સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

આપણા સંબંધ- ગઝલાવલોકન

આપણા સંબંધ આપણી વચ્ચે નામ વિનાના,
આપણે રસ્તા રસ્તા તોયે ગામ વિનાના.

કેટલાં જનમ મ્હેણું રહેશે મળવાનું આ કેણ,
કેટલાં ઝરણાં ભેગાં થઈને થાય નદીનું વ્હેણ;
આપણે કાંઠે લંગર તોયે વ્હાણ વિનાના,
આપણે રસ્તા રસ્તા તોયે ગામ વિનાના.

ઝાડથી પડતાં પાંદડા ઉપર કુંપળ આંસુ સારે,
ઝાડની છાયા તડકો પહેરી લૂછવાનું શું ધારે;
આપણે મૂળમાં ઝાડ છતાંયે આભ વિનાનાં,
આપણે રસ્તા રસ્તા તોયે..ગામ વિનાના.

–  ભાજ્ઞેશ જહા

એ સુમધુર ગીત અહીં માણો – 

ભાગ્યેશ ભાઈની આ ગઝલ ઘણી વખત સાંભળી છે. સત્ય તો એ છે કે, સૌથી પહેલાં ડલાસમાં શ્રી. સોલી કાપડિયા અને નીશા ઉપાધ્યાયનો સુગમ સંગીતનો કાર્યક્રમ હતો – એમાં આ ગઝલ સાંભળવા/ માણવા મળી હતી. એ વખતે, ત્યાં જ  સોલીનાં ગાયેલાં ગીતોનું આ જ નામનું આલ્બમ પણ ખરીદેલું. ત્યારથી અનેક વખત આ સુમધુર ગીત સાંભળ્યું છે.

નવા પ્રણયનું, સંબંધ બંધાયો ન હોય તે પહેલાંના મુગ્ધ સંવનનનું આ ગીત તરત ગમી જાય એવું છે.

પણ, આજે સાંભળતાં એક અદભૂત વિચાર ઉપજી આવ્યો. આ સંબંધ પ્રેમી અને પ્રેમિકા પૂરતો જ મર્યાદિત નથી. દિન પ્રતિદિન વધતા જતા અવનવા મિડિયાના પ્રતાપે જાતજાતના અને ભાત ભાતના, વાદળિયા સંબંધો બંધાય છે. એમને પણ આ ગીત લાગુ પડે છે. એ માત્ર વિજાતીય વ્યક્તિ સાથેના પ્રણયની વાત માત્ર હવે  નથી રહી.

    કદીક તો એ વ્યક્તિનો માત્ર નવ આંકડાનો નંબર કે, ઓળખ છૂપાવી દે એવા ઈમેલ સરનામાંનું  મહોરું જ બની રહે છે. એ  કોઈ પણ ઉમરની, કોઈ પણ દેશ કે સમાજની વ્યક્તિ હોઈ શકે છે. એ વ્યક્તિની ઇચ્છા હોય તો જ આપણે તેની સાચી ઓળખ જાણી શકીએ છીએ. બહુ આત્મીય બની જાય તો કદાચ એની છબી દ્વારા એનું મુખારવિંદનો નજારો આપણને ઉપલબ્ધ થાય છે.

       પણ નાવ વિનાના , લંગરની જેમ નાંગરેલા સંબંધો બની રહે છે!

       મારી જ વાત કરું તો, કમ સે કમ ત્રણ એવા મિત્રો સાથે અત્યંત આત્મીય સંબંધ બંધાયો હતો. એમની છબી પણ મારી પાસે છે, અને ફોન પર એમની સાથે વાત પણ કરી છે. પણ એમાંના બે ભાઈઓ સ્વર્ગસ્થ બની ગયા છતાં અને એમને સદેહે મળવાની અનેક અભિલાષાઓ હોવા છતાં , કદી એમને મળી શકાયું નથી. એ આશા વાંઝણી જ રહી. એ સંબંધો  મૂળ વિનાનાં માત્ર આભમાં ઊગેલાં ઝાડ જ રહ્યાં !

      એમની સાથના સંવાદો નદીનાં ઝરણાં જેવાં શીતળ હતાં. દરરોજ એ કલરવ સવારને તરોતાજા બનાવી દેતો. એમની સાથે માત્ર વિચારોની આપલેનો કે લખાણ, ચિત્ર કે વિડિયો મોકલવા માટેનો જ વાદળિયો મારગ હતો. એમનાં ગામનાં નામ તો ખબર હતાં પણ  ધરતી પર ત્યાં પહોંચવાનો રસ્તો કદી ન જ કંડારાયો.

મિત્રોને લખાણ દ્વારા સલામ.

    વળી વાદળિયો તો વાદળિયો – પણ ઘનિષ્ઠ સંબંધ બંધાયો હોય, તેવા ત્રણ ભાઈબંધોની એ વાત છે. સેંકડો વાદળિયા સંબંધો તો સાવ પરોક્ષ જ રહેવાના. એ બુરખો કદી ખૂલવાનો નહીં.  ખેર , જીવનની આ રીત જ હવે વધારે ને વધારે પ્રસ્તુત બનતી જાય છે. મિડિયાના વ્યાપ અને સ્વરૂપ વિશે ઘણા બળાપા કાઢવામાં આવે છે. પણ  હવે તો એ જીવનનો અનિવાર્ય ભાગ બની ગયાં છે.

     એક આવકારદાયક ફેરફાર એ આવ્યો છે કે, હવે ઓન લાઈન વિડિયો સંપર્ક થઈ શકે છે. એક જ બટન દબાવીએ અને એ મિત્ર બારી બારણાં બંધ હોય તો પણ આપણા ઓરડામાં ટપકી શકે છે – ભલેને દુનિયાના બીજા છેડે ના હોય?

     બીજી એક આડવાત એ છે કે, આ વાદળિયા સંબંધોના પ્રતાપે સાચી, ખોટી, કામની કે નકામની  માહિતીના ખડકલા થવા માંડ્યા છે. એટલા બધા ઢગ કે, આપણી પાસે સ્વતંત્ર વિચાર કરવા સમય જ નથી. સર્જનાત્મક પ્રવૃત્તિ કાં તો સાવ બંધ પડી છે, અથવા એટલું બધું સર્જન થાય છે કે, એના શ્રોતા કે વાચક જવલ્લે જ મળે છે – મોટે ભાગે તો કાગડા પણ ઊડતા નથી!  કલ્પનાશીલ અને દાદની અપેક્ષા ધરાવતા સર્જકને માટે તો આ લીલા દૂકાળ  જેવી દુર્દશા છે.

     ખેર, જે છે – તે આ છે !

One response to “આપણા સંબંધ- ગઝલાવલોકન

  1. pragnaju ડિસેમ્બર 30, 2021 પર 8:39 પી એમ(pm)

    આ વાદળિયા સંબંધોના પ્રતાપે સાચી, ખોટી, કામની કે નકામની માહિતીના ખડકલા થવા માંડ્યા છે. એટલા બધા ઢગ કે, આપણી પાસે સ્વતંત્ર વિચાર કરવા સમય જ નથી. સર્જનાત્મક પ્રવૃત્તિ કાં તો સાવ બંધ પડી છે, અથવા એટલું બધું સર્જન થાય છે કે, એના શ્રોતા કે વાચક જવલ્લે જ મળે છે – મોટે ભાગે તો કાગડા પણ ઊડતા નથી! કલ્પનાશીલ અને દાદની અપેક્ષા ધરાવતા સર્જકને માટે તો આ લીલા દૂકાળ જેવી દુર્દશા છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: