હા! હું મસ્તનમ્મા, યુ-ટ્યુબ પર લાખો લોકો મારી ઉપર ફિદા છે! મારી ઉમર જાણીને તમને નવાઈ લાગશે – માત્ર ૧૦૬ વર્ષ ! પણ બોલીવુડની પોટ્ટીઓ હારે હું હરિફાઈમાં છું હોં! પણ મારી શાખ લટકા મટકાથી નહીં પણ મારી વાનગીઓથી છે.
આ એક જ વિડિયો જુઓ – ૯,૬૪, ૦૦૦ થી વધારે લોકોએ એ જોયો છે . અને મેર મુઈ! કોમેન્ટો પણ કાંઈ કમ નથી – માત્ર ૬૫૧ !
મારી ઘણી બધી વાનગીઓ નોન -વેજ હોય છે – એ જાણીને નાકનું ટિચકું ના ચઢાવી દેતા. શાકાહારી વાનગીઓ પણ હું મસ્ત બનાવું છું. લો! પાકા પપૈયાનો હલવો કદી ચાખ્યો છે? મારું બનાવેલું કાચા કેળાનું કે, સરગવાનું શાક તો ખાઈ જુઓ!
મારી જિંદગીની દાસ્તાન બહુ લાંબી છે. ૧૦૬ વરહના આયખામાં કેટકેટલા રંગ મેં જોયા?
સાવ નાની હતી ત્યારે તો મારું નામ મરતમ્મા હતું પણ અમારા ગુન્ટૂર જિલ્લાના કોવલ્લી ગામના એક મુસલમાન કુટુમ્બને દીકરી જોઈતી હતી એટલે મારાં ગરીબ માબાપે મને એમને દત્તક તરીકે આપી દીધી, અને એ મને મસ્તનમ્મા નામથી બોલાવવા લાગ્યા. પણ એ ઉમરથી જ હું બહુ જ સ્વમાની, એટલે સહેજ વાંકું પડ્યું , અને મેં એમનું ઘર છોડી દીધું. ડાંગરના ખેતરોમાં મજુરી કરતાં કરતાં અગિયાર જ વર્ષની ઉમરે હું ભુશણમની નજરે હું વ્હાલી થઈ ગઈ , અને એની હારે કૃષ્ણા જિલ્લાના ગુડીવાડામાં ઘર માંડી બેઠી.
એની સાથે અગિયાર જ વર્ષનું જીવન અને હું વિધવા બની ગઈ. કોલેરાની બિમારીમાં મારા ધણીએ મારો સાથ છોડ્યો ત્યારે મેં એમને માંડ માંડ કહેલું કે, ‘તમારા વિના હું એકલી શી રીતે જીવી શકીશ?’
પણ એમને મારી ચાલાકી અને હિમ્મત પર બહુ વિશ્વાસ હતો. એમણે મારો હાથ ઝાલીને કહેલું કે, ‘આ હાથમાં બહુ જ તાકાત છે. “ ચાર દીકરા અને એક દીકરી -એમ પાંચ પાંચ નાનાં બાળકોને મોટા કરવાની મારી ફરજ નજરમાં રાખીને હું એ આઘાત જીરવી ગઈ. બીજાં થોડાંક વર્ષ અને ગુડીવાડામાં ફાટી નીકળેલી કોલેરાની જીવલેણ બિમારીમાં મારાં ચાર ગરગુડિયાં ભગવાનનાં પ્યારાં થઈ ગયાં. ખાલી મોટો દીકરો ડેવિડ જ બાકી રહ્યો, પણ એ પણ એ દૈત્યના કોપથી આંધળો બની ગયો. એના કુટુમ્બ સાથે એ મારી નજીક જ રહે છે, પણ હું એવી અક્કડ કે મારી ઝુંપડીમાં જ આખું આયખું વીતાવી દીધું. પણ એમને મદદ કરવાની મારી ફરજમાંથી હું ચુકી નથી હોં! ડાંગરના ખેતરોમાં મજુરી કરતાં કરતાં મને મળતી મહિને ૨૦૦ / ૩૦૦ રૂપિયાની આવકમાંથી એમને પણ અવારનવાર ટેકો આપ્યા કર્યો છે.
આ મારા પૌત્રના દીકરા કાર લક્ષ્મણ અને એના દોસ્ત શ્રીનાથ રેડ્ડી ની કમાલ કે, એમણે મારી રસોઈકળાનો વિડિયો પાડ્યો અને આ નવા જમાનાની સિનેમા પર મને ચઢાવી દીધી. કેવું વિચિત્ર એ સિનેમાનું નામ? – ‘યુ ટ્યુબ’. અમારા જમાનામાં તો હાથથી ચાલતા સિનેમા હતા! એમાં મેં ય એક પૈસો આપીને મુંબાઈની શેઠાણી જોયેલી! પણ આ નવા જમાનાની કરામત – તે મારી ફિલ્લમ આખી દુનિયા દેખે – અને તે ય સાવ મફતમાં, એક કાણિયો પૈસો ય આપ્યા વિના !
બન્ને જણાએ હૈદ્રાબાદથી એક નવી ચેનલ શરૂ કરી હતી. વાંઢા લોકો પોતાની રસોઈ જાતે શી રીતે બનાવી શકે, તે સમજાવવા એ ચેનલ તેમણે શરૂ કરેલી. એમણે ૪૦ ફિલમો બનાવી કાઢી , પણ ખાસ કોઈ એ જોતું ન હતું. એક દિવસ કાર અને એનો દોસ્ત ગામડાના લોકો કેવી અને કેવી રીતે રસોઈ બનાવે છે – તે જોવા ગુડીવાડા આવ્યા હતા. કારના ઘેર પીરસતાં પીરસતાં કારની મા એમની વાતો સાંભળતી હતી. તેણે કહ્યું,” આપણા દાદીમાને રસોઈ બનાવતાં જુઓ – એમની રસોઈ ખાઈને તમે આંગળીઓ કરડવા લાગશો. ‘
અને બીજા દાડે રિંગણનું શાક બનાવતાં મારી પહેલી ફિલ્લમ ઊતરી! મને તો એમ કે ઈવડા ઈ મારા ફોટા પાડે છે! પણ એ ફિલ્લમ છાપે ચઢી અને જોત જોતામાં હજારો લોકોએ એ જોઈ નાંખી. આમ આ મુઈ હું ફિલમની હિરોઈન બની ગઈ! અને એ બે દોસ્તાર પણ જગજાહેર બની ગયા.
એ ફિલમોમાં મારી બધી રસોઈ ડાંગરના ખેતરમાં અને ત્રણ ઈંટ રાખીને બનાવેલા ચૂલા ઉપર હું બનાવું છું. ઘણી ફિલ્લમોમાં મારી પૌત્રી રાજશ્રી, મારી સૂચના પ્રમાણે વાનગી બનાવતી હોય છે. મારી ફિલમોમાં રસોઈ બનાવતાં બનાવતાં એના મસાલા જેવા જ ચટાકેદાર મારા અનુભવો અને મારી વાતો પણ લોકોને એટલાં જ ગમે છે.
અને મેર મુઈ .. મેં તો મારી જ વાતો કર્યા કરી. પણ મારી ફિલમો જોનારા ઘણા બધાએ મને સાડીઓ, બંગડીઓ, બુટ્ટીઓ જેવી ચીજો ઢગલાબંધ મોકલી છે – એની વાત ન કરું તો હું નગુણી જ ગણાઉં. આ ૧૦મી એપ્રિલે મારા જનમદિવસે બધાંએ ભેગાં થઈને ૩૦,૦૦૦ ₹ મને મોકલી આપ્યા. પણ મારે એ બધી માયા ભેગી કરીને આ ઉમરે શું કરવાનું? મેં તો અમારા ગામની વસ્તીને જમાડવામાં એ મતા વાપરી દીધી.
………………………….
બીબીસી અને અલ જઝીરાએ મસ્તનમ્માના સમાચાર ફેલાવ્યા બાદ તો મસ્તનમ્માની લોકચાહના ઘણી વધી ગઈ છે. હવે તો ગુડીવાડાનાં બાળકો પણ પોતાના ગામને ‘મસ્તનમ્મા ના ગામ’ તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવે છે.
‘મસ્તનમ્મા એ ખરેખર મસ્ત સ્વભાવનાં મા કહેવાય.
મૃત્યુ પણ એમની નજીક આવતાં બે ઘડી વિચાર કરે એવી જીવવાની કળાનાં જાણકાર આ ડોશીમા સૌને માટે એક પ્ર્રેરણા રૂપ છે.
‘મસ્તનમ્મા એ ખરેખર મસ્ત સ્વભાવનાં મા કહેવાય.
મૃત્યુ પણ એમની નજીક આવતાં બે ઘડી વિચાર કરે એવી જીવવાની કળાનાં જાણકાર આ ડોશીમા સૌને માટે એક પ્ર્રેરણા રૂપ છે.