર્ણય તમને ક્યાંથી ક્યાં પહોંચાડી દેવાનો છે?
માનું ઓપરેશન સહીસલામત રૂપે પતી ગયું, અને તમારા પાછા ફરવાનો દિવસ આવી ગયો. તમે કમને સિડની પહોંચી તો ગયા, પણ મનમાં એક જ સંકલ્પ સાથે – ‘જતાંની સાથે જ રાજીનામું મુકી દેવું છે, મારી અત્યાર સુધીની બચતથી એક વર્ષ સુધી તો મને ભોપાલમાં કશો વાંધો નહીં આવે. પપ્પાનો બાંધકામનો ધંધો પણ છે જ ને? મારે દેશમાં નોકરી શોધવા ક્યાં કશી ઝંઝટ કરવી પડે તેમ છે?”
સિડનીની તમારી નોકરી અને અન્ય બાબતો આટોપી લઈ, એક મહિનામાં તમે હમ્મેશ માટે દેશ ભેગા થઈ ગયા. પપ્પા/ મમ્મી પણ ખુશખુશાલ હતાં – ‘દીકરો પાછો આવ્યો હતો.’ તમે પપ્પાના ધંધામાં ખૂંપવા બહુ કોશિશ કરી. પણ તમારા ડિજિટલ ભેજાના ન્યુરોન સાથે એ કામનો ઝાઝો મેળ પડતો ન હતો. ક્યાં એ અટપટા ઓલ્ગેરિધમ અને ક્યાં આ સિમેન્ટની થેલીઓનો હિસાબ? અને સરકારી કામો? એ ગંદી, ભ્રષ્ટાચારી રીતરસમો તો તમારા કોઠે સહેજ પણ ચઢે તેમ ક્યાં હતી? ઓસ્ટ્રેલિયાથી પાછા ફરવાનો એ નિર્ણય સાવ ખોટો હતો અને પોચટ ભાવુકતામાં, ભૂલથી લેવાઈ ગયો હતો, તેવા મનોભાવ હવે તમારા મનમાં ઘેરાવા લાગ્યા હતા.
૨૦૧૧ની સાલનાએ સપ્પરમા દિવસે ઘણાં વર્ષો પછી મળેલી તમારી કોલેજ કાળની મિત્ર શેલી જ્યોર્જ સાથે તમે એક હોટલમાં બેઠા હતા. પાંચ આંગળીઓમાં પાણીની ભરેલા પાંચ પ્યાલા લઈને ચા પીરસનાર છોકરો આવ્યો, બે પ્યાલા તમારા ટેબલ પર થાક અને કંટાળાથી મુક્યા અને કર્કશ અવાજમાં તેણે તમારો ઓર્ડર ચીલાચાલુ રીતે પુછ્યો. તમે બે ચાનો ઓર્ડર તો આપ્યો, પણ સિડનીના સુખદ અનુભવો સાથે આ બીનાને સરખાવતાં સરખાવતાં, તમારા મનના નીરાશાજનક ભાવો વધારે ને વધારે અંધારઘેર્યા ઘેરા થવા લાગ્યા. બાજુના ટેબલો પરથી ફેલાતા સિગરેટ /બીડીના ધૂમાડા પણ આ ભાવોમાં વધારો કરે અને ઉબકા આવે તેવી દુર્ગંધ ઉમેરતા ન હતા?
શેલી તરત તમારા મનની એ કાલિમા પારખી ગઈ હતી અને બોલી હતી,” મધુર! શા વિચાર કરે છે?” હવે તમારા મનમાં ચાલી રહેલી ગડમથલ અને ગમગીની તમારા હોઠ વચ્ચેથી વહેવા લાગી. તમારા માટે જાત જાતના વિકલ્પો શેલીના દિમાગમાંથી વહેવા લાગ્યા. કોઈક અગમ્ય ઘડીએ તેને એક તુક્કો સૂઝ્યો,” ચાની મસ્ત હોટલ શરૂ કરીએ તો?” અને એ ઘડીએ ‘ચા-૩૪’નો જન્મ થયો.
……………….
