સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગરમાળાનો જન્મ

આજથી એક લાખ વર્ષ પહેલાં…..

  પર્વતની તળેટીમાં, ધરતીના પેટાળમાં સોનું સોડ વાળીને સૂતું હતું. તાકાત વાળી મહાકાય  નદીએ લાખો વર્ષ વહી વહીને એને જમીનની સપાટીની ઘણી નજીક લાવી દીધું હતું. હવે એને પાતાળની ગરમી ખાસ સહન કરવી પડતી ન હતી. નદીનાં ઠંડા જળથી હવે તેના અંગે અંગમાં શીતળતા પણ વ્યાપી હતી.

     એક દિ’ એના સુષુપ્ત આત્માને કોઈએ ઢંઢોળી જગાડ્યો. જમીન પર લહેરાતા સાવ નાનકડા વૃક્ષના મૂળના છેડાએ એને ગલીપચી કરી! સોનાને હસવું આવી ગયું.

   મૂળાંકુરે કહ્યું,” ચાલ! મારી જોડે જોડાઈ જા. તને હવાની લહેર બતાવું. ઝળહળતો સૂરજ દેખાડું .”

   સોનું ,” એ તે વળી શી બલા? અહીં નિબીડ અંધકારમાં પોઢવાની મજા જ મજા છે.“

  મૂળાંકુર ,” એક વાર બહારની સફર કરી તો જો. એ મજા પણ માણી જો ને.”

   સોનું ધીમે ધીમે મૂળાંકુરના રસમાં ઓગળવા લાગ્યું. છેવટે એ વૃક્ષની ટોચ પર આવેલી નાનકડી ડાળીની અંદર સળવળવા લાગ્યું. પણ હજી એને સૂરજદાદા દેખાતા નહોતા. એણે ડાળી વીંધીને ચપટીક બહાર ડોકિયું કર્યું .

     અને અહોહો ! બહાર તો સૂરજદાદા તપી રહ્યા હતા. વૃક્ષની ટોચ પરથી આજુબાજુની લીલી છમ્મ ધરતી પણ સ્વર્ગ સમાન લાગતી હતી.  દૂર ઊંચે પર્વતનું શિખર એની મહાનતામાં આકાશને આંબી રહ્યું હતું.  ટપ્પાક દઈને સોનાં બહેન તો એ અંકુરમાંથી પીળી ચટ્ટાક પાંદડીઓ બનીને લહેરાવાં લાગ્યાં.

ગરમાળાના એ વૃક્ષને

સોનેરી બાલિકા જન્મી ચૂકી હતી.   

One response to “ગરમાળાનો જન્મ

 1. pragnaju મે 25, 2020 પર 9:55 એ એમ (am)

  વાહ
  ગરમાળા અંગે નવું જાણવા મળ્યુ !
  યાદ આવે કાવ્ય

  ભર ઉનાળે
  બળબળતી બપોરે
  ખુલ્લી છાતીએ ઊભેલા ઝાડ સાથે
  સૂરજ
  પૂરજોશમાં બાખડ્યો
  ને
  અંતે
  ફૂરચેફૂરચા
  થઈ
  ફાટી પડ્યો…

  *

  પીળો જ વરસાદ વરસાવે છે
  બંને જણ છતાં પણ –
  – જુએ છે રસ્તો,
  એના માથા પર ઊગેલા
  સૂરજ અને ગરમાળાને !

  *
  મૂંગીમંતર વાવે
  જ્યાં
  પગમાં
  ગરમાળાના ઝાંઝર પહેર્યાં,
  નવું જ સંગીત રેલાયું….

  *

  પીળોછમ્મ ગરમાળો
  જોવાનું કોને ન ગમે?
  સૂરજનો વાંક કાઢો મા…
  એય બિચારો એટલે જ તપે છે !

  *

  ચાતક જેમ ચોમાસુ પીએ
  એમ જ
  ગરમાળો તડકાને…

  *

  બેદરકાર પાલવ
  ને
  બેશરમ યૌવન
  ખિખિયાટા કરતું વાતાવરણ ભરી દે
  તોય
  ઘરાક સામે
  બેફિકર જીભ કચડતી
  ખુલ્લા હોઠે ઊભી રહેતી વેશ્યાની જેમ જ
  ભરઉનાળે
  ભરબપ્પોરે
  ભરબજારે
  ફાટી પડ્યો છે આ ગરમાળો!
  ફાટીમૂઓ ક્યાંનો !

  *

  ઘેર ઘેર
  ઊગી નીકળેલ
  ટાઢાબોળ સૂરજથી
  રોમ રોમ દાઝીને
  બીજી તો શી દાઝ કાઢે
  બિચારો
  ગરમાળો? –
  “ઘરમાં ‘રો !”

  – વિવેક મનહર ટેલર
  અમારા ડોશી વૈદામા આ વૃક્ષ જોતાં જ ઠંડકનો અહેસાસ કરાવવાની સાથે બળબળતાં દિવસોમાં ત્વચા પર થતી ફોડલીઓ અને અળાઇઓ તેમજ યલો પિત્તનાં પ્રકોપથી થતાં ગેસ અને
  અપચાને મટાડે છે.
  યાદ
  કાચનદીને પેલે કાંઠે કોઈ આપણી રાહ જુએ છે,
  ચલ આંખમાં ભીનાશ, છાતીમાં ગરમાળા લઈને,
  છાતીમાં ગરમાળા લઈને,છાતીમાં ગરમાળા લઈને,

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: