ઊંચકી સુગંધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ
ઉંઘ છતાં જાગવાનું શું?
સુવાસે પડઘાતું આખું આકાશ
છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરાની લે છે કોઇ નોંધ?
કોણ વિણે છે એકલી સુવાસ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ
વાયરાનું ઠેકાણું શું? – ઉંચકી સુગંધ……
ધારોકે ફૂલ કોઇ ચૂંટે ને સાચવે,
ને આપે ને સુંઘે તો સારું.
ધારો કે એક’દીની જિંદગીમાં મળવાનું,
થોડું રખાય તો ય સારું.
પણ ઉપવનમાં ઝુરવાની હોય જો સજા,
તો મળવાના ખ્વાબોનું શું ? – ઉંચકી સુગંધ……
– ભાગ્યેશ જહા
ભાગ્યેશ જહા, કવિ જીવ અને કાર્યક્ષેત્ર -સરકારી કાવાદાવા અને કાદવ, સરકારી માયાજાળમાં સુગંધ ઊંચકીને ઊભેલું ગુલાબ. એમની અંતરની વેદનાનું આ કાવ્ય છે. ભીડની વચ્ચે અનુભવાતા ખાલીપાની એ વ્યથા છે. કદાચ ઘણાના મનની એ વેદના. સર્વાઈવલ માટે જે કામ મળે તે કરવું પડે, પણ અંતરની આરજૂ તો અલગ હોય – એ મોટા ભાગની સંવેદનશીલ વ્યક્તિઓની મનોવ્યથા હોય છે.
ભાગ્યેશ ભાઈએ બહુ નાજૂકાઈથી આ વ્યથાનું અહીં આલેખન કર્યું છે. આપણે એ આક્રોશની અંદર થોડાક જઈએ. શું માણસે આમ અંદર ને અંદર રોતાં જ રહેવું જોઈએ? જીવનના એક દિવસમાં આપણને ૨૪ કલાક મળતા હોય છે. આઠ – દસ કલાકની એ વ્યથા શા માટે ઓથાર બનીને બાકીના સમયમાં જીવનના પ્રકાશને બુઝાવતી રહે? કોઈ કહેશે, ‘ઘેરે આવીને બીજી અકળામણો, નવા પ્લેટફોર્મ પરના સંઘર્ષો.’ કોઈ સામાજિક પ્રસંગે જઈએ અને ત્યાં વાર્તાલાપ અને ચર્ચાઓમાં પણ હૂંસાતુંસી – ‘પોતે જ સાચા છે.’ એ પુરવાર કરવા માટેની મલ્લકુસ્તી!
બહુ જાણીતી પઝલ યાદ આવી ગઈ – પાણીથી ભરેલો પ્યાલો – અડધો ખાલી કે અડધો ભરેલો? નકારાત્મક નજર – અડધો ખાલી; હકારાત્મક નજ્રર – અડધો ભરેલો; અને ખરેખર સ્થિતિ? – અડધો ખાલી અને અડધો ભરેલો.
પુખ્ત વિચાર ત્રીજો છે. એ જ હકીકત છે. આમ છે અને તેમ હોવું જોઈએ – એ વિચાર વમળમાં ફસાયા વિના હકીકતનો સ્વીકાર અને એમાંથી જે મળે તે થોડી ઘણી સુગંધ આપણી પોતીકી કરવાનો આનંદ. અને આ જ વાત અહીં કહેવી છે. શું આપણને બહુ જ વહાલી છે એવી આપણી જાત માટે એ ચોવીસ કલાકમાં એક અને માત્ર એક જ કલાક ન ફાળવી શકીએ? ભાગ્યેશ ભાઈએ આવી સુંદર કવિતાઓ લખી લખીને એમના મ્હાંયલાને સિંચ્યો જ છે ને? – એ રીતે?
Like this:
Like Loading...
Related
મા. ભાગ્યેશ જહાની સુંદર રચના
ખૂબ સ રસ આસ્વાદ ન હોત તો ઘણી વ્યથાની વાત અને સ્વીકારની વાત ન સમજાત
ધન્યવાદ