સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

લક્ષ્મણરેખા

કપડાંના એક રુઆબદાર સ્ટોરના પ્રવેશદ્વારને અડીને મુકેલા બાંકડા પર હું બેઠો છું. મારાથી સહેજ દૂર રસ્તો છે; અને તેની સામેની બાજુ પાર્કિંગ લોટ છે.  બેની વચ્ચે રસ્તા પર સફેદ રંગના, ત્રાંસા પાટા ચિતરેલા છે. એની ઉપર પગપાળા ચાલનાર જણ બિન રોકટોક, બિન્ધાસ્ત ચાલી શકે છે. રસ્તાની બન્ને બાજુની પાળીઓ લાલ રંગથી રંગાયેલી છે. ત્યાં કોઈને પાર્કિંગ કરવાની છૂટ નથી. ત્યાં માત્ર સામાજિક  સુરક્ષા માટેના વાહનો જ પાર્ક કરવાની છૂટ છે; જેવાંકે, લાયબંબો, પોલિસકાર કે એમ્બ્યુલન્સ વાન.

પાર્કિંન્ગ લોટમાં થોડા થોડા અંતરે સફેદ રંગના પાટા ચિતરેલા છે.  વાહનો સુગઠિત રીતે પાર્ક કરવામાં આવે તે માટેનું એમાં આયોજન છે. કોઈક આવા સ્લોટ પર હેન્ડીકેપ  માટેનું ચિહ્ન આલેખેલું છે. એ જગ્યા થોડીક પહોળી છે – અપંગ વાહનચાલકોની સવલત માટે. એમને ગાડી પાર્ક કરી, બહાર નીકળતાં  સુવિધા  રહે, તેવા શુભ હેતુથી એ નિર્માયેલા છે.

બહાર દૂર મુખ્ય રસ્તા પર જાતજાતના સફેદ કે પીળા; આખી, તૂટક, કે બેવડી લીટીઓવાળા પાટાઓ ચિતરેલા જોવા મળે છે. રસ્તા પરનો ટ્રાફિક શિસ્તબધ્ધ રીતે દોડતો રહે; એ માટે એ પાટાઓ માટેના નિયમો નક્કી કરેલા છે.

બધી લક્ષ્મણરેખાઓ..

જાતજાતની અને ભાતભાતની, આધુનિક લક્ષ્મણરેખાઓ. દરેક માટેના નિયમો અલગ અલગ. પણ એ રાખવા પાછળ સંરક્ષણની, શિસ્તની, કુશળ સંચાલનની ભાવના  સામાન્ય. એમની મર્યાદા જાળવવી પડે. એનું ઉલ્લંઘન થાય તો ભયજનક પરિસ્થિતિ ઊભી થઈ શકે. જાનહાનિ થઈ શકે. માલ મિલ્કતને નુકશાન થઈ  શકે.

અમુક લક્ષ્મણરેખાઓ ભૌતિક રીતે દોરેલી  નથી હોતી. એમને માટેની  સભાનતા વૈચારિક રીતે કેળવવી પડે છે. તે વધારે પુખ્ત, માનસિક શિસ્ત માંગી લેતી હોય છે.

જમાનાજૂની લક્ષ્મણ રેખાઓ. રામચન્દ્રજીના જમાનાથી ચાલી આવતી સુરક્ષા માટેની પ્રણાણિકાઓ. લક્ષ્મણરેખાનો અનાદર, ઉલ્લંઘન … અને ઝળુમ્બી રહેલા ભયને ત્રાટકવા માટે આમંત્રણ.

એ તો સાચું પણ..

જે ….સાહસિક છે,
સાગરખેડુ છે,
દુર્ગમ પ્રદેશોનો પ્રવાસી છે;
જે વૈજ્ઞાનિક, સંશોધક કે સત્યશોધક છે;
જે નવી કેડી પાડનાર છે;
જે યુગપરિવર્તક છે…

તેને આ લક્ષ્મણરેખાઓ નડતી નથી- એ તો એને માટે એક પડકાર છે.તે પોતાની લક્ષ્મણરેખાઓ નક્કી કરવા અને તેનો આદર કરવા પોતે જ સક્ષમ છે.

