સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

શ્વઃકાર્ય

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

        આમ તો આનો સંસ્કૃતમાં અર્થ આવતીકાલનું કામ એવો થાય­­ છે, પણ અહીં એના પહેલા એકાક્ષરી શબ્દને થોડોક મચડ્યો છે! નીચેની સત્યકથા અને એની નાયિકાનો જુસ્સો વાંચીને સંસ્કૃત ભાષાના પ્રેમીઓ આ હરકતને દરગુજર કરશે, એવી અભિલાષા છે.

      ૨૦૧૬ની ક્રિસમસની રાતના નવ વાગે ધુમ્મસથી આચ્છાદિત, દક્ષિણ દિલ્હીના સફદરજંગ એન્ક્લેવમાં પાંચ વર્ષનો કાલુ સાન્તા ક્લોઝ આવવાની રાહ જોઈ રહ્યો હતો. તેને સરસ મઝાની વાનગી મળશે તેવી આશા હતી. એની સાથે એના મિત્રો રીકી અને ચીનુ પણ સામેલ હતા. કદાચ એમને આ ઠંડી ખાળવા છાતી પરના જેકેટ પણ મળી જાય, એવી સંભાવના હતી. થોડેક દૂર લગભગ એટલી જ ઉમરની ડેઈઝીને આશા હતી કે, સાન્તા આવશે, અને બપોરે પૂરપાટ હંકારાઈ રહેલી કારથી ઈજા પામેલા એના પગ પરના જખમ પર મલમપટા કરશે ! સાન્તાની આવી ‘ઈલમકી લકડી’થી કંઈક કેટલીય વાર આ બધા મિત્રો માહેર હતા.

    પણ આ બધા કાંઈ બાળકો ન હતા. અને  એ ‘સાન્તા’ પણ લાંબી દાઢી વાળો, લાલ કપડાં અને ટોપી પહેરેલો, જાડિયો દાદો ન હતો. એના ખભે મોટો થેલો પણ એ રાખતો ન હતો. થોડીક જ વારમાં જસજિત કૌર તેના સાથીઓ સાથે તેની ઓમ્ની વાનમાં આવી પહોંચી. આ હતો –  હતી એ સાન્તા ( કે શાન્તા? !)

mk1

      હવે ખ્યાલ આવ્યો ને કે કાળુ અને એના સાથીદારો કોણ હતા? નવી દિલ્હીના દક્ષિણ ભાગમાં આવેલા સફદરગંજ વિસ્તારની જસજિતકૌર પુરેવાલને કૂતરાં બહુ વ્હાલાં છે.

એને માટેકૂતરાઓની સેવા આવતીકાલનું(શ્વ) નહીં પણ આજનું કામ છે(અદ્ય)……શ્વ કાર્ય !

श्वः कार्यमध कुर्वितं – पूर्वाह्णेचा पराण्हिकं

(કાલનું કામ આજે કરવું જોઈએ, અને સાંજનું કામ સવારે )

   દર મહિને તેની આગેવાની નીચે Indigree Angels Trust, New Delhi  શેરીમાં રખડતા ૧૦,૦૦૦ કુતરાઓની સેવા કરે છે. જસજિતકૌરના પોતાના ઘરમાં આગળ ૬ થી ૭ અને બેક યાર્ડમાં પણ એટલા જ કૂતરાઓ હમ્મેશ હાજર હોય છે ! તાત્કલિક સારવાર જરૂરી હોય એવા તો આવે અને જાય ! કોઈ આવા જાળવેલા અને તાલીમ આપેલા કૂતરાઓને દત્તક લેવા તૈયાર થાય તો એટલી જગ્યા થોડીક વાર માટે ખાલી થાય. પણ તરત એ જગ્યા નવા આગંતુકોથી પૂરાઈ જ જાય ! બન્ને જગ્યાઓએ શણનાં તાપડાં, ઓઢવાના નાના રગ, ખાવાનું પીરસવા માટેના છાલકાં અને પાણીનાં તબડકાં આપણું ધ્યાન તરત ખેંચી લે. ઘરની અંદર તો વીસેક જેટલા કૂતરા ઘરના સભ્યની જેમ જ હમ્મેશ રહેતા હોય – આખું ઘર કૂતરાઓ માટેનું ‘રેન બસેરા’ !

