સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

રસ્તાનો વીમો

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

     હુબળીના ટિમ્માસાગર બસવેશ્વર મંદિર તરફ જતા રોડના નાકે આવેલી પોતાની હોસ્પિટલમાં બેઠેલા ડો. મૃત્યૂંજય સિંધુરને એ રસ્તો નવો નક્કોર બની ગયેલો જોઈને હરખ હરખ થઈ ગયો. કેટલા વખતથી હુબળી-ધારવાડ મ્યુનિ. કોર્પોરેશનમાં  ૩૮૫ મીટર લાંબા આ રસ્તાને રિપેર કરવા તેમણે ધા નાંખી હતી? કેટકેટલા લોકોની સહીઓ ઉઘરાવી હતી? કેટકેટલા કોર્પોરેટરોને આ કામ માટે કાકલુદીઓ કરી હતી?

ms1

      આભાર મ્યુનિસિપલ કમિશ્નર શ્રી. મણિવન્નનનો, જેમણે મ્યુનિ. બોર્ડમાં રસ્તો રિપેર કરવાની યોજના મંજૂર કરાવી અને સાડા દસ લાખ રૂપિયાના ખર્ચે ઘણા વખતથી બિસ્માર પડેલો એ રસ્તો રિપેર થઈ ગયો.

       પણ ખાંખતિયા આ ડોક્ટરને બીજી ચિંતા ઊભી થઈ. ‘આખો દિવસ આ રસ્તા પર સતત ટ્રાફિક રહે છે. મંદિરના કારણે એક દિવસ પણ એવો જતો નથી કે, ખાસ કોઈ વાહન એની પરથી પસાર ન થતું હોય. બે ચાર વર્ષમાં તો ફરી  આ રસ્તો એવો ને એવો થઈ જશે, અને ફરીથી મણિવલ્લન સાહેબને વિનંતી કરવાની. અને એ આઈ.એ.એસ. ઓફિસરની બીજે ક્યાંક બદલી થઈ ગઈ, તો નવા સાહેબની દાઢીમાં હાથ નાંખવાનો. આનો કોઈ કાયમી ઉકેલ જ નહીં?’

    ડોક્ટર આમ વિચારી રહ્યા હતા, એટલામાં એમની નજર ટેબલ પર પડેલ હોસ્પિટલના વીમાના પ્રિમિયમની નોટિસ પર ગઈ. એમના ચકોર ચિત્તમાં એક ઝબકારો થયો. ‘આ રસ્તાનો વીમો લીધો હોય તો? જાતજાતનાં જોખમો સામે રક્ષણ આપવાનો તો વીમા કમ્પનીઓનો ધંધો હોય છે. આ રસ્તાનો વીમો પણ એ લોકો લે તો?’

     ડો. સિંધુરે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કમ્પનીને તરત ફોન જોડ્યો. થોડીક જ વારમાં તેમને ખબર પડી કે, આખા દેશમાં આવો કોઈ કિસ્સો હજુ સુધી નોંધાયો ન હતો. પણ જો રસ્તાના માલિક ગણાય એવા મ્યુનિ. કોર્પોરેશન પાસેથી ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ મેળવવામાં આવે, તો પોલિસીની વિગતો તૈયાર કરવાનું કામ વીમા કમ્પની હાથમાં જરૂર લેશે. એમને તો ધંધાની એક નવી તક મળવાની ને?

     ડોક્ટરની ગાડી બીજા જ દિવસે મણિવન્નન સાહેબની ઓફિસ તરફ ઊપડી. મણિવન્નન સાહેબ તો આ ભેજાંગેપ ડોક્ટરની જાહેર જનતાના હિત માટેની લાગણી પર ઓવારી ગયા. તેમણે બને તેટલી કોશિશ આ માટે કરવાની બાંહેધરી આપી.

     માર્ચ- ૨૦૦૭ અને ડો સિંધુરે એક બ્લોગ શરૂ કર્યો અને આવી વીમા પોલિસી લેવાના ફાયદા સમજાવતું અભિયાન શરૂ કર્યું. સ્થાનિક છાપાંએ પણ એમની ઝુંબેશ ઉપાડી લીધી. જાણીતા ડોક્ટર હોવાના સબબે એમના ઘરાકોએ પણ શુભનિષ્ઠાવાળા આ ડોકટરને મજબુત ટેકો આપ્યો. આખા શહેરમાં ‘રસ્તાના વીમા’ ની આ નવતર વાત ચર્ચાનો રસપ્રદ વિષય બની ગયો.

     અને જુઓ તો ખરા! – ઓગસ્ટ મહિનો શરૂ થવાની સાથે જ ભારતનો પહેલો રસ્તો બે લાખ રૂપિયા સુધીના ખર્ચ માટે માત્ર વાર્ષિક ૩૦૩ રૂપિયાના પ્રિમિયમ પેટે સુરક્ષિત બની ગયો. કહેવાની જરૂર છે કે, એ રકમ ડોક્ટરે ‘ગાંઠનાં ગોપિચંદન’ કરીને કાઢી હતી?

     ચંદનની જેમ એમની શુભ ભાવનાના સમાચાર માત્ર હુબળી શહેર જ નહીં પણ આખા કર્ણાટક રાજ્યમાં ફેલાઈ ગ્યા. લિમ્કા બુક ઓફ રેકોર્ડને આની જાણ થતાં આ અંગે ૨૦૦૮ માં એવોર્ડ પણ એમને આપી દીધો.

      બીજા જ વર્ષે આ વીમાની શરતો વધારે ઉદાર બની શકી અને ૬ લાખ રૂપિયા સુધીનું જોખમ લેવા વીમા કંપની તૈયાર થઈ ગઈ.  હવે તો ડોક્ટર સિંધુરને પણ રકમ ભરવી પડતી નથી. એ રસ્તા પર રહેતા લોકોએ આ બોજો સહિયારા ધોરણે ઊપાડી લીધો છે.

સાભાર – શ્રી. ધીમંત પારેખ, The Better India.

ડોક્ટર સિંધુરનો બ્લોગ  

મૂળ સ્રોત

http://www.thehindu.com/todays-paper/tp-national/tp-karnataka/article1312149.ece

Advertisements

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: