આટલા મોટા તળાવમાં કયા કિનારે ઊતરવું? પણ ભોમિયો હોંશિયાર હતો. તેણે કહ્યું – ” જો કોઈ મોટી જગ્યા હશે તો તેના લોકોએ તળાવમાંથી પાણી ત્યાં સુધી લઈ જવાની નીક કે નહેર બનાવી હશે.” મુહોતને આ વાત ઠીક લાગી. આથી તળાવની ઉત્તર દિશાના છેડે પહોંચી, આવી કોઈ નહેરની તપાસ શરુ કરી. ભાગ્યવશાત્ આવી એક સાંકડી નહેર મળી આવી પણ ખરી. તેમાં બન્ને કનો હંકારી. માંડ એક કનો જાય તેટલી જ પહોળાઈ હતી. કો’ક ઠેકાણે તો તે કચરાથી પૂરાઈ ગયેલી પણ હતી. ત્યાં તો ચાલીને કનો ખેંચવી પણ પડી. ઘણે ઠેકાણે બે ય કાંઠાં પરનાં ઝાંખરાં ભેગાં થઈ ગયા હતાં. તે કાપવા પણ પડ્યાં.
થોડેક આગળ ગયા અને નહેર તો પૂરી થઈ ગઈ. ત્યાંથી જ પત્થરથી લાદેલો દસેક ફૂટ પહોળો રસ્તો શરુ થતો હતો. ચારે જણ ઉત્સાહમાં નાચી ઉઠ્યા. પણ એ આનંદ ક્ષણજીવી જ નિવડ્યો. રસ્તાની બન્ને બાજુથી દુર્ગમ ઝાડીઓ કેલાઈ ગયેલી હતી.એ ઝાડીઓ કાપતાં કાપતાં ચારેક કલાક પછી સાંજના સમયે તે લોકો એક મોટા દરવાજાની સામે આવી પહોંચ્યા.
મુસાફરી શરુ કર્યે એક મહિનો થઈ ગયો હતો. પણ આ શોધે તેમનામાં નવી આશાનો સંચાર કર્યો. દરવાજાની બન્ને બાજુ એક ખાસી મોટી માનવસર્જિત ખાઈ હતી. ૨૦૦ વાર પહોળી તે ખાઈ બન્ને તરફ એક માઈલ સુધી વિસ્તરેલી હતી. પણ તેમને તો દરવાજાની અંદર શું છે? – તે જોવામાં વધારે રસ હતો. ખાઈ ઓળંગીને બધા આગળ વધ્યા, હવે રસ્તો વધારે વ્યવસ્થિત હતો, થોડે આગળ જતાં એક અદ્ભુત દ્રશ્ય નજરે પડ્યું. ત્રણ ઊંચા શિખરો વાળા અને અત્યંત ઊંચી દિવાલોથી ઘેરાયેલા એક ભવ્ય મંદિરની સામે તેઓ આવી પહોંચ્યા હતા. બહારની દિવાલો પર જાતજાતના શિલ્પ કોતરેલા હતા. દિવાલ પર થોડે ઉપર નૃત્યાંગનાઓનાં સુમધુર શિલ્પો દેખાતાં હતા. મંદિરનો દરવાજો ઓળંગી તેઓ અંદર પેઠા.
જગતના સૌથી મોટા મંદિરમાં પાંચસો વર્ષ પછી કોઈ માનવે પગ મૂક્યો હતો. આ અંગકોરવાટનુંમહાનમંદિર હતું. બધા ઉત્સાહમાં નાચી ઊઠ્યા. એક મહિનાની મહેનત અને મુશ્કેલીઓ સફળ નિવડી હતી. કમ્બોડિયાના ‘ તોન્લે સેપ ‘ તળાવની નજીક આવેલા આ મહાન મંદિરને ભૂતકાળની કરાળ કંદરામાંથી તેમણે બહાર આણ્યું હતું.
અર્વાચીન યુગની સાત અજાયબીઓમાંની એક અને ભારતના ભવ્ય ભુતકાળને ઉજાગર કરતા, આ મંદિર બાંધવાની શરૂઆત રાજા સૂર્યવર્મન બીજાએ કરી હતી. ‘અંગકોર વાટ ‘ના મંદિર માટે વધુ માહિતી અહીં –
જગ્યાનું વિગતે અવલોકન કરતાં તેમને આ મંદિરની ભવ્યતાનો ખ્યાલ આવ્યો. ફૂટબોલના નવ મેદાન થાય તેટલી મોટી જગ્યામાં આ મંદિર બનાવેલું હતું. ચારે બાજુ એક એક માઈલ લાંબી દિવાલો હતી અને તેની બહાર ચારે બાજુ ખાઈ. મંદિરની દિવાલો પર ઘણાં બધાં લખાણો કોતરેલાં હતાં. મોટા ભાગનાં લખાણો સંસ્કૃત ભાષામાં હતાં. જો કે, કોઈને પણ એ ભાષા આવડતી ન હતી. મુખ્ય ભાગમાં હિન્દુ દેવતાઓની મોટી મૂર્તિઓ હતી. ક્યાંક ક્યાંક તો મૂર્તિઓ પર સોનાના અવશેશો પણ દેખાતા હતા. વચ્ચે એક રાજાની મૂર્તિ પણ સ્થાપેલી હતી. કદાચ તે પણ દેવોની જેમ પૂજાતી હશે તેમ લાગ્યું.
કોઈ પણ ગ્રીક કે રોમન સ્થાપત્યને ઝાંખું પાડી દે તેટલી તેની ભવ્યતા હતી. બુદ્ધ સાધુઓ પણ આ જગ્યાનો સાધના અને પૂજા માટે તેનો ઉપયોગ કરતા હશે, તેમ જણાયું. મદિરની પાછળની બાજુએ બીજો વધુ મોટો દરવાજો હતો; અને તેમાંથી આગળ વધારે મોટો રસ્તો જતો હતો. હજુ તેમને માટે વધારે રહસ્યો ખૂલવાનાં બાકી હતાં!
તેમણે ફરી આગળ પ્રયાણ શરુ કર્યું. હવે આગળનો રસ્તો એટલો કઠણ ન હતો કારણકે, મંદિરમાંથી પાછળની બાજુનો દરવાજો અને આગળ જતો રસ્તો, બન્ને ઘણા મોટા હતા. રસ્તો પણ રાજમાર્ગ જેવો લાગતો હતો. આ રસ્તા ઉપર પણ ઝાડીઓ તો છવાયેલી જ હતી. બે જ માઈલ ચાલ્યા બાદ તેઓ એક બીજા મોટા દરવાજાની સામે આવી પહોંચ્યા. દરવાજાની બન્ને બાજુ એક કિલ્લાની મસ મોટી દિવાલ હતી. તેની અંદર એક મોટું શહેર, અતીતના ગર્ભમાં લપાઈને ઘોરતું હતું. તેની આ કુમ્ભકર્ણ નિદ્રાનો પ્રકૃતિએ પૂરો લાભ ઊઠાવ્યો હતો. અહીં સંસ્કૃતિ ઉપર પ્રકૃતિએ આક્રમણ કર્યું હતું! વિષુવવૃત્તીય આબોહવાથી વકરેલી વનસ્પતિ સૃષ્ટ્રિએ માનવ ગેરહાજરીનો પૂરો લાભ ઉઠાવ્યો હતો!
ખ્મેર પ્રજાનું આ ‘ અંગકોરથોમ ‘ શહેર હતું. ૪૦ ચોરસ માઈલ વિસ્તારમાં ફેલાયેલું આ શહેર, કદાચ તેના સમયગાળાના વિશ્વમાં સૌથી મોટા શહેરોમાંનું એક હતું. પણ સર્વનાશની સુનામી તેની ઉપર મન મૂકીને ફરી વળેલી હતી. ચારે બાજુ ખંડેરોના ઢગના ઢગ ખડકાયેલા હતા. સેંકડોની સંખ્યામાં મંદિરો, મોટા મહાલયો, અને હજારો નાનાં મોટાં ઘરો – આ બધાંની ઉપર સર્વનાશનું ઘોડાપૂર ફરી વળેલું હતું. પાંચસો વર્ષ સુધી વનરાજી આ બધા ઉપર વકરી અને વિફરી હતી. મકાનોની આખી ને આખી દિવાલો મદમસ્ત વૃક્ષોએ પાડી નાંખી હતી. મસ મોટાં વૃક્ષો ઘરોની છતને તોડી ફોડીને ઉપર વિલસી રહ્યાં હતાં. અનેક તૂટેલાં શિલ્પો કકડા થઈને બાજુમાં પડ્યાં હતાં.
અહીં પણ, ધોળે દહાડે વાઘોની ત્રાડો અને જંગલી હાથીઓની ચિંઘાડો તો સંભળાતાં જ હતાં. સ્તબ્ધ બનેલી આ ટુકડી હવે પાછી વળી. ગણતરીના દિવસોમાં જ બધા ગામમાં સહીસલામત પાછા આવી ગયા. ગરીબડી પ્રજાએ તેના ગજા પ્રમાણે મુહોત અને પીટરનું સન્માન કર્યું. મુહોત નોમ પેન્હ પાછો ફર્યો. ત્યાંની ફ્રેન્ચ સરકાર પણ આ શોધને આગળ ધપાવે તેવી સક્ષમ કે દૂરંદેશી વાળી ન હતી. તેમની નજર તો વ્યાપાર, ધર્મ અને શાસનના પ્રસારથી વધારે આગળ જોઈ શકે તેમ ન હતી.
