આ બે વિડિયો જુઓ – ૧) એય! સાંભળને… નામ તારું દેશે? ૨) મહેતાબ સમ મધુરો, દિલકશ દિદાર તારો
પહેલી ગઝલ છે પંદરેક વર્ષ જૂની અને બીજી છે – કમ સે કમ ૮૦ વર્ષ જૂની. બન્નેના શબ્દો મારી પાસે નથી અને આ અવલોકન માટે એ જરૂરી પણ નથી. માત્ર બન્ને વિડિયો મુક્ત મનથી માણો અને પછી આ અવલોકનને.
અહીં વાત એના શબ્દોની નથી કરવાની. વાત સાવ અલગ જ છે. આ બે ગઝલોની mp3 ફાઈલો જ મારી પાસે છે. એની મૂળ કેસેટ અને સીડી અતીતમાં ખોવાઈ ગયાં છે – કદાચ આ ગીતોની જેમ. બન્નેના શબ્દો ઈન્ટરનેટ પર ગોત્યા પણ ન મળ્યા, એટલે આ બે વિડિયો એ ફાઈલો વાપરીને ખાસ આ અવલોકન માટે બનાવ્યા.
પહેલાં ‘મહેતાબ’ની વાત. મહેતાબ એટલે ફારસી ભાષામાં ચન્દ્ર. કદાચ પારસી રંગભૂમિનું એ ગીત છે. કદાચ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ શરૂ થયો એ વખતનું. એમાં સંગીત પણ એ વખતના પારસી કર્ણોને ગમી જાય એવું છે. ગુજરાતીમાં ગઝલ લખવાની શરૂઆત થઈ, તે વખતે ગઝલના શેરોમાં ભારોભાર ફારસી શબ્દો ઠાંસી ઠાંસીને ભરવાનો રિવાજ હતો. એ પારસી મિજાજને આ ગઝલ અભિવ્યક્ત કરે છે.
બીજી ગઝલ કે ગીત સાવ આધુનિક છે. એકવીસમી સદીની પેઢીના મિજાજને એ બરાબર ઊજાગર કરે છે. એમાં ખાસ કવિતા જેવું પણ કદાચ આપણને ન લાગે. પ્રેમિકાનો એ સીધો સાદો સંવાદ છે. એના સંગીતમાં પણ પ્રેમિકાના દિલની જેમ પોપ મ્યુઝિક નાચે છે!
સમયના ખાસા મોટા ફલકને આવરી લેતી આ બે ગઝલોની વચ્ચે ગુજરાતી કવિતા અને સુગમ સંગીતનો આખો વર્ણપટ ( spectrum ) આવી જાય છે. છેલ્લા બે દિવસમાં સ્માર્ટ ફોન(!) પર સાંભળેલી આ બે ગઝલોએ આ અવલોકનને જન્મ આપ્યો છે. બન્નેના સંગીતમાં પણ પાશ્ચાત્ય તત્વ વધારે છે. બન્નેના પોતમાં આભ જમીનનો ફરક હોવા છતાં વાસ્તવમાં મૂળ તત્વ એક જ છે – ‘પ્રેમ’.
પ્રેમની વાત આવે ત્યારે – માળખુ ગમે તે હોય; એનો પ્રાણ તો માનવજીવન જ નહીં – સમગ્ર સજીવ સૃષ્ટિનું પાયાનું તત્વ હોય છે. અહીં પણ એ તત્વ અલગ અલગ મિજાજમાં વિલસે છે. એ વિશે એટલું બધું લખાયું છે કે, એમાં વધારો કરવાની જરૂર જ નથી.
બીજી વાત – એ પારસી રંગભૂમિ કેમ સાવ અદૃશ્ય થઈ ગઈ? ગુજરાતમાં જેમ નર્મદને ગદ્ય સાહિત્યના પ્રણેતા ગણવામાં આવે છે; તેમ તજજ્ઞોના કહેવા મુજબ દાદાભાઈ નવરોજીના ઉત્તેજનથી ગુજરાતી રંગભૂમિની શરૂઆત પારસીઓએ કરેલી. એ પહેલાં ભવાઈ જ એકમાત્ર નાટ્ય તત્વ ગુજરાતી જીવનમાં પ્રચલિત હતું. હવે કેમ પારસી નાટ્ય સર્જનો સાવ ગાયબ થઈ ગયાં છે?
ત્રીજી વાત- પાશ્ચાત્ય સંગીતની સામે આપણામાંના ઘણા – ખાસ કરીને આ લખનારની ઉમરના – મોં મચકોડશે . પણ એના જોમ અને ઊત્સાહ યુવાનોમાં છલકતાં જ રહ્યાં છે, એમને નાચતા અને કૂદતા રાખ્યાં છે -સદાકાળ રહેશે. એને આવકારીને આ અવલોકનનું સમાપન કરીએ. કહેતાં રહીએ-
૧) એય! સાંભળને… નામ તારું દેશે?
૨) મહેતાબ સમ મધુરો, દિલકશ દિદાર તારો
બેઉ મધુરા ગીત વારંવાર સાંભળ્યા
આસ્વાદ મધુરતમ
નોસ્ટેલજીક
આનંદ મધુરતર
વાહ! મધુરતમ ગીત, તેમાં ભળ્યો મધુર સ્વર અને મળ્યું “અમરત” સમ સંગીત!! બહુ આનંદ થયો સાંભળીને. કિશોરાવસ્થામાં સાંભળેલું, માણેલું ગીત ફરી સંભળાવવા માટે હાર્દિક આભાર.