One response to “લક્ષ્મણરેખા

  1. pragnaju સપ્ટેમ્બર 29, 2020 પર 11:03 એ એમ (am)

    રામાયણની પાછળની આવૃત્તિઓમાં લક્ષ્મણ દ્વારા દોરવામાં આવેલી રેખા છે, જે રામની પત્નિ સીતાને દંડકારણ્ય (હવે નાસિક, મહારાષ્ટ્ર) માં સુરક્ષિત રાખવાના હેતુથી દોરવામાં આવી હતી. શ્રી રામ ચરિત માનસમાં આ અરણ્યકાંડમાં આ રેખા કે ઘટનાનો ઉલ્લેખ નથી. મૂળ વાલ્કિી રામાયણમાં પણ આ રેખાનો ઉલ્લેખ અરણ્ય કાંડમાં નથી, પરંતુ શ્રી રામ ચરિત માનસના લંકા કાંડમાં મંદોદરી રાવણની તાકાતના ઘંમડ પર વાર કરતા કહે છે કે તે લક્ષ્મણે દોરેલી નાની રેખાને પણ પાર નહોતો કરી શક્યો.વાર્તા પ્રમાણે, રામ સોનેરી હરણ (જે ખરેખર છે મારીચ રાક્ષસ હતો) ની પાછળ જાય છે અને ઘણા સમય સુધી પાછા નથી આવતા. ચિંતિત થયેલી સીતા રામના નાના ભાઇ લક્ષ્મણને તેમની પાછળ જવાનું કહે છે. લક્ષ્મણ સીતાનું રુદન જોઇ શકતા નથી અને જવા તૈયાર થાય છે પરંતુ સીતાને તે પોતે ઝૂંપડીની બહાર દોરેલી રક્ષણાત્મક રેખા ઓળંગવાની મનાઇ કરે છે. લક્ષ્મણ જેવા જ રામની શોધમાં જાય છે ત્યારે ભિક્ષુકના રૂપમાં રાવણ ત્યાં આવે છે અને ભિક્ષા માંગે છે. રાવણ સીતાને ભિક્ષા માટે બહાર આવવા કહે છે અને સીતા લક્ષ્મણ રેખાની બહાર આવતા જ રાવણ સીતાનું અપહરણ કરીને પુષ્પક વિમાનમાં લઇ જાય છે.આધુનિક નારીને સ્વતંત્રતાને નામે સ્વચ્છંદતાના રસ્તે જતી રોકવામાં લાલબત્તી સમાન વાર્તા ‘શિવજીની જટા’માં સંસારે સરજેલા, પુરુષોએ ગોઠવેલા કાવતરાનો ભોગ બની દુઃખદર્દની ગર્તામાં ધકેલાતી નારીના વરવા પણ વાસ્તવિક રૂપને રજૂ કર્યું છે. નવા જમાનાની હવાએ બેફામ બનાવેલી સુરેખા કુટુંબની લક્ષ્મણરેખા ત્યજીને જગતઆંગણે પહોંચે છે ત્યારે ત્યાં એનો પરિચય થાય છે એના રૂપના ભૂખ્યા ગીધડાંઓ સાથેને છેવટે હારી થાકીને કુટુંબની પાંખોમાં સમાવા પાછી ફરેલી આ યુવતીને સમાજમાં સર્વત્ર બને છે એમ કુટુંબ ધિક્કારતું નથી પણ શિવજીની જટામાં ગંગા પાછી સમાય એમ પોતાનામાં સમાવી લે છે. વાર્તાનો આ અંત પ્રગતિવાદી માનસના વાર્તાકારનો પરિચય કરાવી સમાજને ઊજળા આશાવાદ તરફ દોરવાની પ્રેરણા આપે છે. સ્વછંદતા એ સંસ્કારિતા નથી, સાચી સ્વતંત્રતા તો સહન કરવામાં છે એ માનતા લેખકનો સ્વછંદતા સામેનો પ્રકોપ આવી નવી ઉપમાથી વર્ણવાય છે : ‘આ તમારી ફૂટેલી કાચની શીશી જેવી સ્વતંત્રતા’ 
    લક્ષ્મણ રેખા, આધુનિક ભારતીય સમાજમાં કડક મર્યાદા અથવા એવા નિયમ માટે વપરાય છે, જેને ક્યારેય તોડી શકાતો નથી. ઘણી વખત તે નૈતિક મર્યાદા માટે પણ વપરાય છે જેને તોડતા તે અનિચ્છનીય પરિણામો લાવી શકે છે. ઉદાહરણ તરીકે:બંધારણ ન્યાય અને સરકારના કાર્યો માટે સ્પષ્ટ છે, આ બંનેએ તેમની લક્ષ્મણરેખા ઓળંગવી ન જોઇએ — લોક સભાના અધ્યક્ષ સોમનાથ ચેટર્જી

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: