નીલ સાવ રસ્તા પર આવી ગયો. એક કાર અકસ્માતમાં તેનું ગળું બહુ ગંભીર રીતે ઘવાયું હતું. એક વર્ષ હોસ્પિટલમાં ગાળ્યા બાદ તે પાછો ફર્યો, ત્યારે તેની પત્નીએ તેને છૂટા છેડા આપી દીધા હતા; એટલું જ નહીં – ઘર પર કબજો જમાવી તેને ઘરની બહાર કાઢી મૂક્યો હતો.
એક જમાનામાં પોતાનો સ્વતંત્ર ધંધો કરનાર નીલ રસ્તા પરથી પીણાંઓનાં કેન વીણી, તેના વેચાણમાંથી માંડ જીવન ટકાવી રાખવાની અવસ્થામાં આવી ગયો. માંડ માંડ તેને છૂટક નોકરી મળવા માંડી, પણ જે ઊંચાઈ પરથી તે ગબડ્યો હતો, ત્યાં ફરી ચઢવાનું અશક્ય જ હતું. તેને એક કાયમી નોકરી છેવટે મળી. પણ તેનો મ્હાંયલો મૂંઝાતો જ રહેતો હતો.
નિરાશાના ગર્તામાં ગળાડૂપ ઘેરાયેલો નીલ ૧૯૯૨ની ફેબ્રુઆરીની એક રાતે જાગી ગયો અને ઈશ્વરને ઉદ્દેશીને નિરાશા વ્યક્ત કરતો એક સંદેશ તેણે કાગળ પર લખ્યો.
‘મારા જીવનને શી રીતે કામ કરતું કરવું?’
અને તેના જમણા ખભા પાસેથી તેણે એક અગમ્ય અવાજ સાંભળ્યો
‘તારે આનો જવાબ ખરેખર જોઈએ છે, કે આ માત્ર હૈયાવરાળ જ છે?
તેણે આ જવાબ પણ કાગળ પર ટપકાવી દીધો. અને એક નવી જ પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ. તે પોતાના મનમાં ઊઠતા વિચારો લખે, અને એનો જવાબ કોઈક ગેબી સ્રોતમાંથી આવતો રહે. આ પ્રક્રિયા ત્રણ વર્ષ ચાલુ રહી.
છેવટે ૧૯૯૫માં કોઈ ફેરફાર વિના તેણે આ સવાલ/ જવાબ ભેગા કરી એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું .
અને બાપુ! નીલની ગાડી તો ધમધમાટ દોડવા લાગી. આ પુસ્તકની નકલો ચપોચપ વેચાવા લાગી. નીલ ડોનાલ્ડ વેલ્શની જીવન નૌકા હવે તીરની જેમ સમંદરની પારના ક્ષિતિજને આંબવા લાગી.
૧૩૭ અઠવાડિયાં સુધી ન્યુ યોર્ક ટાઈમ્સના સૌથી વધુ વેચાતા પુસ્તકોની યાદીમાં એના આ પુસ્તકનું નામ ગાજતું રહ્યું. ત્યાર બાદ તો નીલે ૧૨ પુસ્તકો લખ્યાં છે. એ બધાં પણ બહુ જ લોકપ્રિય નીવડ્યાં છે. જગતની ૩૭ ભાષાઓમાં તેના પુસ્તકોના અનુવાદ પ્રગટ થયા છે. તે એક સરસ વક્તા પણ છે અને દેશ પરદેશમાં તેણે અનેક વ્યાખ્યાનો આપ્યાં છે. પોતાના અંતરના અવાજને પ્રેરિત, નવઘોષિત કરે તેવી ઘણી જગ્યાઓની મુલાકાત પણ તેણે લીધી છે. ઘણી પ્રેરક ફિલ્મોમાં પણ તેણે ભાગ લીધો છે ; બનાવી પણ છે. અંગત જીવનમાં કવયિત્રી એની ક્લેર સાથે તેણે લગ્ન કર્યાં છે અને બન્નેને નવ બાળકો છે.
પણ એ યાત્રાની શરૂઆત શી રીતે થઈ – એની અલપઝલપ ઝાંખી આ રહી –
૧૦, સપ્ટેમ્બર -૧૯૪૩ના દિવસે, મિલવાઉકી, વિસ્કોન્સિનમાં યુક્રેનિયન- અમેરિકન/ રોમન કેથોલિક માબાપના ઘેર નીલનો જન્મ થયો હતો. તેની મા પાસેથી તેને ઊંડા ધાર્મિક વિશ્વાસનો વારસો મળ્યો હતો. તેણે જ તેને ઈશ્વરને સજા દેનાર નહીં, પણ પરમ મિત્ર ગણવા શીખ આપી હતી. ૧૫ વર્ષની ઉમરે તેને આધ્યાત્મિક વિચારો આવવાની શરૂઆત થઈ હતી અને એ સંતોષવા તેણે ઘણી જુદી જુદી માન્યતાઓ અને ફિલસૂફીનો અભ્યાસ કર્યો હતો. એમાં રૂગ્વેદ અને રામકૃષ્ણ પરમહંસના વિચારોનો પણ સમાવેશ થાય છે.
તેણે સ્થાનિક યુનિ.માં અભ્યાસ કરવા પ્રવેશ તો મેળવ્યો, પણ એક વરસમાં જ તેને એમાં કાંઈ રસ ન પડ્યો અને અભ્યાસ પડતો મૂક્યો. મેરીલેન્ડના એનાપોલિસના એક સ્થાનિક રેડિયો સ્ટેશનમાં નીલ નોકરી કરવા લાગ્યો. અહીં વિવિધ જાતના અને વિચારો વાળા લોકો સાથે સંપર્કમાં આવવાની તેને મનગમતી તક મળી ગઈ. અહીં એની ઠીક ઠીક પ્રગતિ થઈ અને એ રેડિયો સ્ટેશનમાં પ્રોગ્રામ ડિરેક્ટર ઉપરાંત સ્થાનિક અખબારના ખબરપત્રી તરીકે પણ તે કામ કરવા લાગ્યો.
વધારે ઊંચી છલાંગ ભરવા તેણે ઓરેગન રાજ્યમાં સ્થળાંતર કર્યું અને જાહેર સંબંધો અને માર્કેટિન્ગ માટેની પોતાની કમ્પની શરૂ કરી.
પણ ઉપર જણાવ્યા મુજબ કાર અકસ્માતમાં તેની દુનિયા રસાતાળ બની ગઈ અને તે રસ્તા પર આવી ગયો. જો આમ ન થયું હોત તો નીલ એક ચીલાચાલુ વ્યવસાયી બની રહ્યો હોત અને નેમ કે નામ વગરનો એક અદનો આદમી જ હોત. ઘણા હવાતિયાં માર્યા બાદ તેને કાયમી નોકરી મળી તો ગઈ, પણ અંતરનો અવાજ વધુ ને વધુ પ્રબળ બનતો ગયો, જેની પરાકાષ્ઠા રૂપે ‘ઈશ્વર સાથે સંવાદ’ નો જન્મ થઈ શક્યો .
હવે તો હજારો લોકો નીલ પાસેથી જીવન સંઘર્ષ માટે પ્રેરણા લે છે. એની વેબ સાઈટ પરથી એની માહિતી મેળવી શકાશે –
ધન્ય ધન્ય
હવે તો હજારો લોકો નીલ પાસેથી જીવન સંઘર્ષ માટે પ્રેરણા લે છે.