દદડે દસ – દસ ધારથી રસ નીતરતું વ્હેણ
ઝીલો તો જળધાર બને લખીએ તો લાખેણ.
ચૌદ કળાએ ચંદ્ર, તો સોળ કળાએ આંખ
વ્હાલપ ફૂટે વૃક્ષને, શરીરે ફૂટે શાખ
તારામાં તું ઓતપ્રોત, હું મારામાં લીન
ઘરની જર્જર ભીંત પર મૂક લટકતું બીન.
તું ચૈતરની ચાંદની, તું મંત્રોના જાપ
સ્પર્શું, ચાખું, સાંભળું, સઘળે તારો વ્યાપ.
મારા મદીલ ‘સા’ ઉપર તું પંચમની ટીપ
લય સંધાયો જોગ-નો ઝળહળ પ્રગટ્યા દીપ.
ઝળઝળિયાં-ની જોડ તું, તું ઘનઘેરી સાંજ
નેહે તન-મન કોળતા, વ્રેહે હૈયે દાઝ.
ગહન ગૂફના ગોખમાં, તેં પ્રગટાવી જ્યોત
અંધારું લઇ પાંખમાં, ઉડ્યાં અંધ કપોત
– સંજુ વાળા
અંતરની અંધકાર ભરી ગુફામાં જાગૃતિનું કોડિયું પ્રગટે અને અંધ કપોત ( કબુતર) બધી જ લાચારી અને અશક્તિને અતિક્રમી, ઊડવા માટે શક્તિમાન બને, એની ઝાંખી કરાવતો આ દોહો વાંચતાં જ ગમી ગયો. ત્રીજા દોહામાં એ અંધકારનું, એ અજ્ઞાનનું સરસ વર્ણન છે. નકરી સ્વાર્થલક્ષી બેભાનાવસ્થામાં ક્યાંથી સંગીત પ્રગટે? – બિન વારસી બીન લટકતું જ રહે ને?
તારામાં તું ઓતપ્રોત, હું મારામાં લીન
ઘરની જર્જર ભીંત પર મૂક લટકતું બીન
એ વ્યથાના અંતની વાત છેલ્લા દોહામાં છે. અને એટલે જ એને આ અવલોકનનું શિર્ષક બનાવી દીધું.
આપણા સંવાદો મોટા ભાગે આવા જ હોય છે. સાવ ઉપરછલ્લા. દરેકને પોતાની વાત કહેવા ઉમળકા થતા હોય છે. આખું વિશ્વ અને બધા મિડિયા કેવળ પોતપોતાના બૂમ બરાડાથી સુસજ્જ હોય છે. ‘કોણ સાંભળે જ છે?’– એ આપણી સૌની અણકથી વેદના હોય છે. મનના આવા અંધકાર અને સુષુપ્તિ અંગે ઘણો બધો આક્રોશ કવિઓએ એમની આવી રચનાઓમાં ઠાલવ્યો છે. અને એ પણ એમની અંગત વેદના જ ને?!
અંતરની વાણી માટે કદાચ કોઈ સંવાદ જરૂરી નથી હોતો. બાળક અને માતા એકમેકને જેમ સમજે છે; એક કૂતરો કે બિલાડી એના માલિકના ભાવને જે રીતે સમજી જતાં હોય છે – એ વાણી આપણા જીવનમાં કદિક જ અલપઝલપ ડોકિયું કરીને સંતાઈ જતી હોય છે.
જ્યારે જાગૃતિ આવે અને અંધકારમાંથી આંતરિક પ્રકાશ તરફ ગતિ થવા લાગે તે બાદનું આ મનભાવન ગીત આ ટાણે યાદ આવી ગયું .
અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….
ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું
અંદર તો એવું અજવાળું……
સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું…….
– માધવ રામાનુજ
Like this:
Like Loading...
Related
કવિશ્રી સંજુ વાળા અને માધવ રામાનુજની ખૂબ જાણીતી સૌની માનીતી સ રસ ગઝલ
નુ મનન ચિંતન જ્યારે જાગૃતિ આવે અને અંધકારમાંથી આંતરિક પ્રકાશ તરફ ગતિ થવા લાગે