થોડા સમય બાદ મુહોત વતન જવા પાછો ઉપડ્યો. તેણે લાઓસમાંથી પસાર થઈને બર્મા જવાનું હતું. પણ લાઓસના જંગલોમાં જ તેનું મેલેરિયાના કારણે મૃત્યુ થયું. સદ્ ભાગ્યે તેનો સામાન તેના સાથીદારોએ સ્થાનિક ફ્રેન્ચ હકૂમતને સુપ્રત કર્યો. છેવટે તેનો બધો સામાન ૧૮૬૧ ની સાલમાં પારિસ પાછો ફર્યો. તેની નોંધપોથીઓ પરથી આ બધી ઘટના પ્રકાશમાં આવી.
ત્રણ જ વર્ષમાં આ નોંધપોથીઓ ફ્રાન્સ અને બ્રિટિશ જર્નલોમાં છપાઈ. ત્યારે પશ્ચિમના જગતને આ ભૂલાયેલા મહાન સ્થાપત્યોની જાણ થઈ. ફ્રેન્ચ સરકાર સફાળી જાગી ઊઠી. આ સ્થળના સંશોધન અને વિકાસ માટે યોજનાઓ ઘડાઈ, અને અમલમાં મૂકાઈ. સો વર્ષ કામ ચાલ્યું અને પુરાણા સ્થાપત્ય અને ઈ્તિહાસના મહાન વારસા તરીકે, બન્ને સ્થળોનો થઈ શકે તેટલો સર્વાંગ વિકાસ કરવામાં આવ્યો.
આજની તારીખમાં ‘અંગકોર વાટ’ અને ‘અંગકોર થોમ‘ કમ્પુચી (કમ્બોડીયા) ના સૌથી વિશિષ્ઠ સહેલાણી ધામો બની ગયાં છે અને અબજો ડોલરની કમાણી કમ્બોડિયાને કરાવે છે.
ફ્રેન્ચ અને ડચ વિદ્વાનોએ દક્ષિણ ભારતના તજજ્ઞોની મદદથી, પ્રાપ્ત બધાં લખાણોનો અભ્યાસ કરી, અંગકોરના સામ્રાજ્યનો વિગતવાર ઈતિહાસ ખંખોળી નાંખ્યો છે ; અને તેને તવારીખવાર સંશોધિત કર્યો છે. ટૂંકમાં તેની વિગત નીચે પ્રમાણે છે –
ઈ.સપુર્વે૮૦૦ – ભારતના વેપારીઓ અને સાગર ખેડૂઓએ ત્યાંની આદિવાસી પ્રજાને હિન્દુ ધર્મ આપ્યો.
ઈ.સ. ૮૫૦ – ખ્મેર રાજા જયવર્મન બીજાએ ૫૦ વર્શ રાજ્ય કરી અંગકોરના સામ્રાજ્ય અને રાજવંશની સ્થાપના કરી. તેણે પોતાની જાતને ખ્મેર પ્રજાના રાજા અને ઈશ્વરના અવતાર તરીકે સ્થાપિત કરી. તેના વંશજોએ અંગકોરમાં ૬૦૦ વર્ષ રાજ્ય કર્યું.
ઈ.સ. ૮૯૯ – તેના પુત્ર યશોવર્મને ‘અંગકોર થોમ‘ શહેર બનાવવાની શરુઆત કરી.
ઈ.સ. ૧૪૦૦ – ગજા ઉપરાંતના મહાન સ્થાપત્યના ખર્ચા અને સિયામ (અત્યારનું થાઈલેન્ડ ) ના આક્ર્મણ સામે અંગકોર ટકી ન શક્યું. ખ્મેર રાજા અને બધી વસ્તી ભાગીને ‘નોમ પેન્હ’ જઈને વસ્યા.
બે વર્ષ બાદ સિયામના આક્રમકો પાછા અંગકોર થોમ આવ્યા, પણ શહેર અને મંદિર બન્ને વેરાન બનેલાં હતાં. જંગલોમાં ઘેરાયેલી બન્ને જગાઓમાં પછીના કોઈ શાસકોને રસ ન હતો.
લગભગ૧૫૦૦ – પોર્ચુગિઝ લોકોએ પહેલી વાર ખંડેરો જોયાના સમાચાર આપ્યા, પણ આ પ્રદેશ વેપારી દ્રષ્ટિએ અગત્યનો ન હોવાથી આ વાત ભુલાઈ ગઈ.
૧૮૫૦ – કમ્બોડિયા, લાઓસ અને વિયેટનામ ફ્રેન્ચ શાસન નીચે આવ્યા.
વાચકોના પ્રતિભાવ