એ દિવસથી શરૂ કરીને આ સાત વર્ષમાં મધુર અને શેલીની એ હોટલ ધમધોકાર ચાલતી થઈ ગઈ છે. અલબત્ત શરૂઆત એટલી સરળ નહોતી જ. ખર્ચ બચાવવા એ બન્ને જાતે જ ચા બનાવતા હતા. બીજે મળતી હતી તેવી, અતિશય દૂધ વાળી, રગડા જેવી ‘ભોપાલિયા’ ચા અથવા ‘ઈરાની’ ચાના ઘરાક ઓછા હતા. પણ મધુરના ડિજિટલ દિમાગમાંથી હવે જાત જાતની ચાના એલ્ગોરિધમ સર્જાવા લાગ્યા! ધીમે ધીમે દૂધનું પ્રમાણ ઓછું કરવાથી ખર્ચમાં તો બચત થઈ જ. પણ બન્નેના આશ્ચર્ય વચ્ચે ઘરાકી વધવા લાગી. ‘જરાક આદૂ નાંખજો ને?’ અથવા ‘ફૂદિનો રાખો છો?’ અથવા ‘ચાનો મસાલો ઉમેરતા હો તો?’ – જેવી ફરમાઈશો આવવા લાગી. આમ મધુર-શેલીની ચામાં સુગંધીઓ ઉમેરાવા લાગી. અલબત્ત ધૂમ્રપાન પર કડક પ્રતિબંધનું બોર્ડ તો હોટલમાં પેંસતાં જ દેખાય એમ રાખ્યું હતું! શેલી ચા પીરસવા આવતી હતી, તે ભોપાલ જેવા રૂઢિચૂસ્ત શહેર માટે નવાઈની વાત હતી, અને થોડીક વધારે આકર્ષક પણ!
ચાના પ્યાલા-રકાબી ધોવાની પળોજણમાંથી બચવા મધુરે માટીના દેશી કુલ્લડ વાપરવા શરૂ કર્યા. બીજે શરૂ થયેલી પ્લાસ્ટિકની પ્યાલીઓ કરતાં આ કુલ્લડ મોંઘા જરૂર હતા, પણ એમાંથી ચુસકી લેતાં ચાનો સ્વાદ, મજા અને રંગત સાવ અવનવા જ હતા. આશ્ચર્યજનક રીતે આ નોવેલ્ટીથી આકર્ષાઈને પણ ઘરાક વધવા માંડ્યા.
ધીમે ધીમે બાવીસ જાતની ફ્લેવર વાળી ચા પીરસાવી શરૂ થઈ ગઈ, અને ૨૦૧૬ સુધીમાં તો ૩૪ જાત સુધી એ લિસ્ટ લંબાઈ ગયું. સાથે હળવો નાસ્તો પીરસવાનું પણ ઘણા વખતથી શરૂ કર્યું હતું.
આવક વધતાં, હોટલને વધારે ને વધારે આકર્ષક બનાવવા પર બન્નેએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મિત્રો સાથે બે ઘડી હળવાશ અનુભવવા માંગતા ઘરાકો પર કર્ણપ્રિય સંગીતની સુરાવલીઓ અને મનને શાતા આપે તેવા આછા પ્રકાશના સંયોજનથી ધારી અસર મધુર અને શેલી ઊભી કરી શક્યા છે. ઉનાળામાં રોજના ૫૦ થી ૧૦૦ ગ્રાહકો અને શિયાળામાં તો ૨૦૦-૪૦૦ ગ્રાહકોને ‘ચા-૩૪’ ખેંચી લાવે છે. હવે તો મધુર અને શેલીના સ્ટાફમાં છ વ્યક્તિઓ પણ કામ કરતી થઈ ગઈ છે.

મધુરને એક ખબરપત્રીએ પુછી પણ નાંખેલું,” પરદેશથી આવીને હાઈ- ટેક્નોલોજીની જગ્યાએ તમે ‘ચા’ વાળા બનવાનું કેમ નક્કી કર્યું?” અને મધુરે એનો લાક્ષણિક રીતે જવાબ આપ્યો હતો, “તમે કેવી રીતે ચા આપો છો, અને કેવા વાતાવરણમાં સેવા આપો છો? – તે જોઈ ચા પીવા મિત્રો અને કુટુમ્બ કબીલા વાળા અહીં ભેગા થાય છે. અને તમે તેમના દિલમાં વસવા લાગો છો. મને આવકની સાથે આ સંતોષ બોનસમાં મળે છે.”
ચાલો! ‘ફેસબુક’ પર મધુરની મધુર ચા પીવા….
સંદર્ભ – (સાભાર – શ્રીમતિ તાન્યા સિંઘ, ‘Better India’ )
http://www.thebetterindia.com/73542/chai-34-tea-cafe-bhopal-madhur-malhotra-nri/http://www.indiatimes.com/news/india/here-is-the-story-of-another-chaiwala-who-left-a-job-paying-over-rs-30-lakh-in-australia-to-open-chai-34-in-bhopal-264148.html
Like this:
Like Loading...
Related
યોગઃ કાર્યેષુ કૌશલમ .
આવકની સાથે આ સંતોષ બોનસમાં મળે છે.”
કેટલો સુંદર અભિગમ !