ગઝલાવલોકન
સદીઓથી એવું જ બનતું રહ્યું છે કે પ્રેમાળ માણસ નથી ઓળખાતા
સખી એને જોવા તું ચાહી રહી છે, જે સપનું રહે છે હંમેશા અધૂરું.
પ્રીતમનો પરિચય તું માગી રહી છે. વિષય તારો સુંદર કુતૂહલ મધૂરું.
લે, સાંભળ એ સામાન્ય એક આદમી છે. હૃદય એનું ભોળું, જીવન એનું સાદું.
ન ચહેરો રૂપાળો, ન વસ્ત્રોમાં ઠસ્સો, ન આંખોમાં ઓજસ, ન વાતોમાં જાદુ.
કવિતાના પણ એ નથી ખાસ રસિયા; ન સંગીતમાં કંઈ ગતાગમ છે એને.
પસંદ એ નથી કરતા કિસ્સા કહાણી. કલાથી ન કોઈ સમાગમ છે એને.
એ મુંગા જ મહેફિલમાં બેસી રહે છે. છે ચુપકીદી એની સદંતર નિખાલસ.
નથી એની પાસે દલીલોની શક્તિ. કદી પણ નથી કરતા ચર્ચાનું સાહસ.
જુએ કોઈ એને તો હરગીઝ ન માને કે, આ માનવીમાં મહોબ્બત ભરી છે.
ન કોઈના બુરામાં, ન નિંદા કો’ની. નસેનસમાં એની શરાફત ભરી છે.
જગતની ધમાલોથી એ પર રહે છે. છે પોતાને રસ્તે જ સૂરજની માફક.
સખી મારા પ્રીતમની છે એ જ ઓળખ. છે સૌ લોક માટે જીવન એનું લાયક.
ગરીબોની પાસે કે રાજાની પડખે, જગા કોઈ પણ હો – શોભી શકે છે.
પરંતુ સખી, આવી દુનિયાની અંદર, ભલા એવા માણસને કોણ ઓળખે છે?
– મરીઝ
[ સાભાર – માવજીભાઈ મુંબઈવાળા – અહીં ક્લિક કરી એ ગીત સાંભળો.]
https://www.mavjibhai.com/madhurGeeto_two/253_bhalamanas.htm
ખાસ જાણીતું ન હોય, એવું આ ગીત આ અવલોકન માટે ખાસ પસંદ કર્યું છે. બે સખીઓ વચ્ચેનો આ સંવાદ એક સખીનું એના પતિ વિશે વર્ણન છે. ગુજરાતી પદ્ય સાહિત્યમાં અનેક વિષયો પર બહુ મધુર અને ઉચ્ચ કક્ષાની રચનાઓ સર્જાઈ છે. પણ આ રચનાની વિશેષતા એ છે કે, એ કોઈ વિશેષ વ્યક્તિ કે વિચારનું જતન નથી કરતી. એ માત્ર એક સામાન્ય માણસની ગરિમાને ઉજાગર કરે છે.
અલબત્ત , જીવનસાથી હોવાના નાતે એની પત્નીનો એના માટેનો આદર જરૂર ઉપસી આવે છે. પણ એ તો કોઈનું પણ સ્વાભાવિક વલણ હોય જ ને? એના થોડાક સાથી મિત્રો કે સગાં સંબંધાઓ પણ એ જણ માટે એવો ભાવ જરૂર રાખતા હોય છે.
આવા સાવ સામાન્ય માણસ – રસ્તાની ફૂટપાથ પર ચાલતાં આવા સેંકડો, અજાણ્યા માણસો – આપણી સામેથી, આજુબાજુથી પસાર થતા હોય છે. અરે! આપણા જાણીતા સંપર્કોમાં પણ ઘણી બધી આવી વ્યક્તિઓ હોય જ છે. એમની કોઈ કવિતા નથી લખાતી, એમના જીવનમાં એવી કોઈ ઘટના નથી ઘટેલી હોતી, જેમાંથી કોઈ વાર્તાકારને કથાબીજ મળી જાય. પાણીમાં આંગળી સરી જાય, એમ જીવનના અંતે એનું અસ્તિત્વ ઓગળી જાય છે.
કોઈ ખાસ વસ્તુ વિનાનો સાવ સામાન્ય માણસ !
પણ એ જ તો પાયાની ઈંટ છે. આકાશની ટોચને અડવા મથતા મહાલયો અને પિરામીડો વિશે તો દરેકને માહિતી હોયજ. પણ એ મહાલયોની પાયાની ઈંટ એણે નાંખી હોય છે. એ મહાલયને ચણવા એણે જહેમત કરી હોય છે. એના પસીનાની સુવાસ આપણને એ મહાલયોમાં કદી આવતી નથી. આપણી ચારેબાજુ શ્વસી રહેલી આવી સામાન્ય હસ્તિઓનાં જીવન વનફૂલની જેમ આકાર લે છે, થોડીક સુવાસ આજુબાજુ ફેલાવે છે અને કરમાઈ જાય છે.
એને કેન્દ્રમાં રાખીને જ તો સમાજવાદ અને સામ્યવાદની ફિલસૂફીઓ રચાઈ છે. એનું પોત વાપરીને જ એમનાં પણ સામ્રાજ્યો ગઈ સદીથી ઝૂમી રહ્યાં છે! પણ ત્યાંય એ માણસ ક્યાંય દેખાતો નથી !
કવિએ છેલ્લી પંક્તિમા આ સવાલ યથોચિત પૂછ્યો છે –
ભલા એવા માણસને કોણ ઓળખે છે?
પણ…..
તમે, હું, સૌ એ અદના માણસને કે, એ વર્ગીકરણ વાળા માણસને બહુ સારી રીતે જાણતા હોઈએ છીએ. એ જ તો કોઈ પણ સમાજનું પાયાનું પોત હોય છે.
એ અદના માણસને સલામ સાથે વિરમીએ.
Like this:
Like Loading...
Related
ગરીબોની પાસે કે રાજાની પડખે, જગા કોઈ પણ હો – શોભી શકે છે.
પરંતુ સખી, આવી દુનિયાની અંદર, ભલા એવા માણસને કોણ ઓળખે છે?