      જસજિત સવારે ૬-૩૦ વાગે ઊઠી જાય છે, અને એના કુટુમ્બીજનોને (!) મોર્નિંગ વોક કરવા લઈ જાય છે. પાછી આવીને કૂતરાઓ માટે ભોજન બનાવવાના કામનું સુપર વિઝન કરે છે. અને માત્ર એના ઘરના અંતેવાસીઓ જ નહીં – રોજ ૩૦૦ કૂતરાઓ માટે ભોજન, મહિને ૧૦,૦૦૦ કૂતરાઓ માટે ! ૮ વાગે આજુબાજુની શેરીઓમાં વસતા કૂતરાઓને ભોજન પીરસવાનું કામ. દસ વાગ્યાથી પાંચની વચ્ચે જસજિત એના સાથીઓ સાથે પરેડમાં ઠેર ઠેર પહોંચી જાય છે અને જે કૂતરાઓને જરૂર હોય તેમને તાત્કાલિક સારવાર અને બધાંને ભોજન મળી જાય છે. એની સાથે પ્રાણીઓનો નિષ્ણાત અનુશેહ હુસેન મોટા ભાગે હોય જ. પૂજા, પ્રેમ અને નન્દુ પણ મોટા ભાગે તેની સાથે જ હોય. તાકાલિક ગંભીર સારવારની જરૂર હોય તેવા કૂતરાઓને પ્રાણીઓ માટેની ઈસ્પિતાલમાં પણ એની વાનમાં જ પહોંચાડી દેવામાં આવે છે.

         થોડાક જ વખત પહેલાંની વાત – દિવાળીના તહેવારોમાં આર.કે.પુરમ માં સીસાના ક્ષારનું ઝેર ચઢી ગયેલ કૂતરા વિશે જસજિતને બાતમી મળી. એને જાતજાતની દવાઓનાં ટીપાં, રોગ પ્રતિકાત્મક રસીઓ, એન્ટિ બાયોટિક દવાઓ, ઇન્જેક્શન વિ,થી સારવાર આપી અને રાતના એક વાગ્યા સુધી જસજિત અને એના સાથીઓ એની સારવારમાં ખડે પગે હાજર રહ્યા હતા. આવા તો ઘણા કિસ્સાઓ જસજિતની ડાયરીઓમાં નોંધાયેલા પડ્યા છે.

mk2

     જસજિત હળવા મિજાજમાં કહે છે,” ગયા જનમમાં હું કૂતરી જ હોઈશ. હું નાની હતી ત્યારથી રસ્તામાં જખમી થયેલ કૂતરા અને ગાયોને જોઈ રડી પડતી અને એમની સારવાર કરવા મારા બાપુજી પાસે આડાઈ કરતી! “

      જસજિતે Indigree  શરૂ કર્યાને આઠ વર્ષ વીતી ગયાં છે. રખડતા અને સારવારની જરૂરિયાત વાળા, રખડતા કૂતરાઓને રસી આપવાનું, એમને ખસી કરવાનું, ગંભીર કેસ વાળાઓને હોસ્પિટલ પહોંચાડવાનું , જમાડવાનું, જંતુમૂક્ત કરવાનું… આવાં ઘણાં કામ Indigree  ની એરણ પર પહેલેથી જ રહ્યાં છે. જો કે, જસજિતના વિસ્તારના લોકો પણ પ્રાણીપ્રેમથી ઊભરાય છે. એમણે જસજિતને કદી આર્થિક ખોટ પડવા દીધી નથી. ઘણા કૂતરાઓને દત્તક લેવા પણ લોકો તૈયાર થવા લાગ્યા છે. Indigree  કૂતરાંઓને દત્તક લેનાર કુટુંબોને માર્ગદર્શન આપે છે અને  એક વર્ષ સુધી મફત રસી આપવાની વિ. મદદ કરે છે.

      જો કે, આ સેવાયજ્ઞની શરૂઆત કરી, ત્યારે તેને ઘણી વિટંબણાઓ પડી હતી. ખાસ કરીને તેના પાડોશીઓને કૂતરાંઓની આ બબાલ સહેજે પસંદ પડી ન હતી. તેમણે પોલિસમાં ફરિયાદો, કારના કાચ ભાંગવા અને કૂતરાંઓને લાકડીઓના માર મારવા સુધી આ વિરોધ પ્રગટ કર્યો હતો. પણ આ બધાંથી ડગ્યા વિના જસજિતે તેનું કામ ચાલુ રાખ્યું હતું. સરકારી સંસ્થામાં સભ્ય હોવાના કારણે તેને પોલિસની મદદ પણ મળી રહેતી હતી. ધીમે ધીમે લોકો તેના આ ઉમદા કામને દાદ અને સહકાર આપતા થયા અને દાનનો પ્રવાહ આવતો શરૂ થઈ ગયો. કૂતરાઓને દત્તક લેવાની રસમ પણ ચાલુ થવા લાગી. છેક શરૂઆતથી બાળકોએ જસજિતને સરસ સહકાર આપ્યો છે. તેની પાસે વાન કે એમ્બ્યુલન્સ ન હતાં, ત્યારે સ્લમનાં છોકરાંઓ પાટો બાંધતી વખતે કે, રસી કે ઇન્જેક્શન આપતી વખતે કૂતરાંઓને પકડી રાખતાં.

       હવે તો Indigree ના ‘Treat on the street.’ પ્રોજેક્ટ માટે સરસ મજાની એમ્બ્યુલન્સ પણ છે. આ પ્રોજેક્ટના અન્વયે મહિને ૭૦૦ રખડતા કૂતરાઓને સારવાર આપી શકાય છે. આ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર માટે જરૂરી બધી સવલતો છે. આને કારણે જસજિતના ઘર જેવાં ‘રેન બસેરા’માં  ગીરદી ઓછી કરી શકાઈ છે. આ એમ્બ્યુલન્સમાં મરડો, ચામડી પર ભીંગડાં વળી જવાની બિમારી ( Mange), હડકવા, આંખમાં ચેપ, ગૂમડાં, જૂ અને એવાં જીવડાંનો ત્રાસ વિ. કૂતરાંઓને થતી બિમારીઓના ઈલાજ કરવામાં આવે છે.    Indigree  હેઠળ આ કામ માટે ૧૫ સ્વયંસેવકોને તૈયાર કરતી બે દિવસની વર્ક શોપો પણ જસજિતે યોજી છે.

mk3

      જસજિત માત્ર દક્ષિણ દિલ્હીમાં જ કાર્યરત છે – એવું નથી. ૨૦૧૧ થી ૨૦૧૫ દરમિયાન તે ભારત સરકારના Animal Welfare Board  માં સભ્ય તરીકે તેણે સેવાઓ આપી છે. તે ગાળા દરમિયાન શ્રીનગરમાં પહેલી જ વખત કૂતરાઓને ખસી કરવા માટેની સંસ્થા સ્થપાઈ હતી. એ ગાળાના અનુભવોના કારણે જસજિતને પ્રાણીઓના કલ્યાણ માટેની કાયદાકીય જોગવાઈઓ અને સરકારી નીતિ વિશે ઘણું જાણવા મળ્યું હતું.

     છેલ્લા બે વર્ષમાં ૬૦૦ કૂતરાઓને ખસી કરાયા છે, અને  ૫૦૦ કૂતરાઓને હડકવા, ફ્લુ વિ.રોગ વિરોધી રસીઓ અપાઈ છે. મહિને એક લાખ રૂપિયા જેટલો ખર્ચ માંગી લેતી આ ઝુંબેશ કોઈ જાતની સરકારી , અર્ધ સરકારી કે ખાનગી સંસ્થાની મદદ વિના ચાલી રહી છે. જ્યારે જ્યારે સફદરજંગ, ગ્રીમ પાર્ક, કે આર.કે.પુરમમાંથી ની વાન પસાર થાય ત્યારે શ્વાન મિત્રો તેમનો પ્રેમ અને કદરદાની વ્યકત કરવામાંથી પાછા નથી વળતા. જોઈ લો… આ ખુશ ખુશાલ શ્વાન સેના …

mk4

      અને… આ છે ‘બીબી’ જ્યારે જસજિતે તેનો ઉદ્ધાર કર્યો ત્યારે તે મરવાના વાંકે, અનેક રોગો અને તકલિફોમાં સડી રહી હતી. અત્યારે તેણે જસજિતના ઘરની રખેવાળીનો ચાર્જ સંભાળી લીધો છે.

mk5

mk6

ઇન્ડીગ્રીની વેબ સાઈટ પર જવા અહીં ક્લિક ક્રરો.

સાભાર – ઇસ્પિતા સરકાર, બેટર ઇન્ડિયા.

મૂળ લેખ સંદર્ભ – http://www.thebetterindia.com/82074/indigree-angels-trust-street-dogs-animal-welfare-delhi/

 

Advertisements

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: