સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કુળદેવીની પહેલી યાત્રા

૧૯૭૭ , કનોડા

શિયાળાની બપોર હોવા છતાં. ધોમધખતો તડકો હતો. અમારા જોડિયા દીકરા આશરે બે વર્ષના હતા અને તેડાવા માટે રડતા હતા. રસ્તો સાવ ધૂળિયો અને આબડ ખુબડ હતો. હજી અમારાં કુળદેવી બહુસ્મર્ણા માતાના મંદિરની ધજા તો ઘણે દૂર હતી. રીક્ષા કે ગાડા જેવું કોઈ સાધન મળી જાય એની અમે આશા રાખતાં હતાં. એસ. ટી ની બસે અમને કલાક પહેલાં , ડામરના રસ્તા પરથી આ ધૂળિયા રસ્તાના જન્કશન પાસે છોડી દીધા હતાં.
આ દુઃસાહસ કરવા માટે મનોમન અફસોસ પણ થઈ રહ્યો હતો. પણ છેવટે એ વ્યથાનો અંત આવ્યો, અને પડું પડું કરી રહેલા મંદિરના દરવાજા પાસેના ઓટલા પર ધબ કરીને અમે બેસી ગયા! થોડોક હાહ ખાઈ અમે અંદર ગયા અને મંદિરની હાલતની ચાડી ખાતા ધર્મશાળના એક જૂના ઓરડામાં આશરો મેળવ્યો. સાથે અમને પાણીનું માટલું અને કોલસાનો ચૂલો પણ જાતે ભોજન બનાવવા મળી ગયો!

વાત એમ છે કે, મારાં સાસુ – સસરાએ સિદ્ધપુરમાં એમનાં કુળદેવી સિદ્ધેશ્વરી માતાના થાનકમાં હવન રાખ્યો હતો. બે દિવસ ત્યાં બાદશાહી મજા માણી અમે અમદાવાદ પાછા જવા નીકળ્યા હતાં. સાથે જ્યોતિના કાકા મુકુંદરાય જાની અને કૈલાસકાકી પણ હતાં. સિદ્ધપુરથી નીકળતી વખતે એમણે વાત વાતમાં કહ્યું હતું ” આપણાં કુળ દેવી બહુસ્મર્ણા માતાનું થાનક રસ્તામાં જ આવે છે. ”
મારા બાપુજીએ પણ આ વાત મને કહી હતી, પણ પગપાળો અને કઠણ રસ્તો હોવાના કારણે એ અમને ત્યાં લઈ ગયા ન હતા. આથી અમે નક્કી કર્યું કે, રસ્તામાં આવતા સદુથલા ગામ સુધીની જ ટિકિટ લેવી અને ઘણી જૂની આશકા પૂરી કરવી. આમ જાતરા કહેવાય એવી, અમારી કઠણ જાતરાની શરૂઆત થયેલી!

થોડોક આરામ કરી, કૂવાના થાળા પરથી જાતે ડોલ વડે પાણી ખેંચી અમે બાજુની ટૂટલ ફૂટલ ઓરડીમાં નાહ્યાં અને પછી મંદિરમાં માતાજીનાં દર્શન કરવા ગયાં. ઉપર બતાવેલ મૂર્તિ તો હમણાંની છે . ( ફોટો સૌજન્ય – અમારી ભત્રીજી કૌમુદી જાની) પણ એ વખતે તો એક નાના ગામના મંદિરની હાલત જેવી હોય તેવી જ મંદિરની હાલત અને એવા જ મૂર્તિના શણગાર હતાં.

પણ, અમે શ્રધ્ધાથી માતાજીની પૂજા કરાવી, અંતરથી વંદન કર્યા અને સિદ્ધ પુરથી લાવેલ નાળિયેર ચઢાવી, સાસુમાએ આપેલ મગસનો પ્રસાદ ધરાવી, માતાજીનો પ્રસાદ ભાવથી આરોગ્યો .

સાંજે જ્યોતિ અને કૈલાસ કાકીએ ઘણા વખત પછી કોલસાનો ચૂલો પ્રગટાવવાની જહેમત તાજી કરી અને ગામના કરિયાણાની દુકાનમાંથી લાવેલ ચોખા અને દાળ ઓરી ખોચડી રાંધી. ત્યારે અમે બરાબરની ઊઘડેલી ભૂખને સંતોષી શક્યા!

રાતે ગંધાતી ગોદડીઓ પર આડા તો પડ્યા, પણ મછ્છરોના પ્રેમને શી રીતે રોકવો એ અનેક સમસ્યાઓમાંની એક હતી! પણ થાક એટલો બધો લાગેલો કે, જેમ તેમ સવાર તો પડી અને અમે પાછા એ જ રસ્તે રિટર્ન મુસાફરી શરૂ કરી. જો કે, એક ગાડાંની સહેલ મળી ગઈ હતી, એટલે પહોંચતી વખતની હરકતો ન હતી. સાત વરસની દીકરી અને જોડિયા દીકરાઓને પણ આ અવનવા વાહનમાં મુસાફરી કરવાના નવા અનુભવનો ઉલ્લાસ હતો. આથી અમે નિર્વિઘ્ને મહેસાણાની બસ પકડી અને ત્યાંથી બીજી બસમાં અમદાવાદ પાછા ફર્યા.

આ થઈ ૪૨ વર્ષ પહેલાંની અમારી પહેલી યાત્રાની કથા.

અલબત્ત, પછી તો કુળદેવીના ઘણા ભક્તો ત્યાં જતાં થયાં. વ્યવસ્થા માટે એક ટ્રસ્ટ સ્થપાયું, અને ઘણા બધા ભાવિકોની સખાવતથી અત્યારે તો મદિરની જાહોજલાલી ઘણી વધી ગઈ છે. રહેવા, જમવાની પણ બહુ જ સરસ વ્યવસ્થા છે. વિજળી અને પમ્પના કારણે બધી આધુનિક સગવડો પણ થઈ ગઈ છે. એ વિસ્તારમાં ઓ.એન.જી.સી. ની ઓઈલ ડ્રિલિંગ કામગીરીને કારણે છેક ગામ સુધી પાકો રસ્તો પણ બન્યો છે. એસ. ટી. ની એક બસ પણ દરરોજ ત્યાં જવા અને પાછા આવવા મળી જાય છે.

હાલનું મંદિર

પણ, એ અફલાતૂન મુસાફરીની યાદ
અમારા દિલો દિમાગમાં કાયમી રહી ગઈ છે !

2 responses to “કુળદેવીની પહેલી યાત્રા

  1. pragnaju ઓક્ટોબર 10, 2021 પર 2:49 પી એમ(pm)

    જય માતાદિ
    ધન્ય ધન્ય
    અમારા દીકરા પરેશ અને અમારી સ્વ બેન મૃણાલિનીના દીકરા ચિંતનના જોડિઆના અનુભવોની વાતો યાદ આવી!

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: