સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કોણ બોલે ને કોણ સાંભળે? – ગઝલાવલોકન

કોણ બોલે ને કોણ સાંભળે, કોઇને ક્યાં કોઇ સમજે રે!
બોલ વિનાના શબ્દ બિચારા, હોઠે બેસીને ફફડે રે! – કોણ બોલે ને….

પો’ ફાટે ને સૂરજ ઊગે, ઝાકળમાં થઇ લાલંલાલ,
ઝળહળતી આભાદેવી સારી, રાતની વેદના અપરંપાર,
આંખ રાતના કરી જાગરણ, આશ કિરણને શોધે રે!
પાંપણથી જ્યાં સ્વપ્ન રાત્રિના, ઓગળવા તરફડતા રે ! – કોણ બોલે ને….

સાંજની લાલી મેઘધનુષમાં રંગ સૂરજના ગણતી રે!
સાત રંગ જોઇ હૈયું જાણે, કામળી રાતની ઓઢે રે !
જોતી રહી એ આભની આભા, રંગ મળ્યા ના માણ્યા રે !
આનંદો મન વનફૂલે જ્યાં ઉપવન કોઇ ન થાતા રે ! – કોણ બોલે ને….

શ્યામલ નભના તારા વીણજે, અઢળક વેર્યા સૌને કાજ,
ચાંદ સૂરજની વાટ ન જોજે, ઊગે આથમે વારંવાર.
દુઃખ અમાપ ને સુખ તો ઝીણાં, સત્ય કોઇ ક્યાં સમજે રે!
ચૂંટજે ઝીણા તારલીયા, તારી છાબે ના એ સમાશે રે! – કોણ બોલે ને….

– મનોજ મુનિ

       અહીં કવિને દિવસ નહીં પણ રાત્રિનું આકર્ષણ છે! સૂર્યપ્રકાશ અને મેઘધનુષનો નહીં પણ કાળી રાતનો મહિમા કવિ ગાય છે.સૂર્યકિરણથી ઝળહળ થતા ઝાકળબિંદુ તેમને પસંદ નથી. કારણકે, કદાચ કવિને જે ભાવની વાત કરવી છે; તે કોઇ સાંભળવા તૈયાર નથી. તેમનાં સ્વપ્નો માટે તો તેમને રાતનો મહોલ જ બરાબર લાગે છે. જીવનનાં અમાપ દુઃખ જેવા તારલા તેમને વધારે પસંદ છે!

      સંતૂરના કર્ણપ્રિય રણકારની સાથે સોલી કાપડિયાના મધુર કંઠે ગવાતા આ ગીતનો મહિમા પણ અપરંપાર છે!

      અનેક વખત સાંભળેલ અને માણેલ આ ગીત જ્યારે જ્યારે સાંભળ્યું છે , ત્યારે બે વિચાર આવ્યા છે.

    એમ કેમ  કે, આ અને આવા બીજા સાતેક  વિચારતા કરી દે તેવા, મધુર અને લયબદ્ધ ગીતોના લેખક વિશે કશી જ માહિતી ઉપલબ્ધ નથી? કદાચ દેશથી બહુ દૂર રહેતા આ વિચારનારની એ નિર્બળતા હશે.  પણ પહેલી વાર એ ગીતનો જેમાં સમાવેશ થયેલો છે તે આલ્બમ – ‘ મારા હૃદયની વાત’ હાથમાં આવ્યું ( આશરે ૨૦૦૩ ની સાલ?) ત્યાર બાદ અનેક મિત્રોને આ પ્રશ્ન પૂછ્યો છે – એ મધુર ગીતો ગાનાર શ્રી સોલી કાપડિયા સમેત.

   પણ એક જ જવાબ મળ્યો છે કે, શ્રી મનોજ મુનિ દેશની બહાર ક્યાંક છે. ગુજરાતી સાહિત્યની આ કરૂણતા ગણીશું કે દરિદ્રતા? કે પછી કોઈ સજ્જન કે સન્નારી આ અજ્ઞાનની વ્યથા દૂર કરી આપશે?

   અને બીજો વિચાર પણ આ જ વેદનાનો પડઘો પાડે છે – ગીતના મત્લાની જેમ. જ્યારે સુગંધ ઊંચકીને ઊભેલા ગુલાબને કોઈ ન ચૂંટે અને દેવના શિરે ન ચઢાવે ત્યારે આવું જ ગીત શ્રી. મનોજ મુનિ અથવા શ્રી. ભાગ્યેજ જહા ગાય ને?

ઊંચકી સુગંધ એક ઊભું ગુલાબ, એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ, ઊંઘ છતાં જાગવાનું શું?

      આવા દર્દમાંથી જ આ ગીત જેવો વૈરાગ જાગતો હશે? સામાજિક અવજ્ઞાએ આવાં કેટલાં રત્નોને રઝળતાં કરી દીધાં હશે? ‘જીવનમાં દુઃખો અમાપ હોય છે અને સુખની વેળા આંગળેવીને વેઢે ગણાય એટલી જ હોય છે.’ – એ સત્ય લાખો માનવોએ આત્મસાત કરેલું હોય જ છે. પણ જ્યારે એ દુઃખનો મહિમા ગાનાર આવા જણ મળી આવે ત્યારે, એવા અદના, અનામી જણના જીવન જીવવાના ખમીરને પ્રણામ કરવા મન થઈ આવે છે.

   ઈ-માધ્યમના આગમન બાદ તો ભીડ વચ્ચેની એકલતા વધારે તીવ્ર બની ગઈ છે. કનેક્ટ થવાની લ્હાયમાં  ‘માણસ’ ડિસ-કનેક્ટ થઈ ગયો છે. ( અંગ્રેજી શબ્દ વાપરવા બદલ વાચક ક્ષમા કરે, પણ એ જ આ દુઃખદ ભાવને પૂરી વાચા આપે છે. ) કોઈ કોઈને સાંભળવા તૈયાર જ નથી. સૌને પોતાનાં જ ગીત ગાવાં છે;  અથવા

મળેલ ઉછીનો માલ ફોર્વર્ડ કર્યા કરવો છે.

ઘોંઘાટ એટલો બધો છે ,કે હવે બ્રહ્માંડના કોક દૂરના ખૂણે કદાચ શાંતિ મળે!

     અથવા એમ ન  બને કે, અંતરના ઊંડાણમાં જ ક્યાંક એ ઝીણો તારલિયો મળી જાય?

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: