હા! તે અસીમ છે – પણ તેનું નામ છે સીમા! તે અને તેનો પતિ બાથંબાથી કરવામાં હુંશિયાર છે! પણ એ બાથંબાથી ઘરમાં થતી નથી – ખરાખરીના ખેલ ખેલાતા હોય તેવા, સીમા યુદ્ધમાં અને તે પણ દુશ્મન સાવ હાથવેંતમાં હોય ત્યારે થતી હોય છે !
મુંબાઈ જેવી વેપારી અને ચહલપહલથી ભરપૂર માયાનગરીમાં જન્મેલી સીમાએ જે જે સીમાડાઓ વટાવ્યા છે, એ જાણીને આપણી આંખ ચકિત થઈ આમ જ કહેશે ‘સીમાને કોઈ સીમા નથી!’
મુંબાઈના મધ્યમ વર્ગના કુટુમ્બમાં સીમાનો જન્મ થયો હતો. પ્રોફેસર રમાકાન્ત સીનેરીની એ દીકરી. આમ તો સ્વ. રમાકાન્ત ફિલસૂફીના પ્રોફેસર, પણ ગોવાના એ મૂળ રહેવાસી એમની જુવાનીમાં ગોવાના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાન્તિકારી રંગમાં પૂરેપૂરા ડૂબેલા હતા. એમણે એ કાળમાં જે દેશસેવા બજાવી હતી, એનું વર્ણન વાંચીએ તો, સીમાના જિન્સ કેવા છે, એ સમજાઈ જાય! સ્વતંત્રતા માટે દેશાભિમાન પ્રેરક લખાણો, પત્રિકાઓ છાપવાના ભૂગર્ભ પ્રેસથી માંડીને ઘોડેસ્વાર પોલિસ દળ સાથેની મૂઠભેડ, અત્યાચારો સહન કરવાની ક્ષમતા અને જેલવાસની એમના યુવાનીકાળની યશગાથાઓ છે. જાણે કે, વજ્રના જ ન બન્યા હોય એવા એ માનવીના જિન્સ સવાયા થઈને એની દીકરીમાં ન ઊતરે તો જ નવાઈ.
ગળથૂથીથી શરૂ કરીને મુંબાઈમાં મેડિકલ કોલેજમાં ભણવા સુધી વીરતા, દેશભક્તિ, સ્વમાન અને કર્મઠતાના પાઠ ભણવાનું સૌભાગ્ય સીમાને પ્રાપ્ત થયું હતું. અને… મેડિકલમાં ભણતાં ભણતાં એ દિપક રાવના પ્રેમમાં પડી ગઈ! સોળ વર્ષની એ કુંવારી કન્યા દિપકના કરાટે પ્રેમથી વધારે અંજાઈ ગઈ હતી! એની સાથે કરાટેની ટ્રેનિંગ લેતાં લેતાં જ, ડોક્ટર બનવાનાં એનાં સપનાંએ એક નવો જ વળાંક લઈ લીધો. યુવાનીનો એ પ્રેમ એને પ્રભુતામાં પગલાં પાડવાથી ઘણો આગળ ખેંચી ગયો! દિપકની સાથે એ પણ બ્લેક બેલ્ટ ધરાવતી થઈ ગઈ.
લગ્ન પછી પણ બન્નેએ માર્શલ આર્ટની તાલીમ ચાલુ રાખી. ડોક્ટરી ઉપાધિ તો બન્નેએ મેળવી લીધી, પણ એમનો તરવરાટ તો માર્શલ આર્ટમાં જ રહ્યો. સીમા એમ.બી.એ. થઈ ગઈ, અને દિપકે CLET Law Enforcement certification મેળવી લીધું. શરૂઆતની જિંદગીમાં ઘણા કપરા સંજોગોનો સામનો કરવા છતાં, બન્નેને સતત સપનું આવ્યા કરતું –
‘લશ્કરના જવાનોને માર્શલ આર્ટની તાલીમ મળે તો
તેઓ દેશનું રક્ષણ વધારે સારી રીતે કરી શકે,’
છેવટે ૧૯૯૬ની સાલમાં તેમણે સીમા સુરક્ષા દળ, નૌકાસેના અને રાષ્ટ્રીય સુરક્ષા દળના જવાનોને તાલીમ આપતા અધિકારીઓનો સમ્પર્ક સાધ્યો, અને પોતાની આવડતનું નિદર્શન કર્યું. પણ લશ્કરના નિયમો અનુસાર લશ્કરમાં એક સ્ત્રીની ભરતી આવા તાલીમના કામ માટે પણ ન થઈ શકે. હિમ્મત હાર્યા વિના સીમાએ કમાન્ડો યુનિટના જવાનોને વિના મૂલ્યે આ શિક્ષણ આપવાની જવાબદારી માથે લઈ લીધી. એ ઘડીથી સતત વીસ વર્ષ સીમા આ માનદ સેવા લશ્કરના કમાન્ડો સૈનિકોને આપતી રહી છે.
એના આ કામ અંગે એને બહુ જ મુશ્કેલ એવી સીમાડાઓની જગ્યાએ જવું પડતું, અને સૈનિકો અને તેમના ઉપરીઓની ઉપેક્ષાનો ભોગ પણ થવું પડતું. એક વખત તો આવા કામમાં તે બહુ દૂર હતી, ત્યારે બાળપણથી એની પ્રેરણામૂર્તિ એવા પ્રોફેસર રમાકાન્તનો દેહાંત થઈ ગયો. તે એમની મરણવિધિમાં પણ સામેલ ન થઈ શકી. આવી જ લગનથી પોતાના જીવન ધ્યેયને લક્ષ્યમાં રાખીને સીમાએ પોતાનું બાળક ન થવા દેવાનો નિર્ધાર કર્યો. પણ સાથે માની મમતા ઠાલવવા એક બાળકીને દત્તક લઈ લીધી.
પુરૂષ પ્રધાન સમાજમાં અને એનાથી ઘણા વધારે પુરૂષ પ્રધાન એવા લશ્કરી ક્ષેત્રમાં એક સ્ત્રી પાસેથી લડાયક તાલીમ લેવા માટે સૈનિકોની નારાજગી તો હોય જ ને? એ વિરોધ અને ઉપેક્ષાની ઉપરવટ જઈને તેણે તેમને શિસ્તના પાઠ ભણાવવા પડતા અને સાથે સાથે તેમનો વિશ્વાસ પણ સંપાદન કરવો પડતો. પણ આ હિમાલય તે સફળતાથી પાર કરી શકી છે.
પતિની સાથે રહીને સીમા લશ્કરના લગભગ બધા આગળ પડતા એકમોમાં આ તાલીમ આપી ચુકી છે. (NSG Black Cats, MARCOS, GARUD, Paracommandos, BSF, the Army Corps Battle Schools and its Commando Wing, officers of the National Police Academy, the Army Officers Training Academy and the Police Quick Response Teams) દેશના મહત્વના બધા શહેરોમાં સીમા આ કામ અંગે ઘૂમી ચુકી છે. લશ્કર તરફથી સીમાને આ સેવા માટે ચાર સર્ટિફિકેટ મળી ચુક્યા છે.
૨૦૦૯ની સાલમાં સીમાને પેરા ટ્રૂપર ટ્રેનિંગમાં જોડાવા આમંત્રણ મળ્યું હતું. ઊંચાઈએથી કૂદકો મારવાના એ મર્દાનગી ભર્યા કામમાં પણ આ ઓરતે કુશળતા મેળવી લીધી હતી! આ જ રીતે તેણે અગ્નિશમન અંગેની સઘન તાલીમ પણ લીધેલી છે, અને સ્કૂબા ડાઇવિંગમાં પણ માહેર છે.
સીમાની વિશેષતા છે – CQB ( Close combat battle ) નજીકથી લડાતું યુદ્ધ. આમાં શારીરિક ચપળતા, રાઈફલ શૂટિંગમાં બહુ ઓછા સમયમાં નિશાન તાકવાનું કૌશલ્ય, ખુલ્લા હાથની લડાઈ, ખંજર, બેયોનેટ વિ. નો ચપળતા ભર્યો ઉપયોગ, બહુ ઓછી જગ્યામાં પણ સ્વ બચાવ અને આક્ર્મણ કરવાની કુશળતા વિ. નો સમાવેશ થાય છે.
[ ૬ ફૂટ ઊંચા, ૮૫ કિલોગ્રામ વજન ધરાવતા, ૩૩ જ વર્ષની ઉમરના આનંદને ૫’- ૭” ઊંચાઈ વાળી, ૬૦ કિલોગ્રામ વજનવાળી અને ૪૭ વર્ષની ઉમરની, સીમા કેવો ચિત કરી દે છે , એ દર્શાવતો વિડિયો અહીં મુકવાનું ટેક્નિકલ રીતે શક્ય નથી. પણ સીમાના ફેસબુક એકાઉન્ટ માં ‘Never give up’ શિર્ષ હેઠળનો વિડિયો જોવા વાચકોને ખાસ ભલામણ છે. ]
સીમા પચાસ વાર દૂરથી એક માણસને સહેજ ઘસરકો પણ પાડ્યા વિના એના માથા પરના સફરજનને રિવોલ્વર વડે તાકી શકે છે. એ જ રીતે, બહુ જ ચપળતા અને ઝડપથી પોતાના માથા નજીકથી પસાર થઈ રહેલી બંદૂકની ગોળીથી તે બચી પણ શકે છે !
દિપક અને સીમાએ નજીકની લડાઈ માટેની પોતાની આગવી શૈલી ( Bison System) વિકસાવી છે. કમાન્ડો ટીમ માટે આવી જ બીજી પદ્ધતિ ‘રાવ સિસ્ટમ’ પણ તેમણે જાત અનુભવથી અને કોઠા સૂઝથી વિકસાવી છે.
રોજબરોજની જિંદગીમાં સ્ત્રીઓને બળાત્કાર અને જાતીય સતામણી સામે રક્ષણ આપે તેવી તાલીમ આપવામાં પણ સીમા માહેર છે. (DARE – Defense Against Rape and Eve teasing ) ‘હઠપાયી’ નામની ભારતની એકમાત્ર માર્શલ આર્ટની ફિલ્મ તેણે બનાવી છે; જેમાં બ્રુસ લીએ ૧૯૬૭ માં વિકસાવેલી ‘જીત કોન ડો’ નામની માર્શલ આર્ટનું નિદર્શન છે.
આ બધી તો લડાયક વાતો થઈ, પણ સીમા સારી લેખિકા પણ છે. તે કવિતાઓ પણ લખે છે અને વિવિધ વિષયો પર તેની આઠ ચોપડીઓ પણ પ્રસિદ્ધ થઈ ચૂકી છે. અને અલબત્ત ફેસબુક પર પણ હાજર હોય છે ! આપણને જાણીને ગૌરવ થાય તેવી બાબત છે – ૨૦૦૮ માં મલાયેશિયાના વડા પ્રધાને તેને વિશ્વશાંતિ માટેનો પુરસ્કાર એનાયત કર્યો હતો.
દિપક તો એના મનગમતી લશ્કરી કારકિર્દીમાં જોડાઈ ગયો અને Close quarter combat training for commandoes નો લશ્કરી શિક્ષક બની ગયો. પણ આ સ્થાન માટેનું લશ્કરી વેતન બે જણ માટે માંડ પૂરતું હતું. ઘણી વખત એમને ઘરખર્ચ કાઢવાનાં પણ સાંસાં પડતાં. પણ ૨૦૧૧ની સાલમાં દીપકને રાષ્ટ્રપતિનો એવોર્ડ પણ આ સેવા માટે આપવામાં આવ્યો હતો.
કહેવું પડે ! બેય હાથે સલામ સીમાને..સુરેશભાઈ તમારા આ કામનેય સલામ..